રાગ બિન્દાસ:એક હતો કોમનમેનનો ડિરેક્ટર સાચો ગુજરાતી જીનિયસ!

સંજય છેલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુંદન એ હદે કંજૂસ હતા કે વડાપાઉં મંગાવતા પહેલાં વિચાર કરે, તો દિલાવર પણ એટલા કે સિરિયલમાં કોઇ એક્ટર રહી ન જાય તેનું પણ ધ્યાન રાખે

ટાઇટલ્સ કોમેડી ભજવાય છે, ટ્રેજેડી લખાય છે! (છેલવાણી) એણે કારકુન જેવું ટેરેલીનનું શર્ટ, લૂઝ પેન્ટ, ફાટેલા જૂતાં અને લાંબી છત્રી પકડીને પોતાની પહેલી ફિલ્મ બનાવેલી. એ નખશિખ ગુજરાતીના દેખાવ પર સૌ મજાક કરતાં, પણ એણે 1982માં માત્ર 4 લાખના બજેટમાં 1982 કલ્ટ-કોમેડી હિટ ફિલ્મ ‘જાને ભી દો યારોં’ આપી. ‘યે જો હૈ ઝિંદગી’, ‘નુકક્ડ’, ‘સર્કસ’, ‘વાગલે કી દુનિયા’ જેવી હિટ ટીવી સિરિયલો બનાવીને 1985થી 1990 સુધી લાખો રૂપિયા કમાયો.. છતાંયે મુંબઇની ભીડભરી બસમાં પ્રવાસ કરતો ને જૂની સ્ક્રિપ્ટના કાગળો પાછળ નવી સ્ક્રિપ્ટ લખતો! એ માણસે નેશનલ એવોર્ડ વિનર ‘જાને ભી દો યારોં’ જેવી ક્લાસિક ફિલ્મ બનાવી હતી. છતાંયે 11 વર્ષ સુધી બીજી ફિલ્મ ‘કભી હાં, કભી ના’ બનાવવા જાલિમ સંઘર્ષ કર્યો. એણે દિલ્હીથી મુંબઇ સુધી શાહરુખ નામના નવા છોકરાને બોલાવીને નેશનલ લેવલ પર ચમકાવેલો. એ માણસ એટલે ગુજરાતનું ગૌરવ : કોમનમેનનો ડિરેક્ટર, કુંદન શાહ! 4 વર્ષ અગાઉ 7-10-2017ના રોજ ઊંઘમાં જ વિદાય લેનાર ફિલ્મકાર કુંદન શાહ જો ન હોત તો હું ક્યારેય કોમેડી કે સેટાયરવાળી ફિલ્મો-સિરિયલો લખી ન શક્યો હોત. મારા જેવા અજાણ્યા લેખકને કુંદને ‘નુક્કડ-2’માં સ્ક્રિપ્ટ લખવા આપી. કુંદન ન હોત તો મને છેવાડાના માણસો, કોમનમેન વિશે વિચારવાની લિબરલ દૃષ્ટિ જ ન મળી હોત. ’90ના દાયકાની ફિલ્મી દુનિયામાં ખૂબ ભેદભાવ હતો. અમારા જેવા કંઇકેટલાય સ્ટ્રગલરોનું ‘માવતર’ હતું : કુંદન અને સઈદ-અઝીઝ મિર્ઝાની ઓફિસ, જ્યાં ગમે ત્યારે કારણ વિના જઇને અમે લંચ લઇ શકતા. એ લોકો એવા ઉદાર હતા કે ટીવી સિરિયલનો પોતાનો પ્રોફિટ સૌ કલાકારો -ટેક્નિશિયનોમાં સરખે ભાગે વહેંચી દેતા! મારા જેવા નવા લેખકને સામેથી બોલાવીને છેક 1994માં 10,000 રૂ.નો ચેક આપતા ને મારું ગુજરાન ચાલે માટે મહિનામાં વધુમાં વધુ એપિસોડ લખવા આપતા! ગુજરાતીમાં ભણેલ, મારા જેવાને કુંદન અને અઝીઝ મિર્ઝાએ અંગ્રેજીમાં લખતો-બોલતો કર્યો. મારા જેવા અનેકોના વિચારોમાં સિસ્ટમ સામે સવાલ કરવાના વિચારો વાવ્યા, વર્લ્ડ સિનેમાનું ગ્રામર શીખવ્યું! કુંદન અને મિર્ઝાબંધુઓની ઓફિસમાં મારા જેવા જ અનેક સ્ટ્રગલરોમાંનો એક હતો : શાહરુખ ખાન! જે દિલ્હીથી આવીને કુંદન અને મિર્ઝાભાઈઓની ઓફિસમાં મહિનાઓ સુધી મફતમાં રહેતો! કમીની કમર્શિયલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવું આજે કે પહેલાં કોણ કરતું? ઇન્ટરવલ વો તો હૈ અલબેલા, હઝારોં મેં અકેલા (મજરુહ-કુંદનની ફિલ્મ) ‘જાને ભી દો યારોં’ કુંદન શાહની એ ફિલ્મ છે, જે દેશની 100 મહાન ફિલ્મોમાં ગણાય છે. જેની વિચિત્ર સ્ક્રિપ્ટ કુંદને લખેલી! આમ તો કુંદન પોતે એ હદે કંજૂસ કે વડાપાંઉ પણ એ રીતે વિચારીને ઓર્ડર કરે, જાણે કોહીનૂર હીરો ખરીદતો હોય, પણ એટલો દિલાવર કે ‘નુક્કડ’ની સ્ક્રિપ્ટમાં 30-30 કલાકારોને રોજીરોટી મળે માટે એવી સ્ક્રિપ્ટ લખાવડાવે.. જો કોઈ કલાકારનો એમાં રોલ ન હોય તો સામેથી કહે : ‘ઐ સંજય, યાર… પેલા એક્ટરનો એકાદ ડાયલોગ નાખી દે… એની એક એન્ટ્રીથી એને પૈસા મળશે!’ પણ ખબર નહીં કેમ, આપણા એ અદના ફિલ્મમેકરને ગુજરાતી સમાજે ક્યારેય પોતાનો ગરવો ગુજરાતી ન ગણ્યો. 1-2 ગુજરાતી ફિલ્મ અને દોઢ-બે વેબસીરિઝના મેકરોને વારેવારે વધાવનાર ગુજરાતી મીડિયાએ ભાગ્યે જ કુંદનને એક ગુજરાતી મેકર તરીકે નવાજ્યો. કુંદન, એ હસ્તી હતી કે જેની સેન્સ-ઓફ-હ્યુમર પર મહાન કાર્ટુનિસ્ટ આર.કે. લક્ષમણ પણ ફિદા હતા. ‘વાગલે કી દુનિયા’ નામની સિરિયલ લક્ષ્મણના કાર્ટુનોમાં આવતા ‘કોમનમેન’ પર આધારિત હતી. હકીકતમાં કુંદન પોતે જ ખરો ‘કોમનમેન’ હતો, જે સિસ્ટમ, સરકાર કે સમાજ સામે હસતા-હસાવતા અંદરનો આક્રોશ પ્રગટ કરતો. ખરેખર તો કુંદન જેટલો ‘કોમનમેન’ હતો, એટલો જ ફિલ્મ લાઈનમાં ‘અનકોમન’ હતો. શાહરુખ જેવા સ્ટારને પણ 35-40 વાર એકનો એક શોટ ફરી-ફરી આપવા રી-ટેક કરાવીને થકવી દે અને સૌની સામે એની ઓવર એક્ટિંગ માટે ટીકા કરી શકે એવો નિર્દેશક હતો. આ કુંદને 1985માં ભારતની પહેલી કોમેડી સિરિયલ ‘યે જો હૈ ઝિંદગી’ બનાવેલી જે સુપર હિટ હતી અને એમાં સંવાદો લખવા માટે એ હિંદી વ્યંગકાર શરદ જોશીને પહેલી વાર લઈ આવેલો… કુંદનના ગયા પછી બાદ નસીરુદ્દીન શાહ જેવા અહંકારી અભિનેતાએ કહેલું કે, જાને ભી દો… ફિલ્મના શૂટિંગ, એ ફિલ્મમાં કે કુંદનમાં એને જરાયે ભરોસો નહોતો! કુંદનને આમેય એકટરો સામે ખાસ કરીને સ્ટાર સામે બહુ વાંધા હતા. ‘કભી હાં કભી ના’ ફિલ્મ પછી શાહરુખે કયારેય કુંદન સાથે કામ ન કર્યું કારણ કે કુંદન એને ઓવર-એક્ટિંગ માટે ખરેખરું સંભળાવી દેતો. કુંદન કોમેડી ફિલ્મમાં પણ ચકાસીને પૂછતો : ‘યાર, ઇસ મેં આત્મા કહાં હૈ? પોએટ્રી કહાં હૈ?’ મૃત્યુના થોડા જ મહિના પહેલાં જીનિયસ કુંદને મને ફોન કરીને કહેલું,‘સંજય! ફસાઈ ગયો છું. એક કમર્શિયલ પ્રોડ્યુસરે મને મોટી ફિલ્મ માટે સાઈન કર્યો છે. શું કરું, યાર?’ મેં કહેલું,‘અરે તમે નહીં, પેલો પ્રોડ્યુસર ફસાયો છે!’ પછી અમે બેઉ બહુ હસેલા. બસ… છેલ્લી વાર! એન્ડ ટાઇટલ્સ આદમ: આજકાલ કોમેડીમાં મજા નથી! ઇવ: ન્યૂઝ ચેનલ જો ને ? ⬛ sanjaychhel@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...