ડિપ્રેશન એટલે શું એની ઝાઝી ખબર ન હતી. છેલ્લા કેટલાક દિવસોથી રોજ ટીવી પર મોતનાં વાવેતર જોઇ જોઇને જે નિર્વેદ પેદા થયો છે તેને કારણે લખવામાં પણ મુશ્કેલી પડતી જણાય છે. રશિયાએ યુક્રેન જેવા પાડોશી દેશ પર યુદ્ધ ઠોકી બેસાડ્યું છે. દુનિયાના બધા શાણા માણસોની સંવેદના યુક્રેનની તરફેણમાં છે. યુક્રેન રશિયાને ગાંઠવા તૈયાર નથી. યુદ્ધ લાંબું ચાલે તો મનુષ્યો કીડીમંકોડાની જેમ મરશે. શું મનુષ્ય જંતુની માફક મરવા માટે સર્જાયો છે? કદાચ યુદ્ધનો અંત આવે પછી નવી વિશ્વ-વ્યવસ્થાનો ઉદય થાય એ પણ અશક્ય નથી. પાબ્લો નેરુદાનું વિધાન કવિતાની કક્ષાએ પહોંચે તેવું છે : સફરજનને કાપનારી છરી સફરજનનાં બીયાંને કાપી શકે ખરી? રશિયામાં પણ પુતિન સામે વિચારનારા લોકો છે. પુતિન એમને કચડી શકે, પરંતુ એમના વિચારને કચડી ન શકે. આવું આશ્વાસન ગમી જાય તેવું છે, પરંતુ આશ્વાસન સમસ્યા ઉકેલી ન શકે. રશિયાની મુલાકાતે એક વાર જગતના ગણિતશાસ્ત્રી અને શાંતિવાદી બર્ટ્રાંડ રસેલ ગયેલા. મુલાકાત પછી એમણે પોતાનો પ્રતિભાવ આપ્યો તે પુતિનના રશિયાને સમજવામાં ખપ લાગે તેવો છે. લોર્ડ રસેલના શબ્દો બે વાર વાંચવા જેવા છે : મેં રશિયામાં જેટલો સમય ગાળ્યો તે સતત ઘેરાતું દુ:સ્વપ્ન હતું. હું જેટલો સમય ત્યાં રહ્યો, ત્યારે સતત ભયની લાગણી પ્રબળ બની. ક્રૂરતા, ગરીબી, વહેમ, જુલમ સતત અમારા શ્વાસમાં લેવાતી હવા બની ગયાં! મને લાગ્યું કે મેં માનવીના જીવનમાં જે જે બાબતોને મૂલ્યવાન ગણી હતી, તે બધી બાબતોનો ત્યાં ખાતમો બોલી ગયો હતો. વણકથી વેદનાઓ ત્યાં લાખો માણસોને મારવામાં આવતી હતી અને તે પણ સંકીર્ણ વિચારધારાને નામે! દેશહિતને નામે મોટી મોટી વાતો કરનારા દેશના સામ્યવાદી બિરાદરોને આ શબ્દો અર્પણ કરવા છે. સીતારામ યેચુરી કે ડી. રાજા જેવા સામ્યવાદી નેતાઓ માર્ક્સવાદને નામે લગભગ અભણ માણસોની માફક બકવાસ કરતા જોવા મળે છે. તે સૌ એક એવી વિચારધારાના અંધશ્રદ્ધાળુ અનુયાયીઓ છે કે એમને પોતાના અજ્ઞાનનું પણ અભિમાન રહેતું જણાય છે. મને કદી સમજાતું નથી કે ગાંધીજીની સાથે રહ્યા પછી પણ પંડિતજીને સામ્યવાદ પ્રત્યે આકર્ષણ રહે તેનું રહસ્ય શું? હજી આજે પણ યુદ્ધ જેવી ઘૃણાસ્પદ બાબત પ્રસ્તુત ગણાય એ બાબત મનમાં બેસતી નથી. ગઇ સદીમાં બે-બે વિશ્વયુદ્ધો પછીનો કાટમાળ વેઠી લીધા પછી પણ આજના મનુષ્યને પોરો ખાવાનું મન કેમ નથી થતું? આપણામાં આદિવાસીઓ જેટલી બુદ્ધિ પણ નથી કે શું? એક વાર દૂર દૂર આફ્રિકાના કોઇ જંગલમાં બહારથી આવેલા ‘સભ્ય’(?) લોકોએ યુદ્ધમાં હજારો માણસોની કતલ કરી નાખી. યુદ્ધ પૂરું થયું પછી કોઇ વૃદ્ધ આદિવાસીએ પ્રશ્ન ઉઠાવ્યો : ‘અલ્યા ગાંડાઓ! જો ખાવા ન હતા, તો એમને મારી નાખવાની શી જરૂર હતી?’ આજનો મનુષ્ય ટેક્નોલોજી નામની માતાનો લાડકો ભૂમિપુત્ર છે. માતા સુખની લહાણી કરતી જ જાય છે. આજના માણસ પાસે શું નથી? અશોક જેવા સમ્રાટ પાસે સાઇકલ પણ ન હતી. અકબર પાસે વિદ્યુત પંખો પણ ન હતો. મહારાજા રણજિતસિંહ પાસે તો એનાસિન જેવી પીડાહારક ગોળી પણ ન હતી. પંડિત નેહરુ જેવા વડાપ્રધાન પાસે મોબાઇલ ફોન પણ ન હતો. અરે! મોરારજીભાઇ દેસાઇ પાસે ઝેરોક્ષ મશીન પણ ક્યાં હતું? બધું હોવા છતાં આજના માણસ પાસે સંતોષ નથી અને શાંતિ નથી! ગીતાએ એક જ પ્રશ્નમાં ઘણુંબધું કહી દીધું! કૃષ્ણે અર્જુનને કહ્યું : અશાંતસ્ય કુત: સુખમ્? (સુખ ક્યાંથી અશાંતને?) પુતિન એકવીસમી સદીનો હિટલર ગણાશે. હિટલર પણ હિરણ્યકશિપુનો જ પુનર્જન્મ ન ગણાય? પુતિનનું ભવિષ્ય કેવું હશે? હિટલરે જે બંકરમાં (એની પ્રિયતમા ઇવા સાથે ઉતાવળે લગ્ન કરી લીધાં પછી) આત્મહત્યા કરી હતી તે બંકર મેં બહારથી બર્લિનમાં જોયું છે. સોવિયેટ યુનિયનનું લશ્કર દૂર ન હતું. જે થોડાક કલાકો બચ્યા હતા તેનું વર્ણન જ્હોન ટોલેન્ડના પુસ્તક, ‘એડોલ્ફ હિટલર’ના આધારે મેં કર્યું હતું. એ વર્ણનનો એક અંશ અહીં પ્રસ્તુત છે : ‘અંત સમયે હિટલર અને ઇવા એક ખાટલા પર બેઠાં. ઇવાનું મૃત્યુ પહેલાં થયું. પિસ્તોલના ધડાકાથી મૃત્યુ પામવામાં સફળતા ન મળી તેથી એણે ઝેર પી લીધું. બપોરે લગભગ સાડા ત્રણ વાગે હિટલરે લમણે પિસ્તોલની ગોળી છોડીને પોતાનો અંત આણ્યો. એમ પણ કહેવાય છે કે હિટલરે પોતાના મોંમાં ગોળી છોડીને પોતાનો અંત આણ્યો હતો. બંનેનાં શરીર પર પેટ્રોલ છાંટવામાં આવ્યું અને બંકરમાં જ અગ્નિદાહ દેવામાં આવ્યો.’ હત્યા, હત્યા ને બસ હત્યા જ હત્યા! ‘The Black Book of Communism’માં નોંધાયું છે : ⬛ સોવિયેટ રશિયામાં બે કરોડ સ્ત્રીપુરુષો મર્યાં હતાં. ⬛ ચીનમાં 7 કરોડ માણસોની કતલ થઇ હતી. ⬛ ખેમર રોગ દ્વારા કમ્બોડિયામાં 20 લાખ માણસો મર્યા હતા. ⬛ ઉત્તર કોરિયામાં 20 લાખ માણસો મર્યા હતા. ⬛ દુનિયામાં અન્ય સ્થળોને થયેલાં માનવમૃત્યુ બે કરોડ, પચાસ લાખ. ઉત્ક્રાંતિની આવી અવદશા? માનવતાની આવી વિડંબના? બુદ્ધ અને યુદ્ધમાંથી યુદ્ધની પસંદગી? ઇસુ, મોહંમદ અને ગાંધીને આપણે કેટલી સરળતાથી હરાવી દીધા? શાંતિ આપણું શમણું અને યુદ્ધ આપણી વાસ્તવિકતા છે. યુક્રેનને યુરોપિયન દેશોનો ટેકો છે અને ‘નાટો’ દેશો એને કહી રહ્યા છે : ‘ચડ જા બેટા શૂળી પર!’ ‘શૂળી ઉપર સેજ હમારી’ એવું ભજન મીરાંએ લખ્યું હતું. (લખ્યા તારીખ : 3 માર્ચ, 2022, યુદ્ધનો 8મો દિવસ)⬛ }}} પાઘડીનો વળ છેડે યુદ્ધમાત્રને હું સર્વથા ખરાબ ગણું છું, પરંતુ લડતના બે પક્ષોના આશયોને તપાસીશું તો આપણને માલૂમ પડશે કે એક સાચો છે અને બીજો ખોટો છે. દાખલા તરીકે अ ‘अऍअ’ જો ‘बबब’નો દેશ પચાવી પાડવા માગતો હોય તો ब‘ब’ દેખીતી રીતે જ અન્યાયનો ભોગ બન્યો છે. બંને શસ્ત્રોથી લડે છે. હિંસક યુદ્ધમાં હું માનતો નથી, તેમ છતાં ન્યાયી ધ્યેયવાળો ब बब‘ब’ મારા નૈતિક ટેકાને તથા આશીર્વાદને પાત્ર છે. - ગાંધીજી (‘હરિજન’, જાન્યુઆરી 18, 1942, પાન-4) Blog:http://gunvantshah.wordpress.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.