તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસાંજો કચ્છ:મેઘતૃષ્ણાથી પીડાનાર જ મેઘતૃપ્તિનો આનંદ લૂંટે

કીર્તિ ખત્રીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કચ્છ જેવી મેઘતૃષ્ણાની પીડા ભાગ્યે જ કોઇ પ્રદેશ કે પ્રજાઅે અનુભવી હશે. દુકાળ, અર્ધ દુષ્કાળ અને અનિયમિત વરસાદ સદીઅોથી કચ્છને કનડતા રહ્યા છે. અેને લીધે અેક તરફ લાખો કચ્છવાસીઅોઅે દેશ-પરદેશમાં હિજરત કરી છે, તો બીજી તરફ કુદરતે બક્ષેલી પ્રતિકૂળતાઅો વચ્ચે પણ જીવન જીવવાની શૈલી અને ભાતીગળ સંસ્કૃતિ અહીં વિકસ્યા છે. અા સંજોગોમાં વરસાદ અાજે પણ કચ્છનો ભાગ્યવિધાતા છે. કદ-ક્ષેત્રફળની દૃષ્ટિઅે ભારતનો સાૈથી મોટો જિલ્લો કચ્છ છે. હરિયાણા અને કેરળ જેવા રાજ્યથી પણ વિશાળ અા મુલ્કમાં સિંચાઇનું પૂરતું પાણી મળે તો બીજું પંજાબ સર્જવાની ક્ષમતા અને કુશળતા અહીંના કિસાનોમાં છે, પણ નર્મદાનું સપનું જોતાં જોતાં દાયકા વીત્યા છતાં જરૂરિયાતની તુલનાઅે નહીંવત પાણી કચ્છને મળ્યું છે. પરિણામે, મોટા ભાગના ખેડૂતોઅે વરસાદ અાધારિત સૂકી ખેતી પર અાધાર રાખવો પડે છે અને વરસાદ સતત તરસાવતો રહે છે. આ સૂકી ખેતી ભગવાન ભરોસે થાય તેથી તેની પેદાશને રામમોલ કહેવાય છે. અષાઢી બીજે કચ્છવાસી માટે મેઘતૃષ્ણાની મોસમ બેસે પણ અેનો પ્રખ્યાત ‘મંઢો મીં’ (લંગડો વરસાદ) ક્યારેક ક્યાંક વરસે અને ક્યાંક આકાશ કોરુંકટ હોય. અે રીઝે તો ન્યાલ કરી દે અને રિસાય તો પથારી ફેરવી નાખે. કેટલીય વાર અેવું બન્યું છે કે અેક ભાગમાં તૃપ્ત ધરતી પર હરિયાળી લહેરાતી હોય અને બીજા ભાગમાં સૂકી ધરતી પર ઢોરઢાંખર ઘાસ માટે વલખાં મારતાં હોય. અા વખતે જેઠ મહિનામાં જ મેઘરાજા પધાર્યા તેથી ખેડૂતો ખુશખુશાલ હતા. જેઠીયો મીં ને પુણેઠી જો પુતર...અેટલે કે પહેલા ખોળાઅે પુત્ર જન્મે અને અાનંદ થાય અેવી ખુશી જેઠના વરસાદથી થાય, પણ અફસોસ કે વરસાદ ખેંચાયો છે અને શ્રાવણ અાવી પહોંચ્યો તેથી ખેડૂતો ચિંતામાં છે. 2007માં અામ જ વરસાદ ખેંચાયો હતો. પછી સચરાચર પડ્યો. અામ, કચ્છમાં ચોગરદમ વરસાદના ચમત્કારો થતા રહે છે. અાવા સમયે તો માહોલ જ અોર હોય. નાના-મોટા શહેરથી માંડીને છેવાડાના ગામો સુધી મેઘોત્સવ જામી પડે. ખરે જ વરસાદનો કચ્છી માડુ જેવો અાનંદ બીજો કોઇ લૂંટતો નથી. કુદરતના બેરહમ જુલ્મો સહન કરતા કચ્છી માડુઅે પરાકાષ્ટા સમી પીડા અનુભવી છે. દુકાળ માનવીનાં તન-મનને કેવો કોરી ખાય છે અે તો કચ્છવાસી જ જાણે અને તેથી જ અેને મન વરસાદ અેટલે માત્ર પાણીનું વરસવું જ નથી, દુકાળની શક્યતાના જાકારાનુંયે નિમિત્ત છે. અેક અંતિમ અેણે વેઠ્યું છે અેટલે બીજા અંતિમની અેના જેવી અનુભૂતિ બીજા કોઇને થઇ જ ન શકે. મેઘતૃષ્ણાની અપાર વેદનાથી તડપનાર કચ્છીને મેઘાગમન કે મેઘતૃપ્તિનો અાનંદ થાય અેનો જોટો ક્યાંયે નહીં મળે. મોસમના પહેલા વરસાદમાં કોઇ છત્રી લઇને નીકળે તો અેને દુકાળિયો કચ્છ સિવાય બીજે ક્યાંય કહેે? ભુજના શણગાર સમા હમીરસર તળાવમાં પાણીની અાવક થાય તે સાથે જ મેઘતૃપ્તિ માટેની તૃષ્ણાનો અારંભ થાય અને લોકો મધરાતેય બહાર નીકળી પડે અેવું બીજે ક્યાંય સાંભળ્યું છે? અરે! તળાવ છલકાય ત્યારે સરકારી રજા જાહેર થાય અને અબાલવૃદ્ધો મેઘોત્સવ મનાવવા ઊમટી પડે. મેઘોત્સવની પરંપરા સમગ્ર કચ્છમાં પ્રચલિત છે. નાના-મોટા તળાવ છલકાય તો ગામના સરપંચ કચ્છી પાઘ પહેરી તળાવને ધાર્મિક વિધિથી વધાવે, ઢોલ ધ્રબૂકે ને શરણાઇના સૂર રેલાય. લોકજીવનમાં અા વાત વણાઇ ગઇ છે. અાવું ભારતમાં ક્યાંય નથી. મેઘલાડુ, મેઘાનંદ, મેઘોત્સવ, મેઘતૃષ્ણા, મેઘતૃપ્તિ અને મેઘાતુર જેવા શબ્દોનો પ્રયોગ પણ કચ્છ જેટલો બીજે ક્યાંય નહીં થતો હોય. દેશ-પરદેશ ગયેલો કચ્છી જેમ પોતાના વતનને ભૂલ્યો નથી, તેમ પાણીની અછતનેય ભૂલ્યો નથી. અે જ્યાં જાય ત્યાં મેઘતૃષ્ણા સાથે જાય છે, અેનો અનુભવ લંડનની મુલાકાત વખતે થયો. વિલ્સ્ડન સ્વામિનારાયણ મંદિરના ઉત્સવમાં ભાગ લેવાનો જુલાઇ મહિનામાં મોકો મળ્યો હતો. મહદ્દંશે પટેલ ચોવીસીના પાટીદાર સમાજના જે હરિભક્તો મળ્યા તેમણે સાૈઅે કચ્છથી અાવ્યા છો? વરસાદ પડ્યો કે કેમ? સવાલ પૂછતા રહ્યા હતા. અે જ રીતે થોડા વર્ષ પહેલાં અમેરિકાના ન્યૂજર્સીમાં વિશ્વ ગુજરાતી પરિષદમાં ભાગ લેવા જવાનું થયું, ત્યારે મુખ્ય મહેમાન તરીકે સામ પિત્રોડા હાજર હતા. તેમને મળવાનો મોકો મળ્યો. કચ્છની વાત નીકળી તો તેમણે હળવા મિજાજમાં પૂછ્યું, ‘ભાઇ, પહેલાં અે કહો કે હમીરસર છલકાયું કે નહીં?’ અા સવાલથી અાશ્ચર્ય થયું. તેમણે જ ખુલાસો કર્યો, ‘મારાં પત્ની ભુજનાં છે અને કચ્છી મળે ત્યારે હમીરસરના સમાચાર પૂછે છે.’ કહેવાનો સાર અે કે કચ્છી માડુ મુંબઇમાં હોય, લંડન, અમેરિકા કે મસ્કતમાં હોય, અેના માટે મહત્ત્વના સમાચાર તો વરસાદના જ, પણ વિધિની વિચિત્રતા જુઅો. મેઘતૃષ્ણાના મુલકનો કચ્છી માડુ જ્યાં વસ્યો છે અે લંડનની પ્રજા સૂર્યતૃષ્ણાથી પીડાય છે. લંડનમાં મેઘરાજાની અનરાધાર કૃપા ચાલુ રહે છે. માહોલ મહદ્દંંશે વાદળછાયો જોવા મળે. સૂર્યના દર્શન દુર્લભ તેથી ત્યાંની પ્રજા જુલાઇ-અોગસ્ટમાં જ તડકાની વાટ જુઅે. મેઘતૃષ્ણા-સૂર્યતૃષ્ણા બંને મોસમ અેકસાથે જ ચાલે છે.⬛ kirtikhatri@hotmail.com

અન્ય સમાચારો પણ છે...