રણમાં ખીલ્યું ગુલાબ:પ્રેમ કે બસ મેં સબ હૈ, બસ સબ કે બસ મેં પ્રેમ નહીં

ડૉ. શરદ ઠાકર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જ્યારે રોજનો સંપર્ક હતો ત્યારે પ્રેમીનું મૂલ્ય સમજાયું ન હતું. કદાચ આર્ણવના પાંચ-સાત સ્વભાવગત દોષો એને પહાડ જેવડા મોટા લાગ્યા હોઈ શકે, પણ લગ્ન કર્યાં પછી, એક સામાન્ય બુદ્ધિ-કક્ષાવાળા પુરુષની સાથે રહ્યા પછી એને સમજાયું કે આર્ણવ શું હતો!

સાડા ચાર વર્ષના ગાઢ પ્રણયસંબંધ પછી અચાનક એક દિવસ રિવાયત રાવલે આર્ણવને કહી દીધું, ‘આજ પછી આપણે ક્યારેય નહીં મળીએ. વાત પણ નહીં કરીએ. આપણા રસ્તાઓ જુદા પડે છે. મને ભૂલી જજો.’ આર્ણવના માથાં પર જાણે પ્રચંડ કડાકા સાથે આસમાન તૂટી પડ્યું! રિવાયત વિનાની જિંદગીની એણે ક્યારેય કલ્પના પણ કરી ન હતી, તો એવી જિંદગીનો સ્વીકાર એ કેવી રીતે કરી શકે?! એ પછીની વાતચીત ટૂંકી રહી. આર્ણવ કારણ પૂછતો રહ્યો, પૂછતો રહ્યો, રડતો રહ્યો અને રિવાયતને મનાવતો રહ્યો. રિવાયત પાસે માત્ર એક જ જવાબ હતો, ‘મારા પપ્પા કહે છે કે તું સારો માણસ નથી. મારે પપ્પાની સાથે સંબંધો જાળવવા હોય તો એમનું કહેવું માનવું જ પડે.’ ‘એટલે મારી સાથેનો સંબંધ આમ એકઝાટકે તોડી નાખવાનો? તારા પપ્પાને ભલે હું સારો માણસ નહીં લાગતો હોઉં, પણ તારો પોતાનો અભિપ્રાય કેવો છે મારા વિશે ઈ કહે ને! સાડા ચાર વર્ષમાં મેં તને કેટલો બધો ક્વોલિટી ટાઈમ આપ્યો, તને રોજ કેટલું બધું હસાવી, કેટલી રોમેન્ટિક વાતો કરી, તારી સાથે વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ, કવિતાઓ, ઉર્દૂ-ગુજરાતી ગઝલો, ફિલ્મો, સ્પોર્ટ્સ, રાજકારણ, ધર્મ, અધ્યાત્મ, ગીત-સંગીત આ બધાં વિશે ચર્ચાઓ કરીને તને જ્ઞાનસમૃદ્ધ કરી અને ક્યારેય તને દુઃખી ન કરી. આટલું બધું કર્યા પછી તું...?’ બોલતાં બોલતાં આર્ણવ રડી પડ્યો. એક પુરુષ જ્યારે રડે છે ત્યારે એક આખેઆખો પહાડ ખળભળે છે; મરદના આંસુ ક્યારેય મગરના આંસુ નથી હોતાં, પણ આર્ણવના આંસુ રિવાયતનાં નિર્ણયને બદલવા માટે અપૂરતાં સાબિત થયાં. આર્ણવ એ પછી ડિપ્રેશનમાં સરી પડ્યો. એને રિવાયત ખૂબ ગમતી હતી. રિવાયત હતી પણ ગમી જાય તેવી. મધ્યમ ઊંચાઈ, પાતળી કમનીય કાયા, ચરબીના એક પણ કણ વગરનો દેહ, તેમ છતાં શરીર હર્યું-ભર્યું લાગે. રૂપાળો લંબગોળ ચહેરો, નમણું નાક, પાણીદાર આંખો અને એ આંખોમાં યુવાની સુધી સચવાયેલું ભોળપણ નાક, કાન, ડોકમાં ઓછામાં ઓછા આભૂષણો, ચહેરા પર આછો સરખોયે મેકઅપ નહીં, મીઠો અવાજ. આર્ણવ પ્રેમિકાની સામે ટગર-ટગર જોયા કરતો અને કહેતો, ‘તારા હોઠ મધુર છે, આંખો મધુર છે, ચહેરો, સ્મિત... બધું જ મધુર છે. મને લાગે છે કે પેલા મધુરાષ્ટકની રચના તારા માટે જ થઇ હશે.’ રિવાયતને આવું બધું સાંભળવું ગમતું હતું અને પછી અચાનક આર્ણવ પૂછી બેસતો, ‘રિવા, મને વચન આપ; ફક્ત આ એક જ જન્મ માટે નહીં, પણ આવનારા ચોર્યાશી લાખ જન્મો સુધી તું મારી જીવનસંગિની બનીશ.’ જવાબમાં રિવાયત પોતાની ગુલાબી ઝાંયવાળી પલકો ઝુકાવી દેતી અને ધીમા સ્વરમાં બોલી જતી, ‘હા, આર્ણવ. હું જન્મોજન્મ તારી જ રહીશ.’ પછી અચાનક શું થયું કે રિવાયત એનાં પપ્પાની વાતમાં આવી ગઈ. માતા-પિતાની કે અન્ય પરિવારજનોની નારાજગી સપનાંના મહેલ પર કાંકરીચાળો જરૂર કરી શકે, પણ એનાથી કંઈ આખેઆખો મહેલ ધરાશાયી ન થઇ જાય. આર્ણવે ચણેલો મહેલ ધરાશાયી થઇ ગયો. એણે લાખ કોશિશો કરી, પણ સંબંધમાં ખટાશ ભળી ચૂકી હતી. આર્ણવ ડિપ્રેશનનો શિકાર થઇ ગયો. બંને વચ્ચેનો સંપર્ક-સેતુ તૂટી ગયો. રિવાયત પરણી ગઈ. એક સાવ સૂકલકડી, સાધારણ દેખાવના, સામાન્ય શિક્ષણ પામેલા બેકાર પુરુષની સાથે એણે જિંદગી જોડી દીધી. એ પુરુષની કઈ ક્વોલિટીથી એ અંજાઈ ગઈ હશે એ માત્ર રિવાયત જ જાણે. હકીકત એ હતી કે આર્ણવ જેવા રાજહંસને છોડીને એક કાગડાને એણે પતિ તરીકે સ્વીકારી લીધો હતો. આ વાતને ઘણાં વર્ષો થઇ ગયાં. સમય બદલાયો, વિજ્ઞાને પ્રગતિ સાધી, ટેક્નોલોજીએ હરણફાળ ભરી લીધી. એકથી એક ચડિયાતા સ્માર્ટફોન બજારમાં આવી ગયા. સોશિયલ મીડિયાના કારણે દુનિયા એક ખોબા જેવડી બની ગઈ. ત્રીસ-ચાળીસ વર્ષ પુરાણા મિત્રો, જેઓ આ અફાટ વિશ્વમાં ક્યાંક ખોવાઈ ગયા હતા એ બધાં હવે અંગૂઠાની એક ‘ક્લિક’ માત્રથી મળી જવા લાગ્યા. રિવાયતને લગ્ન કર્યાં પછી આર્ણવ તીવ્રતાથી યાદ આવી રહ્યો હતો. જ્યારે રોજનો સંપર્ક હતો ત્યારે પ્રેમીનું મૂલ્ય સમજાયું ન હતું. કદાચ આર્ણવના પાંચ-સાત સ્વભાવગત દોષો એને પહાડ જેવડા મોટા લાગ્યા હોઈ શકે, પણ લગ્ન કર્યાં પછી, એક સામાન્ય બુદ્ધિ-કક્ષાવાળા પુરુષની સાથે રહ્યા પછી એને સમજાયું કે આર્ણવ શું હતો! એક રોમેન્ટિક પુરુષના ગળામાંથી ખરજના અવાજમાં સરતી ગઝલો અને સ્વરપેટીમાંથી સરતી પોતાનાં રૂપની પ્રશસ્તિનું મૂલ્ય હવે એને સમજાઈ રહ્યું હતું. સંસારમાં ખખડતાં રહેતાં વાસણોના કર્કશ ઘોંઘાટની વચ્ચે જીવીને રિવાયત પોતાના કાનમાં ઠલવાતા મીઠા મધના ઘડા જેવા સ્વરને સાંભળવા માટે તડપતી રહેતી હતી, પણ ત્યારે સમય જુદો હતો. આર્ણવનું શું થયું, એ ક્યાં છે, એણે લગ્ન કર્યા કે નહીં આ બધું જાણવા માટે એની પાસે એક પણ બારી ઉઘાડી ન હતી. હવે રિવાયતને સમજાઈ રહ્યું હતું કે એણે શું ગુમાવ્યું હતું. એણે જોયેલા તમામ પુરુષોમાં સૌથી શ્રેષ્ઠ, રોમેન્ટિક, બૌદ્ધિક પુરુષ તો આર્ણવ હતો. હવે રિવાયતને ‘બૌદ્ધિક’ અને ‘બુદ્ધિશાળી’ વચ્ચેનો ફરક સમજાઈ ગયો હતો. રિવાયત એનાં ભૂતકાલીન પ્રેમીને શોધવા માટે તડપી ઊઠી. ક્યાંક એ મળી આવે તો પોતે એને રૂબરૂ મળી શકે, ફરી એક વાર એની ઘેઘૂર આંખોમાંથી છલકાતા રોમાન્સને ઝીલી લે, આયખાભરનો ઝૂરાપો વેઠ્યાં પછી થોડીક મિનિટ્સનું સુખ અનુભવી શકે; આવા વિચારથી એણે ગૂગલ સર્ચ કરવાનું શરૂ કર્યું. ભારતમાં તો ક્યાંય આર્ણવની ભાળ ન મળી. યુ. એસ. એ.માં ત્રણેક આર્ણવ મળી આવ્યા. રિવાયતે સંપર્ક સાધ્યો, ત્રણેય રોંગ નંબર્સ નીકળ્યા. એ લોકો આર્ણવ જરૂર હતા, પણ એ બધાની સરનેમ જુદી હતી. એક પણ આર્ણવ આચાર્ય ન હતો. અચાનક રિવાયતનાં દિમાગમાં ઝબકારો થયો : ‘વિદેશોમાં પ્રથમ નામથી ભાગ્યે જ કોઈ ઓળખાય છે. લાવ, ‘આર્ણવ આચાર્ય’ થી ટ્રાય કરું.’ પહેલા ઘાએ જ સફળતા મળી ગઈ. સ્ક્રીન પર નામ ઝબક્યું : મિ. એ. આર. આચાર્ય, સેન ફ્રાન્સિસ્કો... આગળ સરનામું, ગૂગલ મેપ, કોન્ટેક્ટ નંબર વગેરે વંચાતું હતું. રિવાયતે ઘડિયાળમાં જોઇને સમયનો અંદાજ કાઢીને મોબાઈલ ફોન પર આર્ણવનો નંબર જોડ્યો. શ્વાસ થંભાવીને એ રાહ જોતી રહી કે ક્યારે આર્ણવ ફોન રિસિવ કરે છે. વોઈસ કોલ કર્યો હતો. થોડી જ વારમાં સામે છેડે એક પૌરુષી સ્વર સંભળાયો, ‘આચાર્ય સ્પીકિંગ. હુ ઈઝ ઇટ ઓન ધ અધર એન્ડ?’ રિવાયતની છાતી એક ધબકાર ચૂકી ગઈ. એ બોલી ઊઠી, ‘એ જ અવાજ. હું તને ઓળખી ગઈ, આર્ણવ. મને માફ કરી દે. હું તારા પ્રેમને ઓળખી ન શકી. આઈ હેવ બીન મિસિંગ યુ હેવીલી ઓલ ધીઝ યર્સ... આર્ણવ...’ એ એકશ્વાસે બોલતી રહી, બોલતી જ રહી; જ્યારે થાકી ત્યારે આટલું પૂછીને અટકી, ‘તારી વાત સંભળાવ. તું કેમ છો, આર્ણવ?’ છાતીનાં પાટિયાં ભીંસી નાખે તેવું વજન ધરાવતો અવાજ સંભળાયો, ‘હું આર્ણવ નથી, હું અનુજ છું. આર્ણવનો નાનો ભાઈ એ. આર. આચાર્ય. તમે તમારું નામ જણાવ્યું ત્યાં જ હું બધું સમજી ગયો હતો. મારા મોટાભાઈએ મને તમારા વિશે ઘણું બધું... ના, બધું જ જણાવ્યું હતું. તમારે એ જાણવું છે ને કે તમારા આર્ણવનું શું થયું? તો સાંભળો, તમે જે દિવસે એનો પ્રેમ ઠુકરાવીને ચાલ્યાં ગયાં એના છ જ મહિના પછી મોટાભાઈ મૃત્યુ પામ્યા. ના, એ આપઘાત ન હતો. મોટાભાઈ કાયર ન હતા કે આપઘાત કરી લે, પણ એ એટલા બધા સેન્સિટિવ હતા કે પોતે જેને અનહદપણે ચાહી હતી એ પ્રેમિકા વિનાની જિંદગી એ...’ આ સાંભળીને રિવાયત જમીન પર ફસડાઈ પડી. જો ત્યાં કોઈ જોનારું હાજર હોત તો એ જોઈ શકત કે રિવાયતની માત્ર આંખો જ નહીં, આખું અસ્તિત્વ રડી રહ્યું હતું. ⬛ (સત્યઘટના પરથી) drsharadthaker10@gmail.com

અન્ય સમાચારો પણ છે...