તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાહિત્ય વિશેષ:એક વાર્તા રજવાડાની, બીજી સરાણિયાંની

13 દિવસ પહેલા
 • કૉપી લિંક

નાનાં પિંજર નાં પંખા’ ઉત્પલ પટેલની લઘુનવલ કહી શકાય એટલી લાંબી વાર્તા છે. તો ‘આંતર-બ્રાહ્મ’ કનુ આચાર્યની સરાણિયાં નામની વિચરતી જાતિની હાડમારીની વાર્તા છે. પહેલી વાર્તાના કેન્દ્રમાં જૂના જમાનાના રજવાડાની સારી માઠી ખૂબીઓ છે તો બીજીમાં વિચરતી જાતિની દુર્દશા અને ભૂખની ઘટના છે. પહેલી કહેવાતી લોકવાર્તાની શૈલીનો આભાસ કરાવે છે, બીજી ઉપેક્ષિત માણસની અસહાયતા ચીંધે છે. ઉત્તર ગુજરાતના ઉમતા ગામના કવિ-કથાકાર રામચંદ્ર પટેલના પુત્ર ઉત્પલ વિવેચક-સંપાદક છે. એમણે દિગીશ મહેતાના સાહિત્ય વિશે પીએચ. ડી. કરીને નામના મેળવી છે. અત્યારે એ હિંમતનગરની આર્ટ્સ કોલેજના કાર્યકારી આચાર્ય છે. લેખકે આ લઘુનવલ પોતાના મહોલ્લાનાં રેવામાને અર્પણ કરી છે. એમના મુખેથી બાળપણમાં સાંભળેલી વારતાઓ વિસરાતી નથી. સાદી ભાષામાં પણ લખતાં લખતાં એ ગદ્યકાવ્યની નજીક પહોંચી જાય છે. કથા પાંચ પ્રકરણમાં વહેંચાયેલી છે. પહેલા પ્રકરણમાં રતનગઢનાં રાજરાણી ઉદયસિંહ અને પદ્માવતીનાં પ્રસન્ન દામ્પત્યનું નિરૂપણ છે. લૂંટફાટ કરનાર જ્ગ્ગુમલ દગ્ગુમલને રાજાએ ફાંસીની સજા આપેલી પણ રાણી પદ્માવતીને ગુના કરતાં સજા મોટી લાગેલી તેથી ફાંસીના માંચડેથી એમને ઉતારી લીધેલા. મહેલ પાસે બે ઓરડી આપીને પ્રજાના હિતનાં કામો કરવા સલાહ આપેલી. રાજા-રાણીને બે પુત્ર હતા : ધૈર્ય અને શૌર્ય. એમને રમતો અને લડવાની કળા શીખવવાની જવાબદારી જગ્ગુ-દગ્ગુને સોંપી છે: રાણી પદ્માવતી રોજ જુએ છે. દરમિયાન ચકલીનો માળો, ઈંડાં, બચ્ચા, એમના માટે દાણા લઇ આવતાં ચકો-ચકી રાણીનું ધ્યાન ખેંચી રહે છે. ચકલી મરી જતાં બીજી ચકલીને કારણે ખરાબ કોરાક ને કારણે બચ્ચાં મરી જાય છે. રાનીને આઘાત લાગે છે. એને પ્રશ્ન થાય છે: હું મરી જાઉં અને રાજા બીજી રાણી કરે તો ધૈર્ય-શૌર્યની શી દશા થાય? રાણી જોયેલી ઘટના રાજા સમક્ષ વિસ્તારથી વર્ણવે છે. આ ચકા-ચકીની વાત જરૂર કરતાં વધુ જગા રોકે છે. રાજા હાથમાં ગંગાજળ લઈને વચન આપે છે કે પદ્માવતી નહીં હોય તો પોતે બીજું લગ્ન નહીં કરે. બીજા પ્રકરણમાં અપરમા આવે છે. ‘જંગલ’ નામનું આ પ્રકરણ રસપ્રદ બન્યું છે. લેખકનો ગ્રામપ્રદેશનો પરિચય અહીં ખપ લાગ્યો છે. હવે કથા અટપટી બને છે. રહસ્યનું તત્ત્વ ઘૂંટાતું જાય છે. પાંચમાં પ્રકરણ સોનગઢમાં ગંગામાં અને શૌર્યની કથામાં દગાબાજ શેઠ શેઠાણી અને બાળપણની સખી ભદ્રા વાર્તાને ઉમદા હેતુ ભણી દોરી જાય છે. આ સોનગઢમાં હાથણીની કૃપાથી મોટો ભાઈ ધૈર્યસિંહ રાજા થયો છે. પ્રકરણને અંતે દીકરો ને વહુ પધરાવો એ વાવમાં પાણી થાય એ માન્યતાને આધારે શૌર્ય અને ભદ્રા બલિદાન આપે છે. તદલખી વાવ છલકાઈ ઊઠે છે. લેખક અહીં લોક્ગ્રંથીને અનુસર્યા છે. આ કહેવાયેલી કથા વાંચવાથી જ આસ્વાદ્ય બને એમ છે. ‘આંતર-બાહ્ય’ના લેખક કનુ આચાર્ય સર્વોદય કાર્યકર જેવા છે. એ વિચરતી જાતિઓના દુઃખદર્દ જાણે છે. બનાસકાંઠાના ડીસામાં રહ્યા છે. મુખ્ય વાર્તા ‘આંતર-બાહ્ય’નો વિષય છે ભૂખ, જીવલેણ ભૂખ. કનુભાઈએ મૂળ ઘટના નોંધી છે : ‘ક્ષુધાથી પીડિત સરાણિયાઓએ પેટ ભરવા કબૂતર માર્યા. ગામમાં અરેરાટી થઈ ગઈ. પોલીસ અને લોકો બેરહમીથી એમના ઉપર તૂટી પડ્યા. કબૂતર મારવાની હિંસા’ને સરાણિયાને મારવાની હિંસા? કઈ હિંસા મોટી? એ દૃશ્યે મને હચમચાવી દીધો. ને સર્જાઈ વાર્તા ‘આંતર-બાહ્ય.’ લેખક ઘટનાનું સમયના ક્રમ મુજબ વર્ણન નથી કરતા, પણ એક સંવેદનશીલ વૃદ્ધ મોહન ભગતના ચિત્તમાં જાગતાં સંચલનો દ્વારા દૃશ્યો ઉપસાવ્યાં છે. એમનાં પત્ની વચ્ચે વચ્ચે જાગીને પૂછે છે. ખાઈને ઊંઘી જવા કહે છે, છેલ્લે એકવાર પુત્ર પણ બેઠો થઇ ઊંઘી જવા ઠપકો આપે છે, પણ મોહન ભગતને ચેન નથી. સંભળાય છે-દેખાય છે બંધ આંખે- મારો પાપીઓને મારો ઠોકો. તમતમારે ઠોકો સરાણકાંને હેડમાં ઘાલી દ્યો હેડમાં. સરાણિયાં પર વધતા જતા જુલમના નિર્દેશો વચ્ચે બધાં ઈચ્છે છે કે મોહન ભગત સરાણિયાં વિરુદ્ધ જુબાની આપે. લોકોમાંથી કેટલાંક પાત્રો ખપમાં લીધાં છે. પોલીસનો માર ખાતા પુરુષો, બચાવવા મથતી સ્ત્રીઓનું વર્ણન, પહેલાં ખાડામાં ટૂંટિયું વાળીને પડેલાં નાગાં બાળકો અને પછી બીજા ખાડામાં મરેલાં કબૂતરો. હિંસાના સાક્ષી બનેલા મોહન ભગત સવારે વહેલા ઊઠયા હોય એવું નથી દેખાતું. મનોભાવોની સંકુલતા અને ગામલોકોની નિર્દયતા એકમેકમાં ભળીને માણસાઈના સંકેત કરે છે. આખું ઉધાર પાસું ભગતના સંવેદનમાં રહેલા જમા પાસાનો નિર્દેશ કરે છે. આ વાર્તા સાંભળવા માટેની નથી, ઝીણવટથી વાંચવા જેવી છે. ⬛

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો