તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસાંજો કચ્છ:ગુજરાત આવીને પાછા સિંધ જનારા શરણાર્થી પસ્તાય છે

2 મહિનો પહેલાલેખક: કીર્તિ ખત્રી
 • કૉપી લિંક
 • ભુટ્ટોઅે સિંધુપુત્રોની વતનવાપસી માટે રાણા ચંદ્રસિંહને ગુજરાત મોકલ્યા અને દસ હજાર પાછા ગયા પણ મોટા ભાગના ન ગયા તે અાજે રાહત અનુભવે છે
 • શરણાર્થીઅોઅે સિંધના પોતાના ગામ વેડહારની સ્મૃતિમાં નખત્રાણા તાલુકાની પોતાની વસાહતને પણ વેડહાર નામ અાપ્યું છે. શરૂઅાત ઝૂંપડા-ભૂંગાથી થઇ પણ અાજે સર્વત્ર પાકા મકાન છે. તથા અન્ય તસવીરમાં પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના સ્થાપક સભ્યમાંના અેક રાણા ચંદ્રસિંહ

1971ના યુદ્ધના તેરમા દિવસે અણધાર્યા યુદ્ધવિરામે જો સિંધની અાઝાદીની ઊજળી તક વેડફી નાખી તો ’72ના સિમલા કરારે નગરપારકર સહિતના સિંધના કેટલાક વિસ્તારોના મોટી સંખ્યાના સિંધુપુત્રોની ઊંઘ હરામ કરી મૂકી અેનો ઉલ્લેખ ગયા સપ્તાહે અા કટારમાં કર્યો હતો. પણ, સાચું પૂછો તો જીતેલો પ્રદેશ પાછો સોંપવાના નિર્ણયથી સિંધના હિન્દુઅોને પડનારી મુશ્કેલીથી ભારતીય સેના પણ ચિંતિત હતી. અાખરે સિંધના હિન્દુઅોના સક્રિય સાથ સહકારથી જ ભારતના સૈનિકો 14,400 ચો. કિ. મી. જેટલા વિશાળ વિસ્તાર પર ત્રિરંગો ફરકાવી શક્યા હતા અને હવે અે જ સિંધુપુત્રોને ઉચાળા ભરવાનો સમય અાવ્યો હતો.

પણ સિમલા કરારની ભાવના અને જોગવાઇ અનુસાર ભારત સરકાર વધુ શરણાર્થી હિજરત ન કરે અે જોવા માગતી હતી. તેથી નગરપારકર સ્થિત ગુજરાતના ઉચ્ચ અધિકારીઅોને સંદેશ પાઠવાયા. પણ, ત્યાં સિંધુપુત્રોમાં તો જુવાળ ઊઠ્યો હતો. બધાને અેમ હતું કે હવે જો અમે અહીં રહ્યા તો પાકિસ્તાનીઅો અમને છોડશે નહીં. તેથી ઘરબાર, માલમિલકત, જમીનો બધું કહેતાં બધું છોડીને પહેરેલે લૂગડે માત્ર સોઢા રાજપૂતો જ નહીં, બ્રાહ્મણો, લોહાણા, પછાત વર્ગ સાૈની વણઝારો સરહદ ભણી જવા લાગી હતી. અે સમયને યાદ કરીને લશ્કરના અેક ભૂતપૂર્વ અધિકારી કહે છે તેમ ગોળીબાર વિના અે વણજારો અટકે તેમ નહોતી અને ગોળીબારના હુકમ કોઇ કાળે અપાય તેમ નહોતો. પરિણામે અેક અંદાજ અનુસાર અેક લાખથીયે વધુ સિંધુપુત્રો શરણાર્થી બનીને ગુજરાત, રાજસ્થાન સરહદે પ્રવેશી ગયા અને જુદા જુદા કેમ્પમાં-છાવણીઅોમાં અનેક યાતનાઅો વેઠીને ગોઠવાવા માંડ્યા હતા. અે સમયે નગરપારકરના જુદા જુદા વિસ્તારોનું અાશરે 1200 પરિવારોનું અેક મોટું જૂથ 28મી જુલાઇઅે રણમાં ઊતરી પડેલું અને છેક 4થી અોગસ્ટે બનાસકાંઠા સરહદે પહોંચેલું. વરસાદ પડ્યો હોવાથી રણમાં ઠેર ઠેર કાદવ-કીચડ થઇ ગયા હતા. કુદરતના કોપ સામે અનેક નાનાં બાળકો અને છોકરા મોતને શરણ થયાં હતાં.

કચ્છને સંબંધ છે ત્યાં સુધી અેક જ રાતે 28 જેટલાં ગામના સિંધુપુત્રોઅે હિજરત શરૂ કરી હતી. કચ્છના રાજવી પરિવારના મોભી પ્રાગમલજી રણ વચાળે તેમને મળવા યે ગયા હતા. તેમને પ્રથમ તબક્કે ખાવડા નજીકના દિનારા ગામે કેમ્પ ઊભા કરીને અાશ્રય અપાયો હતો. અે સમયે પત્રકાર તરીકે હું નવો નિશાળિયો હતો. પણ અેક કન્ડકટર મિત્ર સાથે બસમાં બેસીને ત્યાં પહોંચ્યો ત્યારે ડો. વિજયસિંહ રાઠોડ અને અેમના બંધુઅોને મળ્યો હતો તે અાજેય યાદ છે. પછી તો લશ્કર માટે ભોમિયો બનેલા મોહનસિંહ સોઢા, કુંભાજી માસ્તર, ડો. રાજારામ અખાણી અને અન્ય શરણાર્થીઅો સાથેય પરિચય થયો. અેવું નથી કે ગુજરાતમાં અાવેલાં 20 હજાર નિર્વાસિતોનાં ગામ, ગોઠ, વસાહત કે કેમ્પ અાસાનીથી વસી ગયાં હોય. સરકારે ખેતી તેમજ વસાહત માટેની જમીન અાપી પણ મહેસૂલી અાંટીઘૂંટીઅો અને નિયમના બંધનોઅે ભારે પળોજણ કરાવી છે. ભારતનું નાગરિકત્વ પણ છ વર્ષ પછી 1977માં મળ્યું ત્યાર પછીયે જે નવાં ગામ વસ્યાં અેને મહેસૂલી ગામનો દરજ્જો ન મળ્યા સહિતના પ્રશ્નો પહેલાંયે હતા અને અાજેય છે. અામ છતાં સમગ્ર રીતે જોવા જતાં જે હિન્દુ પરિવારો ભારત અાવ્યા તે તેમના સિંધમાંના બંધુઅો કરતા વધુ સુખી છે અેમ તેઅો માને છે.

રવિવારે કુંભાજીને મળવા વેડહાર ગયાે ત્યારે તેમની સાથે સિંધની વર્તમાન પરિસ્થિતિની ચર્ચા થઇ. નાપાક ધાર્મિક ભેદભાવ અને તિરસ્કાર અે હવે કોઇ નવી વાત નથી. પણ, 1973માં શરણાર્થીઅોને પાછા પાકિસ્તાન લઇ જવાના રાજકીય પ્રયાસ થયા હતા અેની તેમણે કરેલી વાત પ્રથમવાર જાણવા મળી. અા અનુસાર ઝૂલ્ફીકારઅલી ભુટ્ટોઅે સોઢા રાજપૂતોના નિર્વિવાદ નેતા-મોભી રાણા ચંદ્રસિંહને ગુજરાત અને રાજસ્થાનના પ્રવાસે ખાસ અા ઉદ્દેશથી મોકલ્યા હતા. રાણા ચંદ્રસિંહ અને ઝૂલ્ફીકારઅલી ભુટ્ટો વચ્ચે લાંબા સમયની દોસ્તી હતી. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સ્થાપક સભ્ય પૈકીના અેક અેવા રાણાસાહેબ ઉમરકોટ (અમરકોટ) રજવાડાના મોભી હતા. સાત વાર સાંસદ તરીકે ચૂંટાયા હતા અને પ્રધાનપદુંયે ભોગવ્યું હતું. જનાબ ભુટ્ટોના ખાસ સંદેશા સાથે તેઅો તેમજ અન્ય બે સાંસદ પીર ગુલામ રસુલ્લસા જીલાણી અને મીર અલીબક્ષનું પ્રતિનિધિમંડળ કચ્છ, બનાસકાંઠા અને રાજસ્થાનના નિર્વાસિત કેમ્પોમાં ગયું હતું. ઝુરા કેમ્પમાં પણ મોટી સભા યોજાઇ હતી. જેમાં ભારત અાવેલા સાૈ નિર્વાસિતોને માનભેર સ્વીકારવા પાકિસ્તાન તૈયાર છે અેવી ખાતરી જાહેરમાં અાપી હતી. પણ ખાનગીમાં ડો. રાજારામ, કુંભાજી કે રાણસિંહ જેવા નેતાઅોને કહી દીધું હતું કે પાકિસ્તાનમાં હિન્દુઅોનું કાલે શું થવાનું છે અેની કોઇને ખબર નથી. સુખેદુ:ખે હવે અહીં જ વસાવજો. તેમની અા વાત જાણે તેમણે જ પુરવાર કરી બતાવી હોય તેમ 1999માં તેમણે અોમ અને ત્રિશૂળના પ્રતીક સાથે પાકિસ્તાન હિન્દુ પાર્ટીની રચના કરી હતી. ખેર, પણ અે સમયે અા સભાઅો પછી 1973માં દશેક હજાર શરણાર્થી કચ્છ તો દુકાળિયો મુલક છે, અહીં અાપણું શું વળશે? અેમ સમજીને પાછા ચાલ્યા ગયા. તેમની વાપસી માટે ગુજરાત-રાજસ્થાન સરહદે કેમ્પ સુધ્ધાં પાકિસ્તાન દ્વારા ખોલવામાં અાવ્યા હતા. પણ પરત જનારા અે સિંધુપુત્રો અાજે પસ્તાય છે. પસ્તાવાનું કારણ જગજાહેર છે અને તે ધાર્મિક કટ્ટરતાવાદે લઘુમતી હિન્દુઅો માટે સર્જેલી અસલામતીનું છે. અેની વાત હવે પછી. kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો