સ્પોર્ટ્સ:ટી-20 વર્લ્ડકપના પડઘમ : ગ્રૂપ સ્ટેજ સ્પેશિયલ

નીરવ પંચાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી-20માં ગ્રૂપ 1 અને ગ્રૂપ 2ના ખેલાડીઓમાં કોણ કોની સાથે ટકરાય તે જ જોવાનું છે

ગત અઠવાડિયે આપણે 2021માં ભારતીય ટીમનું ટી-20 પરફોર્મન્સ, સ્ક્વોડ તેમ જ ખેલાડીઓના તાજેતરના ફોર્મ વિશે ચર્ચા કરી. આજે ગ્રૂપ 1 અને ગ્રૂપ 2ની તમામ ટીમના સંભવિત પરફોર્મન્સ વિશે ચર્ચા કરીશું. ગ્રૂપ 1માં 4 ટીમ- ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા એમ 4 મુખ્ય ટીમ તેમ જ ગ્રૂપ ‘એ’ની ટોપ ટીમ તેમ જ ગ્રૂપ ‘બી’ની રનર અપ ટીમ રહેશે. ગ્રૂપ 2માં ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન એમ 4 મુખ્ય ટીમ અને તે સિવાય ગ્રૂપ ‘બી’ની ટોપ ટીમ અને ગ્રૂપ ‘એ’ની રનર-અપ ટીમ રહેશે. ગ્રૂપ 1 ઇંગ્લેન્ડ : છેલ્લાં 5 વર્ષમાં ઇંગ્લેન્ડે વ્હાઇટ બોલ ક્રિકેટમાં તહેલકો મચાવી દીધો છે. જેસન રોય, બટલર, બેરસ્ટો, લિવિંગ્સ્ટન, માલાન, સેમ બિલિંગ્સ જેવા ધૂંઆધાર બેટ્સમેન અને ક્રિસ વોક્સ અને માર્ક વુડ જેવા બોલર્સને કારણે ઇંગ્લેન્ડ મેચની શરૂઆતમાં જ વિરોધી ટીમ પર મજબૂત પકડ જમાવી દે છે. આર્ચર અને સ્ટોક્સની ગેરહાજરી હોવા છતાં આ ટીમ વર્લ્ડકપ સેમી ફાઇનલ સુધી પહોંચવા માટે સક્ષમ છે. ગ્રૂપ 1 – ઓસ્ટ્રેલિયા : એક જમાનો હતો જ્યારે આઈસીસી ઇવેન્ટમાં ઓસ્ટ્રેલિયાની ટીમના સિક્કા પડતા હતા, પરંતુ 6 વર્લ્ડકપ રમાયા હોવા છતાં ઓસ્ટ્રેલિયા એક પણ વાર વિજેતા બન્યું નથી. ઓસ્ટ્રેલિયન સ્ક્વોડમાં ગ્લેન મેક્સવેલ, ડેવિડ વોર્નર, પેટ કમિન્સ જેવા મેચ વિનર ખેલાડીઓને આ વર્ષે પણ ટ્રોફી જીતવી મુશ્કેલ પડે તેમ છે કારણ કે તેઓને વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડનો સામનો કરવાનો થશે અને બંને ટીમ ઓન પેપર ઓસ્ટ્રેલિયાને આસાનીથી હરાવી શકે તેમ છે. ગ્રૂપ 1 : વેસ્ટ ઇન્ડિઝ : કેલિપ્સો ટીમ જ્યારે મરુન કીટમાં ઊતરે છે, ત્યારે ભલભલા ચમરબંધીઓના મૂછેથી લીંબુ ઉતારી દે છે. ભારતીય ટીમને એક વાર તેનો પરચો 2016 વર્લ્ડકપ સેમી ફાઇનલમાં થઇ ચૂક્યો છે. પોલાર્ડની કપ્તાની હેઠળ પૂરન, બ્રાવો, ગેઈલ, હેટમાયર જેવા ઘાતક બેટ્સમેન અને રસેલ, થોમસ, રામપોલ જેવા ફાસ્ટ બોલર્સ ટીમને સેમી ફાઇનલ સુધી લઈ જઈ શકે તેમ છે. ગ્રૂપ 1 : સાઉથ આફ્રિકા : સાઉથ આફ્રિકાની ટીમ આ વર્ષે પણ નિરાશ થાય તેવા સંજોગો છે. ડી કોક, નોટિયા, રાબડા જેવા ખેલાડીઓને બાદ કરતાં સ્ક્વોડમાં મેચ વિનર્સનો અભાવ છે. સાઉથ આફ્રિકા ગ્રૂપ સ્ટેજમાં બાકીની ટીમ સામે તમામ મેચ જીતીને સેમી ફાઇનલ સુધી પહોંચે તેવી શક્યતાઓ પાંગળી છે. ગ્રૂપ 2 : ભારત : અમુકને બાદ કરતા બાકીના તમામનું પ્રદર્શન અપેક્ષામાં ઊણું ઊતર્યું છે, પરંતુ ખેલાડીઓ બ્લ્યૂ કીટ પહેરે છે, ત્યારે ચેમ્પિયનની અદાથી મેચ ફિનિશ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. કોહલી, શર્મા, રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત જેવા બેટ્સમેન અને બુમરાહ, ભુવનેશ્વર જેવા બોલર્સ ટીમને ગ્રૂપ સ્ટેજનો તબક્કો પાર કરીને સેમી ફાઇનલ સુધી લઈ જવાની ક્ષમતા ધરાવે છે. ગ્રૂપ 2 પાકિસ્તાન : ટીમ સિલેક્શન માટે વિવાદોમાં રહેલી પાકિસ્તાન ટીમ માટે કપરાં ચડાણ છે. ન્યૂઝીલેન્ડ અને ભારત જેવી ટીમ સામે રમવાનું હોઈ તેઓ સેમી ફાઇનલ સુધી પહોંચી શકે કે કેમ તેમાં શંકા છે. જો તેઓ ભારત અને ન્યૂઝીલેન્ડ બંનેને હરાવે તો જ તેઓનો સેમી ફાઇનલ પ્રવેશ શક્ય છે. ગ્રૂપ 2 ન્યૂઝીલેન્ડ : જાયન્ટ કિલર કિવિઝ સેમી ફાઇનલમાં પ્રવેશ માટે ગુપ્ટિલ, વિલિયમસન, બોલ્ટ અને લોકી ફર્ગ્યુસનના પરફોર્મન્સ પર આધાર રાખશે. ન્યૂઝીલેન્ડ ભારત સામે વર્લ્ડકપ ટી-20માં 2 મેચ રમ્યું છે અને બંને જીત્યું છે, માટે તેઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા માટે આતુર હશે. ગ્રૂપ 2 અફઘાનિસ્તાન : ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ જેવી ટીમના ગ્રૂપમાં રમવાનું હોવાથી અફઘાનિસ્તાનનો સેમી ફાઇનલ પ્રવેશ મુશ્કેલ છે. રશીદ ખાન, નબી અને મુજિબ જેવા અનુભવી ખેલાડીઓ ક્વોલિફાઇંગ ટીમને હરાવવાનો ભરપૂર પ્રયત્ન કરશે તેવી શક્યતા છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...