તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માનસ દર્શન:‘રામાયણ’ના રામે બધાંને જોડવાની શરૂઆત કરી છે

2 મહિનો પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક
  • રામ સાથે અખંડ રીતે, અદ્વૈત રીતે જોડાયેલું તત્ત્વ છે સીતાજી અને સીતાજીની પ્રગટ અને અપ્રગટ લીલા પણ ‘રામાયણ’માં છે

‘રામાયણ’ની કથા હરિહરની કથા છે. ‘રામાયણ’માં ત્રણ પ્રકારની લીલા છે. એક પ્રગટ લીલા છે. બીજી અપ્રગટ લીલા છે અને ત્રીજી પ્રગટ અને અપ્રગટ બંને લીલા છે. ત્રણ પ્રકારની લીલાથી કથા ચાલે છે અને બધાંને ભેગાં કરવાં હોય ત્યારે આ ત્રણેય જરૂરી છે. આખા ‘રામચરિતમાનસ’માં ભગવાન રામની જે લીલા છે એ એમની અવતાર લીલા છે. નિર્ગુણ સગુણ થયા; નિરાકાર સાકાર થયા; એ જે એની લીલા છે એ નિરંતર પ્રગટ લીલા છે. શાસ્ત્રઆધાર લઈને કહું છું -

ભએ પ્રગટ કૃપાલા દીનદયાલા કૌસલ્યા હિતકારી. હરષિત મહતારી મુનિ મનહારી અદ્્ભુત રૂપ બિચારી. પ્રભુ પ્રગટ થયા છે અને તેથી મારા રામ અવતારલીલા પૂરી કરીને સરજૂમાં વિલીન થયા ત્યાં સુધી પ્રગટ જ રહ્યા. ટૂંકમાં, રામની સમગ્ર લીલા પ્રગટ છે. રામનું જે નામ છે એની બધી જ લીલાઓ અપ્રગટ છે. જેણેજેણે નામનો આશ્રય કર્યો છે એનેય ખબર નથી પડતી કે મારા જીવનમાં આવું પરિવર્તન કેમ આવી રહ્યું છે! જેણે નામનો અનુભવ કર્યો હોય એને બધાંને ખબર પડી ગઈ છે કે મારા જીવનમાં એક અપ્રગટ લીલા આવે છે. એ ક્યારેક આપણા અહંકારનાં ધનુષ તોડી નાખે છે; ક્યારેક એ નામ મારી ને તમારી જડમતિ અહલ્યાનો ઉદ્ધાર કરી નાખે છે; ક્યારેક એ હરિનું નામ આપણા દ્વેષનું છેદન કરે છે. આ બધી પ્રક્રિયાનો સાર તો પ્રભુનું નામ જ છે. માટે પ્રભુનું નામ લેવું. મારે એ નથી કહેવું કે ‘રામ’નું નામ લેજો. ‘અલ્લાહ-અલ્લાહ’ કરજો; ‘હરિ-હર’ કરજો; ‘કૃષ્ણ-કૃષ્ણ’ કરજો; ‘શિવ-શિવ’ કરજો; ‘જિસસ-જિસસ’ કરજો; ‘બુદ્ધં શરણં ગચ્છામિ’ કરજો. કબીરા કુઆ એક હૈ પનિહારી અનેક. બરતન સબ ન્યારે ભએ પાની સબમેં એક. નામ દ્વારા માણસમાં શું નથી આવતું? જેણે અનુભવ કર્યો હોય એવા કોઈ જાગતા દેવોને પૂછજો! સવો ભગત તો કહે છે -

સંપત્તિ વિપત્તિ ઓચિંતાની આવી પડે, પણ નામવાળાને નહીં નડે. નામનો ખૂબ જ મહિમા છે. ખબર ન પડે એમ નામ લીલા કરે છે આપણામાં. તો રામની પ્રગટ લીલા; એના નામની અપ્રગટ લીલા. પરંતુ રામ સાથે અખંડ રીતે, અદ્વૈત રીતે જોડાયેલું તત્ત્વ છે સીતાજી અને સીતાજીની લીલા જે ‘રામાયણ’માં છે એ પ્રગટ અને અપ્રગટ બંને લીલા છે. સીતાની લીલા એટલે રામની પણ લીલા, કારણ કે બંને એક જ છે. સીતાજી ક્યારેક પૃથ્વીમાં હોય; પૃથ્વીમાંથી અપ્રગટ થઈ જાય; એ જ સીતાજી વળી પાછાં અગ્નિમાંથી બહાર આવે; વળી પાછી પ્રગટ લીલા! જાનકીની, પરામ્બાની લીલા પ્રગટ અને અપ્રગટ છે. ભગવાનને લલિત નરલીલા કરવી હતી ત્યારે સીતાજીને અગ્નિમાં અપ્રગટ કરી દીધાં અને કહ્યું - તુમ્હ પાવન મહું કરહું નિવાસા. જૌ લગિ કરૌં નિસાચર નાસા. ‘જાનકી, તમે અગ્નિમાં અપ્રગટ લીલા શરૂ કરો.’ તો પરમાત્માની પ્રગટ લીલા, અપ્રગટ લીલા અને પ્રગટ-અપ્રગટ બંને લીલા, એમ ત્રણ પ્રકારની લીલા છે. બધી જ લીલાનો હેતુ એ જ છે કે જોડાણ થાય, સંલગ્નતા આવે. ‘રામાયણ’ની કથાને તમે પહેલેથી જોશો તો ખ્યાલ આવશે કે ‘માનસે’ જોડાણની જ પ્રવૃત્તિ કરી છે. ખાસ કરીને ‘માનસ’ના સંદર્ભમાં કહું તો આ કથાએ ખાલી હરિહરની કથા જ ભેગી નથી કરી; આ કથાએ વશિષ્ઠ જેવા પ્રારબ્ધવાદી અને વિશ્વામિત્ર જેવા પુરુષાર્થવાદીને ભેગા કર્યા. રાજકીય સંબંધોને કારણે એના આખા ઈતિહાસમાં જઈએ તો, જનકરાજ અને દશરથજી ભેગા નહોતા થયા; ભગવાન રામે અને રામની કથાએ બે સમ્રાટોને ભેગા કર્યા, વેવાઈ બનાવી દીધા. સીતા જનકપુરમાં છે, રામ અયોધ્યામાં છે; જે મૂળ તત્ત્વ અભિન્ન છે; આ રામકથાએ એ બંનેને વિવાહના મંડપમાં ભેગાં કરી દીધાં. આ જોડનારી કથા છે, જેણે અહલ્યાનો ત્યાગ કરીને જતાં રહેલા ગૌતમને અને અહલ્યાને જોડી દીધાં.

દરેક વ્યક્તિના જીવનમાં આ ત્રણ વસ્તુ કામ કરતી હોય છે. એક તો આપણાં પાપ કામ કરતાં હોય છે; આપણી ભૂલો કામ કરતી હોય છે, એને લીધે આપણને ક્યાંય ચેન ન પડે. બીજું, મોસમ પ્રમાણે, દેશકાળ પ્રમાણે આપણા સ્વભાવને અનુકૂળ ન હોય એવા વાતાવરણમાં જવાનું થાય ત્યારે આપણને તાપ હેરાન કરે અને ત્રીજું, ક્યાંક સમજ કે ગેરસમજને કારણે કોઈક વચનસિદ્ધ મહાપુરુષના મુખમાંથી નીકળેલા શબ્દોને લીધે, શાપને લીધે આપણે આકુળવ્યાકુળ થઈ જઈએ. ‘શાપ’ શબ્દ મને ગમતો નથી અને કોઈ ઋષિ શાપ આપે એ પણ મને ગમતું નથી. હવે એકવીસમી સદીમાં શાપ નીકળી જવા જોઈએ. શાપ શાના? કોઈક થોડી ભૂલ કરી નાખે તો સીધો શાપ જ આપી દેવાનો! જે-તે કાળમાં એ પ્રાસંગિક હશે; જરૂરી હશે; પરંતુ એકવીસમી સદીમાં શાપ શું? તુલસી જનકપુરમાં રામને લઈ જાય તો સીતા-રામ મળે. બે અવતારો મળે; પરશુરામ અને રામ મળે. કેટલાં બધાંને જોડતાં જ જાય છે તુલસી! બહુ લાંબી આ જોડાણની પ્રક્રિયા છે; પ્રમાણો સાથે, પ્રસંગો સાથે કહી શકાય તેમ છે. મને કહેવામાં જરાય તકલીફ નથી કે આ કથા, રાવણ અને રામને પણ જોડવાની કથા છે. આ કથામાં, ભગવાન રામ રાવણમાં ઊતરી ગયા અને રાવણ રામમાં ઊતરી ગયો. મારા રામ રાવણના હૃદયમાં પહોંચ્યા છે. કેટલું બધું મિલન તુલસીદાસજીએ કરાવ્યું!

આવો અંતરંગ મેળાપ કરવાનો હેતુ રામકથાનો છે. એ રામ અને રાવણને ભેગા કરે; લક્ષ્મણ અને મેઘનાદને ભેગા કરે; વાનર અને રીંછને ભેગાં કરે. વાંદરાઓનો સ્વભાવ ચંચળ છે અને રીંછ એ પ્રૌઢતાનું પ્રતીક છે કારણ કે બ્રહ્માનો અંશ છે. જે ચંચળ હોય એ બુદ્ધિમાનોને હેરાન કરે! એક રામ એવા છે કે એમણે બંદર અને ભાલુને ભેગાં કર્યાં!
ગાંધીજી આખા દેશમાં ફર્યા. આખા રાષ્ટ્રને એક કરવા માટે આફ્રિકાથી આવ્યા પછી એમણે પહેલો નિર્ણય એ કર્યો કે હું મારી આંખે પહેલાં આખા દેશને જોઈ લઉં અને પછી નિર્ણય કરું કે આ દેશ માટે મારે શું કરવાનું છે. એમને પગલે પગલે વિનોબાજીએ સર્વોદય અને ભૂદાનનો મંત્ર લઈને આખા દેશમાં યાત્રા કરી બધાંને ભેગાં કરવા માટે. રામે બધાંને જોડવાની શરૂઆત કરી. પથ્થરોને ભેગા કરી સેતુ બાંધ્યો. રામરાજ્ય આવ્યું ત્યારે બધાં ભેગાં કરી દીધાં. તુલસીએ લખ્યું-
સબ નર કરહિં પરસ્પર પ્રીતિ.
ચલહિં સ્વધર્મ નિરત શ્રુતિ નીતી.
(સંકલન : નીતિન વડગામા)
nitin.vadgama@yahoo.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser