ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝએ એક પ્રયોગ કરી પુરવાર કર્યું હતું કે વૃક્ષ-છોડવાં પણ આનંદ-શોકની અનુભૂતિ કરે છે. માન-અપમાન જેવાં વલણોથી ખૂબ સંવેદનશીલ હોય છે. એમણે બે છોડ વાવ્યા. એ રોજ એક છોડની પાસે બેસીને એના વખાણ કરતા, પ્રેમથી પંપાળતા, વાતો કરતા. એ ખૂબ ઝડપથી ઊછરે, ફળ-ફૂલ આવે એવા આશીર્વાદ આપતા. બીજા છોડવાને રોજ ધુત્કારતા, કોસતા, જાણે શાપ આપતા હોય એમ કહેતા તું ક્યારેય મોટો નહીં થાય, હર્યો-ભર્યો નહીં થાય, ફળ-ફૂલ નહીં આવે! સુકાયેલો-મૂરઝાયેલો રહીશ! ને જલદી તારી હસ્તી મટી જશે. પરિણામે થયું શું? જે છોડવાને વૈજ્ઞાનિક બોઝ પંપાળતા, વહાલ કરતા અને આશીર્વાદ આપતા એ ધીરેધીરે ખૂબ ખીલી ઊઠ્યો, મહેકી ઊઠ્યો અને જે છોડવાને ધુત્કારતા-અપમાનિત કરતા એ ધીરે ધીરે મૂરઝાઇ ગયો. એ ખૂબ ખીલે-ઊછરે, ફળ-ફૂલ આપે એવો તો પ્રશ્ન જ નહોતો. જો છોડવા આટલા પ્રાણવાન અને સંવેદનશીલ હોય તો માણસમાં તો હૂંફ, પ્રેમ, પ્રેરણા અને જિજીવિષા ભરપૂર હોય છે એને પણ ઉત્સાહ -ઉમંગ અને પ્રેરણા આપવાથી એ પણ છોડવાની જેમ ખીલી ખીલી ઊઠે, મહેકી ઊઠવાનો છે! એને સતત ધૂત્કારવાથી, નકારાત્મકભાવ અપમાનિત કરવાથી એ પણ હતોત્સાહ થઇને, પગ વાળીને બેસી જવાનો. જે વાત છોડવા માટે, પશુ-પંખી માટે સાચી છે એ જ બાબત માણસો માટે પણ એટલી જ સાચી છે. એટલે જ તો કોઇ સમાજ, કોઇ રાષ્ટ્ર પોતાના મહાન નેતાની ઉદ્દામ, ઉદ્દાત્ત અને પ્રેરણાભરી વાણી સાંભળીને ઊભો જઇ જતો હોય છે! અને કેવી રીતે એક સમાજ, એક રાષ્ટ્ર વર્ષો, દાયકાઓ, સદીઓ સુધીએ એ ઉદ્દાત્ત અને પ્રેરણામય વાણી સાંભળ્યા વિના માયકાંગલો, અધમરો બની જાય છે? ખોવાઇ જાય છે? શતાબ્દીઓ સુધી ગુલામીની બેડીઓમાં જકડાઇ જાય છે? પોતાના રાષ્ટ્રને, પોતાના સમાજને ભવ્ય-દિવ્ય બનાવવાનાં સપનાં ગુમાવી બેસે છે? કેવી રીતે કોઇ કૃષ્ણ, કોઇ રામ, કોઇ તીર્થંકર, કોઇ ચાણક્ય, કોઇ બુદ્ધ, કોઇ શંકરાચાર્ય, કોઇ રાણા પ્રતાપ, કોઇ રામાનુજાચાર્ય, કોઇ કબીર, કોઇ રવિદાસ, કોઇ નાનક, કોઇ વિવેકાનંદ, કોઇ દયાનંદ, કોઇ મહાત્મા ફૂલે, કોઇ આંબેડકર, કોઇ ગાંધીજી, કોઇ સરદાર મડદાલ સમાજ - રાષ્ટ્રની ધમનીઓમાં પોતાની વાણી અને કર્મથી પ્રાણ ફૂંકી દે છે એ ઇતિહાસ ગવાહ છે અને જ્યારે આવી કોઇ વાણી સંભળાતી નથી ત્યારે એ જ સમાજ અને રાષ્ટ્ર જીવવા માટે તરફડિયા મારે છે, અંદરોઅંદર વેરઝેર, પૂર્વગ્રહ, અસ્પૃશ્યતા અને સ્વાર્થનો શિકાર બની જાય છે. પોતાના જ રાષ્ટ્ર શરીરના ટુકડા કરી નાખવાનું ખૂંખાર ઝનૂન સવાર થઇ જાય છે. એ એટલો સંવેદનહીન બની જાય છે કે પોતાને ભોંકાતી ગુલામીની સોઈની વેદના સુધ્ધાં અનુભવતો નથી. જે છોડવાને એક પ્રયોગ દ્વારા ધુત્કારી-ભાંડી જગદીશચંદ્ર બોઝે જોયું તો તે છોડવો સુકાઇ ગયો, નષ્ટ થઇ ગયો. એવી જ રીતે છેલ્લા ત્રણસો-ચારસો વર્ષ સુધી આ દેશની પ્રતિભા અને વૈભવ પર શાસન કરનારા પશ્ચિમી વિદ્વાનો, એમના રાજકીય પ્રતિનિધિઓ અને એમના ભારતવંશી માનસપુત્રોએ આ દેશના કોમળ મન અને આત્મસન્માનને એટલો ધુત્કાર્યો છે, એને જૂઠ્ઠો સાબિત કર્યો છે, એને ભાંડ્યો છે, એને નિમ્ન સમજવા એવો મજબૂર કર્યો છે, એને એટલો પતિત-દીન-ગરીબ સાબિત કર્યો છે કે આપણે ભારતવાસી આપણી જ નજરમાંથી ઊતરી ગયા. આત્મવિશ્વાસ ગુમાવી દીધો. આપણે ત્યાં પણ જ્ઞાન-વિજ્ઞાનનો વૈભવ હતો એ ભૂલી ગયા. આપણને આપણી જ સંસ્કૃતિ અને રાષ્ટ્ર તરફ હીનભાવ જાગે એ શીખવવામાં આવ્યું જેની જરૂર જ નહોતી. આપણી ભીતર એવા અવગુણો ભરી દેવામાં આવ્યા જે હતા જ નહીં. થોડાક ગુણ તો હશે જ આપણી ભીતર જેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર મનાતું હતું! ભારતનાં મન-મસ્તિષ્કમાં ચેતના જગાડે એવું નેતૃત્વ, જ્ઞાન-વિજ્ઞાનના ક્ષેત્રે ડંકો વગાડે એવી રાષ્ટ્રભક્તિથી છલોછલ બૌદ્ધિક પ્રતિભા જ ભારતને પુન: વૈભવ સંપન્ન બનાવી શકે! ⬛ namaskarkishore@gmail.com
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.