તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસ દર્શન:આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે

મોરારિબાપુએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી, શિવની જટાથી નીકળેલી ગંગા, જે સ્થૂળ રૂપ છે

ગંગાના અવતરણ વિશે ઘણીબધી કથાઓ મળે છે. એક કથા એવી છે કે શંકરની જટાથી મુક્ત થયા બાદ ગંગા આગળ વધી; વચ્ચે એક મહાપુરુષ, મુનિશ્રેષ્ઠ, એક ધ્યાની મહાપુરુષ જહનુ ઋષિ ધ્યાનમાં મગ્ન હતા. ગંગાના ખૂબ જ પ્રભાવિત પ્રવાહે એમના ધ્યાનમાં અવરોધ ઊભો કર્યો. ધ્યાનભંગ થયું. એમણે જોયું કે આ શું છે? કહે છે કે એ મહાત્મા ગંગાને પી ગયા! ગંગા ત્યાં અટકી ગઈ. જુઓ, શુભ વસ્તુ નીચેથી ઉપર જાય, તો પણ ઘણી બાધાઓ આવે છે અને પરમ પાવની ઘટના ઉપરથી નીચે ઊતરે તો પણ આખરી વ્યક્તિ સુધી પહોંચે, ત્યાં સુધી ઘણી બાધાઓનો સામનો કરવો પડે છે. ભગીરથે બહુ જ પ્રાર્થના કરી પછી જહનુ ઋષિએ ગંગાને મુક્ત કરી. ભગવાન રામે પણ જનકપુર જતાં જતાં અહલ્યાનો ઉદ્ધાર કરીને ગંગાજીના તટ પર જઈને મહામુનિ વિશ્વામિત્રજી પાસે જિજ્ઞાસા કરી હતી કે પ્રભુ, બતાવો, આ કઈ નદી છે? ક્યાંથી આવી? ક્યારે આવી? આ પુણ્યસલિલા વિશે અમને કંઈક જણાવો. વિશ્વામિત્રજીએ જે પ્રકારે ગંગા ધરતી પર આવી એની કથા સંભળાવી. ગંગાના અવતરણની એક કથા ખૂબ પ્રસિદ્ધ છે. સગરના પુત્રોને કપિલ મુનિએ શાપ આપ્યો અને પછી એ વંશમાં શાપિત એવા એ સગરપુત્રોને મુક્ત કરવા, પાવન કરવા માટે ગંગાનું અવતરણ જરૂરી હતું. પેઢીઓ વીતી ગઈ. અંતે ભગીરથે કઠોર તપસ્યા કરી. કઠોર તપસ્યાને અંતે ગંગાને ધરતી પર લાવે છે ને સગરપુત્રોનો ઉદ્ધાર કરાવે છે; પછી ગંગાજી ગંગાસાગરમાં વિલીન થઈ જાય છે. એક કથા છે કે એક વાર ભગવાન શિવ, નારદજી, સપ્તઋષિ, ભગવાન વિષ્ણુ, પરમતત્ત્વ બધા બિરાજમાન હતા. ક્યાંક બતાવાયું છે કે નારદજી પોતાની વીણાથી શાસ્ત્રીય ગાન કરવા લાગ્યા અને બધા એમાં ડૂબી ગયા. એક કથા મુજબ, સ્વયં એવા મહાદેવે અદ્્ભુત ગાન કર્યું અને ગાનને કારણે પરમ વિષ્ણુ - પરમતત્ત્વ એકદમ વિચલિત થઈ ગયા; રસમય થઈ ગયા; રસરૂપ થઈ ગયા અને એનો પ્રવાહ ચાલ્યો. એક કથા અનુસાર એ ગંગા બની ગઈ. એ વિષ્ણુરૂપા છે ગંગા. એક કથા છે, બલિની સામે વામન રૂપે આવેલા પરમાત્મા એક બટુક રૂપમાં આવ્યા; બ્રહ્મચારી રૂપમાં આવ્યા. બલિના આગ્રહથી એમણે ત્રણ પગલાં પૃથ્વી માગી. બલિએ હા કહી દીધી અને ત્રણેય પગલાંમાં ત્રિભુવનને માપી લીધાં. એ વિષ્ણુના અવતાર ભગવાન વામનનાં ચરણ જ્યારે બ્રહ્મલોકમાં ગયાં તો અતિથિના રૂપમાં પોતાના બ્રહ્મલોકમાં આવવાને કારણે પિતામહ બ્રહ્માએ એ પાદનું પ્રક્ષાલન પોતાના કમંડળમાં કર્યું એ ગંગા છે. બ્રહ્માના કમંડળમાંથી પાછી એ ધરતી પર આવે છે; શિવની જટામાં આવે છે; પછી આગળ ગંગાજીની યાત્રા થાય છે. મારી દૃષ્ટિએ પંચગંગા છે. ગંગાનાં પંચરૂપ; એક ગંગા તો જે ઉપરથી પૃથ્વી પર આવી; શિવજીએ જટામાં ધારણ કરી. બીજી ગંગા રામકથા. રામકથા ગંગા છે. ભગવદ્કથા, હરિકથા એ ગંગા છે. ‘માનસ’ અંક્તિ ત્રીજી ગંગા ‘રામ ભક્તિ જહં સુરસરિ ધારા.’ પરમતત્ત્વની ભક્તિ પણ ગંગા છે. ભક્તિ ગંગા છે. સ્વર્ગમાંથી પૃથ્વી પર આવી, શિવની જટાથી નીકળેલી એક ગંગા, જે સ્થૂળ રૂપ છે; જેમાં પરમાત્માનું નામ, પરમાત્માનું રૂપ, પરમાત્માની લીલા અને પરમાત્માનું ધામ- એ ચારેયનું યથાર્થ નિરૂપણ થાય છે એ ભગવદ્કથા, એ રામકથા બીજી ગંગા. વધુમાં વધુ સૂક્ષ્મ થતી ગઈ એ ગંગા. ત્રીજી ગંગા, ભગવાનની ભક્તિ. ભક્તિની નવ વિધાઓ છે. કેટલીક વધારે વિધાઓ પણ છે; એ બધાંનું સ્વાગત છે. મારી ભીતરથી કોઈ જવાબ પામવા ઈચ્છે કે ભક્તિ એટલે શું, તો હું કહીશ, અશ્રુ અને આશ્રય. પરમતત્ત્વનાં ચરણોમાં દૃઢાશ્રય ભક્તિ છે. એ પરમચરણોનું વારંવાર સ્મરણ થતાં જ આંખોમાં પાણી આવી જાય, એ અશ્રુ ભક્તિ છે. ચોથી ગંગા છે, ગુરુગંગા. આપણા બુદ્ધપુરુષ એ આપણી વહેતી ગંગા છે. એ જ્યાંથી વહે છે ત્યાંથી સૌને સાથે લઈને ચાલે છે; સૌને સાથે લે છે પરંતુ આગળ જે આવતા જાય એને પણ અપનાવતી જાય છે. ત્યાં કોઈ એમ નથી કહી શકતું કે અમે પહેલાં મળ્યાં હતાં; અમે જ સાથે રહીએ. કોઈ પછી પ્રવાહમાં આવ્યા એને પણ શા માટે સાથે લો છો? એવો દાવો નથી થઈ શકતો. ગુરુ ગંગા છે. ગુરુની વાણી ગંગા છે. ગુરુનું મુખ ગોમુખ છે. ત્યાંથી ગંગા પ્રગટ થાય છે. જે ગુરુની બાનીમાં હોય છે એવી પવિત્રતા બીજે ક્યાં હોય છે? ગુરુના મુખરૂપી ગોમુખથી નીકળેલી વાણી એ ગંગાનું ઉદ્્ગમસ્થાન છે; ત્યાં એ અતિ સૂક્ષ્મ છે. કોઈ બુદ્ધપુરુષ ગંગા જેવી ‘પતિત પાવની’ વાણી બોલે અને એ સમયે એ બુદ્ધપુરુષની આંખોમાંથી અશ્રુ વહે તો સમજવું કે એ શરીરનું કોઈ પાણી નથી; એ સાક્ષાત્ ભગવદ્-દ્રવ છે. એ ગંગા પ્રગટ થવા લાગે છે અને ગુરુની ઈચ્છા હોય છે કે મારા મુખેથી નીકળેલી ગંગા, આંખોમાંથી વહી એ સુરસરિ સાધકના હૃદયરૂપી સાગરમાં સમાહિત થઈ જાય. એ ચોથી ગંગા છે. એનાથી પણ સૂક્ષ્મ ગંગા તરફ લઈ જઉં. અલબત્ત લૌકિક છે પરંતુ સ્વરૂપગત છે; અતિ સૂક્ષ્મ છે એક ગંગા. પાંચમી ગંગા; પરમાત્મા કરે, એવી સ્થિતિ કોઈની ન થાય. દરેક મહિલા સદા-સદા સુહાગણ રહે એવી કામના કરે છે. આપણે ત્યાં નવોઢાને ‘અખંડ સૌભાગ્યવતી’ના જ આશીર્વાદ આપવામાં આવે છે કે તારું સૌભાગ્ય અખંડ રહે, પરંતુ પ્રારબ્ધવશ કે કર્મના કોઈ સિદ્ધાંતને કારણે ક્યારેક એવું બને; કોઈ સ્ત્રીનું સૌભાગ્ય ખંડિત થઈ જાય. ભારતીય મનીષાએ દરેક નારીમાં એ દર્શન કર્યું છે, પરંતુ એક એનું જે રૂપ નહીં, સ્વરૂપ; કોઈ કારણસર કોઈ સુહાગણ નારીનો સુહાગ ખંડિત થાય છે પછી એની જે છબિ બને છે એને આપણે નામ આપ્યું, એ ગંગાસ્વરૂપ છે. ‘છે વૈધવ્યે વધુ વિમલતા.’ વૈધવ્યની વિમલતા ગજબ છે! એને ગંગાસ્વરૂપ કહી. સ્વરૂપ બહુ જ અંતરતમ સ્થિતિનું નામ છે. જેમને સ્વરૂપનો બોધ થઈ જાય છે એમનાં બધાં કર્મ છૂટી જાય છે. એ સ્થિતિ સારી તો ન માની શકાય, કેમ કે ગંગાસ્વરૂપ સ્થિતિને એ માતાઓ, બહેનો સમજી શકે છે. એક વાત ચોક્કસ છે, ગંગાસ્વરૂપ માતૃશરીરને કોઈ કર્મ નથી રહેતું; એ કૃતકૃત્ય થઈ જાય છે, કેમ કે ‘માનસ’માં લખ્યું છે, જેમને સ્વરૂપ સમજમાં આવી ગયું હોય, જેનું સ્વરૂપ અનુસંધાન અખંડ થઈ ગયું હોય એ કર્મ કરતાં હોવા છતાં કર્મના બંધનથી મુક્ત છે. ⬛ (સંકલન : નીતિન વડગામા) nitin.vadgama@yahoo.com

અન્ય સમાચારો પણ છે...