તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડણક:પોર્ટ-પોલિટિક્સ : મરોલી-ઉમરગામ વિસ્તારમાં મહા-બંદર

શ્યામ પારેખએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લગભગ બે દાયકા પહેલાં સ્થાનિક લોકોએ પ્રાયોજિત બંદર સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો, જેમાં ચીન-યુદ્ધના હીરો કર્નલ પ્રતાપ સાવેનો ભોગ લેવાયો હતો

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા અને પ્રાકૃતિક સંપત્તિથી અતિ સુંદર તથા ફળ, વૃક્ષો, શાકભાજીથી લચી પડતા બાગ અને સાથે સાથે મત્સ્યોદ્યોગથી પણ મબલખ કમાણી કરતો આ વિસ્તાર જોયો ન હોય તેમણે એક વાર જરૂર જવા જેવું. નજીક હોવાને કારણે મુંબઈ અને મહારાષ્ટ્ર સાથે ખૂબ નિકટનો નાતો ધરાવતા આ વિસ્તારમાં આમ જુઓ તો ગુજરાતના અન્ય વિસ્તારો કરતાં ગરીબી ખૂબ ઓછી અને અક્ષરજ્ઞાન પણ વધારે. નજીકના ઉદવાડામાં પારસીઓનું તીર્થ અને સંજાણમાં પ્રથમ વાર પગ મૂકવાનો ઇતિહાસ, આને કારણે આ વિસ્તારમાં પારસીઓની વસ્તી હજુ પણ છે અને તેમના દાયકાઓ જૂના ભવ્ય બંગલાઓ અને સેનેટોરિયમ અહીંની સાંસ્કૃતિક શાન હજુ પણ વધારે છે. લોક આક્રોશ કે લોક સંઘર્ષ આ લોકશાહી દેશના કોઈ પણ રાજ્ય માટે નવી વાત નથી, પરંતુ સામાન્ય રીતે આવા સંઘર્ષ, ત્યારે સર્જાય છે જ્યારે સરકાર પોતાનો ઉદ્દેશને યોગ્ય રીતે સમજાવી ન શકે અથવા લોકહિત કે લોકઇચ્છાને ધ્યાનમાં રાખ્યા વિના તથાકથિત વિકાસ લોકોના માથે થોપે. કોઈક કારણસર, ગુજરાત રાજ્યની સ્થાપનાથી લઈને લગભગ હંમેશાં એવું થતું આવ્યું છે કે, એક પછી એક સરકાર ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે પર્યાવરણીય દૃષ્ટિએ ખૂબ સમૃદ્ધ અને નાજુક વિસ્તાર હોય કે જ્યાં ખેતીવાડી, સિંચાઈ માટે પાણી અને ઉપજાઉ જમીન હોય તેવા વિસ્તારો જ પસંદ કરે છે. પછી એ વલસાડ-વાપીની આસપાસનો એક જમાનામાં ખૂબ સમૃદ્ધ ખેતી-વાડી ધરાવતો વિસ્તાર હોય કે અજોડ પરવાળાંથી સમૃદ્ધ જામનગર આસપાસનો કાંઠો હોય. બિનઉપજાઉ જમીન અને એવા વિસ્તારોમાં ઔદ્યોગિક ક્ષેત્રો ઊભા કરવાની બદલે પ્રાકૃતિક સમૃદ્ધિના ભોગે જ ખૂબ ફળદ્રુપ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારોમાં જ આવો વિકાસ થયો છે. સ્વાભાવિક છે કે આ વિસ્તારમાં રહેતા અને પેઢીઓથી અહીંની જમીન સાથે જોડાયેલા લોકો આવો વિકાસ પસંદ ન કરે. પરિણામે સર્જાય છે સંઘર્ષ. ઉમરગામ નજીકના નારગોલ-મરોલી વિસ્તારમાં લગભગ બે દાયકા પહેલાં જ્યારે યુનોકેલ અને નાટેલકો નામની વિદેશી કંપનીઓએ મસમોટું બંદર જે અનેક ગામો પર ફેલાયેલું હોય તે બનાવવાનો પ્લાન કર્યો, ત્યારે સ્થાનિક લોકો દ્વારા તેનો ખૂબ મોટો વિરોધ થયો. કારણ એ હતું કે મહા-બંદર અનેક ગામોને આવરી લેવાનું હતું. અહીંની હજારો એકર ફળદ્રુપ જમીન, ફળના બાગ, ખેતરો બધું જ બંદરગાહમાં હોમાઈ જવાનું હતું અને લાખોની વસ્તીને સ્થળાંતરિત કરવી પડત. ખૂબ વિશાળ પાયે થનારાં બાંધકામને કારણે તથા ઔદ્યોગિક પ્રવૃતિઓ અને દરિયાઈ વાહનવ્યવહારને કારણે અહીંના નાજુક પર્યાવરણનું સંતુલન ખોરવાઈ જાય તેમ હતું. પરિણામે અહીંના લોકો દ્વારા કિનારા બચાવો સંઘર્ષ સમિતિની રચના થઈ. ભારતભરમાં પ્રથમ વાર સજીવ ખેતી એટલે કે ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરનાર અને આ વિસ્તારમાં ઋષિ સમાન માનતા ભાસ્કર સાવેના ભાઈ અને 1962ના ચીન સામેના યુદ્ધના એક હીરો એવા કર્નલ પ્રતાપ સાવેએ આ સંઘર્ષની આગેવાની લીધી હતી. ત્યાર બાદ રાજકારણ કહો કે ધંધાકીય લોભ કે પછી પોલીસનું ખુન્નસ - જેમનું ખૂબ સન્માન કરવું જોઈએ એવી વ્યક્તિને સરાજાહેર મારવામાં આવ્યા અને તેમની ધરપકડ બાદ એવા જુલ્મ થયા કે સક્ષમ શરીરના આ કર્નલ ભેદી રીતે અકાળ મૃત્યુ પામ્યા. જોકે ભરપૂર લોક વિરોધ અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ પડઘા પડે એવી આ ઘટનાઓ બાદ ગુજરાત સરકાર દ્વારા આ બંદરનો પ્રોજેક્ટ તત્પૂરતો કોરાણે મુકાયો, પરંતુ ત્યાર બાદ વારંવાર અહીંયા ફરીથી બંદર બનાવવાની વાતો થતી રહી છે અને મોટી કંપનીઓએ રસ બતાવ્યો છે. હાલમાં જ સમાચાર છે કે આ બંદર માટેનું કામકાજ ટૂંક સમયમાં વિશાળ પાયે ચાલુ થશે. જોકે, ભૂતકાળમાં થયેલા લોક વિરોધ છતાં આ જ વિસ્તારમાં ફરી બંદર બનાવવાની જીદ પાછળ થોડું રાજકારણ પણ છે. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને વિશાળ દરિયાકાંઠો ધરાવતાં રાજ્યો છે. ગુજરાત પાસે મહારાષ્ટ્ર કરતાં વધારે લાંબો કિનારો હોવા છતાં અને ઉત્તરીય ભારતના ઔદ્યોગિક વિસ્તારોથી ભૌગોલિક રીતે ગુજરાત, મુંબઈ કરતા નજીક હોવા છતાં, વિશાળ બંદરોના અભાવે, સમગ્ર ભારત માટેના આયાત-નિકાસના ધંધા પરની મોનોપોલી મુંબઈ પાસે જ રહી છે. જોકે ત્યાર બાદ મુન્દ્રા ખાતે મહાકાય બંદર પણ બની ગયું, પરંતુ જવાહરલાલ નેહરૂ પોર્ટ ટર્મિનસ કે ન્હાવા-શેવા જેવા મુંબઈના બંદરોને ટક્કર આપી પશ્ચિમ કાંઠાના ધંધા પર ગુજરાતનો ઈજારો સ્થપાય તે માટે આ ક્ષેત્રમાં મહા-બંદર ગુજરાતના આર્થિક હિત માટે ખૂબ ઉપયોગી થઇ શકે. વળી, ચીન દ્વારા શ્રીલંકાના હંબનટોટા બંદરને હસ્તગત કરી અને સમગ્ર દક્ષિણ એશિયા વિસ્તાર માટે સુરક્ષાની સમસ્યા ઊભી કરાય છે. કદાચ આ જ કારણે ભારત સરકાર ચાહે કે સ્વદેશી અને સ્થાનિક કંપનીઓ જ આ પ્રોજેકટ પૂરો કરે કે પછી ભારતને મદદરૂપ થતા હોય તેવા મિત્ર દેશોની કંપનીઓ દ્વારા જ આવા પ્રોજેક્ટ હાથ ધરાય. જોકે આ બધા ગૂંચવાડાઓ ઉકેલવા માટે ઉમરગામ નજીકના જ અને પર્યાવરણીય રીતે ઓછા સંવેદનશીલ વિસ્તારોમાં જમીન હસ્તગત કરી અને બંદર બનાવી શકાય, પરંતુ એ માટે સરકાર અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ સર્જાવો ખૂબ જરૂરી છે. આશા રાખીએ કે ભવિષ્યમાં આ વિસ્તારમાં પારસી પ્રજાના અદ્્ભુત વારસા અને પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી થાય અને આ વિસ્તાર પ્રવાસન માટે પણ મશહૂર બને. ⬛ dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...