તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગયા અઠવાડિયે અખબારોમાં એક વિધર્મી યુવક દ્વારા એક યુવતીને ભોળવીને એની સાથે સંબંધો બાંધવાના સમાચાર પ્રકાશિત થયા. સવાલ એક ધર્મના વ્યક્તિ કે વિધર્મીનો નથી, સવાલ છે આપણાં સૌની માનસિકતાનો. ખાસ કરીને સ્ત્રીનો... જ્યાં સુધી બધું બરાબર ચાલે ત્યાં સુધી ફરિયાદ કરવામાં આવતી નથી, પરંતુ જે ક્ષણે ધાર્યું ન થાય, પરિસ્થિતિ પોતાના કાબૂમાં ન રહે એ સમયે વિક્ટિમ કાર્ડ પ્લે કરવું એ ધીમે ધીમે ફેશન થતી જાય છે. જરા વિચાર કરીએ તો સમજાય કે સરકારે આટલા બધા કાયદા સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવ્યા છે. દહેજ, સેક્સ્યુઅલ હરેસમેન્ટ કે મોલેસ્ટેશન... સ્ત્રીની ફરિયાદને હંમેશાં ગંભીરતાથી લેવાય છે. આપણે ગામડાની ચર્ચા ન કરીએ, તો એટલિસ્ટ અર્બન વિસ્તારોમાં મહિલા સુરક્ષાનો કાયદો પ્રમાણમાં ઘણો ગંભીરતાથી પાળવામાં આવે છે. કેટલાક અંતરિયાળ ગામડાઓમાં ધર્મ, જાતિ કે વર્ણ-વ્યવસ્થાને કારણે સ્ત્રીઓની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો છે એ પણ નતમસ્તક સ્વીકારવું જ પડે. અહીં પ્રશ્ન સ્ત્રીની સ્વતંત્રતા કે ફેમિનિસ્ટ હોવાનો નથી, સ્ત્રીની બેઝિક-પાયાની મનોવૃત્તિ સમજવાનો છે. જે સ્ત્રીઓ સેક્સ્યુઅલ હરેસમેન્ટની કે રેપની ફરિયાદ કરે છે એમાં ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ જોવા મળે છે કે એમની સાથે છ મહિના સુધી કે અમુક વર્ષો સુધી ‘બળાત્કાર’ કરવામાં આવ્યો! આ વાત કેટલી હદ સુધી સાચી માની શકાય? જે કિસ્સો અખબારમાં વાંચ્યો, એમાં એવો ઉલ્લેખ છે કે ત્રીસી વટાવી ગયેલી એક સ્ત્રીને જુદી જુદી હોટેલોમાં અને બહારગામ સુધ્ધાં લઈ જઈને એની સાથે શરીર સંબંધ બાંધવામાં આવ્યો... અહીં એની મરજી નહીં હોય ? એનું અપહરણ કરવામાં નથી આવ્યું, અર્થ એ થયો કે સ્ત્રી પોતાની મરજીથી (મ્યુચ્યુઅલ કન્સેન્ટ) કોઈ એક વ્યક્તિ સાથે બહારગામ કે હોટેલના કમરામાં જાય છે. એની શારીરિક જરૂરિયાત, પ્રેમ, સામેના માણસની વાક્પટુતા કે એના બદઈરાદાની અહીં ચર્ચા નથી. ઘરમાં રીપેરિંગ કરવા આવેલા કોઈ માણસ સાથે એટલી બધી દોસ્તી કેવી રીતે થઈ જાય કે એની સાથે કોઈ હોટલમાં જઈને શારીરિક સંબંધ બાંધવા સુધી પહોંચી જવાય? જો એવું થયું હોય, તો એ માટે એકલા પુરુષને જવાબદાર ઠેરવી શકાય ખરો ? એ કયા ધર્મનો હતો, એ મુદ્દો નથી... અહીં મુદ્દો એ છે કે એક સ્ત્રી ‘પ્રેમ’ના નામે મૂર્ખ પૂરવાર થઈ. આવું અવારનવાર સાંભળવા મળે છે. અરેન્જ મેરેજ હોય કે લવ મેરેજ, લગ્ન પહેલાં કેટલીક મર્યાદાઓ ઓળંગી જનાર સ્ત્રીને પછીથી મુશ્કેલીમાં મુકાવું પડે છે. જ્યારે જ્યારે આવા પ્રસંગો બને છે ત્યારે ‘વીડિયો અપલોડ કરી દેવાની ધમકી’ એક સામાન્ય ફરિયાદ તરીકે જોવા મળે છે. સવાલ એ છે કે આવા વિડીયો ઉતારવા દેવાની પરવાનગી કેવી રીતે આપી શકાય? જો અજાણતા આવો વિડીયો ઉતારવામાં આવ્યો હોય તો, પોતે જાણતી ન હોય, એવી કોઈ પણ જગ્યાએ-વ્યક્તિને પૂરેપૂરી ઓળખ્યા વગર કોઈ પણ સ્ત્રીએ શું કામ જવું જોઈએ? છેલ્લા ઘણા સમયથી આપણે સ્ત્રીઓના વિક્ટીમ કાર્ડને બહુ સહાનુભૂતિથી જોઈએ છીએ. બધા ખોટા છે એવું કહેવાનો આશય નથી, પરંતુ હવે આ સમાજે માત્ર પુરુષને જવાબદાર ઠેરવવાની મનોવૃત્તિને બદલવી પડશે, એટલું નક્કી છે ! નાનકડાં ગામડાઓમાં જ્યાં વર્ણ-વ્યવસ્થાને આધારે દાદાગીરી કરવામાં આવે છે અથવા સ્ત્રી ઉપર થયેલા અત્યાચારની ફરિયાદ પણ નોંધાતી નથી ત્યાં આજે પણ સ્ત્રીની અસહાયતાને શિકાર બનાવવામાં આવે છે. બળાત્કાર અને ખૂન, આવા ગામડાઓમાં અત્યંત સામાન્ય બાબત બનતી જાય છે. અભણ અને ગરીબ સ્ત્રીને કાં તો પોતાના અધિકારની ખબર જ નથી અને જો એને ખબર છે, એ એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરે છે તો એને પ્રશાસન કે પોલીસ તરફથી દરેક વખતે મદદ મળે જ છે એવું આપણે કહી શકીએ એમ નથી ! ઓનર કીલિંગ આવાં ગામડાઓમાં સાવ સામાન્ય બાબત છે જેમાં સ્ત્રીને ‘પાઠ ભણાવવા માટે’ એના પર બળાત્કાર કરવામાં આવે છે... જો ખરેખર કોઈને ફરિયાદ કરવાનો અધિકાર હોય તો એ આવી સ્ત્રીઓ છે, પરંતુ એમની ફરિયાદ કાં તો લેવાતી નથી અને કાં તો એની પૂરી તપાસ કરવામાં આવતી નથી. કદાચ તપાસ કરવામાં આવે તો પણ ગુનેગારો કોર્ટમાં સાવ નજીવા કારણસર ‘ગુનો પુરવાર ન થઈ શકવાના કારણે’ છૂટી જાય છે. બીજી તરફ શહેરમાં આ સ્ત્રીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા આ કાયદાઓનો ભરપૂર દુરુપયોગ થતો જોવા મળે છે. છેલ્લા કેટલાય સમયથી સિનેમા અને ઓટીટીમાં સ્ત્રીને શારીરિક સંબંધ બાંધવાની, સિગારેટ પીવાની, શરાબ પીવાની છૂટ હોવી જોઈએ એવો એક આડકતરો સંદેશ નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. આપણી સંસ્કૃતિ આજથી સદીઓ પહેલાં ઘણી મુક્ત અને માનસિક રીતે મજબૂત સંસ્કૃતિ હતી. કૃષ્ણ-દ્રૌપદીની મિત્રતા કે રાધા-કૃષ્ણનો સંબંધ, સ્વયંવર કે દીકરીને ભણાવવાની પરંપરા આપણે ત્યાં સદીઓથી હતી. નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ વાસ કરે એવો શ્લોક આપણા શાસ્ત્રોએ આપ્યો છે ત્યારે આપણે ત્યાં સ્ત્રીઓની સ્થિતિ મધ્યયુગમાં બગડી. વટાળ પ્રવૃત્તિ પ્રવેશી પછી આપણે ત્યાં સ્ત્રીઓની સુરક્ષા વિશે સવાલો ઊભા થવા લાગ્યા. યુવાન દીકરી ઉપર કોઈ નજર ન બગાડે માટે બાળલગ્ન અને વિધવા સાથે કોઈ ખરાબ વ્યવહાર ન કરે માટે સતી પ્રથાનો વિચાર કરવામાં આવ્યો, આ સાચું નહોતું જ પણ એ વખતે જે સૂઝ્યો તે ઉપાય કદાચ આ જ હતો ! આજે આવું કશું જ નથી... સ્ત્રી ભણે છે, કમાય છે, મરજીથી પરણે છે અને છૂટાછેડા પણ લે છે ત્યારે હવે આપણે સ્ત્રીને જ માત્ર પીડિત, શોષિત ચિતરીને સમાજમાં એના પ્રત્યે માત્ર સહાનુભૂતિની લાગણી ઊભી નહીં કરી શકીએ. મલ્ટિનેશનલના ઉચ્ચ હોદ્દા પર કામ કરતી સ્ત્રીઓ પણ એમના જુનિયર પુરુષ કલીગનું શોષણ કરે છે, પત્નીના વિઝા પર વિદેશ ગયેલો પતિ કે સિનેમા મોડલિંગની દુનિયામાં પ્રવેશ ઈચ્છતા પુરુષ અભિનેતા કે મોડેલનું પણ શોષણ કરવામાં આવે છે. આ હકીકત જોઈએ એટલી બહાર નથી આવતી કારણ કે હજી આપણો સમાજ પુરુષપ્રધાન છે. એક પુરુષને પોતાના શોષણની ફરિયાદ કરવામાં એનું પુરુષત્વ ઘવાતું લાગે છે એટલે કદાચ આવી ફરિયાદો ખૂલીને બહાર નથી આવતી... અત્યારે, અર્બન સોસાયટી અથવા શહેરોમાં પ્રશ્ન એ છે કે વ્યક્તિ તરીકે દરેકે પોતપોતાની સુરક્ષાનો વિચાર કરવાનો છે. હવે સ્ત્રી કે પુરુષ નહીં, જરૂરિયાતમંદ, ગરજવાન કે મૂર્ખ અને અક્કલવાળા એવા વિભાગ પડવા લાગ્યા છે. આપણે બધા છેલ્લા થોડા સમયથી આપણી જિંદગીને કન્વિનિયન્સથી જીવતા થઈ ગયા છીએ, અજાણતા જ પણ સ્વાર્થ અને લાભ આપણા મુખ્ય ધ્યેય બની ગયા છે. જ્યારે આપણને સ્વાર્થ સધાતો લાગે, કામ નીકળતું લાગે, સામેની વ્યક્તિ પાસેથી લાભ થશે એવી અપેક્ષા હોય ત્યારે જે કંઈ થાય એને આપણે સમજદારી અથવા બાર્ટરનું નામ આપીએ છીએ. એને આપણે, હોંશિયાર લોકો લેવડદેવડ કહીને છૂટી જઈએ છીએ, પરંતુ જ્યારે આપણને જોઈતું ન મળે, અથવા જે વચન અપાયું હતું એ પૂરું ન થાય ત્યારે એ બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ તરીકે આપણને ‘શોષણ’ લાગવા માંડે છે. એક સમય હતો જ્યારે ડિવોર્સી કે અપરિણીત, સિંગલ સ્ત્રી વિશે અવેલેબલ હોવાનો એક ભ્રમ સેવવામાં આવતો હતો. હવે પુરુષ વિશે પણ આવી માન્યતા ધરાવતી સ્ત્રીઓની સંખ્યા વધવા લાગી છે. જો પુરુષ ડિવોર્સી છે, અપરિણીત છે તો એની આસપાસની સ્ત્રીઓમાં રસ હોવો જ જોઈએ અથવા એ કેરેક્ટરનો લુઝ હોઈ જ શકે છે એવું માનનારી સ્ત્રીઓ આવા પુરુષો સાથે સંબંધો બાંધવા ઉત્સુક હોય છે... એવું માનીને, કે આ સંબંધમાંથી પોતે પ્રમોશન, કામ, પ્રસિદ્ધિ કે એને જે જોઈતું હશે તે મેળવી શકશે, જ્યારે એવું નથી થતું ત્યારે પેલા સિંગલ પુરુષ ઉપર શોષણ કે હેરેસમેન્ટનો આક્ષેપ કરીને એની અંગત જિંદગી અને કારકિર્દીને ગૂંચવી નાખવાનું ‘ફેમિનિસ્ટ’ સ્ત્રીને ફાવી ગયું છે ? સૌથી પાયાનો અને મુદ્દાનો સવાલ એ છે કે એક ભણેલી-ગણેલી સમજદાર સ્ત્રી એક પુરુષ સાથે સંબંધ બાંધે છે કે એક કમાતો વ્યવસાયી પુરુષ એક સ્ત્રી સાથે સંબંધ બાંધે છે ત્યારે પૂરી તપાસ કેમ નથી કરતા? જો તપાસ નથી થઈ અને એને ફસાયાની લાગણી થાય છે તો એ વિશે જ્યારે ફરિયાદ કરે છે ત્યારે, એ છેતરપિંડી હોઈ શકે બળાત્કાર ન હોઈ શકે એ વાત આપણે બધાએ સમજી લેવી પડે ! સોશિયલ મીડિયાના આટલા બધા સાધનો ઉપલબ્ધ હોવા છતાં જો કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિ વિશે ફરિયાદ કરે છે તો એમાં એ વ્યક્તિનું બેધ્યાનપણું કે બેવકૂફી ગણી શકાય... છેતરનાર તો બજારમાં ફરે જ છે, સાવધ આપણે રહેવાનું છે! આમાં સ્ત્રી-પુરુષનો ભેદ નથી રહ્યો, હવે. ખાસ કરીને, જુવાન દીકરીની મમ્મીઓ જે સતત ફફડતી રહે છે એમણે પોતાની દીકરી સાથે વિશ્વાસપૂર્વકની મિત્રતા કેળવવી પડશે. દીકરી કોને મળે છે એ જાણીને જે-તે વ્યક્તિ વિશે તપાસ કરવાની જવાબદારી હવે મા-બાપે લેવી પડશે. સોશિયલ મીડિયા અને રોજેરોજ આપણી ઝંખનાઓને ઢંઢોળીને જગાડતા ઓટીટી જાહેરાતો કે હોર્ડિંગ્સના સમયમાં હવે આપણે આપણા રક્ષક બનવું પડશે. પછીથી પસ્તાવાનો વારો ન આવે એ માટે પહેલેથી જ વ્યક્તિને પૂરી ઓળખીને એના પરિવારને જાણીને, સોશિયલ મીડિયા પરના એના એકાઉન્ટ્સની પૂરી ડિટેલ્સ તપાસીને જરૂર પડે તો એક વાર મિત્ર કે પરિવારની કોઈ વ્યક્તિ સાથે એના ઘરે ગયા પછી જ સંબંધમાં આગળ વધવું એ સાચી રીત છે. પછીથી પોલીસ ફરિયાદ કરવી કે પસ્તાવું ન પડે એ માટે સંબંધના પહેલાં જ દિવસથી જાગૃત રહેવું જોઈએ. kaajalozavaidya@gmail.com
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.