માનસ દર્શન:રાધા ભગવાન કૃષ્ણની આહ્લાદિની શક્તિ છે

21 દિવસ પહેલાલેખક: મોરારિબાપુ
  • કૉપી લિંક

રી સમજમાં એવું ઊતર્યું છે કે ભગવાન કૃષ્ણએ પોતાની લીલાને, અવતારકાર્યને સમેટતાં એમની નિજી વસ્તુઓ એમનાં નિજીજનોને આપી દીધી હતી. ભગવાન કૃષ્ણએ સાજ રાધિકાને આપ્યાં હતાં, અવાજ મીરાંને આપ્યો હતો. કૃષ્ણના સાજ એટલે એની બંસરી. સાંભળ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણએ પોતાની વાંસળી, પોતાની મોરલી, પોતાની બંસરી રાધાને આપી હતી. તો એક સાજ છે કૃષ્ણનું એ રાધાને આપ્યું હતું. પરંતુ અવાજ મીરાંને આપ્યો હતો. મીરાંના અવાજમાં કૃષ્ણનો અવાજ છે. એ પૂર્ણાવતારના અવાજની કલ્પના કરવાથી રોમેરોમ ખડા થઈ જાય છે! કેવો અવાજ હશે? શું એ હોઠ હશે જ્યાંથી શબ્દબ્રહ્મ પ્રગટ થતા હશે! કૃષ્ણએ વેણુ રાધાને આપી, વાણી મીરાંને આપી. મીરાં વાણી છે; એ આપણને સૌને મુક્ત કરી દે છે. કૃષ્ણના પરમ સખા ઉદ્ધવ. ઉદ્ધવને પ્રભુએ નિર્વાણ પહેલાં પાદુકા આપી હતી. હું માનતો હતો અને ક્યારેક મેં કહ્યું પણ છે કે રાધાને ભગવાન કૃષ્ણએ કાળી કામળી આપી હતી. કદાચ રાધાને ભગવાન કૃષ્ણએ પોતાનું ઉપવસ્ત્ર પીતામ્બર આપ્યું હતું અને મીરાંને કાળી કામળી આપી હતી. રાધાના અનેક રંગ છે, મીરાંનો એક રંગ છે. રાધા સિતાર છે, મીરાં એકતારો છે. તો હું કહેવા માગું છું કે રાધા ભગવાન શ્રીકૃષ્ણની આહ્લાદિની શક્તિ છે, પરમતત્ત્વ છે; પ્રિયાજુ છે, કિશોરીજી છે, જે આપણી વૈષ્ણવ પરંપરામાં વૃષભાનુજા આપણી સ્વામિની છે. નંદકુમાર કૃષ્ણ આપણા પ્રભુ છે; સમર્થ છે. પરંતુ એ સામર્થ્યને નિરંતર અખંડ સામર્થ્યવાન બનાવી રાખે એવું કોઈ સ્વામિની તત્ત્વ છે તો એ શ્રી રાધાજી છે. મને તો ક્યારેક ક્યારેક એવુંયે લાગે છે; ભગવાન શ્રીકૃષ્ણએ ઈન્દ્રપ્રકોપ વખતે જ્યારે ગિરિરાજને ધારણ કર્યો, એક ટચલી આંગળીથી એમણે ગોવર્ધનને ઉપર ઉઠાવી રાખ્યો હતો. બીજી કોઈ આંગળી કેમ નહીં? આ જે છેલ્લી આંગળી છે એ ખૂબ જ માસૂમ છે; ખૂબ જ કોમળ છે. રાધા એ છે. તો મને ક્યારેક ક્યારેક એવું લાગે છે કે ભગવાન કૃષ્ણએ ગિરિરાજ ઉઠાવ્યો હતો એ આંગળી છે એ સ્વામિની રાધા છે. સમર્થ પ્રભુની પણ જે સ્વામિની છે, જેણે એ બધું ઉઠાવ્યું હતું. પરમાત્માને આપણાં શાસ્ત્રોએ વેદસ્વરૂપ કહ્યા છે; ભગવાન શ્રીકૃષ્ણ વેદસ્વરૂપ છે, તો રાધિકા વેદિકાસ્વરૂપ છે. જ્યાં આપણે વેદને સ્થાપિત કરીએ છીએ એ પીઠિકાને આપણે વેદિકા કહીએ છીએ. જ્યાં અગ્નિને આપણે સ્થાપિત કરીએ છીએ, આહ્વાન કરીએ છીએ એને પણ યજ્ઞવેદિકા કહીએ છીએ; યજ્ઞવેદી કહીએ છીએ. રાધા પ્રેમ-સ્વરૂપિણી હોવાને કારણે ભગવાનની સ્વામિની બનીને મસ્તક પર છે અને રાધા વેદસ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણને ધારણ કરવા માટે વેદિકા છે. શ્રીકૃષ્ણનો આધાર પણ રાધા છે. શ્રી કૃષ્ણનો શણગાર પણ રાધા છે. ભાર તો હું નહીં કહું. આધાર પણ રાધિકા છે અને શણગાર પણ રાધિકા છે. ભાર તો નથી. ભાર તો સ્વયં ટચલી આંગળીએ ઉઠાવ્યો હતો. તો પરમાત્મા છે વેદ. રાધા છે વેદિકા. પરમાત્મા કૃષ્ણ છે સર્વેશ્વર. રાધા છે સેવિકા. મને કહેવા દો, પરમતત્ત્વ પરમેશ્વર છે, એ જગદ્દગુરુ છે. એ પરમગુરુ છે શ્રીકૃષ્ણ. શ્રી રાધિકાજી એમની પાદુકા છે. ભગવાન સર્વેશ્વર છે, રાધા સેવિકા છે; એ અર્થમાં સેવિકા; અલબત્ત, રાધા સ્વામિની છે. આપણે ત્યાં નાકની વધારે પ્રતિષ્ઠા છે. આખા ચહેરામાં આંખ, હોઠ, ગાલ, કપાળ, કાન એ બધાં અંગો છે એના સંયુક્ત રૂપથી મુખ સુંદર માનવામાં આવે છે. મુખના જેટલાં જેટલાં અંગ છે એ બધાં પોતપોતાને સ્થાને યોગ્ય માત્રામાં હોય તો ચહેરો ખૂબ જ સુંદર માનવામાં આવે છે. પરંતુ હોઠ, ગાલ, આંખ, કાન એ બધાંમાં સૌથી વધારે પ્રતિષ્ઠા નાકની હોય છે. નાક ન હોય તો વાત ખતમ! કહે છે કે એનું નાક કપાઈ ગયું એટલે કે એની ઈજ્જત ખરાબ થઈ ગઈ. નાસિકાનું ઘણું મહત્ત્વ છે. મને લાગે છે કે ભગવાન શ્રીકૃષ્ણ મુખ છે. શ્રી રાધા નાસિકા છે. કૃષ્ણની આબરૂ રાધા છે. કૃષ્ણની ઈજ્જત રાધા છે. કૃષ્ણનો મહિમા રાધા છે. રાધાને આપણે ઘણાં રૂપમાં જોઈ શકીએ છીએ. રાધા તો અનંત પરમ શક્તિ છે. રાધાનાં નામ પણ કેટલાં છે! સાંભળ્યું છે કે રાધાનાં શતનામ તો છે જ પરંતુ સહસ્ર નામ પણ છે. વ્રજમંડળ તો કહે છે, ‘બિના રાધે, શ્યામ આધે.’ સંબંધમુક્ત સંબંધનું નામ છે રાધા. રુક્મિણી તો ધર્મપત્ની છે. જો કે એણે ગૌરીમાના મંદિરમાંથી મને લઈ જાઓ, એવો પત્ર લખ્યો હતો. કૃષ્ણ ગયા; લઈ આવ્યા. પરંતુ એ રૂઠે પણ છે; મહારાણી છે, પાટમહિષી છે. સત્યભામા, રુક્મિણી, અન્ય રાણીઓ કોઈ ને કોઈ રૂપે કૃષ્ણ સાથે જોડાયેલી છે. રાધા સંબંધમુક્ત સંબંધ છે. બિલકુલ એક એવો સંબંધ, જેને શું નામ આપી શકાય? કૃષ્ણને બધા સાથે સંબંધ છે. રાધા સંબંધમુક્ત સંબંધ છે. ઓશોએ તો ક્યારેક કહ્યું હતું; કોઈ મેગેઝિનમાં ઘણા સમય પહેલાં મેં વાંચ્યું હતું કે ઓશો કહે છે, ઉપરથી જે નીચે આવે એને ધારા કહે છે અને નીચેથી જે ઉપર જાય એને રાધા કહે છે. પાણી ઉપરથી નીચે આવે; વરસાદ આવે કે કોઈ પાણી ઢોળે; કોઈ મોટો જળપ્રપાત થાય; તો ઉપરથી નીચે આવે એને ધારા કહે છે, પરંતુ નીચેથી જે ઉપર ગતિ કરે, ઊલટી ગતિ કરે એને `ધારા’નું ઊલટું `રાધા’ કહે છે. દૃઢ ભરોસા સાથે સમર્પિત થઈને જે સેવિકા છે એ ધારા એટલી ઉપર ઊઠી કે સ્વામિની થઈ ગઈ. વ્રજમંડળના સંત ગાય છે- સ્વામિની, તેરે ચરનન કી રજ પાઊં. લાડીલી, તેરે ચરનન કી રજ પાઊં. રાધા બધું જ છે. એનું સ્થાન ભલે ડાબું છે પરંતુ આપણે દર્શનાર્થી હોઈએ ત્યારે આપણી નજરમાં એ આપણી જમણી બાજુ જણાય છે. કૃષ્ણપ્રેમ પામવા માટે આપણે ત્યાં વૈષ્ણવોમાં ગોપ્ય મંત્રોમાં રાધાનો મંત્ર જ જપવામાં આવે છે. વ્રજમંડળના એક-બે સંતો સાથે મારી મુલાકાત થઈ. એ સંતોએ તો મને ત્યાં સુધી કહ્યું કે બાપુ, આપની પાસે રહસ્ય શું છુપાવીએ? અમને રાધાનાં દર્શન થયાં છે. મને એ વાત કહેવા માટે એ લોકોએ પાત્ર સમજ્યો એ મારું સદ્ભાગ્ય છે. લોકો એવું કહે છે. કૃષ્ણ છે સાધ્ય, અંતિમ લક્ષ્ય; ત્યાર બાદ કંઈ નથી. ભગવાન છે સાધ્ય. શ્રી રાધા છે સાધિકા. ઘણાં લોકો તો કહે છે કે રાધા નામનું કોઈ પાત્ર છે જ નહીં! કોઈ ગ્રંથમાં રાધાનો ઉલ્લેખ પણ નથી; સ્મરણ નથી. અમારા કથાજગતના શાસ્ત્રજ્ઞ લોકો એના જુદાજુદા અર્થો કરે છે. ખાસ કરીને ‘ભાગવત’માં રાધાજી શુકદેવજીની ગુરુ છે, એટલે શુકદેવજીએ નામ નથી લીધું. આપણે ત્યાં સ્પષ્ટપણે ગુરુનું નામ નથી લેવાતું. કહેવાય છે કે એટલા માટે રાધાજીનું નામ નથી લખ્યું. ઘણાં લોકો જુદાં જુદાં રૂપે સિદ્ધ કરે છે, કારણ દર્શાવે છે. એ બધી શાસ્ત્રીય ચર્ચા છે. ઘણા મહાપુરુષો કહે છે કે શુકદેવજીની ગુરુ રાધા છે એટલે તેઓ રાધાનું નામ લેતાં જ સમાધિમાં ચાલ્યા જતા હતા એટલા માટે એ બહિર્મુખ થઈને પરીક્ષિતને આખી કથા સંભળાવવા માગે છે. તો એ તીવ્રતમ યાદ કરે તો સમાધિમાં ચાલ્યા જાય એટલા માટે નામ નથી લેતા. જે હોય તે. એક અર્થમાં કહું તો રાધા સંજ્ઞા નથી; એ અનામ છે. રાધા પરમાત્માની એવી આહ્લાદિની શક્તિ છે, જે અનામ છે. નામ આપ્યું આપણે આપણા માટે. રૂપ નિર્ણિત કર્યું અને આપણી આંખરૂપી ઈન્દ્રિયોને એ વિષય આપવામાં આવ્યો.⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...