પ્રશ્ન વિશેષ:વરસતા વરસાદે વિચારોનું વાવેતર?

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રખર રાજનીતિજ્ઞ સનત મહેતા કહેતા: ‘રાજકારણ એટલે વેરઝેર એવું અમે કદી શીખ્યા ન જ હતા!’

‘અમે છાત્ર હતા, ત્યારે અમને છાત્રશક્તિ બક્ષનારા ધૂરંધરો હતા. આજે છાત્ર જ નથી રહ્યા, તો પછી છાત્રશક્તિની ક્યાં વાત કરવી? આજે કોઈને કહું કે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડિયાની સ્થાપના સમયે જયપ્રકાશ નારાયણે અમને આશીર્વચન આપ્યા હતા અને અમારા પ્રથમ અધ્યક્ષ હતા રામકૃષ્ણ બજાજ, જેઓ પછી શ્રેષ્ઠ ઉદ્યોગપતિ થયા, તો કોઈ સ્વીકારે? અમારાં છાત્ર સંગઠનો કોઈ પક્ષના બગલબચ્ચાંઓ ન હતા. દેશ સ્વતંત્ર જ થયો ન હતો એટલે અમારી પંચાયત કે અમારી રાજ્ય સરકારો કે કેન્દ્રમાં અમારી સરકાર જ ન હતી! અમે છાત્રશક્તિ તરીકે રાજકારણથી પર હતા. છાત્રસંગઠનનો અર્થ હતો : છાત્ર જીવનમાં જે ક્ષેત્રમાં જાય ત્યાં શ્રેષ્ઠ બનીને જીવે! હું કોઈને આવું કહું તો કોઈ માને મારું...? અમે સ્કૂલમાં ભણતા હતા ત્યારે મહાત્માજી અમારી સ્કૂલમાં આવેલા. અમે પૂછ્યું : અમે શું કરીએ કે જેથી અમે આપની લડતમાં ટેકો આપ્યાનો સંતોષ મળે? મહાત્માજીએ કહ્યું : પહેલાં તો સ્કૂલમાં નિયમિત ભણો અને પછીથી સ્કૂલ છૂટે એટલે નજીકના હરિજનવાસમાં જાઓ, ત્યાં સમય ગાળો. અમે સ્કૂલ પૂરેપૂરી ભરીને હરિજનવાસમાં જવા લાગ્યા, પણ પ્રશ્ન થયો, ત્યાં જઈને કરવું શું? પાછા પહોંચ્યા મહાત્માજી પાસે. વાત દોહરાવી કે, સ્કૂલ પૂરો સમય ભરીને પછી હરિજનવાસમાં જાવ, ત્યાંનાં બાળકો સાથે હસો-રમો-વાતો કરો, તેને નવરાવો, તેને સાફસૂથરાં રાખો ને પછી શક્ય બને તો એકથી દસ શીખવો… … બોલો, આજે આવા નેતા કે છાત્રો શોધ્યા જડે ખરા? મહાત્માજી દીર્ઘદૃષ્ટા હતા. તેમને ખબર હતી કે આઝાદી આવશે ત્યારે અસ્પૃશ્યતાની વાત વટે ચડશે. તેથી તેમણે અમને શાળાજીવનથી જ જીવનમાં ઉતાર્યું કે આપણે સૌ સમાન છીએ… હું મોટો થયો પછી મારા બે સાથી હરિજન મિત્રોને અમે અમારા ઘરે જમવા નોતર્યા. ઘરમાં પાકી રૂઢિચુસ્તતા. વડીલોએ વિરોધ કર્યો. અમે મક્કમ રહ્યા. ભોજન થયું. વડીલો ઉપરના મજલે જતા રહ્યા. અમે નીચે પ્રેમથી જમ્યા અને જમાડ્યા. માએ બધાના ગયા પછી ચૂલો ફરી લીંપ્યો, બધું ધોયું, પણ સવિનય અમારી સ્વતંત્રતાને બરકરાર રાખી શક્યા..! સ્વ. બળવંતરાય મહેતા અમારા સંગઠનના પ્રમુખ અને હું માનદમંત્રી...તેમના નામની ટપાલ ફોડી પણ ન શકાય. વણલખેલો નિયમ ને વણલખેલો આદર..! રોજ સવારમાં આવેલી ટપાલો લઈને બળવંતભાઈ મહેતાના ઘરે જાઉં… પણ સીધો રસોડામાં. સરોજબહેન ચા-નાસ્તો કરાવે પછી સંગઠનના પ્રમુખ પાસે જવાય. બળવંતભાઈ ટકોર પણ કરે કે તને તો મારા કરતાં સરોજ વધુ સાચવે છે! બાપ-દીકરા જેવો અમારો નાતો… છતાં થોડા વર્ષો પછી શિહોરમાંથી બળવંતભાઈ સામે ચૂંટણી લડવાનો આદેશ મને થયો..! ઘણી આનાકાની કરી. તે વખતે પણ કોંગ્રેસમાં બે જૂથ હતા. બળવંતભાઈને એમ ને એમ જીતવા ન દેવાય, એવું કહી મને ઊભો રાખ્યો..! છતાં અમારી વચ્ચેનો નાતો એવો ને એવો રહ્યો. રાજકારણ એટલે વેરઝેર એવું અમે કદી શીખ્યા ન જ હતા. આરઝી હકૂમતની લડતમાં જોડાયો ત્યારે મેં રાઈફલ ખભે લીધી અને સરદાર સાહેબે કઢાવી આપેલી એ રાઈફલો પરથી સરકારી માર્કા કાચકાગળોથી ઘસી કાઢીને તેનો ઉપયોગ કરેલો! મને તો આજેય પશ્ન થાય છે કે મેં આવી લડતમાં ભાગ કઈ શક્તિના આધારે લીધો? નહોતું સમજાયું છતાં સાચી વાત માટે દૃઢતાથી લડવાની અમારી તે સમયની શક્તિ તે સાચી છાત્રશક્તિ હતી… જૂનાગઢમાં અમારી છાત્રસભાઓનું આયોજન બે સાગરીતો કરતા : ધીરુભાઈ અંબાણી અને કૃષ્ણકાંત વખારિયા. ધીરુભાઈ અંબાણી છેલ્લે સુધી મને ‘ગુરુ’ કહીને સંબોધતા, પણ તેમણે પ્રગતિ કરી તેનું કારણ શું? ધીરુભાઈએ ધરતી સાથેનો નાતો અકબંધ રાખ્યો હતો. તેમના ઘરે ફોન કરો તો તેમનાં પત્ની જ ફોન ઉપાડે, સરસ વાત કરે અને પછી ધીરુભાઈને ફોન આપે. ક્યારેય તેમનાં ચપરાસી કે પી.એ. કે કોઈ મળતિયાઓ ફોન ન ઉપાડે. જેણે પોતાની જમીન સાથેનો નાતો તોડ્યો. તે પ્રજાનું કોઈ ભવિષ્ય નથી… ‘સ્વાભિમાન નેવે મૂકીને જીવવુંં તે મરવા તુલ્ય છે.’ .… આ દિલની વાત પ્રખર રાજનીતિજ્ઞ અને ગુજરાતના વિચક્ષણ પુરુષ સનત મહેતા કરી રહ્યા હતા. વરસતા વરસાદે રાજકોટના બાલભવનના સભાખંડમાં વિચારોનું વાવેતર થઈ રહ્યું હતું. દસકા પહેલાંની બૌદ્ધિકોની એ બેઠક હજુ શબ્દે-શબ્દ દિલમાં કંડારાયેલી છે. સ્વ. સનત મહેતા જેવા માંજેલા ને મઢેલા નેતાને બોલતા સાંભળવા એ જીવનનો લહાવો હતો. ⬛ bhadrayu2@gmail.com

અન્ય સમાચારો પણ છે...