ન્યૂ રીલ્સ:બોલિવૂડમાં દેશભક્તિનાં લેબલ!

એક મહિનો પહેલાલેખક: વિનાયક વ્યાસ
  • કૉપી લિંક

‘કાશ્મીર ફાઇલ્સ’ની સફળતા પછી ફરી એક વાર બોલિવૂડના વિવિધ કેમ્પોમાં રીતસરના વૈચારિક ભાગલા બહાર આવી રહ્યા છે. અમુક કલાકારો અને ફિલ્મકારોને ‘દેશભક્ત’ હોવાનાં લેબલ એ રીતે લગાવાઇ રહ્યાં છે કે જાણે તે એક જાતનો કટાક્ષ હોય! હકીકતમાં ‘દેશભક્ત’ના લેબલને ‘મોદીભક્ત’નો પર્યાય માનીને એક પ્રકારની ઠેકડી ઉડાડવામાં આવી રહી છે. છેલ્લે છેલ્લે ટ્વિંકલ ખન્નાએ પણ તેની હળવી કોલમમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ વિશે મજાક કરતાં કરતાં મનોજ કુમારને ‘ઓરિજિનલ દેશભક્ત’ તરીકે યાદ કરીને અડફેટમાં લઇ લીધા છે.

સવાલ એ છે કે મનોજ કુમાર પહેલાં અહીં બોલિવૂડમાં કોઇ દેશભક્તો હતા જ નહીં? શું ‘મેરે દેશ કી ધરતી…’ એ જ પહેલું દેશભક્તિનું ‘એન્થમ’ હતું? છેક 1945માં ‘કિસ્મત’ ફિલ્મમાં જેણે ‘દૂર હટો એ દુનિયાવાલોં હિંદુસ્તાન હમારા હૈ…’ લખ્યું તેને કોઇએ દેશભક્ત કેમ ના માન્યા? ‘સારે જહાં સે અચ્છા…’ લખનાર શાયર ઇકબાલ તો ભાગલા પછી ભાગીને પાકિસ્તાન જતા રહ્યા અને કટ્ટરવાદી મુસ્લિમ તથા પૂરેપૂરા ભારતવિરોધી બની ગયા હતા. શું એમના માટે ‘દેશભક્ત’ હોવાનો ટોણો કદી ફિટ નહોતો બેસતો? કટાક્ષની વાત છોડો, તો પણ શું ‘અય મેરે વતન કે લોગોં…’ લખનારા કવિ પ્રદીપજી દેશભક્ત નહોતા? એમણે તો ‘આઓ બચ્ચોં તુમ્હે દિખાયે ઝાંકી હિંદુસ્તાન કી…’ પણ લખ્યું હતું અને ‘ગાંધીજીની આખી કહાણી ‘બાપુ કી યે અમર કહાની…’માં વર્ણવી હતી. ‘હકીકત’ ફિલ્મમાં ‘કર ચલેં હમ ફિદા જાન-ઓ-તન સાથિયોં…’ લખનારા કૈફી આઝમી, કે ‘હમ હિંદુસ્તાની’…’ ગીત લખનારા પ્રેમ ધવન ‘હમ ઉસ દેશ કે વાસી હૈ જિસ દેશ મેં ગંગા બહતી હૈ…’ના કવિ શૈલેન્દ્ર ‘જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બસેરા, વો ભારત દેશ હૈ મેરા…’ લખનારા કવિ રાજેન્દ્ર કૃષ્ણ ઉપર કેમ આ લેબલ નહોતું લગાડાયું? આવાં દેશભક્તિનાં અનેક ગીતો જેની ઉપર પિક્ચરાઇઝ થયાં તેમને કેમ કદી મજાકનું કેન્દ્ર નહોતા બનાવાયા? આ તો પેલા ચીલાચાલુ ફિલ્મી ડાયલોગ જેવી વાત થઇ કે ‘તુમ્હારા ખૂન ખૂન, ઔર હમારા ખૂન પાની?’

કલાકારોના ખાસ દેશપ્રેમની વાત કરીએ તો સુનીલ દત્ત અને નરગિસ વારંવાર સરહદ ઉપર જઇને ફૌજીભાઇઓનું મનોરંજન કરતા હતા, એ પણ સાવ મફતમાં.’ દર શનિવારે ફૌજીભાઇઓ માટે જ વિવિધ ભારતીનો કાર્યક્રમ ‘ગીતમાલા’ રજૂ કરવા માટે અલગ અલગ ફિલ્મી હસ્તીઓ આવતી હતી. શું એ બધા સરકારના ‘ચમચા’ હતા? કેમ આજે જે દેશના હિતની કોઇ વાત કરો કે એવી થીમ ઉપર ગીત કે ફિલ્મ બનાવો તો તમે મજાકનું કેન્દ્ર બની જાઓ છો? ખાસ કરીને મનોજ કુમારને આ રીતે ટાર્ગેટ કરીને બહુ લાંબા સમય સુધી કેમ્પેઇન ચાલ્યું. કોઇને સવાલ થાય કે મનોજ કુમાર જ શા માટે? હા, એ વાત સાચી કે ‘ઉપકાર’ ફિલ્મને જે અણધારી સફળતા મળી તે જોઇને તેમણે એ જ થીમ ઉપર વધુ બે-ચાર ફિલ્મો બનાવી. આ કારણસર એમની ઉપર ‘દેશભક્તિનો ધંધો’ કરવાનો આરોપ લગાવાયો! અહીં સવાલ એ છે કે જો એમ જ હોય તો છેલ્લાં 110 વરસથી સૌથી વધુ ફિલ્મો તો ‘લવ’ની આસપાસ જ બની છે! તો શું એમણે ‘પ્રેમનો ધંધો’ કર્યો? અને આજકાલ વેબસીરિઝોમાં જે વિકૃત હિંસા, ગંદકીભર્યુ સેક્સ અને ગાળાગાળીથી ભરપૂર સંવાદો ઠાંસીઠાંસીને ભરે છે એમને શું કહેશો? ‘વલ્ગારિટીના વેપારી?’

મનોજ કુમારની ઠેકડી તો છેક ‘ઓમ શાંતિ ઓમ’ સુધી ચાલી હતી. બિચારા મનોજ કુમાર જ શા માટે?

જરા નિરાંતે વિચારશો તો સમજાશે કે એમણે જે ‘ઉપકાર’ ફિલ્મ બનાવી હતી તે 1965ના યુદ્ધ વિશે હતી, જ્યાં રાજકીય રીતે નેહરુ કુટુંબની ખાસ ભૂમિકા નહોતી, બલ્કે ફિલ્મના પરદે જ્યારે ‘રંગ લાલ હૈ લાલ બહાદુર સે…’ ગવાતું ત્યારે તાળીઓના ગડગડાટ થઇ જતા હતા અને બીજી જ લીટીમાં જ્યાં રંગ અમન કા વીર જવાહર સે…’ ગવાતું ત્યારે ઓડિયન્સ ઠંડું થઇ જતું હતું! શું નેહરુ પરિવારની ચમચાગીરી ના કરી એટલે જ મનોજ કુમાર મજાકનું કેન્દ્ર બન્યા? ખાસ કરીને આજે આ બધું વિચારવા જેવું છે. ⬛

અન્ય સમાચારો પણ છે...