સહજ સંવાદ:‘પોપાબાઈનું રાજ ’ એટલે એક શક્તિવાન રાજરાણીની કહેવત-કથા!

8 મહિનો પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
  • કૉપી લિંક
  • ખુર્રમ ખાન દીવાને બીજા દરબારીઓ સાથે વિદ્રોહ કર્યો અને પોપનદેવીની કુશળ શાસનશક્તિથી આ રાજ્ય વંચિત રહી ગયું

આ કંઈ પોપાબાઈનું રાજ નથી, હોં?.. સાવ પોપાબાઈનું રાજ ચાલે છે, ના કોઈ કાયદો, ના વ્યવસ્થા! આ બે વાક્યો ઘણીબધી વાર સાંભળતા આવ્યા છીએ, પણ એ વિચાર્યું છે ક્યારેય કે એક સામર્થ્યવાન રાજરાણીએ કરેલા ઉત્તમ શાસનના તેજોદ્વેષી દરબારીઓએ પ્રચલિત કરેલી આ કહેવતની પાછળ એક સ્ત્રીના મહાપ્રયાસોનો ચિત્કાર છે? આને માટે પાલનપુર જવું પડશે. પાલનપુર રમણીય નગર છે. આબુ પર્વત જવું હોય તો અહીંથી પસાર થવું પડે. બીજા શબ્દોમાં તે ‘રત્નનગરી’ છે. 55, 000 કરોડ હીરાની નિકાસનું આ શહેર. એન્ટવર્પમાં બીજા મળે કે ન મળે, પાલનપુરી ‘કેમ છો?’નો ગુજરાતી લહેકો અચૂક સાંભળવા મળે. રસપ્રદ વાત એ છે કે વ્યવસાય ઉદ્યોગની સાથે આ સુગંધ નગર તરીકે તો તેના સ્થાપના-સમયથી જાણીતું. રાજવી પ્રહ્્લાદનને એક એવી જગ્યાની શોધ હતી કે જ્યાં સુંદરતા, સંવાદ અને સમૃદ્ધિ હોય, પુષ્પો મહેકતાં હોય. પ્રહ્્લાદનને એક કન્યાએ કહ્યું કે એમાં નવું શું, અમારે તો દરેક ઘરના આંગણે પુષ્પ ઉદ્યાન હોય છે અને તેમાંથી બને છે અત્તર. કેવડા, ગુલાબ, મોગરા, ચંપાનું અત્તર. રાજવીએ નક્કી કરી લીધું કે ચંદ્રાવતી ભલે રાજધાની રહી, આપણે મા અંબાજીના ક્ષેત્રમાં એક સુંદર નગર ઊભું કરીશું. તેમ થયું. પ્રહ્્લાદનપુર નામ અપાયું, જે સમય જતાં પાલનપુર તરીકે પ્રચલિત થયું. ચૌદમી સદીના અંત સમયે રાજકીય ઊથલપાથલ થઈ. મહારાજ વિશળદેવનું અવસાન થયું એટલે દીવાનોની સાક્ષીએ તેમણે રાજરાણી પોપનદેવીને બોલાવ્યાં અને બધાંને જણાવ્યું કે મારા પછી મહારાણી આ વિશાળ રાજ્યને સંભાળશે. સૌએ સંમતિ દર્શાવી કારણ કે પોપનદેવી પરોક્ષ રીતે પતિદેવ રાજાને શાસનની સલાહ આપતી. પ્રજા સુખી હતી. કાનૂન અને વ્યવસ્થા સુદૃઢ હતાં. આક્રમણની સામે લડી લેવા સૈન્ય સજ્જ હતું. નાગરિકો જાણતા હતા કે વિશળદેવની જેમ જ રાણી પણ કુશળ શાસક હતાં. વિશળદેવનો કુંવર હજુ નાનો હતો. થોડાં વર્ષો પછી તેનો રાજ્યાભિષેક થશે ત્યાં સુધી મહારાણી રાજ્ય કરશે તે બધાંએ સ્વીકાર્યું, પણ ખુર્ર્મ ખાન દીવાનને આ પસંદ ન પડ્યું. તેણે કહ્યું : ‘બેઅદબી માફ, પણ ઔરતનું સ્થાન તો જનાનખાનામાં હોય. આપ આવડા મોટા રાજ્યને કઈ રીતે સંભાળી શકો? અમે છીએ ને?’ રાણીએ તેને કહ્યું કે હુકમનું પાલન કરો. વિદાય લઈ રહેલા રાજાના ચહેરા પર સંતોષ હતો કે રાણી બરાબર શાસન ચલાવશે, પરંતુ ખુર્રમે બીજા દરબારીઓને ઉશ્કેર્યા. ‘પોપાબાઈ કા રાજ નહીં ચલેગા’ નારા સાથે વિદ્રોહ કર્યો અને પોપનદેવીની કુશળ શાસનશક્તિથી રાજ્ય વંચિત રહી ગયું. એટલું જ નહીં, સ્ત્રીશક્તિની મશ્કરી ઉડાવવા માટે નિર્બળ સત્તાને ‘પોપાબાઈનું રાજ’ કહેવાતું! હીરા અને અત્તરના આ નગર પાસે હવે તો માત્ર ઇતિહાસ અને દંતકથાઓ જ છે. નગરમાં આવેલા પાતાળેશ્વર દેવાલયમાં સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો એવી કથા છે. જોકે આવી જ કથા ઝાલાવાડ સુરેન્દ્રનગરના ધાધલપુરની પણ છે. રાજવી અકબર અહીંના એક કવિને સન્માન આપતો તે મુનિ હીરવિજય સુરી 1526માં અહીં પ્રતિષ્ઠિત હતા. બનાસ નદીના વારિ વહે છે. સાવ નજીક અંબાજી છે. પાલનપુર, દાંતા, થરાદ, દાંતીવાડા, વાવ, કાંકરેજ... દરેકની પોતાની કહાણી. પાલનપુરમાં કીર્તિસ્તંભ છે. નજીકમાં બાલારામ, ભીલડિયા તીર્થ, ડીસા એટલે જગત-પ્રિય બટાકાનું કેન્દ્ર, દાંતીવાડા જલાશય, પ્રાચીન જૈન નગરી જેવું થરાદ, કુંભારિયાના દહેરાં, વડગામ... કાંકરેજી ગાય ગીર ગાયની જેમ શ્રેષ્ઠ.. પોપાબાઈ અહીં થયાં તેનું એક કારણ એ પણ હશે કે અહીં અંબાજીનું દેવાલય છે. શક્તિપૂજા અને સૂર્યપૂજા ગુજરાતની વિશેષતા છે. પાંચેક લાખ વર્ષ પૂર્વે પાષાણ યુગ શરૂ થયો હશે. તેમાંથી ક્રમશ: સિંધુ સંસ્કૃતિના નિર્માણથી 5000 વર્ષ પૂર્વેના લોથલ, ધોળાવીરા અને અસંખ્ય સ્થાનોનું નિર્માણ અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વાણિજ્યની એક કથા ઈતિહાસકારો કહે છે કે ખૂબસૂરત રાણી ક્લિયોપેટ્રા પણ ગુજરાતનાં શૃંગારને પસંદ કરતી. લાંઘણજ, રંગપુર, તાપી, દેશલપર, સાબરમતી, નર્મદા, રોઝડી, ભાદર કિનારે પ્રાપ્ત અવશેષો સમૃદ્ધિની સાક્ષી આપે છે. આ પ્રજાએ વિનાશથી નિર્માણનું જીવન સૂત્ર અપનાવીને અનેક પડાવ પસાર કર્યા છે. લોથલની જ વાત કરીએ, ત્યાં નદી અને સમુદ્રના પૂર આવતા રહ્યા. દરેક વખતે નગર નષ્ટ થયું ને પ્રજાએ તેનું નિર્માણ કર્યું. ઈ.સ. પૂર્વે 2350, 2200, 1900 અને 1600માં ગાથા રચાઇ. માતૃશક્તિ, તે અંબાજી, બહુચરાજી, ચંડિકા, કાલી, ભદ્રકાળી, મહાકાળી, ભુવનેશ્વરી, ચામુંડા, હરસિદ્ધિ એવાં વિવિધ સ્વરૂપે છે તેવું જ સૂર્ય અને મહાદેવ પ્રતિષ્ઠાનું છે. પછી બૌદ્ધ અને જૈન ધર્મ આવ્યા. ‘લોક-ધાર્મિક’ પરંપરા અને વનવાસી પ્રજાની ઉપાસના ઉમેરાતી રહી. સૂર્યદેવતાનો ગાયત્રી મંત્ર અહીં ઉદ્્ઘોષિત થયો અને શ્રીકૃષ્ણના સમયે ઈરાનથી મગ-બ્રાહ્મણો દ્વારિકા આવ્યા, તે સૂર્યમંદિરો જોવા મળે છે. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...