ડૂબકી:આભારની લાગણી પ્રગટ કરવાનો સંકલ્પ

વીનેશ અંતાણી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણે છેલ્લે કોનો આભાર માન્યો? કોઈનો સાચા દિલથી આભાર માનવાથી આપણે એમના સદ્્ગુણોના, ફરજની ભાવનાના હિસ્સેદાર બનીએ

પણામાંથી ઘણાં લોકોએ નૂતન વર્ષે નવા સંકલ્પ કર્યા હશે. એ પ્રકારના સંકલ્પ ઉપયોગી નીવડે છે. નજીકના અને દૂરના ભૂતકાળમાં આપણે કરેલી ભૂલો, અધૂરાં રહી ગયેલાં કે નક્કી કરેલાં ધ્યેય સુધી પહોંચી ન શકેલાં કામો માટે આપણી ઊણપો વિશે નવેસરથી વિચારી એનો અમલ કરી શકાય છે. તૂટેલા સંબંધો ફરી જોડવાનો સંકલ્પ પણ મહત્ત્વનો છે. એવા સંકલ્પોની યાદી લાંબી થાય, પરંતુ એમાં એક બાબત ઉમેરવા જેવી છે. આપણી સાથે એક યા બીજી રીતે જોડાયેલી વ્યક્તિઓ માટે આભારનો ભાવ વ્યક્ત કરવાનો સંકલ્પ. શક્ય હોય તો રૂબરૂ જઈને અથવા અન્ય રીતે આભાર પ્રગટ કરી શકાય. મારા એક મિત્રે એમના આઠ-નવ વર્ષના પૌત્રને કહ્યું : ‘તું બાલમંદિરમાં જતો ત્યારે એક બહેન રોજ તને લેવા-મૂકવા આવતાં. એ બાલમંદિરમાં તારી બધી સંભાળ રાખતાં. તને વાર્તા કહેતાં, સારી બાબતો શીખવતાં. એમણે તારામાં સારા સંસ્કારનાં મૂળ નાખ્યાં છે. હવે એ ઘરડાં થયાં છે. આપણે એમને મળવા જવું જોઈએ અને કહેવું જોઈએ કે એમની વહાલભરી કાળજીને લીધે અને એમણે સમજાવેલી ઘણી બાબતોથી તારામાં સારા સંસ્કારનું સિંચન થયું છે.’ નાનકડો લાગતો આ વિચાર ઉમદા છે. કેટલાં લોકો આવા પાયાના પથ્થરને યાદ કરે છે? આપણે જેની પાસેથી કશુંક વિશિષ્ટ પામ્યાં હોઈએ એમને ભુલાય જ નહીં. આજુબાજુ નજર નાખીશું તો આપણા માટે ચૂપચાપ સેવા બજાવી રહેલાં ઘણાં લોકો જોવા મળશે. એમની હાજરી આપણા દૈનિક જીવનમાં એટલી બધી સ્વાભાવિક રીતે વણાઈ ગઈ હોય છે કે એમના તરફ ધ્યાન જ જતું નથી. તેઓ એમની અંગત તકલીફોની વચ્ચે પણ આપણા માટે કામ કરે છે. વહેલી સવારે ઘરનો અને આપણા રહેણાંકના વિસ્તારનો કચરો ઉપાડવા આવતાં શ્રમિકો માટે આપણા મનમાં ક્યારેય આભારનો ભાવ જાગ્યો છે? આભારની વાત બાજુએ રહી, ક્યારેય એમની પાસે ઊભા રહી સુખ-દુ:ખના સમાચાર જાણવાનો વિચાર આવ્યો છે? કોરોનાના સમયમાં બીજાં રાજ્યોમાંથી આવેલા શ્રમિકોની જે હાલત થઈ, ત્યાર પછી તો આપણી આંખ ઊઘડવી જોઈએ. એ જ લોકોએ આપણા માટે ઘર બાંધવા પરસેવો પાડ્યો છે, ફેક્ટરીઓમાં મજૂરી કરી છે, ટાઢ, તડકો, વરસાદ વેઠીને એમણે કાળી મજૂરી કરી છે. ભલે એ બધું તેઓ આજીવિકા મેળવવા માટે કરતાં હોય, પરંતુ એમના થકી આપણને સુવિધાઓ તો મળી જ છે. આપણે રાતે બેફિકર, નિરાંતે ઊંઘી શકીએ તે માટે ચોકીદારો આખી રાત જાગે છે. એમાંના ઘણા નેપાળ, બિહાર, યુ.પી.થી આવ્યા હોય છે. તેઓ વતનમાં રહેતા પરિવારને વર્ષમાં એક વાર મળવા જવાની પરવાનગી માગે, તો પણ આપણે કચવાઈએ છીએ. કોરોનાના સમયમાં દિવસ-રાત જોયા વિના દર્દીઓની સારવાર કરતાં અસંખ્ય તબીબી કર્મચારીઓ દિવસો સુધી એમને ઘેર જઈ શક્યાં નહોતાં. એમનાં પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાના પ્રયત્ન થયા, પરંતુ એમાં વ્યક્તિગત ઉષ્મા હતી કે માત્ર દેખાડો હતો તે પણ તપાસી જવા જેવું છે. દર્દીઓને બચાવવા એમણે એમની અંગત તકલીફોને પણ બાજુએ રાખી હતી. થોડા સમય પહેલાં એક વીડિયો વાઇરલ થયો હતો. કોવિડની બીજી લહેરમાં એક મહિલા ડોક્ટર ઘણા દિવસથી એમને ઘેર જઈ શક્યાં નહોતાં. પરિવારમાં પતિ, નવ વર્ષની દીકરી અને છ વર્ષનો દીકરો. એક સવારે એ ભરચક કામની વચ્ચે કોફી પીવા સ્ટાફ રૂમમાં આવ્યાં. એમણે ઘેર વીડિયો કોલ કર્યો. સંતાનો નાસ્તો કરવા બેઠાં હતાં. તેઓ પ્રસન્નતાથી હાથ હલાવે છે. દીકરો એની પ્લેટ બતાવે છે. ‘મમ્મા, ઉપમા! પપ્પાએ બનાવ્યો. મેં ટેબલ ગોઠવ્યું.’ દીકરી ટોસ્ટ પર માખણ લગાવે છે. પતિ એપ્રન પહેરી કેમેરા સામે આવ્યો. ‘હાય!’ એણે કહ્યું. મહિલા આખી રાતનો ઉજાગરો છુપાવી સ્મિત કરે છે. ‘તમે બધાં કેમ છો?’ એ પૂછે છે. ત્રણેયનો જવાબ : ‘મજામાં.’ દીકરો મા સામે જોયા કરે છે, જાણે વાટ જોતો હોય કે મમ્મીને કંઈ યાદ આવે છે? પછી ધીમેથી કહે છે : ‘મમ્મા, આજે મારો બર્થ ડે છે.’ મહિલાનો જીવ કપાઈ જાય છે. દીકરાનો જન્મદિવસ પણ યાદ ન આવ્યો? એ આંસુ ખાળવાનો પ્રયત્ન કરતી દીકરાને કહે છે : ‘હેપી બર્થ ડે, બેટા!’ એ જ વખતે એના વોર્ડમાંથી કોલ આવ્યો કે એક દર્દીની તબિયત વધારે બગડી છે. એણે જવું પડશે. દીકરાને કહે છે : ‘બેટા, ઇમર્જન્સી છે, હું તને પછી ફોન કરું?’ દીકરાએ કહ્યું : ‘તું જા, મમ્મા.’ ભૂલી જવાય છે કે એ મહિલા ડૉક્ટર હોવાની સાથે એક સ્ત્રી, એક મા પણ છે. એવા હજારો તબીબી કર્મચારીઓનો અંગત આભાર માનવો તો શક્ય નથી, પરંતુ તક મળે ત્યારે આપણો સાચો ભાવ વ્યક્ત કરીએ તો આપણને પોતાને પણ અંદરથી બળ મળે. અસહ્ય ઠંડી, ગરમી અને વરસાદમાં જીવના જોખમે દેશનું રક્ષણ કરવા માટે ચોવીસે કલાક સરહદ પર તહેનાત રહેતા આપણા જવાનોને આભારની લાગણી સાથે યાદ કરવા જોઈએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર દીવાળી જવાનોની સાથે ઊજવે છે તે પાછળ આભારની જ ભાવના છે. જવાનો દેશની રક્ષા કાજે તહેવારોમાં પણ પરિવારથી દૂર હોય, ત્યારે સમગ્ર દેશ એમની સાથે છે એવો ભાવ એમના સુધી પહોંચાડવાનું કામ સમગ્ર દેશ વતી વડાપ્રધાન કરે છે. એ જ રીતે કોઈ પણ પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવતા પોલીસ કર્મચારીઓ પ્રત્યે આપણામાં આભારનો ભાવ હોવો જોઈએ. ફિલ્મો અને કેટલેક અંશે એમણે જ એમની છાપ બગાડી છે, પરંતુ પૂર્વગ્રહ છોડીને તટસ્થતાથી વિચારીએ તો એમની સેવાનું મૂલ્ય સમજાશે. એમની વર્દીમાં છુપાયેલા પતિ-પિતા-પુત્ર-ભાઈને જોઈ શકીએ, તો એમના માટે કૃતજ્ઞતાનો ભાવ જન્મશે. મહિલા પોલીસ કર્મચારીઓ પણ એવી જ ઉમદા સેવા બજાવે છે. યાદ કરીએ, આપણે છેલ્લે કોનો આભાર માન્યો? કોઈનો સાચા દિલથી આભાર માનવાથી આપણે એમના સદ્્ગુણોના, ફરજની ભાવનાના હિસ્સેદાર બનીએ છીએ. વિયેટનામની એક કહેવત છે: ‘ફળ ખાતાં હો, ત્યારે એને વાવનારને યાદ કરો.’⬛ vinesh_antani@hotmail.comઆ

અન્ય સમાચારો પણ છે...