માનસ દર્શન:શુદ્ધ આહારથી અંત:કરણ પવિત્ર થાય છે

મોરારિબાપુ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુદ્ધ આહાર લેવો એ નિરાહારનું તપ છે. ભૂખ્યા રહેવું એ નિરાહારનું તપ નથી

થામાં યુવાન ભાઈ-બહેનો કેટલીક જિજ્ઞાસા વ્યક્ત કરે છે. કોઈએ લખ્યું છે, ‘બાપુ, અમે પહેલી વાર રૂબરૂ કથા સાંભળી રહ્યાં છીએ. કોલેજ-યુનિવર્સિટીની પરીક્ષાઓને કારણે અમે દરેક કથા નથી સાંભળી શકતા. આ પહેલો અવસર છે કે અમે રૂબરૂ કથા સાંભળી રહ્યાં છીએ. અમને બહુ સારું લાગ્યું. જે અગ્નિની વાત થઈ રહી છે એવો અગ્નિ કોઈ ને કોઈ રૂપમાં અમને જુવાનીમાં સ્પર્શે છે. એવા અગ્નિ અમે પચાવી શકીએ એના માટે કંઈક કહો.’ યુવાનોની વાત છે તો હું કહું. મારાં યુવાન ભાઈ-બહેનો, પાંચ વસ્તુમાં સાવધાન રહીએ તો આ પંચાગ્નિ કંઈ નહીં કરી શકે. આ પંચાગ્નિ જે માણસને ઘેરી લે છે એમાંથી બચવું હોય અથવા તો એને પચાવવો હોય તો પાંચ વસ્તુ સીધીસાદી છે. કોઈ એમ ન સમજે કે આ કેવળ યુવાનો માટે કે કેવળ વિદ્યાર્થીઓ માટે છે. આ મહાન પાઠશાળામાં આપણે બધાં વિદ્યાર્થીઓ છીએ. એક બહુ મોટી પાઠશાળા છે જીવનની, એમાં આપણે બધાં વિદ્યાર્થીઓ છીએ. બાળકો, પાંચ વસ્તુની બાબતમાં તમે જાગૃત રહો. તમારે અમારી જેમ તિલક કરવાની જરૂર નથી; માળા રાખવાની જરૂર નથી; આવા કોઈ ગણવેશ-પોષાક રાખવાની જરૂર નથી; પાદુકા પહેરવાની જરૂર નથી; અંગૂઠા પર ચંદન કરવાની જરૂર નથી; હવન-પૂજા-પાઠ કરવાની જરૂર નથી. હા, દરરોજ ‘રામચરિતમાનસ’ કે ‘ભગવદ્દગીતા’ અથવા તો જે કોઈ ગ્રંથ અનુકૂળ પડે તો એનો પાંચ મિનિટ પાઠ કરો તો ઘણું છે. તમે જીવનને એન્જોય કરો; સારાં કપડાં પહેરો; બધું કરો પરંતુ પાંચ વસ્તુમાં પહેલું સૂત્ર, જ્યાં સુધી બની શકે ત્યાં સુધી તમારા વિચાર શુદ્ધ રાખો. અગ્નિથી બચવાનો પહેલો ઉપાય. વિચાર તો આવશે. આપણે નિર્વિચાર નથી થઈ શકતા. તો શુભ વિચાર હોય. વિચારોને શુદ્ધ રાખવા બહુ મુશ્કેલ છે, પરંતુ જાગૃતિથી આપણે થોડું કરી શકીએ છીએ. વિચાર શુદ્ધ રાખો. થોડો પ્રયોગ કરવો. મચ્છર આવશે; ગુડનાઈટ જલાવો, મચ્છરદાની રાખો અથવા તો તમારું શરીર એવું બનાવો કે મચ્છર કરડે જ નહીં. મચ્છર આવે છે તો આપણે ઉપાય કરીએ છીએ કે મચ્છર ન આવે, પરંતુ એ આવે છે. અસત્ય વિચાર આવે છે; દુર્બળ વિચાર આવે છે; અંધારાના વિચાર આવે છે એટલા માટે ઉપનિષદોએ કહ્યું, ‘અસતો મા સદ્ગમય.’ અમને અસત્યમાંથી સત્ય તરફ લઈ જાઓ. ‘તમસો મા જ્યોતિર્ગમય.’ આપણે પ્રયાસ કરી શકીએ છીએ. જીવનમાં આવનારા પંચાગ્નિમાંથી મુક્ત થવું હોય તો વિચારને શુભ રાખો. અભ્યાસ કરવાથી ફાયદો થાય છે, એવો મહાપુરુષોનો અનુભવ છે. બીજું, કેટલાંક લોકોના વિચાર શુદ્ધ હોય છે પરંતુ વિચાર પ્રસ્તુત કરવાની પદ્ધતિ શુદ્ધ નથી હોતી; પોતાના વિચાર પ્રસ્તુત કરવાની પદ્ધતિ કટુ હોય છે. ઘણાં લોકો અંદરથી તો શુદ્ધ હોય છે પરંતુ બોલે છે તો જાણે પથ્થર પડે છે! કટુ સત્ય હોય છે. એટલા માટે હું યુવાન ભાઈ-બહેનોને કહેવા માગું છું કે વિચાર શુભ રાખો અને આપણા ઉચ્ચાર, એ વિચારને પ્રસ્તુત કરવાની પદ્ધતિ પણ શુદ્ધ રાખો. આપણે કટુ સત્ય બોલીએ છીએ. શાસ્ત્ર એની મનાઈ કરે છે. ‘પ્રિયં બ્રૂયાત્. સત્યં બ્રૂયાત્. સત્યં પ્રિયં હિતં ચ.’ માણસના વિચારો બહુ સારા હોય છે પરંતુ તેની બોલી ઘણી વખત કટુ હોય છે. સત્યની પ્રસ્તુતિ મધુર હોવી જોઈએ. આપણે સિદ્ધાંત બનાવી લીધો કે અમે સાચા છીએ એટલે કડવા છીએ. એ રીતે આપણો એક બચાવ કરી લીધો! હું કટુ સત્યના પક્ષમાં નથી. સત્ય કડવું હોય છે, એની સાથે હું સહમત નથી. ઉચ્ચાર બદલો. કર્કશ બોલીમાંથી બહાર આવો. ઉચ્ચારની શુદ્ધિ રાખો. ત્રીજું સૂત્ર છે, આહાર શુદ્ધ રાખવો. આપણું ખાવું-પીવું શુદ્ધ રહે. તમારી કંપની, તમારી સોબત સારી રહે. આજનું જે કલ્ચર છે એ મુજબ તમારી કંપની તમને કહેશે કે આ ખાવામાં શું તકલીફ છે? આખી દુનિયા ખાય છે. નકારાત્મક વિચાર આટલા બળવત્તર હોય તો હકારાત્મક વિચાર શું કમજોર હશે? પ્રેમથી મેં હા કહી દીધી, પરંતુ એણે ન પીધી. ધીમેધીમે છોડો. આહાર શુદ્ધ રાખો. શાસ્ત્રોમાં લખ્યું છે, જેનો આહાર શુદ્ધ હોય છે એમની સત્ત્વશુદ્ધિ થાય છે; શુદ્ધ અંત:કરણ પવિત્ર થાય છે. શુદ્ધ આહાર લેવો એ નિરાહારનું તપ છે. ભૂખ્યા રહેવું એ નિરાહારનું તપ નથી. આહાર શુદ્ધ હોવો જોઈએ. ચોથું સૂત્ર છે, વ્યક્તિ-વ્યક્તિ સાથે પરસ્પર શુદ્ધ વ્યવહાર રાખો. એમાં કોઈ તિલક કરવાની જરૂર નથી; માળા ફેરવવાની જરૂર નથી; ધ્યાન કરવાની જરૂર નથી. કોઈ વિશેષ વાત નથી. મિત્ર, ભાઈ-બહેન કોઈ પણ રસ્તામાં મળે એમની સાથે આપણો વ્યવહાર શુદ્ધ રહેવો જોઈએ. પરસ્પર જે એક રીતભાત હોય છે એ પ્રેમપૂર્ણ રહે. પરસ્પર વ્યવહાર સત્ત્વપૂર્ણ અને શુદ્ધ રહે. મજાક પણ એવી ન કરો કે એમાં ક્યાંય વિકારનો સંકેત હોય. પાંચમું અને અંતિમ સૂત્ર; આપણે ચોવીસ કલાક પરસ્પર વ્યવહારમાં નથી રહેતા. રાતે કે સૂતી વખતે અથવા તો સમય આવે ત્યારે આપણે એકલાં થઈ જઈએ છીએ. આપણે એકલાં થવું જોઈએ. એના માટે હું શબ્દ યૂઝ કરું છું ‘વિહાર.’ વિહાર એકલા થવો જોઈએ; વ્યવહાર પરસ્પર હોય છે. બની શકે તો આહાર સમૂહમાં કરો. સૌનું શુભ થાય એવા ઉચ્ચાર કરો અને વિચારો ‘સર્વે ભવન્તુ સુખિન:’ વિહાર આપણું એકાંત. કસોટી તો એકાંતમાં થાય છે. વિચાર શુદ્ધ હોય; સમ્યક હોય. નાચો, ગાઓ, ઝૂમો. હું બધી છૂટ આપું છું. સારાં કપડાં પહેરો. સારાં ઘરેણાં પહેરો. પરંતુ વ્યક્તિગત વ્યવહાર શુદ્ધ રહે. ઉચ્ચાર સારા રાખો; આહાર સારો રાખો; પરસ્પર વ્યવહાર સારો રાખો; વ્યક્તિગત વિહાર સારો રાખો. અગ્નિ પચી જશે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...