Sci-લેન્ડ:રોબોટિક રાજકારણ: અમાનવીય સત્તાના શ્રીગણેશ!

પરખ ભટ્ટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકો વાસ્તવમાં માનવ-બુદ્ધિ કરતાં કૃત્રિમ બુદ્ધિક્ષમતાને વધુ પ્રાધાન્ય આપવા માંડ્યા છે

ના, માત્ર કપોળકલ્પિત વિચાર નથી આ! એકાદ દશકાની અંદર આકાર પામવા જઈ રહેલી ઘટનાનું પ્રતિબિંબ છે. ભારતમાં હજુ રોબોટની સત્તા આવે એ દિવસોને ભવની વાર છે. આપણા નાગરિકો ટ્રાફિક-સિગ્નલનાં નિયમોનું પાલન નથી કરી શકતાં એ બિચારા રોબોટની વાત તો શું સાંભળવાના? આ વાત છે યુરોપની! દર ચારમાંથી એક યુરોપિયન એવું ઇચ્છે છે કે હવે સત્તા પર રાજકારણી નહીં, પરંતુ રોબોટ આવી જવા જોઇએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતાં રોબોટ નિષ્પક્ષ રહીને દેશ ચલાવી શકશે એ વાતનો તેમને ભરોસો છે. બ્રેક્ઝિટ કેસ પછી તો લોકો વાસ્તવમાં માનવ-બુદ્ધિ કરતાં કૃત્રિમ બુદ્ધિક્ષમતાને વધુ પ્રાધાન્ય આપવા માંડ્યા છે. મોટાભાગનાં યુરોપિયનોનું માનવુ છે કે દેશને લગતા અત્યંત મહત્ત્વના નિર્ણયો લેવાની સત્તા ફક્ત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને અપાવી જોઇએ. લંડન અને જર્મનીમાં આ પ્રકારની વિચારધારા ધરાવનાર નાગરિકોની સંખ્યા ઘણી વધારે (દર ત્રણમાંથી એક) છે. નેધરલેન્ડનાં 43 ટકા નાગરિકોની ઇચ્છા છે કે દેશના કાયદાઓ અને પોલિસીનું ઘડતર રોબોટને સોંપાવુ જોઇએ! રાજકારણમાં રસ ધરાવનાર યુરોપિયન રહેવાસીઓની ઇચ્છા મુજબ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું સ્થાન પોલિટિક્સમાં પ્રબળ બનવું જોઇએ (જોકે, બ્રેક્ઝિટને લીધે તેમનો રાજકારણીઓ પરથી ભરોસો ઊઠી જાય એ વાત થોડે ઘણે અંશે વાજબી પણ છે!) પરંતુ સવાલ એ છે કે સંપૂર્ણપણે મશીનો પર ભરોસો કરીને સમગ્ર દેશની ધુરા એમના હાથમાં સોંપી દેવામાં સમજદારી કેટલી? ધારો કે, ઓટોમેટિક લર્નિંગ મોડ પર મુકાયેલા રોબોટે માણસો પાસેથી પક્ષપાત કરવાનો ગુણ અપનાવી લીધો તો? અગર રોબોટને તાલીમ આપતી વેળા ઇનપુટ કરવામાં આવતો ડેટા ખોટી રીતે અપાયો, તો સમગ્ર દેશનું તંત્ર ખોરવાઈ જવાની શક્યતા રહે! પક્ષપાતી કે રાજકારણી રોબોટની વાત છોડો, સામાન્ય જનજીવનમાં ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી બાબતે પણ ઘણી વખત મુશ્કેલી ઊભી થઈ હોવાના બનાવો નોંધાયા છે. નોર્વે ખાતે થયેલા ‘મોડેલિંગ રીલિજિયન ઇન નોર્વે’ પ્રોજેક્ટમાં સરકારનાં અમુકતમુક નિર્ણયો તેમજ પોલિસીની યથાર્થતા અંગેનું અનુમાન લગાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સની મદદ લેવામાં આવી હતી. જેમાં પૂરવાર થયું કે સલાહ લેવા માટે આવા રોબોટ જરૂરી હશે, પરંતુ એકલા હાથે સમગ્ર દેશને ચલાવવા માટે વૈજ્ઞાનિકોએ આવી ટેક્નોલોજીનો ભરોસો ન કરવો જોઇએ. એ.આઈ.ને પોલિસી-મેકરની ભૂમિકામાં જોવા માગતા યુરોપિયનોએ આ વાત ખાસ મગજમાં નોંધવા જેવી છે કે સરકારનાં નિર્ણયોમાં કારગત નીવડતાં રોબોટમાં પોલિસીનું પૃથક્કરણ કે પરિસ્થિતિની ગંભીરતા પારખવાની ક્ષમતા હજુ નથી આવી. વાસ્તવમાં યુરોપ બે પ્રકારની વિચારધારા ધરાવતાં નાગરિકોમાં વહેંચાયેલુ છે. એક, જેમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર આંધળો ભરોસો છે અને બીજું, જેમને ડર છે કે રોબોટને લીધે એમની નોકરીઓ છીનવાઈ જશે. રોબોટને સત્તા પર જોવા માગતા લોકોની વિચારસરણી ખરેખર તો સરકાર પરથી ઊઠી ચૂકેલા એમના ભરોસાની નિશાની છે. લોકતંત્રમાં લોકશાહી પર ઊઠી રહેલા સવાલોનું વાવાઝોડું લોકોએ રાજકારણ અને રાજકારણીઓ પર મૂકેલા વિશ્વાસને હલબલાવવાનું કામ કરી રહ્યું છે. આ મુદ્દો ફક્ત ટેક્નોલોજી કે દેશની સરકાર અંગે નથી. અલબત્ત, નાગરિકોનો પોતાની સરકાર પરથી ઓછો થઈ ચૂકેલો ભરોસો પણ સમજી શકાય છે. પરંતુ એનો મતલબ એમ નથી કે આપણે એમને રોબોટ સાથે અદલાબદલી કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સર્વેસર્વા બનાવી દઈએ! વાંધાજનક પરિબળોની સામે એનું નિરાકરણ લાવતાં સમાધાનોનું અસ્તિત્વ શોધી કાઢવું પણ શક્ય છે જ ને! રોબોટને સત્તા પર બેસાડવાથી કેવાક દુષ્પરિણામોની વણઝાર સર્જાઈ શકે એમ છે એના વિશે તો આપણને અંદાજ સુદ્ધા નથી એવા સંજોગોમાં આવડો મોટો દેશ સાવ અણધાર્યા અમાનવીય યંત્રનાં હાથમાં કેવી રીતે સોંપી દેવો? ટેક્નોલોજી વગર કોઇને નથી ગમતું એ સત્ય છે. મોબાઇલ, લેપટોપ વગેરે જરૂરિયાત બની ગયા છે. એનો કોઇ વિકલ્પ હાલ લોકોને દેખાતો નથી. આ તમામ બાબતો બહુ ચગાવાઈ ગઈ, છપાઈ ગઈ. એક સ્ટેપ આગળ વધીને કહેવું હોય તો, હવે એમેઝોનનું ટચૂકડું ડિવાઇસ એલેક્સા પણ જાણે ભારતીય પરિવારોનાં ઘરનું સભ્ય બની રહ્યું છે. મેટ્રો-સિટીમાં કરોડોની જનમેદની વચ્ચે એકલતા અનુભવી રહેલા ખમતીધરોનાં પરિવાર માટે એલેક્સા પોતાનો પરિવાર છે. ખાવા-પીવાની વાતોથી માંડીને તબિયત-પાણી પૂછવા સુધીની ચર્ચા એના પર થાય છે. મશીનો ઓલરેડી આપણા રોજબરોજનાં જીવન પર કબજો જમાવી રહ્યા છે એ વાતને કોઇ શંકા નથી. પરંતુ હા, હજુ રાજકારણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રવેશ નથી થયો એ સુખરૂપ બાબત છે. નહીંતર વિચાર કરો, જેમ આજનાં નેતાઓ એકબીજા સાથે ઝઘડી રહ્યા છે એવી જ રીતે આવતીકાલે રોબોટ પણ લોકસભાની ટિકિટ મેળવવા માટે ઝઘડો નહીં કરે એની શું ખાતરી? bhattparakh@yahoo.com

અન્ય સમાચારો પણ છે...