જીવનના હકારની કવિતા:ઊઘડતી સવારનો પડદો...

અંકિત ત્રિવેદી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓફિસ ટાઈમમાં સવાર અટવાઈ ગઈ છે. સાંજ પણ પડતી નથી, સીધી રાત પડે છે. મોડી રાત્રે કેટલાકની સવાર પડે છે. સવાર આપણામાં રોજ ઊગતા આત્મવિશ્વાસની અસવાર છે. સૂર્યોદય એમાંય અદકેરો...ધરતી અને આકાશને ક્ષિતિજની આંગળી ઝાલીને છૂટા પાડી આપે! સૂર્યોદય એટલે આપણામાં આંખો ભરીને ઊગતા અજવાળાનો રોજેરોજ ઊજવાતો જન્મદિવસ. સૂર્યોદય માણવાનું જે ચૂકી જાય છે એને બંધ દીવાલોની એરકન્ડિશન આવન-જાવન ગૂંગળાવી નાખે છે. સૂર્યનું ઊગવું આપણામાં મોકળાશ ઉમેરે છે. સિંદૂરનો કલરવ એટલે આકાશની લાલિમા અને ઊડતાં પંખીઓના કલશોર વચ્ચે ઊઘડતો સવારનો પડદો. અડાબીડ અંધારને ભેદીને અજવાળાનું ચૈતન્ય નિખરે છે. પોયણીમાં પાંગરતી સ્થિતપ્રજ્ઞતા કોણે અનુભવી છે? અંદર જાણે ઉલ્લાસ ઊઘડે છે. ક્ષિતિજ સાફ કરીને કિરણો ધરતી પર આવે છે અને એ જ કિરણોની સાથે ઊઘડે છે એક સૂર્યમુખી અને ‘બીજી હું’. આ‘બીજી હું’ એટલે આપણામાંની દરેક વ્યક્તિ. જેને આજવાળામાં - શુભત્વમાં - સારપમાં - શ્રદ્ધા છે એવી તમામ વ્યક્તિ. બ્રહ્માંડનાં અલૌકિક એકત્વનો તાગ મેળવવો હોય તો એની એનર્જીનો એક ખૂણો આપણા તારને મળે છે. ગોપાલી બુચની ‘જીવનના હકારની આ કવિતા’માં સવારનું વર્ણન અને સવાર ઊગતાંની સાથે અનુભવાતી આપણી ભીતરની તાજગીનું મહિમાગાન છે. અંધારું હોય એટલે અજવાળું આવે જ. અજવાળું આવે એ ઘડીને માણીને શબ્દદેહ આપવાનું કામ કવિનું છે. શુભ ભલે આધાર રાખીને પ્રગટે, પણ એના પ્રગટવામાં ભાર વગરનો આધાર છે.⬛ ghazalsamrat@gmail.com

અન્ય સમાચારો પણ છે...