ડૂબકી:માટીના લોંદામાંથી પૃથ્વીનું નવસર્જન

15 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

મિત્ર ભગવાન થાવરાણીએ બે કાવ્યો તરફ ધ્યાન દોર્યું. એક કાવ્ય હતું મરાઠીના સુપ્રસિદ્ધ કવિ વિષ્ણુ વામન શિરવાડકર ‘કુસુમાગ્રજ’નું અને બીજું હતું હિન્દીના જાણીતા કવિ અરુણ કમલનું. બંને કાવ્યોમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ હિંમત ન હારતા લોકોના દૃઢ મનોબળની વાત છે. કુસુમાગ્રજની કવિતાનો સારાંશ આ પ્રમાણે છે: વરસતા વરસાદમાં એક જણ કવિ પાસે આવ્યો. એનાં કપડાં ચોળાઈ ગયાં હતાં, વાળ પાણીથી તરબોળ હતા. એ માણસે પૂછ્યું: ‘મને ઓળખ્યો, સાહેબ?’ થોડી વાર બેઠો, સ્મિત કર્યું અને બોલ્યો: ‘ગંગામૈયા મહેમાન થઈને મારી ઝૂંપડીમાં પધાર્યાં હતાં. પિયર આવેલી છોકરીની જેમ ઝૂંપડીમાં બધી જગ્યાએ નાચ્યાં-કૂદ્યાં. આવ્યા પછી ખાલી હાથે તો વિદાય ન જ લે! મારી પાસે જે હતું અને નહોતું તે બધું લઈ ગયાં. ખેરિયત છે કે હું અને મારી વહુ બચી ગયાં. ઝૂંપડીની ભીંત પડી ગઈ, ચૂલો ઠરી ગયો. જતાંજતાં એ પ્રસાદમાં આંસુ દેતાં ગયાં. સાહેબ, હું અને મારી વહુ લડી રહ્યાં છીએ. ગારો-કીચડ-કચરો ઉસેડી, ભીંત ફરી બાંધીને આવ્યો છું.’ ગંગાના પૂરમાં બધું ગુમાવી બેઠેલા માણસની વીતકકથા સાંભળીને કવિનો હાથ એમના ગજવામાં ગયો. એ જોઈને પેલો માણસ હસતો-હસતો ઊભો થયો. એણે કહ્યું: ‘ના, ના, સાહેબ, મને પૈસા નથી જોઈતા. બહુ એકલું લાગતું હતું એટલે હું અમસ્તો આવ્યો છું. ઘર તો ગયું, પરંતુ મારી કરોડરજ્જુ સલામત છે. મારી પીઠે હાથ મૂકીને એટલું જ કહો કે લડ... બસ!’

બીજી કવિતા અરુણ કમલની. એનો ગદ્યમાં અનુવાદ: ‘મને આજ સુધી સમજાયું નથી કે દર વર્ષે પૂરનો સામનો કર્યા પછી પણ લોકો એમની જગ્યા છોડીને બીજે રહેવા કેમ જતાં નથી? દરિયામાં તોફાન આવે છે. કાંઠે વસેલાં લોકોને બરબાદ કરી દરિયો પાછો ચાલ્યો જાય અને બીજે જ દિવસે એ જ કાંઠે ગામો ફરી વસી જાય છે. એ લોકો બીજે રહેવા કેમ ચાલ્યાં જતાં નથી? દર વર્ષે દુકાળ પડે છે. ચારો શોધતી ગાયોની ખરી ધરતીની ફાટમાં ફસાઈ જાય છે. તેમ છતાં માણસ શેની વાટ જોતો ઘરના ઉંબરે બેસી રહે છે? આવતી કાલે પણ પૂર આવશે, દરિયામાં તોફાન આવશે, દુષ્કાળ પડશે. આજ સુધી મને સમજાયું નથી કે ઝાડ સુકાઈ ગયું હોય, બધાં પાંદડાં ખરી ગયાં હોય, છતાં સૂરજ આથમતાં જ પંખીઓનું ટોળું કલબલાટ કરતું, પાંખો વીંઝતું, ઠૂંઠાં ઝાડના માળામાં શા માટે પાછાં આવે છે?’

થોડાં વર્ષો પહેલાં સુનામીના અણધાર્યા આક્રમણના સમયે દરિયાકાંઠે રહેતા માછીમારો મારામાર આગળ વધતાં પાણીથી બચવા ઘરબાર છોડીને ભાગ્યા. થોડે દૂર પહોંચ્યા પછી ઊભા રહ્યા. દરિયાનો પ્રકોપ થોડો શાંત થયો તે સાથે જ તેઓ પાછા ફર્યા. એમના માટે દરિયા સિવાય કોઈ સહારો નહોતો. દરિયો જ એમનો માઈ-બાપ. એના ખોળે જીવવાનું. દરિયો વિનાશ સરજે તો દરિયો જ એમને સાચવે. એ માછીમારોને જાત અને દરિયા ઉપર ભરોસો હતો .

કયા મનોબળના જોરે માણસ ઝંઝાવાતની સામે હારતો નહીં હોય? વિન્સ્ટન ચર્ચિલ બીજા વિશ્વયુદ્ધના સમયે બ્રિટનના વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે એમણે કહ્યું હતું કે ગમે તેવા સંજોગોમાં વિજય મેળવવો એ જ ધ્યેય છે. યુદ્ધના વિકટ સમયમાં ટકી જવા એમણે પ્રજા પાસેથી ‘લોહી, કઠિન પરિશ્રમ, આંસુ અને પરસેવા’ની માગણી કરી. એ જ બ્રિટનની ગુલામીમાંથી આઝાદી મેળવવા ગાંધીજીએ ‘કરો યા મરો’નો સંદેશ આપ્યો. એમાં કોઈ પણ ભોગે વિજયી થવાનો દૃઢ સંકલ્પ હતો. દક્ષિણ આફ્રિકામાં રંગભેદની નીતિ સામે લડત આપનાર નેલ્સન મંડોલાએ કહ્યું હતું: ‘હિંમતનો અર્થ ડરનો અભાવ નથી, ડર પર વિજય મેળવવો એ જ સાચી હિંમત છે.’

હિંમતવાન માણસ વિકટ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલીને બેસી નથી રહેતો, વિનાશમાંથી નવસર્જન કરે છે. અમેરિકાના મૂળ વતનીઓની એક વાર્તા છે. એમનો ઇષ્ટદેવ કોઈ કારણસર માનવજાત પર નારાજ થયો. આખી પૃથ્વી પર દિવસરાત વરસાદ પડ્યો. ભયાનક પૂર આવ્યું. એમાં સમગ્ર સૃષ્ટિ નાશ પામી, માત્ર નામાબોઝ્હો નામનો એક માણસ અને થોડાં પશુપંખી બચી ગયાં. નામાબોઝ્હો પાસે એક તરાપો હતો. પશુપંખીઓને તરાપા પર ચડાવી એ મહિના સુધી પૂર સામે ઝઝૂમતો રહ્યો. બધું નાશ પામ્યું હતું છતાં એ હિંમત હાર્યો નહોતો. એણે પૃથ્વીનું નવસર્જન કરવાનો સંકલ્પ કર્યો. એ માટે એને પૂરમાં ડૂબેલી ‘જૂની પૃથ્વી’ની થોડી માટીની જરૂર હતી. એક જળપક્ષીએ માટી લાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પાણી બહુ ઊંડું હતું. બીજાંને પણ સફળતા ન મળી. બધાં હતાશ થઈ ગયાં હતાં ત્યારે નાનકડી બતકે માટી લેવા જવાની તૈયારી દર્શાવી. બધાંએ એને ધુતકારી કાઢી. બતક ખૂણામાં બેસી ગઈ, પરંતુ એણે પ્રયત્ન કરવાનો વિચાર માંડી વાળ્યો નહોતો. રાતે એ એકલી પૂરનાં પાણીમાં ઊતરી.

બીજે દિવસે સવારે બધાંએ બતકને પાણીમાંથી બહાર નીકળતી જોઈ. એની ચાંચમાં જૂની પૃથ્વીની માટીનો નાનકડો લોંદો હતો. નામાબોઝ્હોએ એ લોંદામાંથી નવી પૃથ્વી બનાવી. પછી એને ક્યાં મૂકવી એ પ્રશ્ર્ન ઊભો થયો. એક કાચબો નવી પૃથ્વીનો ભાર ઉપાડવા તૈયાર થયો. એ રીતે નાશ પામેલી જૂની પૃથ્વીની માટીના લોંદામાંથી નવી પૃથ્વીનું સર્જન થયું.

અન્ય સમાચારો પણ છે...