સ્ટોરી પોઇન્ટ:ભીડનો ભાગ આ જિંદગી !

21 દિવસ પહેલાલેખક: માવજી મહેશ્વરી
  • કૉપી લિંક

પસાર થઈ ગઈ. પૂર્વીએ પીક અપ પોઈન્ટ પર શ્વાસ ખાધો અને ઘડિયાળ જોઈ. તે હંમેશ કરતાં મોડી હતી. બાઈક ઉપર એક યુગલ પસાર થઈ ગયું. પૂર્વીના મનમાં કડવાશ ફેલાઈ ગઈ. શું જીપની વાટ જોવામાં, બેસી ગયા પછી ઊતરવાના ઉચાટમાં જ જિંદગી પૂરી થઈ જશે? યાદ કરવું ન હતું તોય યાદ આવી ગયું, ગઈ કાલે પેલો ઘોંચુ શું કહેતો હતો! ‘પૂર્વી મને આ ગમે, આ ન ગમે’ જોતાંવેંત જ ધક્કો વાગ્યો. એક તો સાવ સાંઠીકડા જેવું શરીર, તેમા વળી છ ફીટની ઊંચાઈ. આંખે જાડા કાચનાં ચશ્માં. ચેક્સના લાંબી બાંયના શર્ટમાં ડાગલા જેવો લાગતો હતો. પણ થાય શું! મમ્મી ઈચ્છે છે કે મારું જલદી ગોઠવાઈ જાય. એની ઈચ્છા ખાતર મારે એ જોકરની બાજુમાં બેસવું પડ્યું. અરે! એની સાથે બહાર જવું પડ્યું. કાર બગીચે જઈને ઊભી રહી. મનોમન શરમ આવતી હતી કે લોકો અમને જોઈને શું વિચાર કરતા હશે? પૂરો દોઢ કલાક એની લપ સાંભળી. સાલ્લાએ જરાય શરમ વગર કહી નાખ્યું, ‘તમે ગુજરાતી સાથે એમ. એ. કર્યું હોય એવું લાગતું નથી. આર્ટ્સની છોકરીઓ તો શરમાળ હોય.’ ‘લાલ દરવાજા જાય?’ પેસેન્જરની આંખો વાંચવામાં માહેર થઈ ગયેલા ડ્રાઈવરે હકારમાં માથું હલાવીને પૂર્વીને કહ્યું, ‘આગળ આવી જાવ બહેન. એય ભાઈ તમે જરા જગ્યા કરો.’ પૂર્વીની અડધી પીઠ પેલાની છાતી પર આવી ગઈ. પૂર્વી સામે જોઈ રહી હતી. તેની આંખોની પૂતળીમાં બરાબર સમાતું હતું કે અડીને બેઠેલાની આંખો ક્યાં ક્યાં ફરી રહી છે. તેનાથી ટટ્ટાર બેસાતું ન હતું તોય બેસી રહી. શરૂશરૂમાં કોઈને ભીંસાઈને બેસવાનો તીવ્ર અણગમો થતો. એને ખ્યાલ આવતો કે પડખે બેઠેલો ઈરાદાપૂર્વક અડી રહ્યો છે, ત્યારે શરીર સંકોચાઈ જતું. આક્રોશ જાગતો. આંખોમાં ગુસ્સો તરી આવતો. ધીમે ધીમે તેણે અવગણવા માંડ્યું. નઘરોળ વાસ્તવ સામે શરમ નામની ચીજ સાતમે પાતાળ ભંડારાઈ ગઈ. એટલું જ યાદ રહ્યું કે જગ્યા છે, બેસવાનું છે, પહોંચવાનું છે. પપ્પા, મમ્મી, ભાઈ, પગાર, ભણતર, દવા, એ બધું એકઠું થઈને એવી તો ભીંસ દેતું કે વિદ્રોહ ઠરી જતો. જે શરીરનાં અંગ-ઉપાંગો માટે છાને ખૂણે ગર્વ અનુભવ્યો તે હવે ભીડનો ભાગ બની ગયા હતા. અફસોસ પર પાણી રેડાઈ જતું અને તે સાથે એક દિવસ પાણી સાથે વહી જતો. ‘ચાલો વા… ડ...જ....‘ ડ્રાઈવરે બૂમ પાડી. વિચારોમાંથી ઝબકીને જાગેલી પૂર્વીને રહીરહીને ખ્યાલ આવ્યો કે જે જાય છે તે દિવ્યા જ છે. તેનાથી જોરથી બૂમ પડાઈ ગઈ. ‘અરે! સોમલી તું? ચાલ, તને કંપની આપું. આપણે આજે સાથે કૉફી પીશું.’ જીપમાં પાછળ જગ્યા થઈ. બેય જણી પાછળ બેસી ગઈ. પૂર્વીનો હાથ પકડતાં દિવ્યાએ કહ્યું, ‘કેમ તારો હજી મેળ નથી પડ્યો કે શું? કરી લે હજી સમય છે. નહીંતર આમ જીપડામાં જ ઘરડી થઈ જઈશ. બાય ધ વે, તારું કંઈ ગોઠવાયું નહીં કે તારે કરવું નથી?’ પૂર્વી પાછળ સરતાં જતાં દૃશ્યોને જોઈ રહેતા કહ્યું, ‘આમ તો બેય. કોઈકને હું જાડી લાગું છું. કોઈકને મારી હાઈટ ઓછી લાગે છે. કોઈકને મારી ઉંમર નડે છે. કોઈકને હું ગમું છું, પણ મારું ઘર નથી ગમતું. કોઈને હું બરછટ લાગું છું. શરમ વગરની, મતલબ બેશરમ! બોલ શું કરું? મેં હવે માંડી વાળ્યું છે. કરવું જ નથી. ગઈ કાલે જ એક નમૂનાએ મારી એક દિવસની રજા બગાડી. એમને કોઈ બહાનું ન મળ્યું તે શું કહ્યું ખબર છે? એની મમ્મીએ મારી મમ્મીને ફોન કરીને કહ્યું કે, ‘અમારા દીકરાને શરમાળ છોકરીઓ ગમે છે. તમારી પૂર્વી જરાય શરમાળ નથી’ મારી મમ્મી બિચારી કેટલું રડી. મને થયું કે એને ફોન કરીને કહું, ‘તારા બાપનું વાણ! શરમાળ છોકરીઓ જોઈતી હોય તો જા અમદાવાદની લાઇબ્રેરીમાં. ગુજરાતી વાર્તાઓમાં શરમાળ છોકરીઓ મળી જશે. એક મહિનો આ જીપડામાં અપડાઉન કર તો ખબર પડે કે શરમ કેવી રીતે ટકે છે?’ પૂર્વીના દાંત ભીડાઈ ગયા. દિવ્યાએ તેનો હાથ દબાવતાં કહ્યું, ‘રિલેક્સ માય ડિયર. ફરગેટ ડ્રીમ એન્ડ લવ ધ લાઈફ.’ પૂર્વીને લાગ્યું કે તેના પગને કંઈક અડી રહ્યું છે. તેણે નીચે જોવાને બદલે સામે જોયું. બેયની વાતો સાંભળી રહેલા યુવાને પૂર્વી સામે એક મરકલું ફેંક્યું. ⬛

અન્ય સમાચારો પણ છે...