ડૂબકી:માતા-પિતા સંતાનો, સંતાનો માતા-પિતા

3 દિવસ પહેલાલેખક: વીનેશ અંતાણી
  • કૉપી લિંક

પાંસઠેક વર્ષનાં પતિ-પત્ની નિવૃત્તિ પછી પહેલી વાર એકલાં પ્રવાસે નીકળ્યાં. પતિએ ટ્રેનમાં જ એની ડાયરીમાં લખ્યું : ‘હું અને મારી પત્ની અમારા પાંચ વર્ષના દીકરાને લઈને પહેલી વાર પ્રવાસમાં ગયાં હતાં, ત્યારે અમારા ઘરમાંથી બહાર નીકળ્યાં હતાં. આજે અમે પ્રવાસમાં નીકળ્યાં છીએ ત્યારે અમારા દીકરાના ઘરમાંથી નીકળ્યાં છીએ. વચ્ચેનાં વર્ષોમાં ઘણું બદલાઈ ગયું છે. પહેલા પ્રવાસ વખતે ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી માંડી પાછા આવવા સુધીની બધી વ્યવસ્થા અમે કરી હતી. પ્રવાસ દરમિયાન દીકરાને કોઈ તકલીફ ન પડે, તે માટે અમે એને વિવિધ સૂચના આપતાં રહ્યાં હતાં. આ વખતે વર્ષો પહેલાં અમે કરેલાં બધાં કામ અમારા પુત્રે કર્યાં. એણે અમને સ્ટેશન પર નાનો થેલો પણ ઉપાડવા આપ્યો નહીં. ટ્રેન ઊપડી ત્યાં સુધી એ અમારે શું કરવું અને શું ન કરવું એની સલાહ આપતો રહ્યો. સમયની સાથે અમારો રોલ બદલાઈ ગયો છે – દીકરો અમારો માતા-પિતા બની ગયો છે અને અમે એનાં સંતાનો.’ આ જ સંબંધ હોવો જોઈએ વૃદ્ધ માતા-પિતા અને વયસ્ક સંતાનો વચ્ચે. આદર્શ સંતાનો માતા-પિતાએ એમને આપ્યું હોય તે બધું એમને આપવા માગે છે. પ્રેમ, હૂંફ અને નાની-નાની બાબતોની કાળજીભરી સંભાળ. સંતાનો જાણે છે કે આ ઉંમરે માતા-પિતાને શાંતિ, સંતોષ અને પ્રસન્નતા સિવાય કશાયની ઝંખના હોતી નથી. તેમ છતાં ઘણા કિસ્સામાં બે પેઢી વચ્ચે વિસંવાદ થવાથી સમસ્યા ઊભી થાય છે. એકબીજાં તરફ નારાજગી વધવાથી સંબંધો પ્રદૂષિત બને છે. માતા-પિતાએ જે સંતાનોને અનહદ પ્રેમ આપ્યો હોય, એમનાં માટે જ એમનાં મનમાં ફરિયાદો જન્મે છે અને સંતાનોને માતા-પિતા પ્રત્યે નારાજગીનો ભાવ જાગે છે. બંને પક્ષ અચાનક એકબીજાંથી અજાણ્યા બની જાય છે. એક દીકરાને એના વૃદ્ધ પિતા જાતે કાર ચલાવે એમાં જોખમ લાગતું હતું, જ્યારે પિતાને લાગતું હતું કે દીકરાને એમની આવડત પર ભરોસો નથી. બહુ સારું કમાતો યુવક ત્રણ-ચાર કરોડનો વિલા ખરીદવા માગતો હતો, પરંતુ એનાં માતા-પિતાને એનો નિર્ણય વગર વિચારે પૈસા ઉડાડવા જેવો લાગતો હતો. આખી જિંદગી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરનાર માતા-પિતાનો દૃષ્ટિકોણ દીકરાને સમજાતો નહોતો અને માતા-પિતા પુત્રની સારી રીતે જીવવાની પસંદગીને સમજતાં નહોતાં. બંને પેઢીના અગ્રતાક્રમ વચ્ચે ઊંડી ખાઈ આવી ગઈ હતી. એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મોટે ભાગે આપણને સંતાનોનો દોષ દેખાય છે. સ્વાભાવિક રીતે એમની પાસેથી જ વધારે સમજ અને તડજોડની અપેક્ષા હોય, પરંતુ વૃદ્ધ માતા-પિતાએ કેવો અભિગમ અપનાવવો જોઈએ એનો પણ વિચાર કરવો જોઈએ. માતા-પિતાની શારીરિક ક્ષમતા ઘટવા લાગી હોય ત્યારે સંતાનો એમની સંભાળ રાખવાનું કામ પોતાના હાથમાં લેવા ઇચ્છે છે. એથી સંતાનો માતા-પિતાને સામાન્ય પ્રવૃત્તિ કરતાં પણ રોકે છે. સંતાનોનું એ વલણ માતા-પિતાને બિનજરૂરી દખલગીરી લાગે છે. વૃદ્ધો એમની સ્વતંત્રતા ગુમાવવા તૈયાર હોતાં નથી હોતાં. સંતાનો માતા-પિતાની ઉંમરનો વિચાર કરી તેઓ સલામતીનાં યોગ્ય પગલાં લે એવો આગ્રહ રાખે છે. આ પ્રકારનો વિસંવાદ ટાળી શકાય. સંતાનો માતા-પિતાને ખરાબ ન લાગે એ રીતે સ્વાભાવિક વાતચીતમાં સૂચનો કરી શકે. સામે પક્ષે વૃદ્ધો સંતાનોની ચિંતાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકે. વાત્સલ્ય, પ્રેમ અને એકબીજા માટે બધું કરી છૂટવાની ભાવના એક જ પેઢીનો ઇજારો નથી. વૃદ્ધાવસ્થા ભણી આગળ વધતાં માતા-પિતાને એમની બદલાતી સ્થિતિનો તરત ખ્યાલ આવતો નથી, પરંતુ તેઓ સંતાનોની વર્તણુકમાં આવેલાં પરિવર્તનોને મેગ્નિફાઇંગ ગ્લાસથી મોટાં કરીને જોવા લાગે છે. આખી જિંદગી સંતાનોને બધું આપ્યા પછી એમને લાગે છે કે તેઓ એમનાં દરેક કામ, દરેક નિર્ણયને ટીકાત્મક દૃષ્ટિથી જુએ છે, એમને અણઘડ અને અક્ષમ માને છે. સંતાનો કાળજી લેતાં હોય એ દરેક માતા-પિતાને ગમે, પરંતુ એમનું નિયંત્રણ અકળાવે. તેઓ એમના જાતઅનુભવ પ્રમાણે ઘર-પરિવાર માટે યોગ્ય નિર્ણયમાં ભાગ લેવા માગે છે. કોઈ પણ વ્યક્તિ ગમે તેવડી ઉંમરે પાછળ રહેવા માગતી નથી એ બાબત સંતાનોએ પણ સમજવી પડે. એક માનસશાસ્ત્રીએ સરસ વાત કરી છે કે સંતાનો એમનાં માતા-પિતાની જેમ હજી એંસી-પંચ્યાસી વર્ષની ઉંમરે પહોંચ્યાં હોતાં નથી, એથી શારીરિક ક્ષમતા ક્ષીણ થવાનું દુ:ખ કેવું હોય એની એમને ખબર હોતી નથી. અહીંથી જ બેઉ પક્ષે સમજ અને સંવાદની ભૂમિકા રચવાની જરૂર પડે છે. નિખાલસપણે વિચારો વ્યક્ત કરી એકમેકનાં દૃષ્ટિબિંદુ સમજી શકાય અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાની આગોતરી તૈયારી કરી શકાય. સંવાદની એ ભૂમિકા જેટલી વહેલી રચાય એટલો વધારે લાભ બંને પેઢીને મળે. જીવનનો વિકટ માર્ગ સફળતાપૂર્વક કાપી વૃદ્ધ થવું પૂરતું નથી, સફળ વૃદ્ધ થવું પણ જરૂરી છે. એની સમાંતરે માતા-પિતાને ગરિમાપૂર્ણ વૃદ્ધાવસ્થાનો આનંદ માણવાની મોકળાશ આપવી એ દરેક સંતાનની ફરજ છે. જીવનયાત્રાના પાછલા પડાવમાં માતા-પિતાને સંતાનોની એટલી જ જરૂર પડે છે, જેટલી સંતાનોને બાળપણમાં એમની પડતી હતી. માતા-પિતામાંથી સંતાન બનવું અને સંતાનમાંથી એમનાં માતા-પિતાની ભૂમિકા ભજવવી એ ઉંમરનો તકાજો છે. કુદરતી ક્રમ પણ છે. એનાથી એક વર્તુળ રચાય છે. એ વર્તુળનો કોઈ છેડો છૂટો રહેતો નથી, એકમેકમાં ભળી જાય છે અને સંતાનોના ભવિષ્ય સુધી વિસ્તરે છે. ⬛ vinesh_antani@hotmail.com

અન્ય સમાચારો પણ છે...