રણમાં ખીલ્યું ગુલાબ:સમ્માન ઉન્હી રિશ્તોં મેં મિલતે હૈં જહાં સમઝ હો, સમઝૌતા નહીં

3 મહિનો પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક
  • જુવાન જાનૈયાઓમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. એક અડબંગ મિત્રે ગોર મહારાજના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી

મિથિલાએ શરૂઆત આવી રીતે કરી, ‘અંશુલ, હું એકવીસમી સદીની યુવતી છું. મને સોળમી સદીની પત્ની ન સમજતો. હું સ્વમાની છું, માનુની છું, માન માગીશ અને તારે મારું સ્વમાન જાળવવું પડશે. બદલામાં હું તારું ઘર, તારો પરિવાર અને તારા બધા જ સંબંધોને સાચવી લઇશ. જો આટલું મંજૂર હોય તો જ આગળ વિચાર કરીએ.’

અંશુલ આ સાંભળીને હસી પડ્યો હતો, ‘બાપ રે! આવી માથાભારે છોકરીને હું પહેલી વાર મળી રહ્યો છું. મને એ જ સમજાતું નથી કે હું ભાવિ પત્ની સાથે વાત કરી રહ્યો છું કે સ્ત્રી-પોલીસની સાથે?’

બસ, આ એક મુદ્દાને બાદ કરતાં મિથિલામાં કશું જ ઘટતું ન હતું. સૌંદર્યથી એ રમણી હતી, ચહેરાથી એ નમણી હતી અને મીઠી વાણીમાં એ બીજાં કરતાં બમણી હતી. અંશુલે વિચાર્યું કે આ‌વી સર્વાંશે સંપૂર્ણ પત્ની મળતી હોય તો એનું સ્વમાન જાળવવા જેવા એક મુદ્દાને ચલાવી લેવામાં કોઇ વાંધો ન હોવો જોઇએ.

‘તારી શરત મને મંજૂર છે, મિથિલા. પણ એક વાતનું મને આશ્ચર્ય થાય છે. આટલા આધુનિક વિચારો ધરાવતી એકવીસમી સદીની યુવતી આવાં આખું શરીર ઢાંકતાં વસ્ત્રો પહેરવાનું પસંદ કરે એ મને સમજાતું નથી.

‘અેમાં ન સમજાવા જેવું શંુ છે, અંશુલ? તું એ‌વી અપેક્ષા રાખે છે કે મારા ભાવિ જીવનસાથી સાથેની પહેલી મુલાકાત વખતે હું બિકિની ધારણ કરીને આવું? આમ પણ મને અંગ-પ્રદર્શન કરવું જરા પણ ગમતું નથી. હું માનું છું વસ્ત્રો શરીરને ઢાંકવા માટે હોય છે, ઉઘાડા કરવા માટે નહીં. માટે જ મને સ્કર્ટ કે વન-પીસને બદલે સલવાર-કમીઝ, જીન્સ-ટીશર્ટ કે પલાઝો પહેરવાનું વધારે ગમે છે. આધુનિકતા જીવનમાં હોવી જોઇએ, કપડાંમાં નહીં.’

‘સમજી ગયો! સમજી ગયો! મારે તારી સાથે ડિબેટ નથી કરવી, મારે તો લગ્ન કરવાં છે, તારી સાથે.’

લગ્નનું મુહૂર્ત જોવાઇ ગયું. અંશુલના પપ્પા અમુલભાઇ ઝવેરીએ જાડેરી જાન જોડી. આજ-કાલ લગ્નનો પ્રસંગ લક્ષ્મીનું આછકલું પ્રદર્શન કરવાનું નિમિત્ત બની ગયો છે.

અમુલ ઝવેરીએ પોતાની આર્થિક સમૃદ્ધિનું પ્રદર્શન કરવામાં સહેજ પણ કસર છોડી નહીં. એમના બંગલાથી નાચ-ગાન સાથે રવાના થયેલી જાન મેરેજ માટે નિર્ધારેલા પાર્ટી પ્લોટ સુધી નાચતી રહી, ગાજતી રહી, ઝૂમતી રહી.

બપોરના બાર વાગ્યાનું શુભ મુહૂર્ત હતું. મિથિલાના પિતા મનીષભાઇએ વિદ્વાન બ્રાહ્મણને લગ્ન-વિધિ માટે નક્કી કર્યા હતા. કાશીમાં બાર-બાર વર્ષ સુધી શાસ્ત્રો ભણીને આવેલા જન્મેજય શુક્લે ઊંડો વિચાર કરીને હસ્તમેળાપ માટેનો શુભ સમય કાઢી આપ્યો હતો. બધી તૈયારીઓ એ પ્રમાણે થઇ ચૂકી હતી.

જાન સાડા અગિયાર વાગે આવી પહોંચી. કન્યાપક્ષ સામૈયું કરવા તત્પર બનીને ઊભો હતો. જાનમાં જોડાયેલું યૌવનધન તોફાને ચડ્યું હતું. કાન ફાટી જાય એવા ફટાકડાના અવાજો, બેન્ડવાજાનો ઘોંઘાટ અને ડી. જે.માં વાગતા પંજાબી ભાંગડા સોંગ્ઝ. જે યુવાનો રોજિંદા જીવનમાં ત્રણ કટકે ચાલતા હતા એ અત્યારે રિતિક રોશન અને ટાઇગર શ્રોફની ઝેરોક્ષ નકલો બનીને હવામાં ઠેકડા મારી રહ્યા હતા. જે છોકરીઓને એમની મમ્મી પાણીનો ગ્લાસ ભરી લાવવાનું કામ સોંપતી હતી તો પણ કમર દુખવા માંડતી હતી એ બધી અત્યારે જંગલની હરણીઓ બનીને કૂદી રહી હતી.

બાર વાગવા આવ્યા. ગોર મહારાજને હસ્તમેળાપનું મુહૂર્ત ચૂકી જવાની ચિંતા સતાવતી હતી. એમણે કન્યાનાં પિતાના કાનમાં ફૂંક મારી, ‘વેવાઇને ઇશારો કરો કે આ નાચ-ગાન હવે બંધ કરાવે.’

મનીષભાઇએ આમતેમ નજર ફેરવી. વેવાઇ દેખાયા નહીં. એમણે વરની બાજુમાં ઠેકડા મારી રહેલા અણવરનો ઝગમગ થાતો રેશમી કૂર્તો ખેંચીને કહ્યું, ‘હવે બહુ થયું. ડી. જે. બંધ કરાવો. ગોર મહારાજ ઉતાવળ કરાવે છે. મુહૂર્ત…’

અણવર વિફર્યો. એણે વરરાજાના મિત્રોને ઉશ્કેર્યા, ‘આ લોકો આપણું અપમાન કરે છે. આ બધી ધામધૂમ મંત્રો સાંભળવા માટે થોડી કરી છે? ગોર મહારાજને શું ભાન પડે? છેલ્લા એક-દોઢ મહિનાથી આપણે ડાન્સ ક્લાસ જોઇન કરીને…’

જુવાન જાનૈયાઓમાં ઉશ્કેરાટ વ્યાપી ગયો. એક અડબંગ મિત્રને શું સૂઝ્યું તે એણે ગોર મહારાજના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી. મનીષભાઇ એને ઠપકો આપવા ગયા તો બીજા જુવાનો એમની પર તૂટી પડ્યા. કન્યાના પપ્પાને ઠમઠોરી નાખ્યા.

‘હો-હા’ મચી ગઇ. શું કારણ હતું એ કોઇ જાણતું ન હતું પણ જે જોયું તે નજર સામે હતું. કન્યાપક્ષ બાહુબળમાં વધારે સધ્ધર હતો. ગામડેથી જે સગાંઓ લગ્નમાં ભાગ લેવા માટે આવ્યા હતા એ બધા મગજ ચલાવવા કરતાં હાથ-પગ ચલાવવા માટે વધુ ટેવાયેલા હતા. એમને કોઇ જ હથિયારની જરૂર ન હતી; એમના હાથ ગદા જેવા હતા અને પગ થાંભલા જેવા. એમનું નિશાન મુખ્યત્વે જાનપક્ષનું ‘યૌવનધન’ હતું. બધાં બરાબરના ટીપાઇ ગયા.

ડી. જે. વાગતું બંધ થઇ ગયું. નાચનારાઓ જ ક્યાં બચ્યા હતા? એમની હાલત તો અત્યારે ચાલવા જેવી પણ રહી ન હતી. ત્યાં અમુલ ઝવેરી આવી પહોંચ્યા. એ બાપડા ‘હળવા’ થવા ગયા હતા. એટલી વારમાં અહીં બધું ભારે-ભારે થઇ ગયું. વાત સાંભળીને એમને પણ ક્રોધ ચડ્યો. જાન પાછી વા‌ળવાનો વિચાર પણ આવી ગયો. પરંતુ બંને પક્ષના શાણા વડીલોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું.

અમુલ ઝવેરી માની ગયા. સામૈયું થયું. ગોર મહારાજે વિધિ શરૂ કરી દીધી. કન્યાની માંડવામાં પધરામણી થઇ એ સાથે જ વાતાવરણ પલટાઇ ગયું. મિથિલા પાનેતરમાં ભુવનમોહિની લાગતી હતી. વરરાજાના ભાઇબંધો પણ કન્યાના રૂપના જાદુની અસરમાં બધી પીડા ભૂલી ગયા. જે જુવાનિયાઓ અત્યાર સુધી ‘આહ’ બોલીને કણસતા હતા એ હવે ‘વાહ’ કહીને ખીલી ઊઠ્યા.

એ પછીનો ઘટનાક્રમ સહજ અને સરળ બની રહ્યો. અંશુલ અને મિથિલા પરણી ઊતર્યાં. નમતી બપોરે કન્યાને લઇને જાન પાછી વળી. અમુલ ઝવેરીએ બધાંને રાતનું ભોજન કરાવીને વિદાય કર્યા.

હવે સુહાગરાત આવી પહોંચી. અંશુલનો શયનખંડ પ્રોફેશનલ માણસો દ્વારા શણગારવામાં આવ્યો હતો. પાનેતરની અંદર એક કુંવારું યૌૈવન જીવનના પ્રથમ રોમાંચને માણવા માટે થનગનતું હતું, શરમાતું હતું, અકળ આવેગથી કંપતું હતું અને અજાણ્યા ભયથી ડરતું હતું. અંશુલ પણ બેડરૂમમાં પુરાઇ જવા માટે ઉતાવળો બની ગયો હતો.

રાતના બાર વાગ્યા હતા. ત્યાં અમુલભાઇ ઝવેરીએ દીકરાને અને નવવધૂને કહ્યું, ‘થોડી વાર બેસો. મારે વાત કરવી છે. મિથિલા, આજે અમારા મહેમાનો સાથે તમારા સગાંઓ દ્વારા જે મારપીટ કરવામાં આવી એ મને જરા પણ ગમ્યું નથી. તમારા પપ્પાએ એના માટે માફી માગવી પડશે. એ પછી જ મારો દીકરો તમારી સાથે સંસાર…’

મિથિલાએ શાંતિથી દલીલ રજૂ કરી, ‘વાંક મારા પપ્પાનો સહેજ પણ નથી. મારપીટની શરૂઆત અંશુલના મિત્રોએ કરી હતી.’

‘કરી હશે; પણ એ માટેનું કારણ તમારા ગોર મહારાજે પૂરું પાડ્યું હતું. અંશુલના મિત્રો એટલા બધા ઉત્સાહમાં હતા કે…’ અમુલ ઝવેરી બોલતા ગયા, બોલતા જ ગયા. કોઇ કલ્પના ન કરી શકે એટલી વાર સુધી એમણે ચર્ચા ચાલુ રાખી. સવારના પાંચ વગાડી દીધા.

સૂરજ ઊગવાને હજુ એકાદ કલાકની વાર હતી. મિથિલાએ ઊભા થતાં કહી દીધું, ‘અંશુલ, તારા પપ્પાને કહી દેજે કે મિથિલાના પપ્પા ક્યારેય માફી નહીં માગે. લગ્નના સમયે હસ્તમેળાપનું મુહૂર્ત મહત્ત્વનું હોય છે, પંજાબી ગીતો પર ભાંગડા કરવાનું નહીં. જો નાચવાને જ તમે લોકો આધુનિકતા ગણતા હો તો એવી માન્યતા તમને મુબારક! હું એકવીસમી સદીની છોકરી છું. મારા માટે આધુનિકતાનો માપદંડ જુદો છે. છોકરી છું માટે પતિ અને સાસુ-સસરાથી દબાઇને રહેવું એને હું મોડર્નિઝમ નથી માનતી; જે દીકરી પોતાના પપ્પાના સ્વમાનને ખાતર આવા સંપન્ન સાસરિયાંને ઠોકર મારીને નીકળી જાય એ જ ખરી આધુનિકા. હું જાઉં છું. અંધારામાં પણ મને મારો માર્ગ મળી જશે. તું અને તારા મિત્રો, બીજા લગ્નમાં ફરી વાર નાચવા માટેની તાલીમ લેવાનું શરૂ કરી દેજો.’

મિથિલાએ ડિવોર્સના પેપર સાઇન કરીને મોકલી આપ્યા. માત્ર પાંચ જ કલાકમાં નવોઢા પિયરમાં પરત આવી ગઇ. અમુલભાઇએ અનેક વાર મનામણાં માટે સંદેશાઓ મોકલી જોયા પણ મિથિલા ટસની મસ ન જ થઇ. એક સ્વમાની નારી, સો ગુમાની પર ભારી! ⬛

અન્ય સમાચારો પણ છે...