તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય વિશેષ:સજીવ તત્ત્વોની કવિતા

4 મહિનો પહેલાલેખક: રઘુવીર ચૌધરી
 • કૉપી લિંક
 • આ કાવ્ય સંગ્રહનાં ગીતો અને છંદોબદ્ધ રચનાઓનું કાવ્યતત્ત્વ વધુ ર્સ્પશી જાય એવું છે

બારીન મહેતા (1951) અધ્યાપક, સંશોધક-સંપાદક અને પર્યાવરણ વિષયક ગ્રંથોના લેખક તરીકે પરિચિત હતા. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અરીસા ઘર’ કવિલોક દ્વારા 1987માં પ્રગટ થયેલો. આ વર્ષે વડોદરાની પ્રકાશન સંસ્થા સાયુજ્ય પ્રકાશને એક સાથે એમના ત્રણ કાવ્યસંગ્રહ પ્રગટ કર્યા છે. સાહિત્યરસિક સ્નેહી કુમારભાઇએ પ્રેરકની ભૂમિકા ભજવી છે. આ ત્રણ કાવ્યસંગ્રહો છેઃ ‘યાદવાસ્થળી’, ‘શબ્દયાત્રા ભણી’ અને ‘મૂળિયાનાં તળ’. સામાજિક નિષ્ઠા પર ભાર મૂકતા અભ્યાસીઓને પ્રથમ બે કાવ્યસંગ્રહો તપાસવાનું ગમશે. મને ‘મૂળિયાનાં તળ’નાં ગીતો અને છંદોબદ્ધ રચનાઓનું કાવ્યતત્ત્વ વધુ સ્પર્શી ગયું. સૃષ્ટિનાં સજીવ તત્ત્વો દ્વારા સર્જાતું પર્યાવરણ અહીં અહીં કવિતા બની રહે છે. બારીનભાઇએ નોંધ્યું છે કે 1975 પછીની કવિતા ‘સમય, સમાન સ્થિતિ અને સંવેદનાને વધુ વફાદાર રહી છે.’ આ વિધાન એમના ત્રણ ચાર મિત્રોની રચનાઓને વધુ લાગુ પડે છે. આ દૃષ્ટિએ અભ્યાસીઓ ‘યાદવાસ્થળી’નું નિરીક્ષણ કરશે.

‘છંદોલય શબ્દનાં સ્વકીય આંદોલનો’ શીર્ષકથી બારીનભાઇએ ‘મૂળિયાનાં તળ’ની ટૂંકી પ્રસ્તાવના લખી છે. એમને છંદોનું વૈવિધ્ય આટલું હસ્તગત છે એ નોંધપાત્ર બાબત છે. કવિએ ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો જેવા વિભાગોમાં રચનાઓ રજૂ કરી છે. શીર્ષકનું રહસ્ય આ પંકિતઓએ રજૂ કર્યું છેઃ કોઇ અજાણ્યા તળનાં મોતી હરતાં ફરતાં વેર્યાં મેં તો કોરાકટ કાગળને કાંઠે. તળનાં મોતી કાગળ પર અંકિત થાય એ કવિતાનું કામ છે. કવિ લખે છેઃ ‘પંખીઓના ટહુકામાંથી, ખળખળ વહેતી નદીમાંથી, વરસાદી ઝરમર કે ધોધમર વરસાદમાંથી, પવનની લહેરખી કે સૂસવાટામાંથી, વૃક્ષના ઝૂલાવમાંથી અને પર્યાવરણમાંથી- એમ લયનાં વિધવિધ રૂપ કવિઓને મળતાં હોય છે. એમાંથી જ એના ગીતની લયબાંધણી થતી હોય છે અને એનો લય એની ભાવબાંધણી પણ કરી લેતો હોય છે. ભાવ અને લય એમના 87માંથી મોટા ભાગનાં ગીતોમાં જોવા મળે છે. શું ટાળવું એ અઘરું લાગે છે. પંક્તિઓ તો ઠેર ઠેર સ્પર્શી જાય છે. ‘મળવાથી પામું કે ભળવાથી’ (પૃ. 14) ‘સૂનાં ખળાં સૂનાં સૂપડાં રે લોલ’ (પૃ. 15) ને ‘અંધકારનો હરતો પહેરો...કોઇ અડ્યું અનહદની વાટે’ (પૃ. 21) ‘મૂળિયાં તળ ભીતર ખૂલે’ (પૃ. 23) ઊડી ગયેલી ઝાકળ જેવી મુક્ત કથાના ઊંડાણ (પૃ. 26) ખીલતું આકાશ પણે ડુંગરની કેડીએ, વાસંતી રાગ, ચાલ સંગાથે ખેડીએ. (પૃ. 32) ***

પંખી જો હોત, કહું ટહુકામાં વાત રે, હું તો શેં કહું, સૂકી ભાષાની જાત રે. (પૃ. 35) કવિની જાત કઇ? ભાષા. ભાષા પણ જો સૂકી બની રહે તો? ભાવહીન ગદ્ય બની રહે તો? કવિ પોતાના માધ્યમને- ભાષાને ચાહે છે પણ એની મર્યાદા જાણે છે. ઊંડી અદીઠ તે વાવનો સંકેત કરે છે. ‘ચાલો રે તટને જઇ પૂછીએ કે જળની શી જાત... (પૃ. 57) ***

આંબે બેઠો મોર અને આ ઝૂકી લીમડાડાળ, શીય અચાનક હૈયે પડતી લીલી ઝમરખ ફાળ...(પૃ. 57) ‘અંધારે કે અજવાળે બસ ફટફટ થાતું ફાનસ’ ગણાવીને પોતાને સાદાસીધા માણસ તરીકે કવિ ઓળખાવે છે. ફાનસ અંધારે હોય તો ફટફટ થાય ખરું? ‘મારો ભાષાપ્રપંચ’ ભાષાની સર્જકતા સિદ્ધ કરવાનો ઉપચાર શોધે છે. સંતોને સંબોધીને કરેલી રચનાઓ નવીનતા ધરાવે છે. ‘અધૂરપનું અજવાળું’ ધ્યાન ખેંચે છે. ગીતો ગેય ઓછાં ને અગેય વધુ છે. કવિને લયની સાથે વધુ લેવાદેવા છે. એમાં ઝોલો આવતો નથી. એ મોટી વાત છે. ‘વહેણ હોય કે કહેણ, નહીં ચાલે ત્યાં રેણ’- ગીતનો ઉપાડ છે પણ લોકોક્તિ બની રહે છે. છેલ્લે દોહા અને સોરઠા આપ્યા છે. એક દુહો રાજકીયવૃત્તિ વિશે છે. મતપેટીની માનતા ને મનમાં ગાદી હોય, બીજું શું શું જોય, પાંચ વરહના પારણે? કેટલીક રચનાઓ વ્રજભાષામાં કરી છે. ગઝલ વિભાગમાં મુક્તકો સાથે 37 રચનાઓ છે. ઉઘાડમાં આ પંક્તિઓ મૂકી છે: જ્યાં ગયો ત્યાં મને ચીલા મળ્યા, બોલવા જ્યાં ગયો, ખીલા મળ્યા, શોધતો હું તને ભટકી રહ્યો ચોતરફ ભસ્મના કિલ્લા મળ્યા. ‘હું સરકતો’નો શેર છે: એક મૂંગી જાતરા કારણ બની લો, જુઓને વારતા આ રણ બની. (પૃ. 118) ***

તારા વિના પલળ્યાં નહીં, આકાશ કોરાં મોકલું. (પૃ. 123) ***

તપ હજી ઓછું પડે છે, જાતનું ટીલું નડે છે. (પૃ. 144) છંદોબદ્ધ કાવ્યોનો વિભાગ સ્વતંત્ર ચર્ચા માગી લે એવો છે. કવિએ પ્રયોજેલા છંદોમાં ભાષાની સાદગીએ સાથ આપ્યો છે. ‘નવમું દિલ્હી’ શ્રીધરાણીને અંજલિ આપવા જેવું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો