તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાિહત્ય વિશેષ:વૃંદાવન બહાર રાધા-કૃષ્ણ, વૃંદાવનમાં રાધા

રઘુવીર ચૌધરીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વૃંદાવન બહાર રાધા-કૃષ્ણનું સ્મરણ થાય છે, વૃંદાવનમાં તો માત્ર ને માત્ર રાધે રાધે બોલાય છે, અનુભવાય છે!

અંકિત ત્રિવેદીએ કારકિર્દીની શરૂઆત કરી કવિતાથી. પછી બન્યા ઉદ્્ઘોષક-પ્રવક્તા-સંયોજક. ઉચ્ચારશુદ્ધિ એમની ખાસિયત છે. ઘણું યાદ કરી શકે. એમના કવિતાપ્રેમે જ રાધા વિશે લખવાની પ્રેરણા આપી હશે. મહાપ્રભુ શ્રીમદ્ વલ્લભાચાર્યને ‘અખિલમ્ મધુરમ્’ની અનુભૂતિ થયેલી છે. એ આનંદદાયી કીર્તન છે. એમણે પુસ્તક ‘લિખિતંગ રાધા’માં લઘુલેખો વચ્ચે ગીતો મૂક્યાં છે. તેથી નવું સ્વરૂપ બંધાયું છે. ‘લિખિતંગ રાધા’માં રાધાના ઉદ્્્ગારો સાથે લેખકે કરેલા અભ્યાસનું તારણ પણ છે. આરંભે શ્રી. ક. મા. મુનશીનાં લખાણ દ્વારા રાધાની ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રતિષ્ઠા કરી છે. મુનશીજી કહે છે કે બારમી સદીના રાજકવિ જયદેવે એને પોતાની ‘ગીત-ગોવિંદ’ કાવ્યની નાયિકા બનાવી ત્યારે રાસલીલાની અધિષ્ઠાત્રી કેવી રસેશ્વરી તરીકે ભારતવર્ષમાં એની કીર્તિ પ્રસરી.’ રાધાના વધતા જતા પ્રભાવની વિગતો પણ મુનશીજીએ આપી છે : ‘ચૈતન્યે એને દેવી રૂપે માન્ય કરી અને એ જ રીતે રાધાપંથીઓ, વિષ્ણુ સ્વામીઓ અને નિમ્બાર્કના અનુયાયીઓએ પણ એને દેવીપદે સ્થાપી. પ્રચલિત લોકમાન્યતા એ કૃષ્ણની દિવ્ય પત્ની છે અને આ માન્યતાનો નિમ્બાર્કે સ્વીકાર પણ કર્યો છે.’ લેખકે જુદા જુદા પુરાણોમાંથી કૃષ્ણવિષયક શ્લોક આપ્યા છે અને દંતકથાઓનો આધાર પણ લીધો છે. એક પ્રચલિત દંતકથા છે કૃષ્ણની માંદગીની. ઉપચાર નિષ્ફળ જાય છે. છેવટનો ઉપાય સૂચવાય છે. કૃષ્ણ-અનુરાગીની ચરણરજ લાવીને કૃષ્ણની જીભ પર મૂકવામાં આવે તો એ સ્વસ્થ થાય. સૌ કૃષ્ણપ્રેમી પાપથી ડરે છે, પણ રાધાજી કહે છે કે કૃષ્ણ સાજા થાય એ મારે માટે મહત્ત્વનું છે, મને ભલે પાપ લાગે. રાધાજી પોતાની ચરણરજ આપે છે. કૃષ્ણની જીભ પર મૂકતા એ સાજા થઇ જાય છે. અંકિતે આ પ્રસંગ વૃંદાવનમાં મૂક્યો છે. ‘શ્રીરાધા’ નામનાં કાવ્યના સર્જક અને રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પૂર્વ અધ્યક્ષ શ્રી રમાકાન્તે મને આ પ્રસંગ દ્વારકાધીશ કૃષ્ણ સંદર્ભે કહેલો. લક્ષ્ય છે, રાધાજીનો નિ:સ્વાર્થ, સમર્પિત પ્રેમ સૂચવવાનો. ‘ઇ-મેઇલ યુગમાં પત્ર’ નામના પ્રથમ લેખમાં કહેવાયું છે. ‘મારે ફરીથી મારા અવતારને શબ્દદેહે જીવવો છે. કલ્પના મનના વિચારથી પ્રગટે ત્યારે ભલે કલ્પના હોય, પણ એમાં શ્રદ્ધા અને સત્ય તથા પ્રેમ ભળે છે.’ (પૃ. 17) ‘પત્રને પૂર્ણવિરામ’ નામના અંતિમ ગદ્યખંડના આરંભે મૂકેલું વાક્ય છે : ‘બધાંની સાથે રહીને ગમતી વ્યક્તિને જીવવાની અને ગમતી વ્યક્તિની સાથે દુનિયાને જીવવાની ક્ષણોનું નામ જ છે રાધા!’ (પૃ. 123, લિખિતંગ રાધા) ગુજરાતીમાં કૃષ્ણને કેન્દ્રમાં રાખીને સતત લખાતું રહ્યું છે. નરસિંહ-દયારામનાં ગીતો, મુનશીજીની નવલકથા ‘કૃષ્ણાવતાર’ની ઘણી આવૃત્તિઓ થઇ છે. અહીં તેર જેટલાં ગીતો છે. વૃંદાવન બહાર રાધા-કૃષ્ણનું સ્મરણ થાય છે, વૃંદાવનમાં તો માત્ર ને માત્ર રાધે રાધે બોલાય છે. પ્રેમ એ સર્વોચ્ચ પ્રાપ્તિ છે. નિરંજન ભગતનું વિખ્યાત ગીત છે : ‘હરિવર મુજને હરી ગયો, મેં તો વહાલ કીધું નો’તું ને તોયે મુજને વરી ગયો.’ કૃપા! ⬛

અન્ય સમાચારો પણ છે...