તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડણક:એક ‘સ્ટોર્મ’ ભીતર અને એક બહાર પણ!

શ્યામ પારેખ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શરીરની અંદર સાયટોકિન સ્ટોર્મ, મનની અંદર આગળ શું થશે તેનું કુતૂહલ અને ડર અને બારીની બાહર ઝળૂંબતી ‘તૌકતે’! આ બધી સ્ટોર્મ્સ સાથે મળીને એક પદાર્થપાઠ શીખવી ગઈ

આમ તો અનુભવ પર આધારિત લખાણ લખવાની ટેવ વર્ષો જૂની. પત્રકારત્વની કારકિર્દીની શરૂઆતથી જ આ પાઠ શીખવા મળેલા. જોકે, એક પત્રકાર તરીકે એ પણ શીખવા મળ્યું કે આંખોથી જોયેલું-વાંચેલું, કાનેથી સાંભળેલું કે પછી અનુભવાયેલું બધું જ સાચું હોય એ પણ જરૂરી નથી હોતું, પરંતુ એ વિષય અલગ ચર્ચા માગે છે. પરંતુ કોવિડને કારણે ભીતરની અંદર થતી ‘સ્ટોર્મ’ (સાયટોકિન સ્ટોર્મ’ તરીકે ઓળખાતી ડરામણી પરિસ્થિતિ) નો આવો અનુભવ જાતે કરવાનો થશે અને તેના વિશે સાજા થયા પછી લખી પણ શકાશે - એ વાત વિચારવી પણ પહેલાં તો થોડી અટપટી લાગે! અને પાછું સાવ આવી પરિસ્થિતિમાં જ્યારે હોસ્પિટલની બારીની બહાર પણ એક જબરદસ્ત સ્ટોર્મ દેખાતી હોય ત્યારે આવા ‘સ્ટોર્મી’ તોફાની સંજોગો સાવ આકસ્મિક જ હોય તેવું ઓછું લાગે. શરીરની અંદર અને બહાર, મન અને હૃદય, અને વાતાવરણમાં પણ - એમ બધે જ તોફાન સર્જાય ત્યારે આવા સંયોગનું કારણ સમજવાની ઈચ્છા તો સ્વાભાવિક રીતે જ થાય. શરીરની અંદર કોવિડ સામે એક ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય અને હોસ્પિટલના બિછાને રાત્રે આંખો મીંચતી વેળા તમને એ પણ ખબર ન હોય કે સવારે આંખો ફરીથી ઊઘડશે કે નહી. અને દિવસના જાગતા હો ત્યારે એ ખબર ના હોય કે હજુ કેટલી વાર આંખો ખુલ્લી રહેશે કે પછી અચાનકથી હંમેશ માટે મીંચાઈ જશે. ઘણા પેશન્ટ્સ માટે ચેપ લાગ્યાના આઠથી દસ દિવસ પછી ‘સાયટોકિન સ્ટોર્મ’ તરીકે ઓળખાતી આ ડરામણી પરિસ્થિતિ સર્જાતી હોય છે. અને કોવિડને કારણે હોસ્પિટલોમાં થતા મૃત્યુમાં આ કન્ડિશનનો સિંહફાળો હોય છે. સરળ ભાષામાં સમજીએ તો જ્યારે આપણું શરીર કોવિડના રોગને પરાસ્ત કરે ત્યારે કુદરત આપણને ‘એન્ટિ-બોડી’ ભેટ આપે છે. જે ભવિષ્યમાં ફરીથી આ રોગથી આપણને બચાવે છે અથવા તેના ચેપને હળવો કરી દે છે. કંઇક એ જ રીતે કે જેમ વૅક્સિન કામ કરે છે. પરંતુ શરીરમાં નવાસવા એન્ટ્રી મારેલાં આ તત્ત્વોને શરીર સ્વીકારે એ પહેલા તો એને ઉપદ્રવી માનીને આપણી પોતાની ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગપ્રતિકારક શક્તિ તેનો સામનો કરે છે અને તેને ખતમ કરવા પુરજોશથી કામે લાગી જાય છે. પરિણામે, એન્ટિ-બોડી સાથે સાથે લડતાં લડતાં આપણી પોતાની રોગપ્રતિકારક શક્તિ જ્યારે જરૂર કરતાં વધારે જોર કરે છે ત્યારે એ આપણને પોતાને મારી નાખી શકે છે અથવા કોવિડથી પણ વધારે ગંભીર રૂપે બીમાર કરી શકે છે. પરિણામે સર્જાય છે મલ્ટિપ્લ ઓર્ગન ફેઇલર – એટલે કે એક પછી એક અંગો બંધ પડી જવાં વગેરે. અને અંતમાં મૃત્યુ. ક્યારેક આ ખેલ મિનિટોમાં પૂરો થઈ જાય છે. અને જેમની તબિયત બધી રીતે સુધારા પર લાગતી હોય તેવા પેશટન્સ પણ અચાનકથી આનો ભોગ બની જાય છે. અને આ પરિસ્થિતિ માત્ર કોવિડમાં જ સર્જાય છે તેવું નથી હોતું - MERS, SARS, બર્ડ ફલૂ વિ. વાઇરસ-જન્ય બીમારીઓમાં સામાન્ય છે. હોસ્પિટલમાં દાખલ થતી વેળા ડોક્ટરે સ્પષ્ટ શબ્દોમાં બે મુદ્દા કહ્યા - સારા સમાચાર એ છે કે તમે કોવિડને હરાવી દીધો છે અને તમને ગિફ્ટ તરીકે એન્ટિબોડી મળી ગયા છે! અને બીજું, ‘સાયટોકિન સ્ટોર્મ’ નામની ગંભીર પરિસ્થિતિમાં તમે પહોંચી ચૂક્યા છો. હવે કોઈ પણ પ્રકારના પેનિક કે ગભરાટ વિના તમે અમને કેટલો સહકાર આપી અને લડી શકો તેની ઉપર તમારી તબિયતનો સુધારો નિર્ભર છે. ક્રિટિકલ અને પલ્મોનરી કેર એક્સપર્ટ ડૉક્ટરની વાતનો સાર ટૂંકમાં કહીએ તો એ હતો કે જ્યારે દવા અને ટ્રીટમેન્ટ એક જેવી હોય ત્યારે પણ પેશન્ટ જીવશે કે મરશે તે વાત નક્કી નથી હોતી - કોઈ વધારે ગંભીર હોય તો પણ બચી જાય છે અને કોઈ નથી બચી શકતું. આવી પરિસ્થિતિમાં આપણા શરીર સાથે આપણી વ્યક્તિગત મનોસ્થિતિ પણ નક્કી કરે છે કે આપણું શરીર કેવો રિસ્પોન્સ આપશે. અને માટે ગભરાટ ન હોવો ખૂબ જ જરૂરી છે - પરિસ્થિતિ જે છે તેમ સંપૂર્ણપણે સ્વીકારવી જરૂરી છે. શરીર ઉપર મનના કાબૂ વિશે આમ તો ઘણું વાંચ્યું અને સાંભળ્યું છે પરંતુ આ બીમારીએ પ્રત્યક્ષ દર્શન કરાવી દીધા. ડોક્ટરની સ્પષ્ટ વાત પણ ખૂબ ઉપયોગી સાબિત થઇ - આવનારા દિવસોમાં મનથી કેટલું તૈયાર રહેવું તે સ્પષ્ટ થઇ ગયું. સામાન્ય રીતે પેશન્ટ્સ ગભરાઈ ન જાય તે માટે પણ ડોક્ટર્સ સ્પષ્ટ કહેવાની બદલે ‘સારું થઇ જશે’ જેવું મભમ બોલતા હોય છે. જોકે, એમાં સરવાળેતો પેશન્ટ્સ ગૂંચવાયેલા જ રહેતા હોય છે. પણ આ બધાં તોફાનોએ સાથે મળીને ‘પેનિક’થી દૂર રહેવાનો પદાર્થ પાઠ ખૂબ સારી રીતે શીખવી દીધો. પ્રાર્થના, શ્રદ્ધા અને હૃદયપૂર્વકની શુભેચ્છાઓની શક્તિ અને અસર સમજવાનો મોકો પણ આ સ્ટોર્મ્સથી પ્રાપ્ત થયો. ⬛ dewmediaschool@gmail.com

અન્ય સમાચારો પણ છે...