• Gujarati News
  • Magazine
  • Rasrang
  • Pan Nalin Of 'Samsara' And 'Last Show' Should Prepare To Make A Film By Selling A Flat To Bring A Glimpse Of Oscar!

ડણક:‘સંસારા’ અને ‘લાસ્ટ શૉ’ના પાન નલિનની સર્જનક્રિયામાં એક ડોકિયું ઓસ્કાર લાવવા ફ્લેટ વેચીને ફિલ્મ બનાવવાની તૈયારી જોઈએ!

એક મહિનો પહેલાલેખક: શ્યામ પારેખ
  • કૉપી લિંક
  • અમેરિકાને બદલે અમદાવાદના આશ્રમ રોડ પર બેસીને પણ અંતરરાષ્ટ્રીય ફિલ્મ બનાવવાની હામ જરૂરી છે

‘મને પચ્ચીસ રૂપિયા આપી કહેવામાં આવ્યું કે આમાંથી કઈંક એવું ખરીદો કે જેનાથી તમે આખો રૂમ ભરી શકો’. વાત હતી, નેવુંના દાયકાની શરૂઆતના સમયની. અમદાવાદમાં પાલડી વિસ્તારમાં આવેલી આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ એવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓફ ડિઝાઇનના (એન.આઈ.ડી.) કેમ્પસ ખાતે, આ સંસ્થામાં પ્રવેશ મેળવવા આવેલા ઉમેદવારોને, ત્યાંના ડિરેક્ટર દ્વારા આપવામાં આવેલી એક સૂચનાની. વાત છે જ્યાં પ્રવેશ માટે હજારો વિદ્યાર્થીઓ આતુર રહેતા, પરંતુ માંડ બે ડઝનથી થોડા વધારે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકતા હતા, એવા સમયની. ઘટના હતી રૂબરૂ ઇન્ટરવ્યૂ વખતે અપાયેલા એક પ્રોજેક્ટની! મોટા ભાગના એડમિશન વાંચ્છુકો તરત દોડ્યા…કોઈએ રિક્ષા પકડી કે કોઈએ જે હાથ લાગ્યું તે વાહન ગોત્યું કારણ કે થોડા જ કલાકનો સમય હતો અને એ દરમિયાન આ અશક્ય લાગતું ભગીરથ કાર્ય આટોપવાનું હતું. પરંતુ આ બધી ભાગા-ભાગીમાં એક વ્યક્તિ શાંતિથી ઊભો રહ્યો. થોડીવાર બેસી અને એણે વિચાર્યું કે હવે શું કરવું. એને ઘણા ઉમેદવારોને રિક્ષા ભરીને છાપાંની પસ્તી લાવતા જોયા! એ મનોમન હસ્યો અને બે કદમ આગળ એક દુકાન પર જઈ કશુંક ખરીદીને પાછો આવ્યો. જ્યારે એડમિશન પેનલે, એમને આપવામાં આવેલ રૂમનું બારણું ખોલ્યું ત્યારે રોશનીથી ઝળાહળાં થતો રૂમ, આમ તો ખાલી જ હતો અને આમ તો આખો ભરેલો! આ વિદ્યાર્થી એટલે ગીરના જંગલના કાંઠે અમરેલી જિલ્લાના અડતાલા ગામે જન્મેલા નલિનકાંત પંડ્યા એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થયેલા, પેરિસ સ્થિત અને હોલિવૂડમાં કાર્યરત એવા ગુજરાતી મૂળના ફિલ્મ સર્જક ‘પાન નલિન’ની. તેમણે બાજુની કરિયાણાની દુકાનથી બે મીણબત્તી અને એક માચીસ ખરીદી રૂમને પ્રકાશથી ‘ભરી’ દીધો હતો. અને સાહેબોને પચ્ચીસમાંથી રૂ 17 રોકડા પાછા આપી દીધા, એટલા સસ્તામાં! તેના આ વિચારથી અને વાતોથી અંજાય ગયેલા એન.આઈ.ડી.ના સાહેબોએ એને તુરંત પ્રવેશ આપી દીધો અને એ પણ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓમાં ‘તમે પહેલા ક્રમે નક્કી થયા છો’ એવું કહીને! આ વાત છે ડિઝની અને મીરામેક્સ જોડે મળીને ‘સંસારા’ જેવી કલાત્મક અને ફિલસૂફીભરી ફિલ્મ બનાવનાર અને ત્યારબાદ ‘એંગ્રી ઇન્ડિયન ગોડડેસ’ અને હાલમાં અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીતીને હવે ઓસ્કાર એટલે કે ‘એકેડેમી એવોર્ડ્સ’માં ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે સ્થાન પામનાર પોતાની જીવનકથા પર આધારિત, ‘છેલ્લો શૉ-ધી લાસ્ટ ફિલ્મ શો’ના સર્જકની. ‘છેલ્લો શૉ’ એક એવી ગુજરાતી ફિલ્મ છે જેને અનેક ભાષાઓમાં ડબ કરીને દેશ વિદેશના થિયેટરોમાં દર્શાવવામાં આવી રહી છે. કદાચ સ્ટીરિયોટાઈપ કોમેડી કે સ્લાપ્સ્ટિક જોઈને થાકેલા ગુજરાતી દર્શકો માટે એ અલગ અનુભવ આપે છે. આંતરરાષ્ટ્રીય અને કલાત્મક ફિલ્મોના શોખીનો માટે પોતાની ભાષામાં બનેલી આંતરરાષ્ટ્રીય કક્ષાની ફિલ્મ જોવાનો લહાવો આપે છે. પાન નલિનની ખાસિયત છે-પ્રકાશના ઉપયોગની સમજ અને વાર્તાઓ સમજીને પી જવાની આવડત. ‘મારે ફિલ્મ બનવું છે’ એ એમનું બાળપણનું સૂત્ર હતું. વાર્તાઓનું સર્જન એટલે સત્યથી દૂર પોતાના વિચાર અને કલ્પનાઓના એક આગવા વિશ્વમાં, અનુભવાતી ઘટનાઓનો તાદૃશ્ય ચિતાર આપવાની ક્ષમતા. અને એ પણ એવો ચિતાર કે જે અશક્ય કે હકીકતથી અલગ પાછો અલગ ના હોઈ શકે-એટલે કે એ અનુભવ સમજવાની વાચક-દર્શકની ક્ષમતાથી પર નહીં. અને પાછું આ કલ્પનાનું વિશ્વ એટલું રસપ્રદ હોવું જોઈએ કે વાચક-દર્શકને ત્યાંથી પાછા ફરવાનું મન ન થઇ અને વારંવાર ત્યાં જ જવાનું મન થયા કરે. પરંતુ એમની કહાની માંડવાનું કારણ છે કે પોતાની કલ્પનાઓને મૂર્તિમંત કરવાની એમની પ્રબળ ઇચ્છાશક્તિની વાત. ગીરના જંગલની આજુ-બાજુના વિસ્તારોમાં ગરીબીમાં ઊછરીને પણ એમ.એસ. યુનિવર્સિટી અને એન.આઈ.ડી. જેવી સંસ્થાઓમાં ભણી અને મુંબઈના એડવર્ટાઇઝમેન્ટ વિશ્વમાં કાઠું કાઢી અને પછી હોલિવૂડમાં પણ ફિલ્મસર્જન ક્ષેત્રે નામના. અને આ બધું કર્યા પછી પણ મગજમાં કોઈ રાય નહીં અને સામાન્યમાં સામાન્ય માણસ જોડે પ્રેમથી વાત કરવાની પોતાની ક્ષમતા જરા પણ ગુમાવી નહીં. અને ‘મારે ફિલ્મ બનવું છે’ વળી વાત હવે ભલે મેચ્યોરિટી સાથે ‘મારે ફિલ્મ બનાવવી છે’ થઇ ગઈ હોય, પરંતુ જુસ્સો તો એનો એ જ. ‘છેલ્લો શો’ બનાવતી વખતે એમણે મનોમન નક્કી કરેલું કે આ ફિલ્મ તો બનશે ગુજરાતીમાં જ! હોલિવૂડ અને બાદમાં બોલિવૂડ ખાતે ફિલ્મ-જગતમાં ટોચ પર બિરાજતા ગુજરાતીઓ પણ આ ફિલ્મ પર નાણાં લગાવવા તૈયાર નહીં. આવા કપરા સમયે, કોવિડ દરમિયાન, આ સર્જકે બિલકુલ ખચકાટ વિના મુંબઇમાં રહેલો પોતાનો એક ફ્લેટ વેચી કાઢ્યો અને ફિલ્મ બનાવી નાખી. ગુજરાતી ફિલ્મોને આગવી દિશા આપીને પુન: ચેતનવંતી કરનાર અને હવે બોલિવૂડમાં પણ પદાર્પણ કરી ચૂકેલા અભિષેક જૈનની મદદ લઈને અમદાવાદમાં એમની ઓફિસમાંથી ફિલ્મનું મોટા ભાગનું કામ પૂરું કરીને પાન નલિન જંપ્યા! અભિષેકે એમને ગુજરાતીમાં ફિલ્મ બનાવવા માટે ઇજન આપીને વારંવાર યાદ અપાવી હતી. પરંતુ નલિન એક એવી ક્ષણની રાહમાં હતા કે જ્યારે ગુજરાતીમાં બનાવી શકે અને ગુજરાતને જોડી શકે તેવી સબળ કથા મળે. અંતે મન એ પોતાના જીવનમાંથી મળી! એમના જીવનનો સંદેશ બધું સ્પષ્ટ છે-તમે કોઈ પણ સામાજિક વર્ગમાંથી કે બેકગ્રાઉન્ડથી આવતા હો પરંતુ જો તમે પ્રબળ ઇચ્છાશક્તિ રાખો અને ધાર્યું કરવા મચી પડો તો સફળ તો થશો જ. અને બીજી વાત એ કે તમે ગમે તે હો અને તમારી કારકિર્દીમાં ગમે તે સ્તરે પહોંચ્યા હો, સ્ટ્રગલ-સંઘર્ષ અવિરત છે, અનિવાર્ય છે અને જીવનનનો ભાગ છે એ સ્વીકારી લેવું જરૂરી છે. આંતરરાષ્ટ્રીય નામના બાદ પણ તેમણે પોતાનો ફ્લેટ કાઢીને પોતાની પસંદની ફિલ્મ બનાવતા પહેલા કોઈ ખચકાટ દર્શાવાયો નહીં. અને છેલ્લે, પોતાનામાં વિશ્વવાસ ધરાવતા અન્ય યુવામિત્રોની મદદ લઈને લોસ એન્જેલિસ કે પેરિસ કે મુંબઈને બદલે અમદાવાદના આશ્રમ રોડ પર બેસીને પણ કામ પૂરું કરવાની તૈયારી. અને એટલે જ એમણે એક વાતચીતમાં કહ્યું કે મને વિદ્યાર્થી અવસ્થામાં સમજાયું કે મોટા ગજાના આંતરરાષ્ટ્રીય ફિલ્મ સર્જક બનવા અંગ્રેજી શીખવું જરૂરી છે. અને એ માટે તેમણે જે પ્રાયતાનો કર્યા તે એક અલગ વાતચીતેનો વિષય થાય! પરંતુ વડોદરામાં રહીને એક પાદરી પાસેથી તેમણે બાઇબલના પ્રચારના કાર્યક્રમોમાં વીણી-વીણીને, તેમને આસિસ્ટન્ટ તરીકે મદદ કરીને પણ પોતાનું સ્વપ્ન પૂરું કર્યું. ⬛ shyam@kakkomedia.com

અન્ય સમાચારો પણ છે...