તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડૂબકી:જીવનમૂલ્યોની કથાઓમાં ડોકિયું

વીનેશ અંતાણી19 દિવસ પહેલા
  • કૉપી લિંક

દરેક સમાજનાં આગવાં જીવનમૂલ્યો હોય છે. એ મૂલ્યો સામૂહિક સમજમાંથી વિકસે છે અને પરંપરા બને છે. વર્તમાન સમયમાં મૂલ્યોનું ધોવાણ થયું છે ત્યારે જીવનમૂલ્યો પર ભાર મૂકતી સત્યકથાઓ કે સાહિત્યકથાઓમાંથી મળતાં દૃષ્ટાંતોની ચર્ચા સમયસમયે થવી જોઈએ. એ સંદર્ભમાં હંસરાજ સાંખલાની બે નવલકથા ‘છોરાંવછોઈ’ અને ‘મનબંધણ’માંથી કોઠાસૂઝ ધરાવતાં પાત્રોની જીવનદૃષ્ટિની વાત કરવી છે. સ્થળસંકોચને લીધે નવલકથાઓની વિગતે વાત કરવી શક્ય નથી, છતાં બંનેનાં સર્જન પાછળનો હેતુ આ દૃષ્ટાંતોમાંથી જાણી શકાય છે. હંસરાજભાઈ કચ્છના નખત્રાણા તાલુકાના ખીરસરા ગામના. મૂળે ખેડૂત. હિંમતનગર આવી કારોબાર વિકસાવ્યો. લેખન તરફ વળવા પાછળ મોટું કારણ પોતાના સમાજના ઉત્કર્ષની ભાવના. એ એમના કડવા પાટીદાર સમાજના વિવિધ પ્રશ્ર્નો અને જીવનમૂલ્યો પ્રત્યે જાગ્રત રહ્યા છે. પાટીદાર સમાજની જીવનદૃષ્ટિ અને મૂલ્યો આગવાં છે. ભાષા ગુજરાતી, પરંતુ બોલચાલમાં વિશિષ્ટ બોલીની છાંટ વરતાય, ખેતી કરે અને દેશવિદેશમાં જઈ અન્ય કામો પણ કાબેલિયતથી કરે. આ બંને નવલકથા મને પોતીકી લાગી છે, કારણ કે મારું બાળપણ નખત્રાણામાં એ જ સમાજની વચ્ચે વીત્યું. કચ્છના રણવાસીઓ અને વહાણવટીઓની ઘણી કૃતિઓ રચાઈ છે, કડવા પાટીદાર સમાજને વણતી કથાઓ હંસરાજભાઈએ આપી. બોલીના સપ્રમાણ વિનિયોગથી પાત્રોનાં સુખ-દુ:ખ, વ્યથા-વીતકોનું ચિત્ર આલેખ્યું છે. ‘છોરાંવછોઈ’ વિછિન્ન માતૃત્વનો શાપ વેઠતી નાયિકા રતનની કથા છે. પતિ મણિલાલ કલકત્તામાં કામ કરે છે. એમના સમાજમાં સાતમના તહેવારનું ખૂબ મહત્ત્વ. દૂર રહેતા લોકો એ દિવસોમાં પોતાને ગામ આવે. મણિલાલ પણ આવતો. ચોથી દીકરીના જન્મ પછી એ કોલકાતામાં દારૂની લતે ચડે છે અને અન્ય સ્ત્રીના કુછંદે ચડે છે. ગામમાં રહેતી પત્ની અને દીકરીઓની જવાબદારી વિસારે પાડે છે. રતને ગામમાં જ રહી પોતાનું અને દીકરીઓનું ભરણપોષણ કરવા મજૂરી કરવી પડે છે. બે ટંકના રોટલા માટે અનહદ મુશ્કેલીઓ વેઠવી પડે છે. પૈસાના અભાવે ક્યારેક મંદિરના ઓટલે નાખેલાં પંખીઓનાં ચણ ચોરીછૂપીથી લાવવાં પડે છે. ગામનો દુકાનદાર જગો મદદ કરવાના બદલામાં અજૂગતી માગણી કરતો રહે છે. આર્થિક ભીંસમાં ભિડાયેલી રતન પાસે કોઈ ઉપાય રહેતો નથી, એણે એકવાર નાછૂટકે જગાને વશ થવું પડે છે. એ જગાને કહે છે: ‘મારી દીકરીયુંને બે દી’ થ્યા લૂખો રોટલોય નથી દઈ હકી.’ જગા પાસે રતન નથી આવી, ભૂખી દીકરીઓની લાચાર મા આવી છે. એ સ્ખલનથી રતનને દીકરો જન્મે છે. એ વખતે એની વડી સાસુ મરઘાંમા એની બાજુમાં ઊભાં રહે છે. પીઢ મરઘાંમા આધુનિક વિચારસરણીને પણ શરમાવે એવું ડહાપણ વ્યક્ત કરે છે. એ કહે છે: ‘હું બાઈમણ હૌં. બાઈમણની આવી પીડા બાઈમણ જ હમજી હકે.’ તેમ છતાં પંચ રતનને સજા કરે છે. પરપુરુષથી થયેલા ધાવણા દીકરા સહિત બધાં સંતાનો પતિ મણિલાલને સોંપી રતનને છૂટી કરે છે. પરિવારની જવાબદારી સંભાળવામાં બેદરકાર રહેલા પતિનો દોષ કોઈને દેખાતો નથી. રતન પેટનાં જણ્યાંથી વછોઈ થવાની વેદનામાં જીવનભર વલોવાતી રહે છે. હંસરાજભાઈ કહે છે કે આવી કેટલીય રતનોની વેદનાને વાચા આપી ન હોત તો જીવનસિદ્ધાંતમાં પલાયનવાદી બની જાતને છેતરી હોત. ‘મનબંધણ’ નવલકથાને લેખકે ‘પરંપરાઓને છેદીને નવી ક્રાંતિના મંડાણની કથા’ કહી છે. સાથે ભણતાં મંજુ અને મોહનની પ્રીતની કથાની સાથે સમાજનાં કેટલાંય પાસાં ઊઘડે છે. મંજુ મોહનને પરણી શકતી નથી, બીજે લગ્ન કરવાં પડે છે. આ નવલકથામાં પણ મરઘાંમા જેવા ઠાવકા વૃદ્ધ મુખીની જીવનસમજનો એક પ્રસંગ છે. મુખીની પૌત્રી મંજુ સાસુ સાથે વાતેવાતે ચણભણ થતી હોવાથી પિયર ચાલી ગઈ. એનો દાદા મુખીબાપો જીવનની કઠણાઈને પચાવી ગયેલો પુરુષ. એ મંજુને એની ભૂલ સમજાવે છે: ‘બેટા, નાદાનીમાં તેં તારા માથાં માથે એવી રીતે કરવત મૂકી હે કે આમ ખેંચશું તોય તારાં માથામાંથી લોહી નીકળશે અને ઓમ ખેંચશું તોય તારા માથામાંથી જ લોહી નીકળશે.’ દાદાની શીખથી મંજુને એની ભૂલ સમજાય છે. એ સાસરે પાછી જવા તૈયાર છે, પરંતુ જમાનાનો ખાધેલ દાદા વેવાણને એની ભૂલ સમજાવ્યા વિના પૌત્રીને મોકલવા માગતો નથી. મંજુને લઈ એના સાસરે જાય છે. પછી એમની વાણી અને વર્તનમાં પરંપરા અને જીવનમૂલ્યોની જાણે સરવાણી ફૂટે છે. મુખીબાપા વેવાણને કહે છે: ‘તમે તમારી માવતર તરીકેની ફરજ હમજો અને એનાં માવતર થાઓ... એની ભૂલ હોય તો દીકરી સમજી પ્રેમથી કો’.’ મુખીબાપા આગળ કહે છે: ‘આ અમારી દીકરી હવે જેવી છે તેવી તમારી હે. તમેય એના જેવાં જ થ્યાંને? હાથે કરીને બેય હાહુ-વઉ ભેળી થઈ મોટાં ઘરનાં લૂગડાં ઊંચાં કરવા મંડ્યું હો.’ સાસુ-વહુના ઝઘડાનાં પરિણામ આપણા સમાજે ભોગવ્યાં છે. સાચી શીખ દેનારા વડીલોની કમી છે. દામ્પત્યજીવન તૂટવાની ઘટનાઓ બને ત્યારે પીઢ પેઢીની સમજણની જરૂર છે. મૂલ્યો જળવાય તો બદલાયેલો સમય દીપી ઊઠે. એ વાત હંસરાજભાઈની નવલકથાઓમાંથી અંકે કરી શકાય છે. કોઈને આ કથાઓ સાહિત્યના માપદંડ પ્રમાણે અનુકૂળ ન લાગે તોય એનું સામાજિક મૂલ્ય ઘણું છે. ⬛ vinesh_antani@hotmaill.com

અન્ય સમાચારો પણ છે...