લક્ષ્યવેધ:UPSC પરીક્ષા ત્રીજા પ્રયાસે પાસ કરી, નેશનલ લેવલે 44માં રેન્ક મેળવીને બની ગયા IAS

3 મહિનો પહેલાલેખક: હેમેન ભટ્ટ
  • કૉપી લિંક
  • ડો. કુલદીપ આર્યએ UPSCમાં એગ્રીકલ્ચર અને સાઇકોલોજી વિષયો રાખ્યા હતા

મિત્રો, હરિયાણામાં 17મી જાન્યુઆરી, 2015ના વર્ષમાં 31 સભ્યોના પૂરા પરિવારને છોડીને સો વર્ષની ઉંમરે ભતેરી દેવીનું નિધન થયું. પણ આ કંઇ ચોંકાવનારી વાત ન કહેવાય પરંતુ તેમણે જે સંઘર્ષ અને સાહસ સાથે બધાં બાળકોને ભણાવીગણાવીને કામયાબ બનાવ્યા છે તે ઉદાહરણીય છે. ભતેરી દેવી પોતે કદી સ્કૂલને ગયાં ન હતાં. સ્કૂલ જોઈ ન હતી, પરંતુ આજે એમના દીકરા પૌત્ર-પૌત્રીઓએ શિક્ષણમાં જે મુકામ હાંસલ કર્યો છે તેના પર સૌ કોઈ ગર્વ મહેસૂસ કરે છે. ભતેરી દેવીના પતિ કૃષ્ણપાલ યાદવ હતા. તેઓ 1942માં ભારતીય સેનામાં ભરતી થઈ ગયા હતા. આથી ભતેરી દેવી પર ખેતીવાડી, પશુઓની સારસંભાળ, સાથોસાથ બાળકોની દેખભાળની પૂરી જવાબદારી પણ આવી પડી હતી, જે તેમણે સુપેરે નિભાવી હતી. ઠંડી, ગરમી, વરસાદ કંઈ પણ જોયા વિના સવારે ચાર વાગે ઊઠીને જવાબદારીઓ પૂરી કરવા લાગી જતાં હતાં. રાત્રે નવ વાગ્યા સુધી તે ત્રણેય પુત્રો બે પુત્રીઓને અભ્યાસ કરાવ્યા બાદ જ આરામ કરતાં હતાં. આ ભતેરી દેવીના પુત્ર રામ અવતાર અને શાંતિ દેવીના પુત્ર ડોક્ટર કુલદીપ આર્ય આઈ. એ. એસ. બની ગયા છે.

ગાંધીનગરના જિલ્લા કલેક્ટર તરીકે કાર્યરત કુલદીપ આર્યે દસમા ધોરણ સુધીનો અભ્યાસ તેમના ગામ હરિયાણાના રેવાડીની શાળામાંથી જ કર્યો હતો. તેમને ધોરણ 10માં 86 ટકા માર્ક્સ અને બારમા ધોરણમાં 60 ટકા માર્કસ મેળવ્યા હતાં. આ પછી તેમણે એમ. એસસી. અને કૃષિ કીટશાસ્ત્ર (Agriculture entomology)માં પી. એચડી.ની પદવી મેળવી.

ડો. કુલદીપ યુ. પી. એસ. સી.પરીક્ષાની પ્રેરણા વિશે કહે છે, ‘હું એમ. એસસી.માં અભ્યાસ કરતો હતો ત્યારે મારા એક મિત્ર પાસેથી મેં પહેલી વાર યુ. પી. એસ. સી. પરીક્ષા વિશે જાણ્યું હતું. તેણે મને કહ્યું હતું કે હું યુ. પી. એસ. સી.ની પરીક્ષા આપું છું, તું પણ આપ. એ વખતે મને એ પરીક્ષા વિશે કંઈ ખ્યાલ ન હતો. મેં તેને પૂછેલું કે,એ પરીક્ષા આપ્યા પછી શું? તેણે જવાબ આપ્યો કે યુ. પી. એસ. સી. એક્ઝામ્સ પાસ કરીશ તો તું કલેક્ટર બની શકીશ અથવા પોલીસ કમિશનર બની શકીશ. આ સાંભળ્યા પછી મને ખબર પડી કે સરકારમાં ઉચ્ચ અધિકારી બનવા માટે યુ. પી. એસ. સી.પરીક્ષા આપવી પડે છે. મારા એ મિત્ર સુમિત કુમાર. તેઓ અત્યારે આસામ કેડરમાં આઈ. પી. એસ. છે. તેમની પાસેથી યુ. પી. એસ. સી. પરીક્ષા વિશે જાણ્યા પછી મેં ઉચ્ચ અધિકારી તરીકેના કારકિર્દી ઘડવાનું નક્કી કર્યું.’ આઇ. એ. એસ. ડો. કુલદીપ વિષયોની પંસદગી અને તૈયારી વિશે કહે છે, ‘ મેં યુ. પી. એસ. સી. પરીક્ષા મેં એગ્રીકલ્ચર અને સાઇકોલોજી વિષયો રાખ્યા હતા. યુ. પી. એસ. સી.ની તૈયારી માટે હું નિયમિત 8 થી 10 કલાક લેખન વાંચન કરતો હતો. મજબૂત અને દૃ ઢ મનોબળ સાથે મેં તૈયારી શરૂ કરી હતી. આ માટે દિલ્હીમાં હું કોચિંગ માટે જતો હતો. મેં ત્રણ પ્રયાસ આપ્યા હતા. પહેલા પ્રયાસમાં કોઈ પણ જાતની તૈયારી વિના મેં પરીક્ષા આપી હતી. તેથી તેમાં સફળતા મળી ન હતી. બીજા પ્રયાસમાં હું ઇન્ટરવ્યૂ સુધી તો પહોંચી ગયો હતો, પણ મેરિટમાં સફળ ન થયો. ત્રીજા પ્રયાસમાં હું નેશનલ લેવલે 44માં રેન્કથી પાસ થયો છું અને આઈ. એ. એસ.માં પસંદગી પામ્યો.’ ઇન્ટરવ્યૂમાં પુછાયેલા પ્રશ્નો વિશે ડાો. કુલદીપ કહે છે, ‘મારો ઇન્ટરવ્યૂ સરળ હતો. મને કોઈ અઘરા પ્રશ્નો કે સિચ્યુએશન બેઝ પ્રશ્નો પૂછવામાં આવ્યા ન હતા. મારા એજ્યુકેશન અંગે, તમે પી. એચડી. થઈ ગયા છો તો પછી આ યુ. પી. એસ. સી. પરીક્ષા શું કામ આપો છો એવો પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. જવાબમાં મેં કહ્યું હતું કે આનાથી જ ખરા અર્થમાં લોકોનાં કામ થઈ શકે, લોકસેવા થઈ શકે એ હેતુથી હું આ યુ. પી. એસ. સી. પરીક્ષા આપું છું. એજ્યુકેશન ઉપરાંત મારો શોખ શું છે એવો પ્રશ્ન પુછાયો હતો. એકંદરે મારો ઇન્ટરવ્યૂ સારો રહ્યો હતો.’

આઇ. એ. એસ. ડો. કુલદીપ આર્યનો પ્રોબેશન પિરિયડ કચ્છ જિલ્લામાં થયો. ત્યાર બાદ તેઓ રાજુલામાં આસિસ્ટન્ટ કલેક્ટર બન્યા. આણંદ, વડોદરા અને છોટા ઉદયપુરમાં તેમણે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી. આ પછી ખેડા જિલ્લાના કલેકટર બન્યા. તેઓ હાલમાં ગાંધીનગરના કલેક્ટર તરીકે કાર્યરત છે. ડો. કુલદીપના પત્ની આઇ. એફ. એસ. નીલમદેવી ન્યૂ દિલ્હીમાં કાર્યરત છે. કલેક્ટર ડો. કુલદીપ આર્યના દાદીમા ભતેરી દેવીના આજે નથી રહ્યા, પણ આંગણામાં શિક્ષણનું વટવૃક્ષ છોડી ગયાં છે.

અન્ય સમાચારો પણ છે...