તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:પોલીસ અને પ્રેમકથા: કોરોના કાળમાં મલકાતા ન્યૂઝ

સંજય છેલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ટાઇટલ્સ વર્દી અને દર્દી બેઉને સમજવા અઘરાં (છેલવાણી) એક બાળકે પૂછ્યું,‘પપ્પા, પોલીસ હંમેશાં ચોરી થઇ જાય પછી લેટ જ કેમ આવે છે?’ બાપે કહ્યું, ‘બેટા, કપડાં બદલીને આવતાં વાર તો લાગે ને?’ આમ તો આ જૂનો પાકિસ્તાની જોક છે, પણ બધાં પોલીસ ખરાબ કે બેરહેમ હોય એવું જરાયે નથી. હમણાં મુંબઇ પોલીસ અને ઉદ્ધવ સરકાર સચીન વાઝે નામના એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટને કારણે બહુ બદનામ થઇ રહી છે કારણ કે મુકેશ અંબાણીના ઘર પાસે ગાડીમાં મૂકવામાં આવેલ બોંબ અને પછી એ ગાડીના માલિકની હત્યા વગેરેને કારણે અનેક સવાલો ઊભા થયા છે…પણ એ જ મુંબઇ પોલીસે કોરોના કાળમાં એક ગજબની સરપ્રાઇઝ આપી! ગયા ગુરુવારે મુંબઇ પોલીસે જે કામ કરી બતાવ્યું એ પછી તો લાખો લોકોનાં દિલ આફરીન થઇ ગયાં! થયું એવું કે મુંબઇમાં કારમાં આવનજાવન માટે લાલ, પીળા કે લીલા એવા સ્ટિકર આપવામાં આવ્યા છે જેથી જરૂરી લોકો જ બહાર જાય અને ખાલી મુંબઇનો નઝારો જોવા ખાલીપીલી લોકો કાર લઇને નીકળી ના પડે. હવે લોકોમાં થોડી મૂંઝવણ છે કે કોને આ સ્ટિકર કે પાસ મળે? એવામાં અશ્વિન વિનોદ નામના એક રોમેન્ટિક માણસે મુંબઇ પોલીસને ટ્વિટર પર એક વિચિત્ર સવાલ પૂછ્યો, જેનો જવાબ મુંબઇ પોલીસે એટલો ક્યૂટલી આપ્યો કે દિલ બાગ બાગ થઇ ગયું! અશ્વિન વિનોદે પૂછ્યું, ‘મારે મારી ગર્લફ્રેન્ડને મળવા જવું છે. લોકડાઉનમાં હું એને બહુ મિસ કરું છું, તો મને કયા રંગના સ્ટિકર મળી શકે?’ ઓફકોર્સ મુંબઇ પોલીસે જવાબમાં ના પાડી… પણ ના, જો માત્ર આવો બોરિંગ જવાબ આપ્યો હોત તો ન્યૂઝ ન બનત. મુંબઇ પોલીસે બહુ કાવ્યાત્માક સંદેશો ટ્વિટર પર પેલા પ્રેમીને આપ્યો, ‘જેમ બે પ્રેમી વચ્ચે અંતર વધે એમ દિલમાં પ્રેમ પણ વધે અને અત્યારે તમે હેલ્ધી છો અને રહો. અમે કામના કરીએ છીએ કે તમે લાઇફટાઇમ એકમેકની સાથે રહેશો. આ એક ફેઝ(સમયગાળો) છે જે વીતી જશે!’ હાઉ ક્યૂટ! એક પ્રેમીની વેદના સમજીને આટલો મીઠો સંદેશો આપનાર પોલીસને સો-સો સલામ. એ લોકો ધારત તો ધમકાવી શક્યા હોત, પણ ના, હંમેશાં દંડ અને દંડાઓથી કામ લેનારાં ક્યારેક દિલથી પણ કામ લે છે એ જોઇને મજા આવી ગઇ. મુંબઇ પોલીસના આ ટ્વિટર સંદેશને સોશિયલ મીડિયામાં વધાવી લીધો ને અનેક મોટા લોકોએ એને રી-ટ્વિટ પણ કર્યો. જ્યારે ઓક્સિજન કે દવા માટે લોકો તરફડતાં હોય એના જ સમાચાર આવતા હોય ત્યારે આવા સમાચાર ઘડીભર ફેફસાંને ઓટોમેટિક ઓક્સિજન આપે છે. જોકે એક સવાલ એ પણ થાય છે કે આ જ પ્રશ્ન પ્રેમીને બદલે પ્રેમિકાએ પૂછ્યો હોત તો મુંબઇ પોલીસે શું જવાબ આપ્યો હોત? કદાચ મુંબઇ પોલીસનું દિલ પીગળી પણ ગયું હોત અને પ્રેમિકાને કોઇ બહાને સ્ટિકર આપીને બહાર જવાની પરવાનગી આપી પણ દીધી હોત! જે હોય તે પણ સવાલ સંવેદનશીલતાનો છે, આપણા નેતાઓ, સિસ્ટમ એવાં ક્રૂર બની ગયાં છે કે શાલીનતા કે સંવેદના પણ સ્પર્શી જાય છે. ખાસ કરીને કારમા કોરોના કાળમાં! ઇન્ટરવલ જો ચાહો તુમ પઢ લેના ભેજ રહા હૂં કોરા ખત (શમીમ અમરોહવી) વળી, એવી જ રીતે સંદીપ ચૌહાણ નામના બીજા ઉત્સાહીએ પણ મુંબઇ પોલીસની ધીરજની કસોટી કરી નાખી અને મુંબઇ પોલીસ એમાંથીયે સ્વિટલી પાર ઊતરી. સંદીપભાઇએ શાણા થઇને ટ્વિટ કરીને પૂછ્યું, ‘મારે મારા મિત્રને મળવા જવું હોય તો સ્ટિકર મળશે?’ તો મુંબઇ પોલીસે એનો પણ સુંદર જવાબ આપ્યો, ‘જે મિત્ર આવા સમયે તમારી સલામતીની કદર કરે એ જ સાચો મિત્ર! અમને ખાતરી છે કે તમારો મિત્ર આ વાત સાથે એગ્રી થશે!’ વન મોર બ્રાઉની પોઇન્ટ ફોર મુંબઇ પોલીસ! આવા દોઢડાહ્યા લોકો રસ્તા પર પોલીસને આવો સવાલ પૂછે તો ચોક્કસ એને ચોક્કસ જગ્યાએ ફટકા પડે, પણ ટ્વિટર પર મુંબઇ પોલીસે ક્લાસ દેખાડ્યો અને બીજાને ઇનડાયરેક્ટલી સંદેશ પહોંચાડ્યો કે સખણાં રે’જો! એવું નથી કે મુંબઇ પોલીસ બહુ દૂધની ધોયેલી છે. દુકાનવાળા, ફેરિયાઓ, હોટલો કે બાર પાસેથી હપ્તા ઊઘરાવવામાં માહેર છે અને દરેક સરકારોમાં છેક ઉપર સુધી આ ખંડણીનો માલ વહેંચાતો હોય છે. હમણાં જ મુંબઇના ગૃહપ્રધાન દેશમુખ પર મુંબઇ પોલીસ કમિશ્નરે આરોપ લગાવેલ કે દર મહિને કરોડો જમા કરવાનો આદેશ આપેલો અને શહેરમાં કેટલાં રેસ્ટોરાં અને બાર છે ને ત્યાંથી કેટલા ઊઘરાવીને કેટલી રકમ મહિને મેળવવી એનો પ્લાન દેશમુખે આપેલો! દેશમુખે રાજીનામું આપવું પડેલું અને એમના પર પર ઇન્ક્વાયરી ચાલે છે, પણ આ કોઇ નવી વાત નથી. મુંબઇનું બચ્ચેબચ્ચું જાણે છે. મુંબઇમાં અંડરવર્લ્ડની સાંઠગાંઠમાં બેફામ ફેક એન્કાઉન્ટરો થયેલા છે, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ્સ આલિશાન મકાનો અને ગાડી ધરાવે છે, પણ એકંદરે મુંબઇ પોલીસ સારી છે. એવી આ બે ટ્વિટર સંદેશ પરથી તો આશા જાગી છે. બાકી તો થોડાં વર્ષ અગાઉ ધોબળે નામનો ઓફિસર બીયર-બાર અને ડિસ્કો-ક્લબ પર એવી રીતે હોકી સ્ટિક લઇને તૂટી પડતો કે જાણે દુનિયાના બધા આતંકવાદીઓ રાત્રે પાર્ટી કરવા ત્યાં જ આવતા ન હોય! ફિલ્મોએ પણ મુંબઇ પોલીસની ઇમેજ બગાડી છે. અભિનેતા ઓમ પુરીની ‘અર્ધસત્ય’ ફિલ્મને બાદ કરતાં એના એ પુલિસિયા પાત્રોથી ફિલ્મવાળાઓએ મુંબઇ પોલીસને કેરીકેચર કે બીબાંઢાળ બનાવી દીધાં છે. એમાંયે અમુક કલાકારો તો ઇન્સ્પેક્ટરના જ રોલ વર્ષો સુધી કરે! અભિનેતા જગદીશ રાજે 450 ફિલ્મમાં માત્ર ઇન્સ્પેક્ટરની જ ભૂમિકા કરેલી અને એ માટે ગિનેસ બુકમાં એમનો રેકોર્ડ પણ નોંધાયો છે! એમના માટે કહેવાતું કે જગદીશ રાજ જન્મેલા ત્યારે ડોક્ટરોએ ઘરવાળાઓને વધામણી આપતાં કહેલું, ‘મુબારક હો ઇન્સ્પેક્ટર પૈદા હુઆ હૈ!’ એની વે, આપણે ત્યાં હજીયે નર્મદિલ પોલીસવાળા છે એ જોઇ આ કાળા ડિબાંગ સમયમાં સહેજ સારું લાગ્યું. એન્ડ ટાઇટલ્સ ઇવ: ઓક્સિજન લેવલ કેટલું છે? આદમ: તને જોયાં પહેલાં કે પછી? ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...