તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસ દર્શન:‘રામચરિતમાનસ’ શાંતિ પ્રદાન કરે છે

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખારા સાગરમાં મીઠી વીરડી સમાન ‘રામચરિતમાનસ’ શાંતિ, શક્તિ, સ્વતંત્રતા, સૌંદર્ય, અમરતા, જ્ઞાન, આનંદ અને પ્રેમ આપે છે

ક્યાંક વાંચ્યું પણ છે અને વૃંદાવનના બ્રહ્મલીન સ્વામી અખંડાનંદ સરસ્વતીજીના મુખે પણ સાંભળ્યું છે કે માણસની માગ શું શું છે? આપણે જીવને નાતે જે ઈચ્છીએ છીએ એનાં લગભગ આઠ કેન્દ્રબિંદુ છે. એક, શાંતિ. બીજું, શક્તિ. ત્રીજું, સ્વાતંત્ર્ય. ચોથું, સૌન્દર્ય. પાંચમું, અમરત્વ-અમરતા. છઠ્ઠું, જ્ઞાન. સાતમું, આનંદ અને આઠમું, પ્રેમ. મોટેભાગે આપણા બધાંની આ મૌલિક માગ છે. કોઈ પણ ધર્માવલંબી હોય, કોઈ ફરક નથી પડતો. આ આઠ વસ્તુ લગભગ આપણે બધાં ઈચ્છીએ છીએ. ‘ગીતા’માં ભગવાન કૃષ્ણએ કહ્યું છે, અર્જુન, એ નિત્ય સંન્યાસી છે, જે કોઈનો દ્વેષ નથી કરતો અને કોઈ પાસે કંઈ અપેક્ષા નથી રાખતો. છતાં પણ જીવ હોવાને નાતે આપણી કંઈક ભૂખ હોય છે, કંઈક માગ હોય છે. એ આઠ વસ્તુ જેમને જ્યાંથી મળી છે, એ વિશે તેઓ કહે છે અને બધાં પ્રણમ્ય છે. પરંતુ મને એ આઠેય વસ્તુ ‘રામચરિતમાનસ’માં મળી છે. તેણે આપણને શાંતિ આપવાનું વચન આપ્યું છે. ‘શાન્તં શાશ્વતમપ્રમેયમનઘં નિર્વાણશાન્તિપ્રદં.’ ‘માનસ’ શાંતિ આપે છે. આપણે શાંતિ ત્યાંથી મેળવી છે. ચારેબાજુ અશાંતિ જ અશાંતિ છે! ખારા સાગરમાં ‘માનસ’ મીઠી વીરડી છે. ‘રામચરિતમાનસ’ આપણને શાંતિ પ્રદાન કરે છે. આપણી મૌલિક માગમાંની એક માગ ત્યાં પૂરી થાય છે. બીજી માગ છે શક્તિ. કોણ નિર્બળ રહેવા માગે છે? હા, જે શરણાગત છે એ સદૈવ નિર્બળ રહેવા માગે છે. શરણાગત જાણે છે કે ‘નિર્બલ કે બલ રામ.’ કોઈ પણ શક્તિ, કોઈ પણ બળનો એક બહુ મોટો ખતરો છે, એ છે અહંકાર. સાધુ એનાથી બચવા માગે છે. એટલા માટે એ નિર્બળ રહેવા માગે છે. એ દીન, રાંક, ગરીબ સ્વભાવના રહેવા માગે છે. તો શાંતિ મળે છે ‘રામચરિતમાનસ’થી, એવી રીતે શક્તિ પણ ત્યાંથી મળે છે. ‘માનસે’ શક્તિનો બહુ મોટો અર્થ આપ્યો છે. ‘લંકાકાંડ’માં વિભીષણને શ્રોતા બનાવીને ભગવાન રામના મુખે ધર્મરથનું વર્ણન થયું છે, ત્યાં લખ્યું છે, ‘દાન પરસુ બુધિ સક્તિ પ્રચંડા.’ દાન છે એ પરશુ છે. પરંતુ બુદ્ધિ પ્રચંડ શક્તિ છે; એ શું ન કરી શકે? બુદ્ધિ, પ્રજ્ઞા શક્તિ છે પરંતુ ‘રામચરિતમાનસ’માં નિર્મલ મતિની માગ થઈ છે. મલયુક્ત બુદ્ધિ પ્રચંડ વિસ્ફોટ કરે છે. નિર્મલ મતિ વિશ્રામ તરફ ગતિ કરે છે. શાંતિ, શક્તિ, સ્વતંત્રતા. આપણા સૌની એક માંગ છે સ્વતંત્રતાની. આપણે સ્વાધીન છીએ. ‘માનસ’માં લખ્યું છે, ‘પરાધીન સપનેહુ સુખ નાહી.’ પરાધીનતા ક્યારેય સપનામાં પણ સુખ નથી આપી શકતી. ઈશ્વરના અંશને નાતે ઈશ્વરમાં જે કંઈ પણ છે એ બધું આપણામાં પણ છે પરંતુ ફરક એટલો કે માયાને કારણે ઈશ્વર સ્વવશ રહ્યા અને આપણે પરવશ રહ્યા. ‘પરબસ જીવ સ્વબસ ભગવંતા.’ આપણી સ્વતંત્રતા ખંડિત થઈ ગઈ. ‘રામચરિતમાનસ’માંથી આપણને સ્વતંત્રતાના પાઠ મળ્યા; બોધ મળ્યો. ભગવાન રામ ભરતને એટલી સ્વતંત્રતા આપી રહ્યા છે કે આટલા રાજર્ષિ, આટલા મહર્ષિ બધા મહાપુરુષોની સામે કહે છે કે ભરતની ઈચ્છાને સન્માન આપવામાં આવે. એ ઈચ્છે અને જે કહે એમ આપણે કરીએ. અને જ્યારે આપણે કોઈને સ્વતંત્રતા આપીએ છીએ ત્યારે એના બદલામાં આપણને સ્વતંત્રતા મળે છે. ભરતજી શું કહે છે? જેહિ બિધિ પ્રભુ પ્રસન્ન મન હોઈ. કરુના સાગર કીજિઅ સોઈ. આપનું મન પ્રસન્ન રહે એમ જ કરશો. આ સ્વાધીનતા, આ સ્વતંત્રતા ‘રામાયણ’માંથી પ્રાપ્ત થાય છે. ચોથું સૂત્ર છે સૌન્દર્ય. ચાલો, શરીરનું સૌન્દર્ય પણ ભલે હોય; એમાં ખોટું શું છે? ભગવાન શ્રી કૃષ્ણનું શારીરિક વર્ણન કરતાં શ્રીમન્ વલ્લભે કહ્યું, એમનું બધું જ સુંદર છે. ‘મધુરાધિપતેરખિલં મધુરમ્.’ હા, સાધક જીવની માંગ એ જ છે કે અમે બહિર્ પણ સુંદર રહીએ અને ભીતર પણ સુંદર રહીએ. કદાચ બહિર્ સુંદરતા ન પણ હોય પરંતુ ભીતર સૌન્દર્યનું શાસન હોય. એ સૌન્દર્ય ક્યાંથી મળે? એ પણ ‘રામચરિતમાનસ’માંથી મળે છે. ભગવાન રામ અને જાનકી એક જ છે, ‘કહિઅત ભિન્ન ન ભિન્ન.’ સીતા-રામ બંને એક છે, અદ્વૈત છે. ‘માનસ’કાર કહે છે, ‘સુંદરતા કહુઁ સુંદર કરઈ.’ મા જાનકી સુંદરતાને પણ સૌન્દર્ય આપે છે. એ વાતને કેવી રીતે સમજવી? એનો અર્થ એ કે જેમનું તન સુંદર છે એમનું મન પણ મા જાનકી સુંદર કરી દે છે. તન પણ સુંદર, મન પણ સુંદર. મારા અનુભવ મુજબ ‘રામચરિતમાનસ’ માંથી યથાપાત્રતા સૌન્દર્ય પણ પ્રાપ્ત થાય છે. પાંચમું, અમરત્વ. આપણી ઔપનિષદીય માગ છે, અમને મૃત્યુમાંથી અમૃત તરફ લઈ જાઓ. કોણ નથી ઈચ્છતું અમરતા? અમરતાનો મતલબ એ નથી કે આપણે ક્યારેય મરીએ જ નહીં. ઘણી એવી મહાન વિભૂતિઓ છે, જે આજે આપણી સામે નથી પરંતુ એમના વિચાર અમર છે; એમનું ચરિત્ર અમર છે; એમનું યોગદાન દેશ અને દુનિયામાં અમર છે. મને લાગે છે એ અમરતા પણ ‘રામાયણ’ આપે છે. ‘અજર અમર ગુનનિધિ સુત હોહૂ.’ હનુમાન, તું અમર થા. અને આજે આપણે હનુમાનજીને ચિરંજીવી કહીએ છીએ, અમર કહીએ છીએ. એ અનેક અર્થોમાં અમર છે. શિવજી તો અવિનાશી છે જ. અમરતા પ્રાપ્ત થાય છે ‘રામચરિતમાનસ’માંથી. અને અમરતાનું મૂલ્ય જેમણે રોજેરોજ, સમયેસમયે વિષનું પાન કર્યું હોય એમને સમજાય છે. સાધુ પુરુષોને વિષ પીવાનું પણ એક વ્યસન થઈ જાય છે. કેમ કે સાધુને ભરોસો છે, ઝેરને જીરવવા હરિ આવશે. એ ન્યાયે ‘રામચરિતમાનસ’ અમરતા બક્ષે છે. આનંદ એ છઠ્ઠી માગ છે. ‘માનસ’ આનંદ પ્રદાન કરે છે. પરમાનંદ, બ્રહ્માનંદ, નિજાનંદ. આનંદ પણ ત્યાંથી મળે છે. સાતમી બાબત જ્ઞાન. ‘રામચરિતમાનસ’ એક એવી સીડી છે, જે જ્ઞાન પ્રદાન કરે છે. આઠમું, પ્રેમ. ‘પ્રેમામ્બુર શુભમ્.’ ભરતજીની શું માંગ છે ‘માનસ’માં? ‘જનમ જનમ રતિ રામ પદ.’ પ્રેમ જોઈએ. પ્રેમના દાતા પણ રામ છે. પ્રેમની માગ પણ ‘માનસ’ પૂરી કરી દે છે. આ આઠ કેન્દ્રબિંદુ જે ક્યાંક મેં વાંચ્યાં છે અને મહાપુરુષોના મુખે સાંભળેલાં પણ છે. તો આ આઠ બાબતો ‘રામચરિતમાનસ’માંથી અસીમ ગુરુકૃપાથી યથાપાત્રતા પ્રાપ્ત થાય છે. આપણે પણ અનુભવ કરીએ. ⬛ (સંકલન : નીિતન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો