હમણાં માતૃભાષા દિવસે મારે ‘વાંચનનું મહત્ત્વ’ એ વિષય પર કોઈ કોલેજમાં પ્રવચન આપવા જવાનું હતું. મેં તૈયારીના ભાગરૂપે હેમિશ અને પ્રેરણાડીની સલાહ લેવાનું નક્કી કર્યું, એમને મારા રીડિંગ રૂમમાં બોલાવ્યાં, ‘મારે ભાષણ..’ પ્રેરણાડીએ મને અટકાવ્યો, ‘ભાષણ શબ્દથી બહુ ચીડ છે યંગ જનરેશનને..’ ‘તો વાર્તાલાપ કરું..?’ ‘એય લપ જેવું લાગશે!’ ‘તો?’ ‘તમે એમને સાંભળો!’ ‘અરે! મારે બોલવું પડે! પૈસા લેવાના છે. મારે એમને વાંચનનું મહત્ત્વ સમજાવવાનું છે!’ હેમિશ બોલ્યો, ‘અંકલ પહેલા તમારો ફંડા ક્લીયર કરો. તમને લાગે છે કે વાંચવાથી કોઈનો દા’ડો વળે?’ મને નજર સામે ગોઠવેલા પુસ્તકો પરના પ્રેમાનંદ, નર્મદ, ગાંધીજી, કાકા કાલેલકર, ટાગોર સૌ દયામણું મોં કરી ઊભેલા દેખાવા લાગ્યા. ‘શા માટે વાંચવાનું?’ હવે હું અકળાયો, ‘તમે વરઘોડામાં નાચો છો, ત્યારે હું પૂછું છું કે શા માટે નાચવાનું?’ ‘નાચવાથી કેલેરી બળે. હાથ-પગ મજબૂત થાય, વાંચવાથી આંખ નબળી થાય, સ્પાઇન દુ:ખે!’ પ્રેરણાડી બોલી. ‘વાંચવાથી શીખવાનું મળે!’ મેં બને એટલી સાદી ભાષામાં આ બે અબુધોને સમજાવ્યા. ‘અંકલ! ટેલ અસ! વાંચીને તરતાં શીખાય? વાંચીને પતંગ ચગાવતાં શીખાય? ફૂટબોલની કિક મારતાં શીખાય? ચાલુ બસે ચડતાં-ઊતરતાં શીખાય?’ ‘જે લોકો અમારા જેવા સ્માર્ટ ન હોય, એ લોકો બિચારા બુક્સ વાંચે! બુક્સ વાંચીને કશું શીખી ન શકાય, પણ શીખી રહ્યા છીએ એવો ભ્રમ થાય!’ ‘અને મને તો ગુજરાતી વાંચવાનો કંટાળો જ બહુ આવે. યૂ સી! અક્ષરોની ઉપર-નીચે આજુબાજુ બધી તરફ કાના-માતર જોવા પડે. કમાડ અને કમોડ, ગાળ અને ગોળ, કશો ફરક ન લાગે!’ મેં સુકાન બદલ્યું, ‘સારું! અંગ્રેજીના તરફદાર છો? તો ગુજરાતી નહીં ને અંગ્રેજી વાંચો!’ ‘કઈ બુક વાંચીએ? હાઉ ટુ બીકમ રિચ’ કોણ વાંચે? જે ગરીબ હોય તે! ‘હાઉ ટુ બીકમ ઈફેક્ટિવ’ કોણ વાંચે? જે ડિકેક્ટિવ હોય તે!’ હેમિશ બોલ્યો. પ્રેરણાડીએ આગળ ચલાવ્યું, ‘હાઉ ટુ બીકમ ઈન્ફ્લ્યુઅન્સલ’ કોણ વાંચે? જેની બે કોડી જેટલીય ઈન્ફ્લ્યુઅન્સ ન હોય તે! અને એક નાની વાત સમજવા માટે ત્રણસો પાનાં? જરા તો દયા કરો, જરા તો સમયની કિંમત સમજો. ઈન્સ્ટા પર ત્રીસ સેકંડની રીલ હોય!’ ‘સારું કંઈ નહીં તો ગૂગલ સર્ચ કરીને સુવાક્યો અને સારા વિચારો વાંચો.’ ‘સુવાક્યો અને સારા વિચારો કોણ વાંચે, જેના મગજને ખરાબ વિચારો સતાવતા હોય તે!’ હું મારા સુવાક્યો વાંચવાના શોખ બાબતે શરમ અનુભવવા લાગ્યો. ‘સમય જ ક્યાં છે? ભણવામાંથી ફુરસદ જ ક્યાં મળે છે!’ મેં સોક્રેટિસની જેમ સંવાદ લંબાવવા માટે તિરુવલ્લુવર જેવી નમ્રતા દાખવી, ‘સારું વેકેશનમાં વાંચજો!’ ‘વેકેશનમાં કોઈ વાંચે?’ હેમિશે હસીને સમજાવ્યું, ‘ધારો કે, એક કેદી હોય, જેલમાં વર્ષોવર્ષ ઘંટી દળવાનું કામ કરતો હોય અને એ જ્યારે જ્યારે પેરોલ પર છૂટે તો ઘરે આવીને કંઈ પણ કામ કરે, પણ ઘંટી દળે?’ ‘ન દળે!’ ‘બસ યાર! તો પછી સ્ટુડન્ટ્સને વેકેશનમાં વાંચવાનું ન કહો!’ પ્રેરણાડીએ મારી લાઈબ્રેરીના હજારેક પુસ્તકો સામે નજર નાખીને કહ્યું, ‘આ બધા તમે વાંચેલા છે?’ મેં હકારસૂચક મૂંડી હલાવી. પ્રેરણાડી હજાર પાનાંનું હજાર રૂપિયાનું પુસ્તક હાથમાં લઈ બોલી, ‘આ વાંચ્યું?’ મેં ગૌરવભેર ‘હા’ કહ્યું. ‘આવાં બીજાં નવાં લાવશો ત્યારે આનું શું કરશો? પસ્તી?’ ‘હા..’ ‘જરા તો વિચાર કરો! વાંચવાની ક્રિયા કરી તમે કેટલા ક્રૂર પુરવાર થાવ છો!’ હું ચોંક્યો, ‘લોકો મને પુસ્તકીયો કીડો કહી જાય તો એ મને મંજૂર છે, પણ હું ક્રૂર કેવી રીતે ગણાઉં?’ ‘આ હજાર રૂપિયાનું એક કિલોનું પુસ્તક તમે એકવાર વાંચી લો, પછી એનું શું મૂલ્ય? એક કિલો પસ્તી જ ને! દસ રૂપિયા આવે આનાં! પુસ્તક વાંચી લેવાથી એનું અવમૂલ્યન થાય છે. એની કિંમતમાંથી બે મીંડા ખરી પડે છે. એટલે પુસ્તકને વાંચ્યા વગર રાખવું એ એનું સન્માન છે.’ હેમિશે સાર કાઢ્યો, ‘વાંચવાને કારણે પુસ્તક પસ્તી બને છે. ન વાંચનારા પુસ્તકનું સન્માન કરી એને મસ્તીથી જીવવા દઈએ છીએ!’ ⬛ amiraesh@yahoo.co.in
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.