ક્યાંથી ક્યાં પહોંચી છે આપણા ઇતિહાસની બલિદાની કથાઓ? આપણા વિસ્મૃતિના અભિશાપની વચ્ચે દુનિયાના બીજા દેશોમાં લોકો કોઈ ને કોઈ રીતે જેમને યાદ કરે છે તેમાનું એક નામ છે, રામપ્રસાદ ‘બિસ્મિલ’નું. 19 ડિસેમ્બર, 1927ના ગોરખપુર જેલમાં તેને ફાંસી આપવામાં આવી તેના થોડાક કલાક પહેલાં આત્મકથા લખી રહ્યા હતા. શાહજહાંપુરમાં મુરલીધર તિવારીના ઘરે જેએનએમ. 9 ઓગસ્ટ, 1925માં કાકોરી ટ્રેન ધાડ માટે જાણીતા. હિંદુસ્તાન રિપબ્લિકન એસોશિએસનના અમર ક્રાંતિકારોમાં સૌથી આગળનું આ નામ. પાંચ બહેનો અને ત્રણ ભાઈની વચ્ચે આ એકલવીર ભયંકર ગરીબીને ભોગવીને આગળ વધ્યો. સ્વામી દયાનંદ સરસ્વતીનું ‘સત્યાર્થપ્રકાશ’ વાંચ્યું અને જીવનની દિશા બદલાઈ ગઈ. પોતાની મા વિશે તેણે લખ્યું છે : મોટામાં મોટા સંકટમાં પણ તેં મને બહાવરો બનવા દીધો નહીં. સ્વાધીન ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે કોઈ ઉજ્જવળ પાનાં પર તારું નામ અંકિત હશે. ગુરુ ગોવિંદસિંહની ધર્મપત્નીએ જ્યારે પોતાના પુત્રોના બલિદાનની વાત સાંભળી, ત્યારે તેણેે અનહદ ગૌરવની સાથે મીઠાઇ વહેંચી હતી. મારી જન્મદાત્રી! મને વરદાન આપ કે અંતિમ સમયે હું જરીકેય વિચલિત ના થાઉં. તેમના પર પહેલો મુક્દ્દમો ચાલ્યો ત્યારે ગુપ્ત વેશે રહ્યા. અમેરિકાને સ્વતંત્રતા કઈ રીતે મળી હતી તેનું પુસ્તક લખ્યું. તુરત તે જપ્ત થઈ. પછી કેથેરાઈન પુસ્તક લખ્યું. બોલશેવિકના કરતુત પણ લખ્યું. ક્રાંતિકારી આંદોલન માટે પૈસાની સખત જરૂર હતી. કાકોરી, બમરોલી અને બીચપુરી ત્રણ જગ્યાએ સરકારી ખજાના પર ધાડ પાડી. શાહજહાંપુરમાં રામપ્રસાદ પકડાયા. કાકોરી કેસમાં જો સરકારી સાક્ષી બની જાય તો છોડી મૂકવામાં આવશે એવું કહેવા સરકારી પોલીસ અફસર આવ્યા. બિસ્મિલ તો ના માન્યા, પણ બીજા કેટલાક સરકારી સાક્ષી બની ગયા. જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિનો મંત્રી બનવારીલાલ પણ તેમાં બાકાત નહોતો. બિસ્મિલનો પરમ મિત્ર અશફાકુલ્લા પણ ફાંસી પર ચડી ગયો. રોશન સિંહ, રાજેન્દ્ર લાહીડીને ફાંસી મળી. ઈતિહાસકારો નોંધે છે કે અસહકારનું આંદોલન નિરાશાજનક વિખરાઈ જવાથી સ્વતંત્રતા સંગ્રામ શૂન્યાવકાશ અનુભવતો હતો, ત્યારે કાકોરી ઘટનાએ દેશવ્યાપી સંઘર્ષની ભૂમિકા પેદા કરી. બિસ્મિલ લેખક હતા, ચિંતક હતા, ગાયક પણ. સરફરોશી કી તમન્ના, અબ હમારે દિલ મેં હૈ...’ જેવું આતશ-ગીત ફાંસીખોલી તરફ જતાં, બેડી બાંધ્યા હાથની ઝંઝીર રણકાવતાં ગાયું અને અમર બનાવી દીધું. તેમની અંતિમ પ્રાર્થનાના શબ્દો હતા : ‘હે ઇશ, ભારત વર્ષ મંે શત બાર મેરા જ્ન્મ હો, કારણ સદા હી મૃત્યુ કા દેશોપકારક કર્મ હો...’ તેમની સ્મૃતિ તુર્કીમાં? હા, તુર્કીમાં એક વિસ્તાર છે, ‘દિયારબાકીર’. તેનો અર્થ થાય છે વિપ્લવીઓની ભૂમિ. તુર્કીના દક્ષિણ-પૂર્વમાં આવેલા અનાતોલિયા પ્રદેશમાં એક જિલ્લાનું નામ ‘બિસ્મિલ જિલ્લો’ છે! એક બિસ્મિલ શહેર પણ છે. આ નામ ખ્યાત નેતા અને રાજ્યકર્તા અતાતુર્ક કમાલ પાશાએ આપ્યું હતું, 1936માં. આ મુસ્તફા કમાલ પાશાએ તુર્કીમાં કટ્ટર ઈસ્લામિક તત્વોને પરાસ્ત કરીને લોકતંત્ર સ્થાપ્યું હતું. તેણે સુલતાન અબ્દુલ વહીદ ખાનને તેના જુલ્મના અપરાધ માટે સત્તા પરથી ઊથલાવી દીધો. સુલતાન ભાગી ગયો. તેણે ખલીફા તરીકે સ્થાપીને ખિલાફતની સ્થાપના કરવાનો પ્રયાસ અતાતુર્ક પાશાએ નિષ્ફળ બનાવ્યો, તો દુનિયાભરમાં મુસ્લિમોએ ખિલાફત આંદોલન ચલાવ્યું. ગાંધીજીએ તેને સમર્થન આપ્યું, પણ સાવરકર અને મોહમ્મદ અલી જિન્નાહે ખિલાફતને આફત ગણાવી હતી. પાશાએ ખિલાફતનો અંત લાવીને તુર્કીમાં સંપૂર્ણ લોકતંત્રની સ્થાપના કરી. તેનો પડઘો ભારતીય ક્રાંતિકારોમાં પણ પડ્યો. બિસ્મિલે ‘વિજયી કમાલ પાશા’ લેખ પણ લખ્યો. તુર્કીમાં કમાલ પાશાએ ભારતીય બલિદાનીઓનું ગૌરવ કર્યું તેની રોચક કહાણી છે. 1936માં કોનયાથી આવેલા હિજરતીઓના પુનર્વસન માટે જે જિલ્લો બનાવવામાં આવ્યો, તેનું નામ બિસ્મિલ જિલ્લો રાખવામાં આવ્યું. તેના મુખ્ય શહેરને પણ એ જ નામ અપાયું. પર્વતોની વચ્ચે આ વિસ્તાર છે, તે જિલ્લાનું ક્ષેત્રફળ 1,737, 28 વર્ગ કિલોમીટર છે. વસતિ એક લાખથી વધુ. આ જિલ્લાના બે ભાગ છે, તેપી અને યુકારિસએલેટ. તુર્કી લોકતંત્ર 29 ઓક્ટોબર, 1923માં સ્થાપિત થયું હતું. મુસ્તફા કમાલ પાશા તેના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ હતા. તેની ઈચ્છા તુર્કીને કટ્ટરવાદથી બચાવીને મહાન રાષ્ટ્ર બનાવવાની હતી. તે માટે તેણે આકરા પગલાં લીધાં. 1924માં નવું બંધારણ રચાયું. મુસ્લિમોને કહ્યું કે તમે ઘરમાં મુસ્લિમ છો. બહાર માત્ર તુર્કી નાગરિક છો. સ્ત્રીઓની હિજાબ પ્રથાને આખી દુનિયામાં સર્વપ્રથમ દૂર કરવાનો યશ પાશાને જાય છે. તેણે રાષ્ટ્રની પોતાની તુર્કી ભાષાને રાજભાષા બનાવી. ભારતીય રાજનીતિની એ વિડંબણા રહી કે કટ્ટર ખિલાફત આંદોલનને ટેકો આપવામાં એવું વિચારવામાં આવ્યું કે ભારતીય મુસ્લિમો સ્વતંત્રતા આંદોલનમાં વધુ પ્રમાણમાં જોડાશે, પણ સ્વયં જવાહરલાલે નોંધ્યું છે તેમ તેનાથી વધુ વિપરીત બન્યું. તુર્કીના કવિ નાઝીમ હિકમતે તો પશ્ચિમી તુર્કીના સમુદ્રકિનારે ઇસમરના વિદ્રોહ થયો તેનેે ભારતના અંતિમ નૌસેના વિપ્લવની સાથે સરખાવ્યો છે. 1838માં ભારતની કેન્દ્રીય એસેમ્બલીમાં આપણા ગુજરાતી ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઇએ ક્રાંતિકાર અતાતુર્ક કમાલ પાશાના અવસાન સમયે શોક પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે ભલે કમાલ પાશાના અવસાનને ભારતની સાથે સીધો સંબંધ ના હોય, પણ જે રીતે તેણે ગલત પરંપરાઓ નષ્ટ કરી નાખી, લિપિ બદલાવી, બુરખા પ્રથાને દૂર કરી, મર્દ અને ઔરતને એકસમાન ભૂમિકાએ લાવીને મૂક્યા, તેમને યાદ કરીને અંજલિ આપવી જ જોઈએ. આજે તો અનેક વાર તુર્કીમાં તખતાપલટ પછીની પરિસ્થિતિ છે, પણ ભારતીય શહીદને પરાયા દેશમાં આટલું મોટું સન્માન અપાય તે કેવી, લગભગ ભુલાઈ ગયેલી, ગૌરવપ્રદ ઘટના છે! ⬛vpandya149@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.