માયથોલોજી:પાર્વતીએ નંદીને આપ્યો નર્કમાં જવાનો શાપ

દેવદત્ત પટનાયકએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે આપણે કોરકુઓ (મધ્ય પ્રદેશની આદિવાસી જનજાતિ)દ્વારા ઊજવવામાં આવતા કેટલાક તહેવારોની વાત કરીએ. અલબત્ત, આ તહેવારો હિંદુ હોવા છતાં આમાં કેટલાક પાસાં એવા છે જે હિંદુ ધર્મના મુખ્ય પ્રવાહમાં જોવા ન મળતાં કોરકુઓમાં જ જોવા મળે છે. કોરકુ ભાદરવા મહિનાની અમાસ ‘પડવા’ના દિવસે પોલાનો ઉત્સવ ઊજવે છે. એવું કહેવાય છે કે જ્યારે પાર્વતીએ એક વાર કૈલાસ પર્વત પર શંકર ભગવાનને ચોપાટમાં હરાવ્યા, ત્યારે શિવે પોતે હારી ગયા હોવાનો અસ્વીકાર કર્યો. બંનેએ નંદી પાસે તેમનો તટસ્થ મત માગ્યો ત્યારે નંદીએ શિવજીનો પક્ષ લીધો. પરિણામે પાર્વતીએ ક્રોધે ભરાઇને નંદીને શાપ આપ્યો કે મૃત્યુ પછી એ નર્કમાં જશે અને એમણે કાયમ હળનો ભાર ઉઠાવવો પડશે. નંદીએ એમની માફી માગતા પાર્વતીજીએ થોડા શાંત થઇ કહ્યું કે જે દિવસે ખેડૂતો નંદીની પૂજા કરશે, તે દિવસથી એમણે હળ નહીં ઉપાડવું પડે. નંદીને આપેલો આ શાપ મનુષ્યો માટે વરદાનરૂપ બની ગયો કેમ કે નંદીએ કૃષિ ક્રાંતિમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. પોલા ખેડૂતોનો જ તહેવાર છે. સવાર થતાં જ બળદને નદીમાં નવડાવીને સુંદર રીતે સજાવવામાં આવે છે અને પછી તેમનો ખવડાવવામાં આવે છે. બળદો પાસે આ દિવસે કોઇ પ્રકારનું કામ કરાવવામાં આવતું નથી, ખેડૂતો ચૈત્રી બીજના દિવસે ગુડી પડવો ઊજવે છે. આ દિવસે તેઓ ખેતીવાડીનું કોઇ કામ કરતા નથી અને ગોળ અને લીમડાના પાનનું મિશ્રણ ખાય છે. તેઓ માને છે કે આના કારણે તેઓ આખું વર્ષ સ્વસ્થ રહેશે અને દીર્ઘાયુ બનશે. ખેડૂતો કારતક માસની અમાસ ‘પડવાના રોજ દીવાળી ઊજવે છે. તેઓ આ દિવસે પોતાના બળદોને નવડાવી તેમને આરામ કરવા દે છે. કોરકુ ગોવાળિયા રાત્રે વાંસળી જેવા લાગતા ‘ભૂગડૂ’ નામના વાજિંત્રની ધૂન પર નાચે છે. તેમની પત્નીઓ બીજાના ઘરની દીવાલો પર લાલ માટી અને સફેદ ચિરોડીથી ‘ભીંતચિત્રો’ દોરે છે. બળદને બીજા દિવસે સૂર્યોદય થતાં પહેલાં હાર-તોરાથી સજાવવામાં આવે છે. તેમના શીંગડાના ઉપરના ભાગ પર મોરપીંછ લગાવવામાં આવે છે અને નીચેના ભાગને રંગ કરવામાં આવે છે. કોરકુ પડવા પર ફટાકડા ફોડે છે, બળદોની દોડ કરાવે છે અને હનુમાનજીના મંદિરે જઇ તેમની પૂજા કરે છે. તેઓ હનુમાનજીને શ્રીફળ અને મીઠાઇ ધરાવી ઘરે પાછા ફરે છે. પોતાના બળદોને મીઠાઇ ખવડાવી પોતે પણ મીઠાઇ ખાય છે. આ દિવસે ખેડૂતો પોતાના નૃત્ય દ્વારા હનુમાનજીને પ્રસન્ન કરે છે. તેઓ મંદિરેથી પાછાં ફરતાં રસ્તામાં દરેક ઘર સામે નૃત્ય કરે છે. તેમની પત્નીઓ તેમનાં નૃત્ય સાથે ગીતો ગાય છે. ખેડૂતો દીવાળીના પાંચ દિવસ પૂરા થયા પછી અથવા સાપ્તાહિક બજાર ભરાય ત્યારે તેઓ પોતાનું નૃત્ય સૌની સમક્ષ રજૂ કરે છે. આથી આ બજારોને ‘ખેડૂત હાટ’ પણ કહેવામાં આવે છે. કોરકુ લોકો હોળી પણ ઊજવે છે. કહેવાય છે કે કોઇ અન્ય જ્ઞાતિની હોલિકા નામની યુવતીને એક કોરકુ યુવાન સાથે પ્રેમ થઇ ગયો. એ બંને લગ્ન કરવાં ઇચ્છતાં હતાં, પણ હોલિકાનાં લગ્ન એની જ જ્ઞાતિના કોઇ યુવાન સાથે નક્કી થઇ ગયાં, ત્યારે કોરકુ યુવાને દુ:ખી થઇને આપઘાત કરી લીધો. હોલિકાને આ વાતની જાણ થતાં એણે પણ ચિતામાં પોતાની જાતને હોમી દીધી. આથી કોરકુ તેમનાં પ્રેમની સ્મૃતિ તાજી રાખવા હોળી ઊજવે છે. હોળી ફાગણ મહિનાની પૂનમે નહીં, પણ તેના આગલા દિવસે પડવા પર પ્રગટાવવામાં આવે છે. કેટલાક કોરકુ ગામડાંઓમાં આ તહેવાર પૂનમે પણ ઊજવવામાં આવે છે. સાંજ થતાં જ સૌ કોઇ હોળીના લાકડાં ભેગાં કર્યાં હોય ત્યાં ભેગા થાય છે. પુરુષો ઢોલ, નગારાં અને ઝાંઝ વગાડતા વગાડતા ફાગ ગીતો ગાય છે. ગામનો કોરકુ પટેલ એ પછી હોળીની પૂજા કરે છે. હોળી પ્રગટાવ્યા પછી બધાં રંગ અને ગુલાલથી હોળી રમે છે. ઢોલ, ઢોલક, ઝાંઝના સ્વરો સાથે ગીતો ગાવામાં આવે છે. યુવક-યુવતીઓ હોળી પછી પાંચ દિવસ સુધી ઘેર-ઘેર જઇને ‘ફાગ’ ગીતો ગાય છે.⬛ (સાભાર : વેબસાઇટ socialvillage.in અને ‘સંપદા – મ.પ્ર.ની જનજાતિ સાંસ્કૃતિક પરંપરાના સાક્ષ્ય’ પુસ્તક)

અન્ય સમાચારો પણ છે...