માય સ્પેસ:‘પ્રસાદ’ ઈશ્વરને ધરાવેલું આપણું અસ્તિત્વ છે

3 દિવસ પહેલાલેખક: કાજલ ઓઝા વૈદ્ય
  • કૉપી લિંક

‘દનિયામાં ચોવીસ કલાકમાંથી કોઈ પણ સમયે ક્યાંક ને ક્યાંક થોડાક લોકો ભેગા થઈને ઈશ્વરનાં નામે ભોજન વહેંચી કે આરોગી રહ્યાં છે. આ ભોજન આધ્યાત્મિક પોષણ અને લોકોને એકમેકની નિકટ લાવતું એક એવું તત્ત્વ છે, જે ક્રિએટર (સર્જનહાર)ને ઓફર કરીને (ધરાવીને) આપણે આપણી ઊર્જા તરીકે આરોગીએ છીએ. એ ભોજન સમાજના લોકોને એકમેકની નિકટ લાવે છે અને સર્જનહાર પરત્વેની આપણી શ્રદ્ધાને દૃઢ કરે છે. ભારતીય જનસમાજમાં ફૂડ (ભોજન) અને ફેઈથ (શ્રદ્ધા) વચ્ચે બહુ ગાઢ સંબંધ છે. ‘હોલી કિચન્સ’ (પવિત્ર રસોડા)ની કથા આ છે.’ અમેરિકામાં વસતા 52 વર્ષના એક સેલેબ્રિટી શેફ વિકાસ ખન્નાની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘હોલી કિચન્સ’ હાર્વર્ડ, પ્રિન્સ્ટન, કોલમ્બિયા, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રદર્શિત થઈ ચૂકી છે. 69મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ એની ડોક્યુમેન્ટરીને એવોર્ડ મળ્યો હતો. આ એની પહેલી ફિલ્મ હતી અને જેનો 2020ના ઓસ્કારના ડોક્યુમેન્ટરીના ફાઈનલ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 2011માં વિકાસ ખન્નાને પીપલ્સ મેગેઝિનના લિસ્ટમાં ‘જીવંત વિભૂતિઓ’માં સેક્સિએસ્ટ પુરુષનો ખિતાબ આપવામાં આવ્યો હતો. અમેરિકાના સૌથી સારા દેખાતા અને ભારતીય રસોઈમાં ઉત્તમ ભોજન બનાવતી રેસ્ટોરાં તરીકે એની રેસ્ટોરાં ‘જૂનૂન’ને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે. વિકાસ ખન્નાની આ ફિલ્મ સૌથી પહેલાં ગોલ્ડન ટેમ્પલના ‘લંગર’ની વાત કરે છે. શીખ ગુરુદ્વારામાં ચાલતા લંગરમાં કોઈ પણ ક્યારેય પણ જમી શકે છે. એ પછી સ્વૈચ્છિક રીતે સેવા કરીને પોતાના ભોજનનું ઋણ ઉતારી શકે છે. આ સેવા કંઈ પણ હોઈ શકે, રોટલી કરવાથી, ચંપલ ગોઠવવા કે ઝાડુ મારવા સુધીનું કંઈ પણ! આપણા દેશમાં ‘પ્રસાદ’ અને ‘મીઠાઈ’ વચ્ચેનો તફાવત બાળક બોલતું કે સમજતું થાય એ પહેલાંથી એના મનમાં દૃઢપણે ઊતરી જાય છે. સર્જનહાર કે ઈશ્વરને ધરાવીને જે પણ વાનગી (મીઠાઈ કે ભોજન) આપણને આપવામાં આવે એ ઈશ્વરે આરોગીને-એના આશીર્વાદરૂપે આપણને આપી છે એવી માન્યતાના મૂળ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ ઊંડા અને બહોળા છે. ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં પ્રત્યેક દેવતાને ધરવામાં આવતો પ્રસાદ અથવા એમને રાજી કરવા માટે ધરવામાં આવતું ભોજન જુદા જુદા પ્રકારનું છે. આપણા દેશમાં કેટલા અને કેવી જાતના પ્રસાદ વહેંચાય છે એ વિશે ખરેખર જાણવા જેવું છે. કૃષ્ણના મંદિરોમાં ધરાવવામાં આવતો ઠોર, બુંદીના લાડુ, માખણથી શરૂ કરીને જગન્નાથના મંદિરમાં ભાત અને રથયાત્રા વખતે ફણગાવેલા મગનો પણ પ્રસાદ ધરાવાય છે. હોળીમાં હોમેલું નાળિયેર જ્યારે ભુંજાઈને બહાર નીકળે ત્યારે એ પણ ‘પ્રસાદ’ બની જાય છે. શિવ મંદિરમાં દૂધ, સાકર ને ક્યારેક ઠંડાઈ ભાંગને પણ ભારતીય સંસ્કૃતિમાં ‘પ્રસાદ’ માનવામાં આવે છે. એકાવન શક્તિપીઠોમાં દરેક સ્થળે જુદો પ્રસાદ છે. ઈશ્વરની મૂર્તિને નવડાવવા માટે પંચામૃત (દૂધ, ઘી, સાકર, મધ અને દહીં) વાપરવામાં આવે છે જેને પછીથી પ્રસાદ તરીકે પણ આરોગવામાં આવે છે. સત્યનારાયણની કથામાં શીરો, ગણેશ ચતુર્થીના મોદક અને લાડુ, નાગપંચમીની કુલેર અને માતાના નૈવેદ્યની ખીર અને ચણા, જન્માષ્ટમીની પંજરી અને જન્માષ્ટમીના બીજા દિવસે ખવાતી પતરાવળી પણ આપણા પવિત્ર ભોજનનો હિસ્સો છે. જૈન મંદિરોમાં ક્યાંક પ્રસાદની માન્યતા છે અને ક્યાંક નથી. મહુડીમાં સુખડીના પ્રસાદનું મહાત્મ્ય છે અને એ પ્રસાદ બહાર નહીં લઈ જવાની ચેતવણી પણ લગભગ દરેક ભારતીય-હિન્દુ જાણે છે. એ સિવાયના અન્ય ધર્મોમાં ગુરુદ્વારાનો કડા પ્રસાદ અને લંગરની દાલરોટી, ક્રિસમસ વખતે ખાસ બનાવવામાં આવતી પ્લમ કેક, અંજીર, હોટ ક્રોસ બન, ઈસ્ટર બિસ્કિટ, વાઈન અને રોટી જેવું ભોજન પણ ક્રિશ્ચિયાનિટીમાં પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવ્યાં છે. ઈસ્લામમાં ખજૂર, બકલાવા, હલવો, રેન્ડાગ, ટમ્પેન્ગ, બિરયાની અને સેવઇયાં જેવા ભોજનને પવિત્ર ગણવામાં આવે છે અને ઈસ્લામિક તહેવારોના દિવસે અચૂક પકાવવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ‘સહભોજન’નું ખૂબ મહત્ત્વ છે. ‘ફેમિલી વિચ ઈટ્સ ટુગેધર, એન્ડ પ્રેઈઝ ટુગેધર, સ્ટેઈઝ ટુગેધર’ (જે પરિવાર સાથે જમે અને સાથે પ્રાર્થના કરે એ હંમેશ સાથે રહે) એવી એક અંગ્રેજી કહેવત છે, તો ભારતના સુભાષિતમાં ‘સહનાવવતુ, સહનૌભુનક્તુ, સહવીર્યમ કરવાવહૈ, તેજસ્વિના વધિતમસ્તુ...’ની પ્રાર્થના કરવામાં આવી છે. (ચાલો એકબીજાની રક્ષા કરીએ, એકસાથે જમીએ, એકસાથે સારાં કાર્યો કરીએ. ઉજ્જવળ અને સફળ થવા માટે એકસાથે અધ્યયન કરીએ અને એકમેકનો દ્વેષ ક્યારેય ન કરીએ.) આની ગુજરાતી પ્રાર્થના આપણે બધાએ શાળામાં ગાઈ છે, ‘સાથે રમીએ સાથે જમીએ સાથે કરીએ સારાં કામ, આપણી સાથે કાયમ રહેજો ઘટ ઘટ વસતા શ્રીભગવાન.’ આપણા રોજિંદા ભોજનમાં પણ બ્રાહ્મણો પોતાનું ભોજન શરૂ કરતાં પહેલાં દેવો અને પિતૃઓનો ભાગ કાઢીને પછી જ ભોજન શરૂ કરે જેને અપૂષણ કહેવામાં આવે છે. કેટલાંય ઘરોમાં આજે પણ પહેલો થાળ ભગવાનને ધરાવવાનો અને પહેલી રોટલી ગાયને આપવાનો રિવાજ છે. મુદ્દો એ છે કે, આ બધું જ આપણા ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા અને હવે તો માનસિકતાનું પણ ભાગ બની ચૂક્યું છે. છેલ્લા થોડા સમયથી વકરેલા અંબાજી મંદિરના પ્રસાદનો સુખદ અંત આવ્યો છે, પરંતુ સવાલ એ છે કે, આ પ્રકારના વિવાદ શા માટે થવા જોઈએ? ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ અને સંસ્કૃતિના મૂળ બહુ રૂઢિચુસ્ત અને ક્યારેક જડ કહી શકાય એટલા ઊંડા છે. સદીઓથી ચાલી આવતી પરંપરાઓને બદલવાનો પ્રયાસ કદાચ સારા ઉદ્દેશ સાથે કરવામાં આવ્યો હોય તો પણ જે લોકો માટે ‘પ્રસાદ’ એમના ભોજનનો નહીં, એમની આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો ભાગ છે એમને માટે આ પરંપરાઓમાં બદલાવ આવે ત્યારે એમનું અસ્તિત્વ હચમચી જાય છે. ધર્મ હંમેશાં એકતા અને સહકારનું પ્રતીક હોવો જોઈએ. ધર્મને કારણે જ્યારે મનદુઃખ, અહંકાર, ઘર્ષણ કે સમસ્યા ઊભાં થાય ત્યારે એ સમગ્ર જનસમાજ માટે વિદ્રોહ અને વિવાદનું કારણ બની જાય છે. આપણે બધાંએ એક વાત સમજવી જોઈએ, સમયસમયાંતરે જેમ માણસના રોજિંદા જીવનમાં પરિવર્તન આવતું ગયું છે, આવતું રહ્યું છે, એવી જ રીતે ધર્મને પણ સમયસમયાંતરે થોડોક બદલાવ અને એની સાથે જોડાયેલી રૂઢિચુસ્ત માન્યતાઓને થોડીક નવી વિચારધારા અને બદલાવની આવશ્યક્તા તો છે જ. નવી પેઢીને જો આપણે આપણા ધર્મ વિશે ‘નવા વિચારો’ સાથે નહીં આવકારીએ તો એમને ધર્મ સાથે જોડી રાખવા અઘરા પડશે. નવી પેઢીને ‘કેમ’, ‘શા માટે’, ‘આવું કેમ’ અથવા ‘આવું કેમ નહીં...’ ના ઉત્તરો જોઈએ છે. માત્ર ‘સદીઓથી ચાલ્યું આવે છે’ અથવા ‘આવું જ હોય’ અથવા ‘શાસ્ત્રોમાં લખ્યું છે’થી એમની જિજ્ઞાસા સંતોષાતી નથી. જિજ્ઞાસા એ ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો પાયો છે. આપણા બધા ઉપનિષદો, પ્રશ્નોત્તરીમાં લખાયાં છે, સચવાયાં છે. શ્રુતિ અને સ્મૃતિ એ આપણા ધર્મનું મૂળ હાર્દ છે... ચાલો, નવી પેઢી માટે ધર્મની વ્યાખ્યાઓને નવેસરથી લખીએ તો, કદાચ અમેરિકા જઈને વસેલા એક યુવાનને ‘પવિત્ર રસોડા’ (હોલી કિચન)નો જે વિચાર આવ્યો એ વિચાર આપણા દેશના દરેક યુવાનને સમજાય અને એ એનો આદર કરતાં શીખે. ⬛ kaajalozavaidya@gmail.com

અન્ય સમાચારો પણ છે...