તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અસાંજો કચ્છ:પ્રોક્સી યુદ્ધે સીમા સુરક્ષાના પરિમાણ બદલી નાખ્યાં છે

કીર્તિ ખત્રી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ’65ના ડિસેમ્બરમાં સીમા સુરક્ષા દળની રચના કેન્દ્રીય ગૃહખાતાંઅે કરી. અેની બટાલિયન નં-1 કચ્છમાં તૈનાત થઇ

ભારત સરકારે અાઝાદી પછી કાશ્મીર જેવા અતિ સંવેદનશીલ વિસ્તારને બાદ કરતાં પાકિસ્તાન સાથેની સરહદો પર સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું ગંભીરતાથી વિચાર્યું જ નહોતું. ગુજરાતમાં રણ સરહદે રાજ્ય અનામત દળ (અેસ.અાર.પી.)ની ટુકડીઅો છાડબેટ કે વીઘાકોટ જેવા બેટ વિસ્તારમાં રહેતી, પણ સરહદો મહદ્દંંશે ઢીલી અને લગભગ ખુલ્લી કહી શકાય અેવી જ હતી. પરિણામે લખપત, ખાવડા, બેલા અને સૂઇ ગામ સહિતના રણ કાંધીના વિસ્તારોમાં લોકો અને માલની હેરફેર ચાલુ જ રહી હતી. અરે! લગ્નોની જાન સુધ્ધાં સિંધ જતી ને ત્યાંથી અાવતી રહેતી. અાઝાદી પછી અેક દુકાળમાં લખપત તાલુકાનું આખું સરહદી ગામ ઢોરઢાંખર અને ઘરવખરી સાથે પાકિસ્તાન હિજરત કરી ગયું હતું, પણ ત્યાં મેળ ન પડ્યો તેથી રણમાર્ગે વતન વાપસી કરતી વખતે પોલીસના હાથે ઝડપાઇ ગયા. સ્થાનિક અખબારના તા. 20-10-1954ના અંકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર જત સમાજના 427 અબાલ-વૃદ્ધો, 450 ભેંસ, 59 ગાય અને રાચરચીલાથી લાદેલા 10 ઊંટનો કાફલો હતો. સિંધમાંથી મુસ્લિમોની વળતી હિજરતનો આ અનોખો કિસ્સો છે. વાગડની વાત કરીએ તો બેલા ગામની બજાર તો અાઝાદી પછી પણ સિંધના માલથી ધમધમતી રહેતી. છતાં 60ના દાયકામાં રણમાં પાકિસ્તાન લશ્કરી તૈયારી કરી રહ્યું હોય અેવું જણાયું ત્યારે રાપરના વેપારીઅોઅે વડાપ્રધાનને પત્ર લખીને અે પ્રત્યે ધ્યાન દોરી પગલાં લેવાની હાકલ કરી હતી. પણ સઘન પગલાં લેવાય અે પહેલાં પાકિસ્તાને 1965ના અેપ્રિલ મહિનામાં રણ પર અાક્રમણ કર્યું અને અોગસ્ટ મહિનામાં પૂર્ણ કક્ષાનું યુદ્ધ ભારત સામે છેડ્યું ત્યારે તેના નાપાક ઇરાદાનાે પર્દાફાશ થયો. પરિણામે ’65ના ડિસેમ્બરમાં સીમા સુરક્ષા દળની રચના કેન્દ્રીય ગૃહખાતાઅે કરી. અેની બટાલિયન નં-1 કચ્છમાં તૈનાત થઇ, પણ હજુ સીમા સુરક્ષા દળ દેશની તમામ સીમાઅો પર અસરકારક બંદોબસ્ત ગોઠવે અે પહેલાં જ ’71માં પાકિસ્તાને અેક વધુ યુદ્ધ ભારત પર થોપી દીધું. જોકે અેમાં અેની નામોશીભરી હાર થઇ. ભારત જીત્યું, પાકિસ્તાનના ટુકડા થયા અને નવા રાષ્ટ્ર બાંગ્લાદેશનો ઉદય થયો. પાકિસ્તાનના લશ્કરી શાસક બનેલા જનરલ ઝિયા અને ખુફિયા અેજન્સી અાઇ.અેસ.અાઇ.અે વિચાર્યું કે ભારત સામે યુદ્ધ જીતવું અસંભવ હોવાથી અાડકતરા અેટલે કે પ્રોક્સી યુદ્ધનો વ્યૂહ અપનાવીઅે. અા વ્યૂહ ભારતમાંના અલગતાવાદી તત્વોને શસ્ત્રો અને નાણાં અાપીને ભાંગફોડ-અાતંક ફેલાવવાનો હતો. 80ના દાયકામાં અા વ્યૂહના ભાગરૂપે ચરસ, ગાંજો કે હેરોઇન ભારત અને ત્યાંથી યુરોપ કે અમેરિકા ભણી ધકેલી તેના વેચાણથી મળતા અઢળક નાણાંનો ઉપયોગ શરૂઅાતમાં ખાલિસ્તાની ચળવળ અને તે પછી કાશ્મીરમાંની અલગતાવાદી પ્રવૃત્તિમાં થવા લાગ્યો. પાછળથી અા પદ્ધતિ નાર્કોટેરરિઝમ નામે અોળખાવા લાગી. પંજાબની ખાલિસ્તાની ચળવળની પરાકાષ્ઠાઅે 84માં વડાપ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા થઇ, પણ ખાલિસ્તાની ચળવળને પંજાબની પ્રજાનો સહકાર ન મળતાં તેનો અંત અાવ્યો. અે જ અરસામાં સાઉદી અરેબિયાની સીધી મદદ અને અમેરિકાની ભૂલભરેલી રીતરસમોઅે પાક કબજા હેઠળના કાશ્મીરમાં અાતંકવાદી તાલીમ છાવણીઅો ધમધમવા લાગી અને બોંબધડાકાઅોની વણજાર સર્જાઇ. મુદ્દો પ્રોક્ષીયુદ્ધને પગલે સરહદી સુરક્ષાના સતત બદલાતા રહેતા પરિમાણોનો છે. સીમા સુરક્ષા દળની રચના વખતે તેનો મુખ્ય ઉદેશ ગેરકાયદે અવરજવર, અાપણા વિસ્તારોમાં ઘૂસણખોરી કરીને જમીન પચાવી પાડવાની નાપાક પ્રવૃતિ કે દાણચોરી રોકવાનો હતો, પણ પ્રોક્ષીયુદ્ધમાં પાડોશી દેશ શસ્ત્રો, અાતંકીઅો અને સ્ફોટક પદાર્થો ઘુસાડતો હોવાથી સરહદી સલામતીમાં ગાબડું રહી જાય તો ભારે પડે. તેથી જ કાશ્મીર અને પંજાબ સરહદ સીલ કરવાની નેમ સાથે બોર્ડર ફેન્સિંગ જરૂરી બન્યું. પંજાબ-કાશ્મીર સરહદે જાપ્તો કડક બનતાં રાજસ્થાન અને ગુજરાત સરહદેથી પાકિસ્તાને શસ્ત્રો અને અાતંકીઅોને ઘૂસાડવા માંડ્યા. અેટલે ભારતે અબજો રૂપિયાના ખર્ચે કાશ્મીરથી કચ્છ સુધીની ભૂમિ સરહદે રોડ કમ બોર્ડર ફેન્સિંગ વ્યવસ્થા ઊભી કરવા કમર કસવી પડી. ’80થી 2020 સુધીના ચાર દાયકા દરમિયાન વિજ્ઞાન અને ટેક્નોલોજીની અાગેકૂચ અનુસાર સુરક્ષા વ્યવસ્થામાં બંને દેશો સુધારાવધારા કરતા રહ્યા છે. પંજાબ સરહદે ડ્રોનની મદદથી શસ્ત્રો ઘુસાડવાની નાપાક કોશિશ પાડોશી દેશ અવારનવાર કરે છે. છેલ્લા કેટલાક સમયથી ભૂમિ સરહદે સલામતી જડબેસલાક બનતા કચ્છની નિર્જન અને સૂની અેવી છેવાડાની ક્રીક સરહદો અને દરિયાઇ સીમાનો વધુ ઉપયોગ પાડોશી કાવતરાંબાજો કરવા માંડ્યા છે. તેથી ક્રીક અને દરિયા સીમા વધુ સંવેદનશીલ અને જોખમી બની છે.’93માં દેશભરને હચમચાવી ગયેલા મુંબઇ બોંબ ધડાકાથી માંડીને તે પછી થયેલા ધડાકાઅોમાં વપરાયેલો સ્ફોટક પદાર્થ અને અાતંકીઅોની હેરફેર કચ્છની દરિયાઇ સરહદેથી થઇ છે. સરહદો તો અાખા દેશની સંવેદનશીલ બની ગઇ છે, કારણ કે કોઇ પણ સીમાઅેથી સ્ફોટક પદાર્થ, શસ્ત્રો, અાતંકી ઘુસાડવાની નાપાક પેરવી ખુફિયા અેજન્સી કરતી રહે છે. ’80ના અારંભે પ્રોક્ષીયુદ્ધની નાપાક શતરંજનો ખેલ શરૂ થયાે ત્યારે કચ્છ પર પણ ડોળો હતો અેની વિગતે વાત હવે પછી. ⬛kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો