તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહજ સંવાદ:પાલ ચિતરિયા... અંતરિયાળ ડુંગર પર રચાયું પીડાનું સાહિત્ય

19 દિવસ પહેલાલેખક: વિષ્ણુ પંડ્યા
 • કૉપી લિંક
 • બંને લડત સ્થાનિક કે સીમિત હેતુ માટેની નહોતી, રાષ્ટ્રીય સ્વતંત્રતા સંઘર્ષ સાથે જોડાયેલી હતી

આભીલી ગીત સાંભળ્યું છે તમે? તેના શબ્દોને સૂરમાં બદલાવતા વનવાસી ઉત્સવનો પરિચય કર્યો છે? હાંસુ દુનિયા દુ:ખી, હાંસુ રાજા દુ:ખી કરે, હાંસુ દનની વેઠ કરાવે, હાંસુ ભીલ એકઠા કરે, હાંસુ ફરતું ફરતું જાય, હાંસુ ઇડર જાઈને લાગે, હાંસુ રાજાએ ખબર પડજી, હાંસુ ખેરવાડાની છાવણી હાંસુ વોણિયું રકજ્જો કરે, હાંસુ આપડે ભોગ નૈ આલવો, હાંસુ મશીનગન ચલાવે, હાંસુ મોનવી લુંટાઈ ગિજુ, હાંસુ દુ:ખી દુનિયા દુ:ખી... જરાક ભીતર જશો તો તેમાં કેટલાંક સ્થાનો, રાજા (સ્થાનિક અને બ્રિટિશ), ખેરવાડાની પોલીસ છાવણી, ઇડરના શેઠિયાઓની વ્યાજખોરી, માંડ થયેલી આવકનો ‘ભાગ’ ન આપવાનો નિશ્ચય અને છેવટે પોલીસ મશીનગનનો ગોળીબાર.. લોકો જાય ક્યાં? ‘હાંસુ રૂખડાં ભોગવા લાગે’ અને ‘હાંસુ મોનવી મરોઈ ગિજું’! આ નિયતિ કોઈ કાવ્ય-કલ્પના નથી. વિજયનગરથી થોડેક દૂર પાલ અને ચિતરિયા ગામ છે. પાલ દઢવાવમાં 7મી માર્ચ, 1922ના દિવસે ‘લગાન’ વિરોધી સભા થઈ. મોતીલાલ તેજાવત રાજસ્થાની નેતા હતા. તેમણે વિજયનગર, દઢવાવ, પોશીના, ખેડબ્રહ્મા, દાંતા, કોટડા, છાવણી, ડુંગરપુર, ચિત્તોડ, સીરોહી, વાંસવાડા, ઉદયપુર સુધી વનવાસી ગિરિવાસી આદિવાસીઓને જાગૃત કર્યા તેના પરિણામે આ સભા થઈ. આદિવાસી તો તીર-કામઠાં વિનાના ક્યાંથી હોય? રાજસત્તાને વિપ્લવનો ભય લાગ્યો. મોતીલાલ પોતે પણ ખેડબ્રહ્મા, કોટડા છાવણી, દાંતા, સીરોહીથી સેંકડો આદિવાસીઓની કૂચ કરીને પહોંચ્યા. મેવાડ ભીલ કોર્પસ (એમ.બી.સી.)ને તેજાવતને કોઈ પણ ભોગે પકડી લેવા પ્રયાસ કરતું હતું. પાલ ચિતરિયાના મેદાનમાં મોતીલાલે આગઝરતી વાણીમાં અન્યાયની સામે લડવા આહ્વાન કર્યું. 2000 જેટલા આદિવાસી એકત્રિત થયા હતા. એમ.બી.સી.ના ઓફિસર એચ. જી. સટને કોઈ ચેતવણી આપ્યા વિના ગોળીબારનો આદેશ આપ્યો. ધાણીફૂટ ગોળી છૂટી. સભામાં નાસભાગ થઈ, પણ તેઓ ક્યાં જાય? લગભગ 1000ની લાશો ઢળી. કેટલાકનું અનુમાન એવું છે કે મરનારાની સંખ્યા હજારથી વધુ હતી, પણ આ હત્યાકાંડના કોઈ દસ્તાવેજ જાળવી રાખવામા આવ્યા નથી. મજબૂર ભીલોના તીર-કામઠાં સામે બ્રિટિશ બંદૂક કામિયાબ થઈ. ઘાયલ તેજાવતને ભીલોએ ઊંટ પર બેસાડીને સલામત સ્થાને પહોંચાડ્યા. આ ગીત તે સમયનું છે. હવે તો ત્યાં નાનુંસરખું સ્મારક પણ સ્થાપિત થયું છે. મોતીલાલની એક પ્રતિમા છે અને સ્મારકને વીરાંજલિ વન સાથે જોડીને વીરભૂમિ નામ અપાયું. ગુજરાતી સાહિત્ય એકલા અમદાવાદ, સુરત, વડોદરા કે મહાનગરોમાં જ સમૃદ્ધ થયું હતું એવી માન્યતાનો છેદ, જેમની 125મી જ્ન્મજયંતી આ વર્ષે ઊજવાઇ રહી છે તે, ઝવેરચંદ મેઘાણી પોતાની આખી જિંદગીમાં અંતરિયાળ ગામડા સુધી જઈને, સંશોધન સાથે વિલિન કર્યો હતો. હજુ તેવું કરી બીજા ઘણા કરી રહ્યા છે. ગ્રામ ધરતી પરના આ સ્વરોમાં વણબોલ્યો ઇતિહાસ છે, પીડા છે, મહત્ત્વાકાંક્ષા છે. બનાસકાંઠા અમદાવાદથી ખાસ દૂર નથી. અરાવલીની પર્વતમાળા, ઇડરિયો ગઢ, લાંઘણજના ટીંબામાં છુપાયેલી પ્રાચીનતમ સંસ્કૃતિના અવશેષો, શામળાજીનો ભક્તિ વૈભવ, ખેડબ્રહ્માની પૌરાણિક કથા, હરણાવ નદીના કાંઠે-કાંઠે શૈવ, જૈન, સૂર્ય પરંપરાનો ઇતિહાસ... આમાં જ ક્યાંક સાહિત્ય, નૃત્ય અને શિલ્પનો વૈભવ પડ્યો છે. અમદાવાદથી છેક વિજયનગર સુધીનો રસ્તો માંડ દોઢસો કિ.મી.નો છે, પણ આટલા રસ્તે અને તેથી આગળ ચોતરફ પ્રકૃતિની લીલાલહેર છવાયેલી છે. ઇડરથી ખ્યાત પોળોના અરણ્ય તરફ જવાય અને બીજો રસ્તો પાલ ચિતરિયા તરફનો. આજે આ આદિવાસી સાહિત્યની પીડા અને ભૂંસાઈ ગયેલા ઈતિહાસને યાદ કરવા જેવો છે. સાહિત્યનો આ સ્વર એક્દમ પ્રભાવી અને બળકટ છે. આવું ઘણું વનવાસી વિસ્તારોમાં પડ્યું છે. પાલ ચિતરિયા ગુજરાતનો જલિયાંવાલા બાગ છે. આવી જ બીજી ઘટના દાહોદથી થોડે દૂર માનગઢ પર્વતમાળા પર ગોવિંદ ગુરુના નેતૃત્વમાં થઈ, તેમાં પણ હજારથી અધિક આદિવાસી ધૂણી સમક્ષ માર્યા ગયા. મહત્ત્વની વાત હમણાં સંશોધનમાં એ પ્રાપ્ત થઈ કે આ બંને સામાન્ય ઘટના નહોતી. તેમાં ‘ભારત માતા કી જય’ના સૂત્રો બોલાવવામાં આવતા હતા. આનો સ્પષ્ટ અર્થ એ છે કે બંને લડત સ્થાનિક કે સીમિત હેતુઓ માટેની માત્ર નહોતી, રાષ્ટ્રીય સ્વતંત્રતા સંઘર્ષ સાથે જોડાયેલી હતી. બંને હતા જલિયાંવાલા બાગ. અહીં બાગને બદલે ડુંગર અને મેદાન હતા. માનગઢમાં 31 ઓક્ટોબર, 1913ના દિવસે આવો હત્યાકાંડ થયો, તે પૂર્વે અને પછી પણ સેંકડો ગીતો રચાયા. સંતરામપુર, કડાણા, ઝાલોદ, દાહોદ, ફત્તેપુરા, દેવગઢ બારિયા, ઝામ્બુઆ સુધી તેના ગીતો અને નૃત્યોનો અંદાજ મળે છે. લીંબડી નજીક કંબોઈધામની થોડા સમય પર મુલાકાત લીધી ત્યારે ખ્યાલ આવ્યો કે ગોવિંદ ગુરુની સમાધિ તેમના અનુગામીઓને પ્રેરિત કરે છે અને આદિવાસી સમાજમાં વ્યસન-મુક્તિ અને સદ્્ગુણ માટે ઉપદેશ કરે છે. ગોવિંદ ગુરુ તો રાજસ્થાનમાં આર્ય સમાજથી પણ પ્રભાવિત થયા હતા. ગોવિંદ ગુરુને બ્રિટિશ તંત્ર ફાંસીની સજા ફરમાવી હતી, પણ તેમ કરવાથી વિપ્લવનો ભય લાગ્યો એટલે સાબરમતી જેલમાં રાખવામા આવ્યા. છૂટ્યા પછી માનગઢ અને બીજે પ્રવેશની મનાઈ કરી, પણ ગોવિંદ ગુરુ ગયા એટલે ફરી વાર પકડવામાં આવ્યા. આની વચ્ચે વનવાસી ગિરિવાસી આદિવાસી જીવનનું સાહિત્ય ફેલાયું છે. ભગવાનદાસ પટેલ, સ્વ. હસુ યાજ્ઞિક, જોરાવરસિંહ જાદવ, સ્વ. પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારાણી અને બીજા ઘણા સંશોધકો તેને માટે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ગુજરાતમાં હજુ વધુ ખેડાણ થવું જોઈએ. ⬛ vpandya149@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો