તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનના હકારની કવિતા:આપણી ત્રેવડની ગઝલ...

3 મહિનો પહેલાલેખક: અંકિત ત્રિવેદી
  • કૉપી લિંક

થોડોક મારા ભાગનો ઈશ્વર મળી જશે, એક તૂટશે પહાડ ને પથ્થર મળી જશે!

નદીઓ તો ઢાળમાં વહેતી રહી સતત, નહોતી ખબર કે એક સમંદર મળી જશે!

નાયક ને નાયિકાને મૂકી બાજુએ જુઓ, આ ફિલ્મમાંથી દૃશ્ય મનોહર મળી જશે!

ખોદો તો એક થાય ગુફા આ જમીનમાં, ઉપર નીચે બધેય અહીં ઘર મળી જશે!

તારી જ સાથે મારે ફક્ત ગાવું હોય છે, કંઈ પણ વગાડ વાદ્ય, તરત સ્વર મળી જશે!

- ભરત વિંઝુડા

ક્કર પ્રતીતિની આ ગઝલ છે. નાસીપાસ કે નિરાશ થવાની જરૂર નથી. ઊભા રહીને રાહ જોવાની પણ જરૂર નથી. પ્રયત્નો કરવાની જરૂર છે. નિષ્ફળતાની વારસાઈમાં સફળતા મળે છે. શોધ ચાલુ રાખવાની છે. પુરુષાર્થને પ્રાધાન્ય આપવાનું છે. પરિણામની ચિંતા એને હોય જેને શંકા હોય! શ્રદ્ધાથી આત્મબળને મજબૂત કરવાનું છે. દરેકના નસીબનું દરેકને મળે જ છે. પહેલાં પુરુષાર્થની એપ ડાઉનલોડ કરો પછી બધું આપોઆપ ઊઘડતું જશે! દેખાય તો બધે જ છે ઈશ્વર અને ન દેખાય એટલે નથી – એવું માની ન લેવાય! નિર્જીવમાં પણ એ જ સજીવ છે અને સજીવમાં એ જ શ્વસે છે. સમજણ બધાંના નામ પાડવા અધીરી બને છે બાકી પહાડમાંથી પથ્થર મળે એમ જ જીવનમાં ઈશ્વર પણ આપણી હયાતીને ઊપસાવે જ છે. મળી તો જવાનું જ છે. વળી, મળવાનું છે એટલે પલાંઠી નથી વાળવાની, પ્રયત્નોના આંગણામાં પુરુષાર્થને ખૂંદવાનો છે. સુખના છોડ અમસ્તા જ નથી ઊગતાં! નદીની જેમ વહેવાનું અને એ પણ સતત વહેવાનું! સમુદ્ર મળશે જ એની ખેવના વગર વહેવાનું. પછી વાદળ બનતાં વાર ક્યાં લાગે છે? શુભ જોવું છે અને શુભ જ વિચારવું છે એને માટે ફિલ્મમાં પોતે હોય કે પછી પોતે માત્ર ફિલ્મ જ જોતો હોય – એને શું લાગે-વળગે છે? નગમતું નાયક અને નાયિકાની જેમ બાજુએ મૂકવાથી મનગમતું જડી જ જાય છે. જ્યાં આપણી આંખો ઠરી છે ત્યાં સુખ હોય જ એ જરૂરી નથી. હૃદયને ઉવેખતા આવડવું જોઈએ. જમીન ઉપર-નીચે સમથળ બને તો નીચેથી ગુફા અને ઉપરથી ઘર બંનેય મળી જશે. જાતને ઉપર-તળે કરતાં આવડે ત્યારે જ મોહેં જો દડો અને મગજ બંને એક જ સંસ્કૃતિની ઊપજ છે એનું ભાન થાય. નવું પણ ક્યારેક જૂનું થઈને જ જીવતું હતું. ગાવું તો દરેકને છે, પણ કોની સાથે સંગતમાં ગાવું? એની મુંઝવણ છે. જેના મન મળેલા છે અને જેને સંગતની ખબર છે એને કોઈ પણ વાદ્યમાંથી સ્વર મળી જ જવાનો! આપણી ‘ધૂન’ બરાબર હોવી જોઈએ. જીવનના હકારની કવિતામાં આત્મવિશ્વાસનો અને ભરોસાનો મૈત્રીકરાર છે. ભરત વિંઝુડા આપણી ભાષાના સમર્થ કવિ છે. ગઝલની નવી તરેહ એમની બાજુથી શરૂ થાય છે. જીવનમાં હકાર શોધવાનો નથી હોતો, એ તો આપોઆપ રસ્તામાં મળી જાય છે. આપણે ખાલી નીકળવાનું હોય છે. ગતિ તો સ્થિર રહીને પણ થાય. પલાંઠી વાળીને પણ પહોંચાય. આપણને આપણી ત્રેવડને ઓળખતાં આવડવી જોઈએ. ⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...