વિચારોના વૃંદાવનમાં:કોઇનો પ્રેમપત્ર છાનામાના વાંચવો એ પણ 21મી સદીમાં અસભ્યતા ગણાય

ગુણવંત શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દરેક નવી પેઢી નવા નોર્મ્સ લેતી આવે છે. માણસની પ્રાઇવસીને હવે મૂળભૂત માનવ-અધિકારનો દરજ્જો પ્રાપ્ત થયો છે. સ્માર્ટ ફોન આ બાબતે એના માલિકનો શત્રુ સાબિત થઇ રહ્યો છે. કોઇ ગુનેગારની વાત જુદી છે, પરંતુ બાકી નાગરિકની પ્રાઇવસી પર મોટી તરાપ તો પડે જ છે. આ તરાપ આખરે તો માનવીના અધિકારને જોખમમાં મૂકનારી ખલનાયિકા જ ગણાય. જ્હોન ડ્યૂयયીએ એક મહત્ત્વનું વિધાન કર્યું હતું : દરેક પેઢી પેદા થાય તેની સાથોસાથ લોકતંત્ર નવો જન્મ ધારણ કરતું હોય છે અને એમ બને તે માટેની દાયણને શિક્ષણ કહેવામાં આવે છે. લોકતંત્રની માવજત શિક્ષણ દ્વારા થતી રહે છે. સુશિક્ષણના છોડ પર જ લોકતંત્રનું પુષ્પ પ્રફુલ્લન અને પોષણ પામતું હોય છે. સંસદમાં સભ્યોના સૂત્રોચ્ચાર અને બરાડા એટલું જ પૂરવાર કરે છે કે લોકતંત્ર જેવી પવિત્ર બાબત હજી કબજિયાતથી મુક્ત નથી. આવે વખતે કેવળ શિક્ષણ જ લોકતંત્રને રોગમુક્ત કરી શકે. વિનોબા જેવા ઋષિએ બોધગયા સર્વોદય સંમેલનમાં એક વિધાન કર્યું હતું : ‘મૂર્ખ લોકોની બહુમતી હોય તેવા સમાજમાં લોકતંત્ર મૂર્ખરાજ્યની છૂટ પણ આપી શકે છે.’ આવી છૂટ ન મળે તે માટે શિક્ષણની ગુણવત્તા જળવાય તે જરૂરી છે. શિક્ષણનું કર્તવ્ય શું? શિક્ષણ દ્વારા એવા મનુષ્યો પેદા થવા જોઇએ, જેઓ નવી સભ્યતાનું સ્વાગત કરે અને સંવર્ધન કરે. આપણા દેશના મહાન ઋષિઓ તરફથી આપણને પ્રશ્નોપનિષદ અને કેનોપનિષદ જેવાં બે ઉપનિષદો મળ્યાં, જેમાં પ્રશ્નો પૂછવાની સ્વતંત્રતાનો મહિમા થયો. પ્રોફેસર તરીકે મારા વર્ગમાં એક અંગ્રેજી વાક્ય વારંવાર કહેતો : ‘I don’t want you to answer my questions, I want you to question my answers also.’ શિક્ષક વર્ગની આબોહવા બદલી નાખે તે માટે શિક્ષકે પોતાનામાં રહેલા વિદ્યાર્થીને સતત જીવતો રાખવો પડે છે. સોક્રેટિસ આવો મહાન શિક્ષક હતો. એ પોતે સત્યશોધક તરીકે જીવ્યો અને હેમલૉક નામનું ઝેર ગટગટાવી ગયો ત્યાં સુધી સત્યશોધક તરીકે જ મર્યો. એ જો ધારે, તો મિત્રોએ નૌકાઓ તૈયાર રાખી હતી જેથી એથેન્સ છોડી જઇને મૃત્યુ ટાળી શકાય. સોક્રેટિસને મૃત્યુ મંજૂર હતું, પણ બચી જવાનું મંજૂર ન હતું. એવા બચી ગયેલા અને ભાગી છૂટેલા સોક્રેટિસને દુનિયા યાદ કરત ખરી? સવારે આદરણીય મોરારિબાપુએ ફોન પર એક એવી વાત કરી કે સવાર સુધરી ગઇ. ચૌદ વર્ષના વનવાસ પછી શ્રીરામ અયોધ્યા આવ્યા. એમણે ત્યારે અયોધ્યાના લોકો સમક્ષ જાહેરમાં હૃદય ખોલીને વાત કરી ત્યારે કહ્યું : ‘હું અત્યારે જે વાતો કરવા માગું છું તેમાં કશુંક અનુચિત કહેવાઇ જાય તો મને નિર્ભયપણે તે જ વખતે રોકજો અને ટોકજો.’ આદરણીય બાપુએ ફોન પર રામચરિતમાનસની ચોપાઇ પણ સંભળાવી, જેમાં રામરાજ્યમાં જળવાયેલો લોકતાંત્રિક મિજાજ પણ શ્રીરામ તરફથી પ્રગટ થયો. અમારી વાત પૂરી થઇ પછી બાપુને આ પ્રસંગ યાદ આવ્યો તેથી તરત જ બીજી વાર ફોન જોડીને આ પ્રસંગ મને સંભળાવ્યો ત્યારે મારી આંખ ભીની થઇ. (તા. 6, ડિસેમ્બર). વાત સમજવા જેવી છે. લોકતંત્ર એક મિજાજનું નામ છે. ક્યાંક પત્નીને પોતાનું બધું જ માનનારો કહ્યાગરો લલ્લુ પતિ તરીકે વહાલો લાગે છે. એ પતિ જીવી તો જાય છે, પરંતુ પત્નીની જિદ્દ પરિવારના ઉમળકાને નષ્ટ કરી નાખનારી સાબિત થાય છે. કેટલાક તમોગુણી પતિદેવો (કે પતિદાનવો?)ને પણ કહ્યાગરી પત્ની ગમતી હોય છે. ફળિયે ફળિયે કે ‘નગરી નગરી દ્વારે દ્વારે’ આવાં કજોડાં જોવા મળે ત્યારે મન ગ્લાનિથી ભરાઇ જાય છે, ઊભરાઇ જાય છે. સૂનકારની છાતી ચીરીને પ્રગટ થતા શબ્દનો લાવારસ કલમને પજવતો જ રહે છે! લેખકને થતી આવી પજવણી દિવ્ય હોવાની! સારું શિક્ષણ એ જ એકવીસમી સદીનો ધર્મ છે. એક શિક્ષક તરીકે આવા ધર્મોદયની પ્રતીક્ષા કરવાનું ગમે છે. બહુમતી કે લઘુમતીનો આ પ્રશ્ન નથી. આ તો સુમતિનો પ્રશ્ન છે. શિક્ષણ સુમતિ કેળવે છે. ઉત્તમ શિક્ષકો વિના ઉત્તમ સમાજ રચાય એ અશક્ય છે. પુત્રને ગમી ગયેલી કન્યા અમુક જ્ઞાતિની છે તેથી બંનેના પ્રેમસંબંધમાં વિઘ્ન ઊભાં કરનારાં માતાપિતા અવશ્ય ‘અસભ્ય’ ગણાય. વહુના ફોન પિયેરથી આવે ત્યારે પોતાના કાન સરવા કરીને આસપાસ છાનીમાની ઊભી રહેનારી સાસુ અસભ્ય ગણાય. પિયેર જતી વખતે પુત્રવધૂએ પેટીમાં શું શું મૂક્યું એની માહિતી બેડરૂમમાં જઇને છાનામાના જાણી લેવાની ગંદી ઉત્સુકતા ધરાવનારી સાસુ ઘરડાંઘરમાં જવાની ઉતાવળમાં હોવાની. પુત્ર અને પુત્રવધૂ મોટરબાઇક પર ફિલ્મ જોવા જાય પછી તે બંનેને મોડું કેમ થયું તે અંગે અળખામણા પ્રશ્નો પૂછીને પજવનારો સસરો અસભ્ય ગણાય. બંને જણાં પાછાં આવે ત્યારે ભોજન તૈયાર રાખનારી સાસુને કદી પણ પાછલી ઉંમરે ઉપેક્ષા વેઠવી ન પડે. અંગ્રેજી શબ્દ ‘grace’નો ગુજરાતી પર્યાય ઝટ જડતો નથી. એ શોધવાની માથાકૂટ કરવા કરતાં એ શબ્દ ગુજરાતી ભાષામાં સ્વીકારી લેવામાં જ શાણપણ રહેલું છે. ઘરમાં નવી નવી આવેલી પુત્રવધૂ દ્વારા જ્યારે પ્રથમ વાર કાચનું વાસણ તૂટી જાય, ત્યારે જે સાસુ ગ્રેસ બતાવીને કહે છે : ‘બેટા, જરાય ચિંતા ન કરતી. મેં પણ ઓછાં વાસણ નથી તોડ્યાં.’ ગ્રેસને કારણે પરિવાર જળવાઇ જાય છે અને ઘર્ષણ ઘટે છે. રંગુનમાં શરદબાબુ મિસ્ત્રીપાડામાં રહેતા હતા. એ વિસ્તારમાં મજૂરો, કારીગરો અને અન્ય પછાત ગણાતા લોકોની વસ્તી હતી. એક વાર દુર્ગોત્સવ માટે બંગાળી ભદ્ર લોકોને મૃદંગની જરૂર પડી. કોઇએ કહ્યું કે શરદબાબુ પાસે મૃદંગ છે. છેવટે એક ભદ્ર માનુષ પછાત લત્તામાં જવા તૈયાર થયો. એમને જોઇને શરદબાબુ અત્યંત પ્રસન્ન થયા. તેમણે કહ્યું, ‘આ રહ્યું મૃદંગ પણ તમે જમીને જજો.’ જે સ્ત્રી સાથે શરદબાબુ રહેતા હતા તેણે રસોઇ તૈયાર કરી અને મહેમાનોને પ્રેમથી જમાડ્યા. પેલા ભદ્ર માનુષને મૃદંગ ઉપાડવામાં શરમ લાગી. શરદબાબુ સાથે રહેતી સ્ત્રીએ રસોડામાંથી જ મોટા અવાજે કહ્યું : ‘જેને મૃદંગ ઉપાડવામાં શરમ લાગે તે મૃદંગ શી રીતે વગાડી શકશે?’ અને ભદ્ર માણસને મૃદંગ ઉપાડીને જવાની ફરજ પડી! નવી પેઢી આવી ભૂલ કરે ખરી? એની ભદ્રતા એકવીસમી સદીમાં નવું રૂપ ધારણ કરી ચૂકી છે.⬛ }}} પાઘડીનો વળ છેડે એક એવો દિવસ ઊગશે જ્યારે સૂર્ય કેવળ એવા મુક્ત માણસો પર પ્રકાશ વેરશે જેઓ વિવેકબુદ્ધિને જ સર્વોપરી ગણશે. અને જ્યારે જુલમગારો અને ગુલામો ઉપરાંત ધર્મગુરુઓ તથા તેમની દગાખોર યુક્તિઓ માત્ર ઇતિહાસનાં પાનામાં કે પછી નાટકનાં દૃશ્યોમાં જ જોવા મળશે. - માર્ક્્વીસ કોન્ડોરસેટ Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...