માયથોલોજી:ધ્રુવનો તારો

દેવદત્ત પટનાયકએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ધ્રુવની પૌરાણિક કથા વિષ્ણુ પુરાણમાં અને ભાગવત પુરાણમાં જોવા મળે છે. આ ધાર્મિક કથાની સાથે ભક્તિમય કથા પણ છે. તેનું બહુ જ સરળતાથી વર્ણન કરવામાં આવ્યું છે. બ્રહ્માજીના માનસ પુત્ર સ્વયંભુ મનુના પુત્ર રાજા ઉત્તાનપાદ હતા. તેની સુનીતિ અને સુરુચિ નામની બે પત્નીઓ હતી. રાજાને સુનીતિથી ધ્રુવ અને સુરુચિથી ઉત્તમ નામના પુત્ર પ્રાપ્ત થયા. તે બંને રાજકુમારોને અપાર પ્રેમ કરતા હતા. સુનીતિ ધ્રુવની સાથે ઉત્તમને પણ પોતાનો પુત્ર માનતી હતી. જ્યારે રાણી સુરુચિ ધ્રુવ અને સુનીતિની ઈર્ષા કરતી અને તેમને િતરસ્કારતી હતી. વળી, બંને રાજકુમારોમાં ધ્રુવ મોટો હોવાથી તે રાજસિંહાસનનો ઉત્તરાધિકારી હતો. આ વાત સુરુચિને સદાય ખટકતી રહેતી. તેથી તે હંમેશાં ધ્રુવનેનીચો દેખાડવાની તક શોધતી રહેતી હતી. એક વખત ઉત્તાનપાદ ઉત્તમને ખોળામાં લઈને વહાલ કરતા હતા. એ વખતે ધ્રુવ પણ ત્યાં આવી પહોંચ્યો. ઉત્તમને પિતાના ખોળામાં બેઠેલો જોઇને તે પણ તેના ખોળામાં બેઠો. આ વાત સુરુચિને ખટકી ગઇ. તેણે ધ્રુવને પિતા ઉત્તાનપાદના ખોળામાંથી નીચે ખેંચીને કટુ વચન સંભળાવ્યા. રાજા ચૂપચાપ આ બધું જોતા રહ્યા. ધ્રુવ રડતો રડતો માતા સુનીતિ પાસે ગયો. તેણે માતાને વિગતવાર જણાવ્યું. માતા સુનીતિએ પુત્ર ધ્રુવને સમજાવ્યો, ‘વત્સ, ભલે કોઈ તારું અપમાન કરે, પરંતુ તું મનમાં તેમના વિશે ખોટું-ખરાબ ન વિચારતો. જે માણસ બીજાને દુઃખ આપે છે, તેને સ્વયં જ તેનું ફળ ભોગવવું પડે છે. પુત્ર જો તારે તારા પિતાના ખોળામાં બેસવું હોય, તો ભગવાન વિષ્ણુની આરાધના કરી તેને પ્રસન્ન કર. તેની કૃપાથી જ તારા પિતામહ સ્વયંભુ મનુને દુર્લભ લૌકિક અને અલૌકિક સુખ ભોગવ્યાં પછી મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. એટલા માટે પુત્ર, તું પણ તેની આરાધના શરૂ કર. ભગવાન શ્રીહરિ જ તારા દુઃખોને દુર કરશે.’ નાનકડા ધ્રુવને ભગવાન વિષ્ણુ ક્યાં અને કેવી રીતે મળે એ વિશે પૂછ્યું. માતાની વાત સાંભળીને ધ્રુવના મનમાં શ્રીવિષ્ણુ પ્રત્યે ભક્તિ અને શ્રદ્ધાનો ભાવ ઉત્પન થયો. પછી તેણ માતાની સલાહને માથે ચડાવી. તે ઘર છોડીને વન તરફ નીકળી પડ્યો. ભગવાન વિષ્ણુની કૃપાથી વનમાં તેને દેવર્ષિ નારદ મળ્યા. તેમણે ધ્રુવને શ્રીવિષ્ણુની પૂજા આરાધનાની વિધિ જણાવી. ધ્રુવે યમુનાના જળમાં સ્નાન કર્યું અને ઉપવાસ રાખીને એકાગ્ર મનથી શ્રીવિષ્ણુની આરાધના કરવા લાગ્યો. પાંચ મહિના પસાર થઇ ગયા તે પગના એક અંગૂઠા ઉપર સ્થિર રહીને તપસ્યા કરવા લાગ્યો. ધીમે ધીમે તેનું તેજ વધતું ગયું. તેના તપથી ત્રણે લોક ધ્રૂજી ઊઠ્યા. તેના અંગૂઠાના ભારથી પૃથ્વી દબાવા લાગી. ત્યારે ભગવાન વિષ્ણુ ભક્ત ધ્રુવ સામે પ્રગટ થયા અને તેની ઈચ્છા પૂછી. ધ્રુવ ગદ્ ગદ્ થઈને બોલ્યો, ‘હે ભગવાન! જ્યારે મારી માતા સુરુચિએ અપમાનજનક શબ્દ કહીને મને પિતાના ખોળામાંથી ઉતારી દીધો હતો, ત્યારે મેં મારી માતા સુનીતિના કહેવાથી મનોમન નિર્ણય કર્યો હતો કે જે પરબ્રહ્મ શ્રીવિષ્ણુ આ સંપૂર્ણ જગતના પિતા છે, જેમના માટે દરેક જીવ એક સમાન છે, હવે હું માત્ર તેમના જ ખોળામાં બેસીશ. એટલા માટે જો તમે પ્રસન્ન થઈને મને વરદાન આપવા માગતા હો તો મને તમારા ખોળામાં સ્થાન આપો. જેથી કરીને મને કોઇ ત્યાંથી ઉતારી ન શકે. મારી કેવળ આ જ ઇચ્છા છે.’ શ્રીવિષ્ણુ બોલ્યા, ‘વત્સ, તે માત્ર મારો સ્નેહ પ્રાપ્ત કરવા માટે આટલી કઠોર તપસ્યા કરી છે. એટલા માટે તારી નિ:સ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઇને હું તમે એવું સ્થાન આપીશ, જે આજ સુધી કોઈ પ્રાપ્ત કરી શક્યું નથી. બ્રહ્માંડ મારો અંશ અને આકાશ મારો ખોળો છે. હું તને મારા ખોળામાં સ્થાન આપું છું. આજથી તું ધ્રુવ નામના તારા સ્વરૂપે સ્થાપિત થઈનેસમગ્ર બ્રહ્માંડને પ્રકાશિત કરીશ. બ્રહ્માંડમાં તારું પદ સપ્તર્ષિઓથી પણ મોટું હશે અને તે હંમેશાં તારી પરિક્રમા કરશે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે, કોઈ પણ તને એ સ્થાન ઉપરથી નહીં દૂર કરી શકે. હે વત્સ! હવે તું ઘરે પાછો જા. થોડા સમય પછી તારા પિતા તને રાજ્ય સોપીને વનમાં જતા રહેશે. પૃથ્વી ઉપર છત્રીસ હજાર વર્ષો સુધી ધર્મપૂર્વક રાજ્ય ભોગવીને છેલ્લે તું મારી પાસે આવીશ.’ એટલું કહીને વિષ્ણુ અંતર્ધ્યાન ભગવાન થઇ ગયા. આ રીતે ભક્તિથી ભગવાનને પ્રસન્ન કરી ધ્રુવ સંસારમાં અમર થઇ ગયો. એટલા માટે એવું માનવામાં આવે છેકે આજે પણ બાળક ધ્રુવ ધ્રુવતારો બનીને અર્થાત્ પોલ સ્ટારના રૂપે ભગવાનના ખોળામાં બિરાજે છે. આ કથાના અનેક સ્તર છે. એક સ્તરે આ એક બોધકથા છે. એક દેશ પોલ સ્ટાર આકાશમાં કેમ સ્થિર છે તેને સમજાવે છે. ભારતીય પુરાણો અનુસાર પોલ સ્ટાર ભગવાન વિષ્ણુના ખોળામાં બેઠેલો નાનકડો ધ્રુવ છે. બીજા સ્તરે આ એક રૂપક છે. આમાં એક પિતા પોતાના બંને પુત્રોને એકસરખું મહત્ત્વ અને પ્રેમ આપવા માટે તૈયાર નથી.રાજાના આવા પક્ષપાતને કારણે તેઓ પુત્રને એકસરખી રીતે પ્રેમ નથી કરતા એટલે તેમના રાજ્યમાં અસંતોષ પેદા થાય છે. આમ આ રીતે આ કથામાં માનવીય વ્યવહાર અને આચરણનું વર્ણન છે, આ રૂપક દ્વારા એવું જણાવાયું છે કે દુન્યવી ઇચ્છાઓથી ભૌતિક જગતમાં દુ:ખનું નિર્માણ થાય છે. આ ઇચ્છા દૂર કરવાનો એકમાત્ર ઉપાય ભગવાનના ભક્ત બનવાનો છે. આ પૌરાણિક કથા ભક્તિ પરંપરામાંથી આવી છે. ભારત દેશમાં 1500 વર્ષ પહેલાં ભક્તિ પરંપરા ઉદ્્ભવી અને 500 વર્ષ પહેલાં તે વિસ્તરી. નાનકડો ધ્રુવ ભગવાનને પૃથ્વી પર લઇ આ‌વ્યો અને તેણે સ્વર્ગમાં અવિચળ સ્થાન મેળવ્યું. ⬛

અન્ય સમાચારો પણ છે...