હસાયરામ:ભાવ અને તાલ

3 મહિનો પહેલાલેખક: સાંઈરામ દવે
  • કૉપી લિંક

કારકિર્દી બનાવવામાં જેટલી તકલીફ પડે છે તેનાથી એક લાખ ગણી પીડા તેને જાળવવામાં થતી હોય છે. 1996-97ની સાલમાં મારા વિઝિટિંગ કાર્ડનો ઉપયોગ લોકો જમ્યા પછી દાંત ખોતરવા માટે વધુ કરતા હતા. મને કોઈ પ્રોગ્રામ માટે ત્યારે બોલાવતા નહોતા. મારા જિગરજાન મિત્રો અને ગુરુજનોએ પ્રોગ્રામ ઊભા કરવા પડતા હતા. ઊભા કરાયેલા આ કાર્યક્રમો ચોવીસ કલાકમાં બેસી જતા હતા. જે લોકો એ સમયે મારા પ્રોગ્રામ નક્કી કરતા એ ચાર્જ નહોતા પૂછતા, તો વળી જે ચાર્જ પૂછતા એ પ્રોગ્રામ ફિક્સ નહોતા કરતા. જોકે આયોજકોની ઉપર્યુક્ત બંને પ્રજાતિ છેલ્લાં છવીસ વર્ષમાં લગભગ દરેક જિલ્લા-રાજ્ય અને દેશમાં અવશ્ય મળી રહે છે. 251 રૂપિયાના ચાર્જથી શરૂ કરી ત્રણેક વર્ષના ઉજાગરા બાદ મેં મારો ચાર્જ 2500 સુધી પહોંચાડેલો. ત્યારે એક આયોજકે મને ફોનમાં ભાવ પૂછ્યા બાદ મોઢામોઢ સંભળાવેલું,‘તમે તો જે. સી. બી. કરતા પણ મોંઘા છો!’ હવે તેને કેમ સમજાવું કે જે. સી. બી. જમીન ખોદે છે જ્યારે અમે લોકોની ખોદાયેલી પીડા પર હાસ્યનો શીતળ લેપ કરીએ છીએ. એક ભાઈએ મને કહેલું,‘હાસ્ય કલાકાર તરીકે તમારો ‘ચાર્જ’ રોવડાવી દે એવો છે!’ હવે એને કેમ સમજાવું કે ગામને હસાવવા માટે કલાકારને અંગત જીવનમાં કેટલાં આંસુ સારવા પડ્યા હોય છે. એક આયોજકને ફોનમાં મેં 2000ની સાલમાં 2500 રૂપિયા ચાર્જ કહ્યો ત્યારે એને કહેલું કે,‘2500માં તો ચાર આવે!’ મને સમજાયું જ નહીં. ત્યારે એને ફોડ પાડી, ‘મારું ટોટલ બજેટ 2500નું છે અને એમાં મારે તમારા જેવા ટોટલ ચાર કલાકાર બુક કરવાના છે!’ (અહીંયા તમારા જેવા શબ્દનો ત્યારે મેં સારો અર્થગ્રહણ કર્યો હતો) અમુક આયોજકો ‘શૂરા બોલ્યા ન ફરે’ એવા હતા. એમણે બે વરસ પહેલાં જે ભાવ આપ્યો હોય એ જ ભાવ તે આજીવન આપવા માગતા હતા. ‘કેમ આટલા બધા વધારે? તમારે ક્યાં જોક્સ ઘરમાં પડે છે?’ આવું કહીને ઘણા આયોજકો મને ફોનમાં ખખડાવી નાખતા. એ મિત્રોની વાત એક અંશે સાવ સાચી હતી કે ત્રીસ રૂપિયાનો એક જોક ઘરમાં પડતો હોત તો તેનો ભાવ-તાલ કરાય! કોઈ પણ કલાકાર તેની જુવાન રાતો હોમીને વ્યવસાય રૂપે (બેશક હવે તો તગડો) પુરસ્કાર લે છે. પણ તેની પાછળ તેના શરીરનો શ્રમ, ટ્રાવેલિંગનો થાક અને સ્વજનોના સમયનો ભોગ લેવાઇ જાય છે. એ વાત તરફ શ્રોતાઓની નજર કેમ જતી નહીં હોય? હેલોઝનના અજવાળામાં પહેરેલી કલાકારની મસ્ત શેરવાની લોકોને દેખાય છે પણ તેની અંદર થતી પરસેવાની ગૂંગળામણનું શું? મનથી વ્યથિત હોવા છતાં પડદો ખૂલ્યા પછી ફરજિયાત વહેંચવા પડતા સ્માઈલનું શું? ઘણીવાર તો આઠેક કલાકની જર્ની કરીને પ્રોગ્રામ કરવા જતા અને લોકો બહુ કાંઈ સાંભળતા પણ નહીં. ત્યારે કલાના નહીં પલાના પૈસા મળતા. (પલો = રસ્તો) કનુભાઈ કરકર નામના પ્રોફેસર મને અમરેલીના આજુબાજુના કેટલાય દા’ડાના કાર્યક્રમો(મૃત્યુના ભજન)માં પોતાના રાજદૂત પર લઈ જતા. જ્યારે બીજા એક પ્રોફેસરે બધા વિદ્યાર્થી વચ્ચે મારી ખિલ્લી ઉડાવેલી, ‘પ્રશાંત, નકરા ભજનને રવાડે ન ચડતો. ભણવામાં ધ્યાન દેજે! નહીંતર તું જે વગાડે છે એ પેટી(હાર્મોનિયમ) ગળામાં નાખીને ભીખ માગવી પડશે!’ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડામાં લાંબા વાળવાળા એ પ્રોફેસરે મને જે વેણ કહ્યાં તેણે મને આખી રાત જગાડ્યો હતો. બસ તે દિવસે મનની ગાંઠ પર દૃઢ સંકલ્પનું ફેવિક્વિક ચોંટાડેલું કે આ સાહેબને બતાવી દેવા એકવાર સફળ તો થવું જ પડશે! મારા એ પ્રોફેસર લાંબા વાળ રાખતા હતા. બસ 1997થી મેં પણ એ સાહેબ જેવા લાંબા વાળ રાખ્યા છે. જેથી મને પળેપળ એ ક્ષણનું સ્મરણ રહે કે મારે સફળ થવાનું છે નહીંતર એ લાંબા વાળવાળા સાહેબની આગાહી સાચી થશે! (જોકે અહીં વાળને સફળતા સાથે પૂર્વાપર સંબંધ સ્થાપવાનો લેખકનો કશો ઈરાદો નથી. ટકલા અને ટાલિયા પણ સફળ છે જ!) આજે સફળતાયુક્ત અને વ્યસનમુક્ત કારકિર્દીમાં મારા સારા અને નબળા બંને પ્રકારના શિક્ષકોનો સિંહફાળો છે. જોકે, ગુજરાતી ભાષામાં ‘સિંહફાળો’ શબ્દ મને કદી સમજાતો નથી. કારણ કે સિંહ કદી ફાળો માગતો કે આપતો પણ નથી. 1997થી 2003 સુધીના સમયમાં ગોંડલના ઘરે લેન્ડલાઈન નંબર હતો. આખી રાત પ્રોગ્રામ કરીને સવારે કન્યાશાળા નંબર પાંચમા નોકરી કરતો થાકીને ટેં થઈને બપોરે સૂતો હોઉં ત્યાં લેન્ડલાઈન ફોન રણકતો. ઘોર નીંદરમાંથી પ્રોગ્રામની આશા સાથે ફોન ઉપાડતો ત્યારે સામેવાળા પૂછતા કે વસંત-પરેશ બંધુ અથવા ધીરુભાઈ સરવૈયાના નંબર આપો. ભયંકર થાકને લીધે આવા ફોનથી ગુસ્સો ચડતો પણ જીભથી નીકળતો નહીં. (જોકે આ સુટેવ મેં આજીવન જાળવી છે, મારા અંગત ધોખા હું મંચ પર નથી કરતો. ફરિયાદ માટે મેં મારા ઘરમાં મોટો અરીસો રાખ્યો છે.) કોઈ પણ કલાકારના નંબર આપવામાં મેં કદી દિલદગડાઇ નથી કરી. કારણ કે મને એમ હતું કે હું કોઈના નંબર આપીશ તો જ કોઈ મારા આપશેને! પણ ભરબપોરે ઉજાગરાની ઊંઘ બ્રેક કરીને કોઈના નંબર આપવામાં બળ પડતું. પછી મનમાં થતું કે મોટા કલાકારનું હાલશે તો કો’ક દિવસ આપણો પણ વારો આવશેને! અમુક તો ચાર્જ ઉપરથી અમારી કિંમત અને સફળતાનું મૂલ્યાંકન કરતા હોય છે. જે સિલસિલો છવીસ વર્ષથી અકબંધ છે. ‘અમારા ગામમાં લોકો તો બીજા કલાકારનું કહેતા હતા, પણ મારો આગ્રહ છે કે તમે જ આવો, એટલે થોડા રૂપિયા ઓછા કરો!’ આવા રૂપાળા બહાના તળે કેટલાયે સાવ મંજીરાવાદકના ચાર્જમાં મુખ્ય કલાકારને સાંભળી લીધા છે. મારા એક સાથી કલાકાર મિત્રનો નિયમ એવો હતો કે તેને કોઈ પણ ફોન આવે એટલે તે ચાર્જ કહે, ‘આમ તો મારો ચાર્જ દસ હજાર છે પણ તમે ફોન મૂકતા નહીં...!’ પરિણામે એ ઓછી આવડત હોવા છતાં વધુ કાર્યક્રમ કરતા અને મારામાં હજુ એ આવડત તો નથી જ. તો’ય આપણા બેંકના હપ્તા આરામથી ભરાય છે...! બીજું શું જોઈએ? કલાકારોની કલાના ભાવ કરતાં તેના હૃદયના ભાવ દર્શકોને કેમ નથી દેખાતા? ભાવ અને તાલને કશું સગપણ હશે? રામ જાણે..! ⬛ }}} હાયરામ પગમાં ચડે એવી ખાલી હૃદયમાં ચડતી હશે? sairamdave@gmail.com

અન્ય સમાચારો પણ છે...