તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાગ બિન્દાસ:અમારો જન્મસિદ્ધ અધિકાર દિવસની ઊંઘ, ઊંઘનો દિવસ

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતની ઊંઘ તો જ્ઞાનીઓને કે દેવાળિયાઓનેય નથી આવતી, પણ દિવસની ઊંઘ બાદશાહોને કે બિન્દાસોને જ આવે છે!

ટાઇટલ્સ તમારા સ્વપ્નો જ તમારી કુંડળી છે. (છેલવાણી) ત્રણ માળના એક મકાનમાં બપોરે ભયાનક આગ લાગી. ગ્રાઉન્ડ ફ્લોર પર બંગાળી સ્ત્રી રંગોળી બનાવતી હતી. એ આગમાં હોમાઇ ગઇ. પહેલા માળે મલાયાલી સ્ત્રી, ગંભીર કવિતાઓ વાંચતી હતી એ પણ બળી મરી... પણ બીજે માળે જે સ્ત્રી સૂતી હતી એ બચી ગઇ કારણ કે આગ ત્યાં પહોંચે એ પહેલા બંબાવાળાઓએ એને બચાવી લીધી! અને હા, એ સ્ત્રી ગુજરાતી હતી! આમાં સાર એ છે કે કલા કે સાહિત્યપ્રેમ જાન લઇ શકે છે, પણ બપોરનો નીંદર-પ્રેમ જાન બચાવી શકે છે! એમ પણ હમણાં કોરોના-કાળમાં લોકડાઉન દરમિયાન દિવસની ઊંઘ એક સરસ આદત પડી ગઇ છે. ઘણાં ગુજરાતી લેખકો દાવા કરે છે કે તેઓ સ્ત્રીઓમાં લોકપ્રિય છે. હોઇ શકે, પણ હકીકતમાં સ્ત્રીઓ બપોરે ઊંંધિયું, કઢી, બાસમતી ભાત ખાઇને, વર-છોકરાંને બહાર તગેડીને બપોરની ઊંઘ માટે સાહિત્ય વાંચનનો આશરો લેતી હોય છે. આમાં સાહિત્યપ્રેમ કરતાં આરામપ્રેમ વધુ પ્રબળ કારણ હોય છે. જ્યાં સુધી બપોરની ઊંઘ છે ત્યાં સુધી ગુજરાતી ભાષાને વાંધો નહીં આવે. એક લાઇબ્રેરીમાં જાડી નવલકથાનાં પહેલા પાને એક કોમેન્ટ લખેલી કે - ‘આ નોવેલ વાંચવાથી જમીને ઊંઘ સારી આવે છે!’ આને કહેવાય નિખાલસતા! ઘણા લેખક-કવિઓ, પ્રિયતમા, શરાબ, દરિયાની સાંજ, ફૂલો, એકાંત, મૃગજળ… પર કવિતા-નિબંધો-વાર્તાઓ લખીને કરિયર બનાવતા હોય છે. આધુનિક કવિ-લેખકો ઝાડૂ, તૂટેલી બાલ્ટી, હથોડી કે કચરાનો ડબ્બો જેવાં કલ્પી ન શકાય એવા વિષયો પર લખતા હોય છે… પણ અમારો પ્રિય વિષય છે : ઊંઘ! જેમ પરિણીત પુરુષો, ચોરીછૂપી ગર્લફ્રેન્ડ સાથે ઇશ્ક ફરમાવતા હોય છે એમ ચોરીચોરી માણેલી બપોરની ઊંઘમાં જે મજા છે, એ રાતની‘ઓફિશિયલ’ નિદ્રામાં નથી જ નથી. રાજકોટ જેવા અમુક શહેરોમાં બપોરે ઊંઘ ખેંચી લેવાનો અલિખિત કાનૂન છે. તેથી જ સમગ્ર વિશ્વમાં રાજકોટ અમારું પ્રિય શહેર છે! ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહારાવ, ભરી સંસદમાં બપોરે ઝોકંુ ખાઇ લેતા. અમારે હિસાબે એટલે જ એ અત્યાર સુધીના શ્રેષ્ઠ વડાપ્રધાન હતા! જાણકારો કહે છે કે દેશમાં આર્થિક ઉદારીકરણથી જે વિકાસ થયો એ બધું નરસિંહારાવને પ્રતાપે. કરેક્ટ, જે વડાપ્રધાન બપોરે સૂઇ શકે એ જ આવનારી પેઢીની પ્રગતિ વિશે વિચારી શકે ને? એમને જરૂર હશે કે, ‘જો હું આજે બપોરે સૂઇશ તો હું કાલે લાંબુ જીવીશ ને તો જ હું પરમ દિવસે દેશની વધારે સેવા કરી શકીશ!’ આમ પી.એમ. દ્વારા સંસદમાં લેવાયેલા બપોરના ઝોકાંઓ પાછળ દેશની ભક્તિ જ છુપાયેલી હશે! ઇન્ટરવલ ઇશ્ક મેં ગૈરતે જઝબાતને રોને ના દિયા, યાર કો મૈંને મુઝે યારને સોને ના દિયા! (ફિરાક) સંતો કહે છે કે આપણે સંસારમાં શું લઇને આવેલાં ને શું લઇને જઇશું? તો અહીંથી શું લઇને જવાના?’ એ જ ખબર ન હોય ત્યારે કમ-સે-કમ બપોરની ‘ઊંઘ’ તો લઇ જઇએ ને? આપણી ઊંઘ-ઉદાર કલ્ચરમાં બપોરની ઊંઘને ‘વામકુક્ષી’ જેવું સુંદર નામ અપાયું છે. ડાબા પડખે એટલે કે ‘વામ’ બાજુએ સૂવાની ભલામણ કરી છે જેથી કદાચ દિલ મજબૂત બને. દિલ-વિલ છોડો પણ બપોરની ઊંઘમાં અમને એક બળવો, એક વિદ્રોહ દેખાય છે. આખું જગત તાપ-તડકાં નીચે પરસેવો પડીને કામ કરતું હોય ત્યારે બધું જ ‘તેલ લેવા જાય’ કહીને બે કલાક સૂઇ જનારાંઓ જ સાચા ક્રાંતિકારી વીરલાં છે. બપોરની ઊંઘ માટેનો ‘સિએસ્ટા’ મૂળે સ્પેનિશ શબ્દ છે, જે સેકસરા હોરા પરથી ઉદ્્ભવ્યો છે, એટલે કે સૂર્યોદયનાં છ કલાક પછી લેવાતી ઊંઘ. લેટિન અમેરિકા, ફિલિપાઇન્સ, ચીન, જાપાન, વિયેટનામમાં પણ આ પ્રથા છે. બાંગ્લાદેશ, પ.બંગાળમાં ‘ભાત-ઘુમ’ એટલે કે ભાત ખાઇને લેવાતી ‘નીંદર’ તરીકે ‘સિએસ્ટા’ને ઓળખાવાય છે. તમને થશે કે અચાનક આ ગૂગલપ્રેરિત ઇન્ફર્મેટિવ વાતો કેમ? પણ એવું નથી, ‘આ સંસારમાં બપોરે સુનારા આપણે એકલાં નથી હોં,’ એવી ધરપત લેવા અમે ખાંખાંખોળા કર્યાં છે! રજનીશજી બપોરની ઊંઘને ‘ધ્યાન-સમાધિ’ કહેતા. એમણે ભલે સંભોગથી સમાધિ સુધીની વાત પણ કરેલી, પણ અમને તો આ નીંદરવાળી વાતને જ ખૂબ આદર છે! અમે નાનપણથી જ બપોરની ઊંઘના ઉપાસક રહ્યા છીએ. બપોરની સ્કૂલમાં ‘ભારતની આઝાદીનો ઇતિહાસ’ ભણતાં ભણતાં અમે આઝાદીથી સૂઇ જતા, ત્યારે ક્રૂર શિક્ષકો અમારા કાન પકડતા. એમાં જ અમારો વિકાસ અટકી ગયો. અમને ખાતરી છે વૈજ્ઞાનિક ન્યૂટન પણ બપોરે જમીને ઝાડ નીચે સૂતેલો, ઉપરથી સફરજન પડેલું એના માથા પર અને ન્યૂટને ‘કોણ છે બે... તેરી તો..’ કહીને ઝબકીને જાગીને કહ્યું હશે. પછી આસપાસ કોઇ દેખાયું નહીં હોય, માત્ર એક ટપકેલું સફરજન જ દેખાયું હશે અને એટલ ેજ ગુરુત્વાકર્ષણની થિયરી એને સૂઝી હશે. ‘નીંદરનાં આકર્ષણ સામે જેણે ખલેલ પહોંચાડી એ વાત કઇ?’ એમ વિચારીને ન્યૂટને પછી ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત બગાસાં ખાતાં ખાતાં વિચાર્યો હશે ને પાછો સૂઇ ગયો હશે! કહે છે કે ઘણાં વિચારકો કે વૈજ્ઞાનિકોને ઊંઘમાં નવાનવાં આઇડિયાઓ આવેલા. કદાચ એ ‘ઊંઘ’ બપોરની જ હશે! ઘણાં બપોરની ઊંઘ માટે ખાસ શબ્દ વાપરે છે. એક બપોરે એક સુપરસ્ટારને એમની મેકઅપ વેનમાં અમે સીન સંભળાવવા ગયા, ત્યારે બપોરની ઊંઘમાંથી જાગીને હીરોએ અસ્તિત્વવાદી પ્રશ્ન પૂછેલો, ‘યે કૌન સી ફિલ્મ કી શૂટિંગ ચલ રહી હૈ?’ અમે એમને જણાવ્યું કે કઇ ફિલ્મની શૂટિંગમાં તેઓ પધાર્યાં છે, તો એમણે બપોરની કાચી ઊંઘમાંથી ઊઠીને ફિલ્મની વાર્તા, હીરોઇનનો મેકઅપ વગેરે કંઇ બરોબર નથી એવું અસ્પષ્ટ બબડીને ફરીથી સૂઇ ગયેલા અને શૂટિંગ બે કલાક અટકી ગયું. જેઓ બપોરની ઊંઘની ટીકા કરે છે એ યા તો જલે છે અથવા સરકારી ઓફિસમાં કામ નથી કરતાં એટલે બપોરની ઊંઘ શું છે એ જાણતા નથી. રાતની ઊંઘ તો જ્ઞાનીઓને કે દેવાળિયાઓનેય નથી આવતી, પણ દિવસની ઊંઘ બાદશાહોને કે બિન્દાસોને જ આવે છે! અમારો જન્મસિદ્ધ અધિકાર છે : દિવસની ઊંઘ અને દિવસે ઊંઘવા માટે ઊંઘનો ખાસ દિવસ રવિવાર! હે વાચકો, આવતા જન્મે પણ શાશ્વત સુખ માણવા આજે બપોરે આ લેખ સાત વાર વાંચવો! એન્ડ ટાઇટલ્સ ઇવ: જાગો છો? આદમ: ના, રોજ કેમ આ જ સમયે પૂછે છે? ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...