360 ડિગ્રી:ઓનલાઈન શોપિંગ

અર્પણ મહેતા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખરીદી અને તહેવારને કોઈ સીધો સંબંધ નથી પરંતુ તહેવાર અને ખરીદીને તો સંબંધ છે. તહેવાર હોય કે ન હોય કેટલીક વસ્તુઓ આપણે ખરીદતાં જ હોઈએ છીએ. કેટલાંક તો લોકો જ એવા હોય જેમના માટે ખરીદી પોતે જ એક ઉત્સવ છે. દેશી શબ્દ હાટ કે હટાણુંમાંથી આપણે બે દાયકા પહેલાં શોપિંગ મોલમાં પહોંચ્યા અને આજે હવે એ મોલ જ આપણા મોબાઈલ કે લેપટોપના સ્ક્રીન પર છે. શોપિંગ માટે લાઈનમાં ઊભા રહેનારા આપણે હવે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છીએ. માધ્યમ બદલાયાં, પદ્ધતિ બદલાઈ છે. શોપિંગ માટેનો આનંદ યથાવત છે. ઈતિહાસ ગવાહ હૈ.. આપણે તો એને બજાર કહીએ અને કવિ વિનોદ જોશી લખે, ‘ખડકી ખોલીને હું તો અમથી ઊભી’તી મને ઊંબર લઈ ચાલ્યો બજારમાં.’ માનવ સંસ્કૃતિનાં બે પુરાણા અને મહત્ત્વનાં સરનામાં એવા ગ્રીસ અને રોમમાં પણ ખરીદીના ઈતિહાસના મૂળિયાં મળે છે. સામાનની આપ-લે માટે ખાસ મેળાવડા યોજવામાં આવતા. પ્રાચીન ગ્રીસમાં અગોરા એવું સ્થળ હતું. ત્યાં બજાર ભરાતી, લોકો મોટા પાયે ખરીદી કરવા આવતા. રોમમાં પણ આવી જ જાહેર બજારનું નામ હતું ફોરમ. આજે જે શોપિંગ મોલ કે શોપિંગ સેન્ટર્સ દુનિયાભરમાં છે એનું જૂનામાં જૂનું સ્વરુપ આ ફોરમ હોવાનું માનવામાં આવે છે. હોમ ડિલિવરી ત્યારે પણ! બ્રિટિશરોના કેટલાંક સ્થાપત્યો જોતાં એવું લાગે કે એ પ્રજા જાહેર ખરીદીમાં ઓછામાં ઓછું માનતી. પોતાની પ્રાથમિક જરૂરિયાતો લોકો ખેતી કરીને પૂર્ણ કરતાં કે વિનિમય પદ્ધતિ અમલમાં હતી. જોકે મધ્યયુગના ઉત્તરાર્ધમાં ગ્રાહકો ફ્રેશ વસ્તુઓની ખરીદી માટે બજારમાં જતા થયા. પછી મોટાં શહેરોમાં દુકાનો બનવાનું શરૂ થયું. ગ્રાહકો દુકાનોમાં જઈને ખરીદી કરે એની સાથે જ એવો ટ્રેન્ડ પણ શરૂ થયો કે ફેરિયા, સાઈકલ પર કે ચાલીને ફેરી કરતા લોકો ઘરે જઈને સામાન પહોંચાડી આવતા. ખરીદીનો આનંદ, ખુશીની પ્રાપ્તિ ખરીદી આમ તો જરૂરી વસ્તુઓની થાય, પરંતુ વિશ્વભરમાં સત્તરમી સદીમાં જીવનધોરણ ઊંચાં આવ્યાં. પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત પણ વસ્તુઓ ખરીદવાનું પ્રમાણ વધવા લાગ્યું. આપણે ત્યાં થતું સિલ્ક, ચા, તમાકુ, મસાલાનું મોટું બજાર યુરોપના દેશોમાં હતું. એ મસાલાઓની સુગંધ જ બ્રિટિશરોને અહીં ખેંચી લાવી હતી. ત્યારે વસ્તુઓ આપણી હતી. બજાર બહાર હતું. આજે ભારત વિશ્વની મહાસત્તાઓ માટે મોટું બજાર બની ચૂક્યું છે. ઈ.સ. 1609માં રોબર્ટ સેસીલે સેન્ટ્રલ લંડનમાં સ્ટ્રેન્ડ નામની જગ્યામાં પૂર્વ આયોજિત શોપિંગની વ્યવસ્થાની શરૂઆત કરી. એક જ સ્થળે અનેક વસ્તુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર એ શબ્દ મૂળ તો અમેરિકાનો છે. 19મી સદીમાં ઈંગ્લેન્ડમાં આ સ્ટોર્સ એમ્પોરિયા અથવા વેરહાઉસ શોપ તરીકે ઓળખાતા. 19મી સદીના મધ્યમાં યુરોપ અને અમેરિકામાં મોટી સંખ્યામાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ શરૂ થયા. ભારત પણ હવે તો એ જ હરોળમાં જોકે ભારતમાં ખરીદી માટેની દુકાનો, સ્ટોર્સ મોટા પાયે હતા, પરંતુ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સનું કલ્ચર ધીમે વિકસ્યું. આપણે નાના વેપારીઓ આધારિત બજાર છીએ. ગામડાંનાં દુકાનદારોને ભપકો ન પોસાય. 1999માં અનસલ પ્લાઝા નામનો શોપિંગ મોલ દિલ્હીમાં શરૂ થયો અને એની શાખા મુંબઈ, ચેન્નઈમાં પણ ખૂલી. આજે તો આપણે ત્યાં મલ્ટિનેશનલ કંપનીઓએ પણ ટ્રેન્ડઝ, ફ્રેશ, ફૂટ્સ, જ્વેલરીમાં ઝુકાવ્યું છે. શોપિંગ મોલ હવે નાનાં શહેરોમાં પણ છે. પરંપરાગત બજારોની મજા મોલ તો આપણે છેલ્લા દાયકામાં જોયા. અમદાવાદમાં રતનપોળ કે રિલીફ રોડ, વડોદરાની મંગળ બજાર અને રાજકોટનો ધર્મેન્દ્ર રોડ કપડાંથી લઈને દરેક વસ્તુ માટે પ્રખ્યાત છે. મેટ્રોની મહત્ત્વની બજારો મેટ્રો કે ટુરિસ્ટ પ્લેસમાં તો શોપિંગ માટેના ખાસ વિસ્તાર હોય છે. મુંબઈ જાય એ ફેશન સ્ટ્રીટમાં તો જઈને જ આવે! ચર્ચગેટ, ઝવેરીબજાર, ગ્રાન્ટ રોડ પાસે બ્રિજ પાસેની માર્કેટ, દિલ્હીમાં લાલ કિલ્લા નજીક ચાંદની ચોક આવે છે તે વિરાટ ઓપનએર માર્કેટ છે. જયપુર, બડીચૌપટ. સિમલામાં મોલ રોડ! દરેક શહેરને તેની બજાર હોય છે. તેની સાથે તેની માયા હોય છે. શોપિંગ ફેસ્ટિવલ ભલે યોજાતા રહે પરંતુ શોપિંગ પોતે જ એક ફેસ્ટિવલ છે. ક્રિસમસમાં પણ આવું જ આપણે ફેસ્ટિવલનું શોપિંગ કરીએ છીએ, તો સિંગાપોર, દુબઈ, મલેશિયા જેવા દેશો શોપિંગ ફેસ્ટિવલ યોજે છે અને તેમાં પણ ગુજરાતીઓ મોખરે હોય છે. સિંગાપોરનાં મુસ્તફા મોલ કે ઓર્કિડ રોડ, મરીના કે ચાઈનાટાઉનમાં લાખો રૂપિયાની ખરીદી કરે છે. ત્યાં જનારાં લોકો કહે છે કે ત્યાં પર્ફ્યૂમ્સ અને કપડાં ઇન્ડિયા કરતાં સસ્તાં મળે છે, યુ નો! જો કોઈ એમ કહેતું હોય કે દિવાળી આવે ને આપણાં લોકો ખરીદી કરવા ઘેલાં થાય, તો એ મહારથીને કહી દેવું કે ઇંગ્લેન્ડ – અમેરિકામાં તો ક્રિસમસની ખરીદી નવેમ્બરથી શરૂ થઇ જાય છે. નાનાં શહેર, મોટી બજાર હવે તો ઓનલાઈન શોપિંગ જ નવી પેઢી કરે છે. એડ ટુ કાર્ટ, બાય ઈટ અને પેમેન્ટ. બસ, દુકાન જ ઘરે આવે. આપણે દુકાને નહીં જવાનું, પરંતુ બીજો એક એ ટ્રેન્ડ છે કે નાનાં નાનાં શહેરોમાં પણ મોટી બજારો છે. એટલે કે નવસારી, સાણંદ, નડિયાદ કે આનંદ, શિહોર કે માંડવી, ગોંડલ કે મોરબીનાં લોકો હવે પોતાનાં શહેરની નજીકનાં શહેરમાં ખરીદી કરવા જતાં નથી. બ્રાન્ડેડ વસ્તુઓ એમનાં જ ગામમાં સરસ રીતે મળી જાય છે. ઓનલાઈન જ નહીં, ઓફલાઈન શોપિંગ પણ એવી રીતે શક્ય છે.

અન્ય સમાચારો પણ છે...