હસાયરામ:બુધિયાની R.T. I.

સાંઇરામ દવેએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે કોઈની મીંદડી આડી ઊતરે એટલે ઘણાં લોકો તેને અપશુકન માને છે. પરંતુ આપણાં સમાજમાં એવા પણ લોકો છે જેને જોઇને મીંદડી પણ રસ્તો બદલાવી નાખે છે. એવી જ એક અઘરી આઈટમ એટલે બુધાલાલ ઉર્ફે બુધિયો. બુધિયાની બાને ચમન બનેગા કરોડપતિ બહું ગમતું. બુધિયાના જનમ પહેલાં પણ તેના બાએ એક એકે એપિસોડ રીપિટ ટેલિકાસ્ટમાં જોયા હતા. તેથી બુધિયો નાનપણથી આખા ગામને સવાલો કરી કરીને મુંઝવે. બુધિયામાં જુવાની બેઠી એ સાથે ગામની માઠી બેઠી. બુધિયાએ સમજણના નામે પળોજણને પ્રેમ કર્યો. હોટલમાં જમતી વખતે ટિસ્યુ ના મળે તો પણ તેને બિલ દેતી વખતે ઇસ્યુ કેમ બનાવવો એ કળા તો કોઈ બુધીયે સે શીખે. એકવડિયો બાંધો, હોઠ માથે થોરની વાડ કરી હોય એવી બરછટ મૂછો, તમે ના બોલ્યા હોય તો’ય સાંભળી લ્યે એવા બુચા કાન, સફેદ પેન્ટ શર્ટ પર સદૈવ સિવાઈ ગયેલી કાળી કોટી અને તેના ખિસ્સામાં રહેલી લાલ-લીલી ને બ્લ્યૂ બોલપેન પોખરણમાં અણુધડાકાના અરમાન ધરાવતી હતી. તમે બુધિયાને મંદિરે લઈ જાવ તો એ પૂજારીની ઘટાટોપ ફાંદ ભાળી છપ્પનભોગ પર R.T. I. કરે. મહાણે લઇ જાવ તો વધારે પડતાં લાકડાં બળતા ભાળી સ્મશાનના મેનેજમેન્ટ પર R. T. I. કરે. ટૂંકમાં બુધિયો એટલે R.T.I.પ્રેમી, R.T.I.ભક્ત અને નખશીખ R.T.I.નો બંધાણી. કાયદાના ગેરઉપયોગથી ગામને ધંધે કેમ લગાડવું એ જ બુધિયાનો મુખ્ય ધંધો. બુધિયાની R.T.I ની ખોતરપટ્ટી એટલી ખતરનાક કે ગામડાંમાં એકે’ય તલાટી ન ટકે. સરપંચ બુધિયાને લીધે ગામને બદલે વાડીમાં જ રહે. T.D.O. બુધિયાના ગામમાં ભૂલથી પણ ન ફરકે. માસ્તરો બુધિયાને નિશાળ તરફ આવતો ભાળી બારીયુંમાંથી ગળકીને ભાગે. દી’ ઊગે ને આથમે પણ બુધિયાની R.T.I.ને કોઈ ન પૂગે. તાલુકા અને જિલ્લા કક્ષાએ સરકારી કચેરીમાં બુધિયાની એન્ટ્રીથી 7.4 રિક્ટર સ્કેલના ભૂકંપ આવે. વર્ષો પહેલાં બુધિયાને સરકારી નોકરી ન મળી એમાં આખું’ય વહીવટી તંત્ર બુધિયાને મન દુશ્મન થઈ બેઠું. બુધિયાની ઘરવાળી લગનને સોળમે દી’ પિયર ગઈ તે પાછી જ ના ફરી. લગનના ત્રીજા દિવસે દંપતી હનિમૂન માટે મનાલી ગયું હતું. પરત ફરતા બુધિયાએ તેની પત્ની પાસે શોપિંગ ખર્ચનો વિધિવત્ હિસાબ માગ્યો. જેમાં ત્રણેક હજારનો હિસાબ પત્ની આપી ન શકી અને બસ! બુધિયાએ મનાલીથી ઠેઠ રાજકોટ સુધી વહુને મેણાં માર્યાં એમાં પેલી બુધિયાના ઘરે જવાના બદલે પોતાના બાપના ઘેર કાયમી માટે ચાલી ગઈ. આ રીતે R. T. I. ચળવળમાં ઘી (અથવા કેરોસીન) હોમાયું; અને આખું ગામ દાઝ્યું. બુધિયાની પત્નીએ બસ સ્ટેન્ડમાં છેલ્લી વાર પાણીપૂરી ખાઈને પછી રિહામણે જવાની વાત કરી હતી. બસ તે દિવસથી બુધિયાને પાણીપૂરી ઝેર થઇ ગઈ. તેણે જિલ્લા કલેક્ટરમાં પહેલી અરજી કરી કે સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતું માંડે છે પરંતુ પાણીપૂરી બૈરાઓને નબળાં બનાવે છે. જીલ્લામાં કેટલા પાણીપૂરીવાળા છે? તેમાં કેટલાં પરપ્રાંતીય છે? તથા જિલ્લાની કેટલી બાયુ રિસામણે છે તેનો લેખિત જવાબ કરવા વિનંતી અને તાત્કાલિક અસરથી પાણીપૂરી પર પ્રતિબંધ લગાવવા વિનંતી છે. પત્નીમુક્ત બુધિયો ગામમાં હવે કોઈનાથી ડરે તેમ નથી. મતદારયાદીમાં બુધિયાના નામમાં જ લોચો થયો. બુધિયાનો ફોટો યથાવત્ રહ્યો. પરંતુ નામની જગ્યાએ ‘બેની બેન’ છપાયું. બસ મામલતદારની નીંદર હરામ કરવા માટે આટલું કાફી હતું. પત્ની જ્યારથી રિસામણે ગઈ છે ત્યારથી બુધાલાલને સ્ત્રી માત્ર ઝેર થઇ ગઈ. ચૂંટણીનો સર્વે કરનાર શિક્ષકથી માંડી ચૂંટણી અધિકારી સુધીના તમામનો બુધિયાએ ઊધડો લીધો. ટૂંકમાં, આખું ગામ બુધિયાપીડિત હતું. ગામને સહન કરવા સિવાય છૂટકો જ ન હોતો. બુધિયાના ત્રાસને લીધે આશરે બાવીસ જેટલા પરિવારો ગામ છોડીને ચાલ્યા ગયા હતા. બુધિયાના જન્મદિવસે કાળીચૌદસ જેવું વાતાવણ આખા ગામમાં થઇ જતુ. અંતે ગામના પ્રત્યેક વ્યક્તિને નડીનડીને બુધિયો કંટાળ્યો. ગામની માનતાઓ ફળી. જીવનથી થાકેલા બુધિયાએ ગામના સરપંચ સમેત અગ્રણી પચ્ચીસ જણાની અંતિમ બેઠક બોલાવી. ત્રણેક મહિનાથી મરણ પથારીએ પડેલ બુધિયાએ સરપંચને વિનંતી કરી કે હું આજીવન આખા ગામને નડ્યો છું, તમારા સૌની માફીને હરગિજ લાયક નથી. મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરો. સરપંચે કુતૂહલવશ પૂછ્યુ કે ‘બુધિયા તારી અંતિમ ઈચ્છા છે શું?’ ‘આ મારા દાદાની નિશાની જેવું દેશી દાંતરડું મારા વાંહામા મારી મને મૃત્યુને દ્વાર પહોંચાડો. મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરો’. આટલું બોલતાં બોલતાં તો બુધિયો ચોધાર આંસુડે રડી પડ્યો. ઉપસ્થિત આગેવાનો ગડદેગડદે બુધિયાને ગુજરાવી ધ્યે એટલા તેનાથી કંટાળેલા હોવા છતાં સૌએ સંયમ રાખ્યો. મરણ પથારીએ પડેલા માણસની અંતિમ ઈચ્છાઓ પૂરી કરવી જ જોઇએ. બુધિયાએ રડતાં રડતાં હાથ જોડ્યા અને પચ્ચીસેપચ્ચીસ આગેવાન દાંતરડું લઇ બુધિયા પર તૂટી પડ્યા. ટાઢે પાણીએ ખહ કાઢ્યાનો સૌને હૈયે હરખ હતો. બુધિયાની અંતિમ ઈચ્છા મુજબ તેની પીઠ પર તમામ લોકોએ આશરે પચ્ચીસેક જેટલા ઘા માર્યા. બુધિયો રામશરણ પામ્યો. આખા ગામે હાશકારો લીધો. બીજે દિવસે આખુ ગામ રાજીખુશીથી બુધિયાની સ્મશાનયાત્રામાં જોડાયા. જાણે મોટું ગ્રહણ પૂરું થતું હોય, ત્સુનામીમાંથી જીવતા નીકળ્યા કે ધરતીકંપ શમ્યો હોય એવી નિરાંત સાથે હજુ તો બુધિયાની સ્મશાનયાત્રા સ્મશાનની વાટ પકડે ત્યાં જિલ્લાના પોલીસ અધિકારીની ગાડીએ લાશને રોકી. પી. એસ. આઈ.સાહેબે લાશ ફરતે જપ્તો ગોઠવી. ખિસ્સામાંથી એક કાગળ ગ્રામજનો સમક્ષ વાંચી સંભળાવ્યો જેમાં બુધિયાએ મૃત્યુના એક અઠવાડિયા પહેલાં જિલ્લા પોલીસવડાને એક પત્ર પાઠવી લખ્યું હતું કે આ ગ્રામના લોકો મારી દાંતરડા દ્વારા હત્યા કરે તો નીચેના પચ્ચીસ જણા પર 302નો ગુનો દાખલ કરજો’. પી. એસ. આઈ.સાહેબે ફક્ત કફન ખોલાવ્યું. આખા શરીર પર દાંતરડાનાં નિશાન ગણ્યાં અને સરપંચ સહિત પચ્ચીસ લોકોની ઘરપકડ કરી. ગ્રામજનોએ ત્યારબાદ લાશને પણ અડવાની ના પાડતા, પંચનામું કરી પોલીસવાળાએ બુધિયાને અગ્નિદાહ આપ્યો. મરતાં મરતાં પણ બુધિયો પચ્ચીસને મારતો ગયો. અતુલના એક ભાઈબંધના સાળાનો સાઢુ આ પચ્ચીસ ભેગો જામીનની રાહે છે એટલે આ કથા મને જાણવા મળી છે. બુધિયાઓથી સંભાળજો. દાંતરડું ઉપાડતા પહેલાં ચેતજો. ⬛ }}} હાયરામ મા દીકરા માથે હાથ ફેરવે તો વાળ ઊગે અને પત્ની માથે હાથ ફેરવે તો? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...