વિચારોના વૃંદાવનમાં:‘ઓન બીકમિંગ અ પર્સન’ કાર્લ રોજર્સ દંભ એટલે ‘Bad Faith’ સાર્ત્ર

ગુણવંત શાહએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દુ

નિયામાં આજે માનવીય મનોવિજ્ઞાન (હ્યુમનિસ્ટિક સાઇકોલોજી)નું મહત્ત્વ વધી રહ્યું છે, આ નવતર વિચારધારાને ટ્રાન્સપર્સનલ સાઇકોલોજી પણ કહે છે. આવા માનવીય મનોવિજ્ઞાનનો પ્રારંભ કરવાનો જશ મુખ્યત્વે ત્રણ મહાનુભાવોને જાય છે. (1) અબ્રાહમ મેસ્લો, (2) કાર્લ રોજર્સ અને (3) હોલો મે. આજે માત્ર કાર્લ રોજર્સના પ્રદાનની જ વાત કરવી છે. એણે એક શકવર્તી પુસ્તક લખ્યું : ‘On Becoming A Person’ એ પુસ્તકનું પ્રથમ પ્રકરણ છે : ‘This is me.’ (હું જે છું, તે છું) એ પ્રકરણમાં લેખક પોતે જીવનમાં શું શું શીખ્યા, તેની વાત માંડીને કરે છે. કાન દઇને અને મન પરોવીને માત્ર થોડાક શબ્દો સાંભળો : ‘માણસો સાથેના સંબંધોમાંથી મને જે એક વાત શીખવા મળી, તે એ કે : લાંબે ગાળે જે હું નથી, તેવા હોવાનો ડોળ કરવાથી કોઇ લાભ નથી. હું જો ક્રોધી હોઉં કે નિંદાખોર હોઉં, તો શાંત હોવાનો કે પ્રસન્ન હોવાનો ડોળ કરવાથી કશો જ લાભ નથી. મને અમુક ચીજ આવડતી ન હોય, તો એ આવડે છે, એમ બતાવવાનો કશો જ અર્થ નથી. જો કોઇ પ્રત્યે અમુક ક્ષણે મને શત્રુભાવ હોય, તોય પ્રેમાળ છું, એવો ડોળ કરવામાં કોઇ જ લાભ નથી. જો હું અવઢવમાં હોઉં કે અનિશ્ચિત હોઉં, તો હું આત્મવિશ્વાસથી ભરેલો છું, એમ બતાવવામાં કોઇ જ ફાયદો નથી.’ ખરી વાત એમ છે કે ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચે જોજનના જોજનનું અંતર પડી જાય, ત્યારે માણસ જીવવાનું ચૂકી જાય છે. માણસ દ્વિદળ ચણા જેવો છે. ચણાની માફક માણસના જીવનની પણ બે ફાડ પડી જાય છે. એક એનો ખાનગી સ્વ અને બીજો એનો જાહેર સ્વ! બંને ‘સ્વ’ વચ્ચે જ્યારે ઘર્ષણ વધી પડે ત્યારે દંભ લુબ્રિકેશન (ઊંજણ) કામે લાગે છે. વખત વીતે પછી તો લુબ્રિકેશન એ જ જીવન બની જાય છે! કેટલાંય પરણેલાં યુગલોનું લગ્નજીવન નભી જાય છે, પરંતુ પ્રેમજીવન નષ્ટ થાય છે. આ બાબતે કાર્લ રોજર્સની વાત સતત યાદ રાખવા જેવી છે. આપણા સમાજને બે નંબરનું જીવન સદી ગયું છે. આપણી ભીતર બેઠેલો એક પરાયો માણસ જીવતો રહે છે, પરંતુ આપણો પોતીકો માણસ સ્મશાને ગયા પહેલાં જ મરી ચૂક્યો હોય છે. કવિ કોલેરિજ સાચું કહે છે : બદમાશ એટલે ચકરાવે ચડી ગયેલો માણસ! એક માણસે ચોરથી બચવા માટે કૂતરો પાળ્યો. એક રાતે ચોર આવ્યો ત્યારે કૂતરો નિરાંતે સૂતો જ રહ્યો અને માણસ ભસવા માંડ્યો! ‘તને મેં રાતે ચોર આવે, ત્યારે જોરથી ભસવા માટે રાખ્યો હતો, પણ તું તો અહીં શા માટે રાખેલો તે વાત જ ભૂલી ગયો!’ કૂતરાએ માલિકને જવાબ આપ્યો : ‘સાહેબ! તમે જો ઊંઘવાનું ભૂલી ગયા ન હોત, તો હું ભસવાની તૈયારીમાં જ હતો, પરંતુ તમને ભસતા જોઇને હું નિરાંતે ઊંઘી ગયો!’ જે સમાજમાં 99 ટકા જેટલા માણસો લકવાગ્રસ્ત હોય, તે સમાજમાં લકવાયુક્ત માણસોને સતત નાની નાની સજાઓ ભોગવતાં રહેવું પડતું હોય છે. કદાચ આ જ ખરી શહાદત છે. રુગ્ણ સમાજ એટલે શું? રુગ્ણ સમાજ એટલે એવો સમાજ જ્યાં સ્વસ્થ મનુષ્ય કાયમ નિંદાકૂથલીની સજા ભોગવતો રહે છે. નરસિંહ મહેતાને નાગરી નાતે પીડા સિવાય બીજું કશુંય નથી આપ્યું! હવે પ્રશ્ન થાય કે: જો જીવનમાં સેલ્ફ ડીનાયલ યાને આત્મ-નકાર જ કેળવાય તો જીવનમાં કદી આનંદનો ઉત્સવ જામે ખરો? ભારતીય સંસ્કૃતિએ ‘આનંદ’ શબ્દ આપીને કમાલ કરી છે. આનંદ શબ્દ એવો મહાન છે, જેનો કોઇ વિરોધી શબ્દ જ નથી. સુખના વિરોધમાં દુ:ખ શબ્દ છે. ઊંચુંના વિરોધમાં નીચું શબ્દ છે. આનંદ શબ્દનો વિરોધી કોઇ શબ્દ નથી. રાજા રામનું સ્મરણ કરો. કોઇ પણ અવતારી પુરુષ આટલો દુ:ખી હતો ખરો? ⬛ જે દિવસે રાજ્યાભિષેક થવાનો હતો, તે જ દિવસે ચૌદ વર્ષનો લાંબો વનવાસ આવી પડે ત્યારે અવતારી મનુષ્ય પણ ભાંગી પડે. ⬛ લાંબો વનવાસ પૂરો થવાની તૈયારીમાં હતો, ત્યાં પ્રિય સીતાનું અપહરણ થયું અને એ પણ રાવણ જેવા રાક્ષસને હાથે? રામ ભાંગી પડ્યા અને અનુજ લક્ષ્મણને માથે રડતા રામને આશ્વાસન આપવાની જવાબદારી આવી પડી! સંત તુલસીદાસની પંક્તિઓમાં રામનું દુ:ખ પ્રગટ થયું. સાંભળો : ઘન ઘમંડ નભ ગરજત ઘોરા પિયાહીન ડરપત મન મોરા ⬛ લંકાવિજય પછી રામ-લક્ષ્મણ-જાનકી અયોધ્યા પાછાં ફર્યાં. સીતા ગર્ભવતી બની અને રામરાજ્યનો પ્રારંભ થયો. સૌ સારાં વાનાં થયાં ત્યાં તો સીતાત્યાગનો અતિ દુ:ખદ પ્રસંગ ઊભો થયો. ભવભૂતિએ શોકમાં ડૂબેલા રામના મુખમાં શબ્દો મૂક્યા છે : ‘હું કર્મચાંડાલ છું.’ આવા અસહ્ય દુ:ખો વચ્ચે રામે જીવન પસાર કર્યું! લોક આજે પણ રામરાજ્યને યાદ કરે છે. આટલાં દુ:ખો વચ્ચે આટલી પોઝિટિવિટી??? ⬛ }}} પાઘડીનો વળ છેડે

માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે તે સાચું, પરંતુ તમે જેને ‘જીવતો’ જુઓ છો, તે અંદરથી કેટલો મરી ગયો છે તેનું માપ કાઢ્યું છે ખરું? એલેક્સી કૅરલ Blog:http://gunvantshah.wordpress.com

અન્ય સમાચારો પણ છે...