રણમાં ખીલ્યું ગુલાબ:અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર, હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર

18 દિવસ પહેલાલેખક: ડૉ. શરદ ઠાકર
  • કૉપી લિંક

ડિવોર્સી સ્ત્રીને બીજી વાર સારું ઠેકાણું મ‌ળતાં વાર લાગે છે; આ વિધાન મિશિકા જેવી રૂપાળી સ્ત્રીને લાગુ નથી પડતું. પ્રથમ પતિ રાઘવથી છૂટાછેડા લીધા એ ઘટના હજી ‘ઓવન ફ્રેશ’ હતી ત્યાં જ મિશિકા માગાં આવવાં માંડ્યાં. પ્રથમ લગ્નજીવનની કડવી યાદો હજી ભુલાઇ ન હતી. બીજી બધી વાતનું સુખ હતું. રાઘવ સારું કમાતો હતો, મિશિકા પણ જોબ કરતી હતી. એનાં જેવી સ્માર્ટ, બ્યુટિફુલ, સિમેટ્રિકલ બોડી ધરાવતી રૂપાંગના વિશેષ રૂપે એર હોસ્ટેસ, હોટલ રિસેપ્શનિસ્ટ અથવા કોઇ મોટા કોર્પોરેટ હાઉસની પબ્લિક રિલેશન ઓફિસર તરીકે શોભી ઊઠે. મિશિકા એક સારી હોટલમાં રિસેપ્શનનું ડેસ્ક સંભાળતી હતી.

બંને જણાંની કમાણીમાંથી નવો આરામદાયક ફ્લેટ ખરીદ્યો હતો. સંસારની ગાડી સેકન્ડ ગિયરમાં દોડી રહી હતી; બહુ નજીકના ભ‌વિષ્યમાં એ ગાડી ટોપ ગિયરમાં આવી જવાની હતી. પ્રથમ સંતાન, પછી મોટો ફ્લેટ, બીજું સંતાન, પછી બંગલો, પછી ગાડી, વિદેશના પ્રવાસો, સોનામાં અને જમીનમાં ઇન્વેસ્ટમેન્ટ, સામાજિક પ્રતિષ્ઠા ઇત્યાદિ.

પણ ખાટલે મોટી ખોટ નડી ગઇ. રાઘવને ક્યારેક ક્યારેક મિત્રોની મહેફિલમાં બેસીને શરાબ પીવાની આદત હતી.જે રાત્રે એ દારૂ ઢીંચીને આવ્યો હોય એ રાત્રે મિશિકાનું આવી બનતુ હતું. રાઘવ વિના કારણે કોઇ કારણ ઊભું કરીને મિશિકાને શારીરિક માર મારી લેતો હતો. બીજા દિવસે નશો ઊતર્યા પછી એ સાચા દિલથી માફી માગી લેતો હતો.

મિશિકાએ વારંવાર પતિને સમજાવ્યું, ‘તમે શરાબ પીવાનું બંધ કરી દો.’ રાઘવ ન માન્યો. અંતે મિશિકાએ પોતાની જાતને મનાવી લીધી, ‘આવા પુરુષની સાથે ન રહેવાય. આટલું રૂપ, ભણતર, સંસ્કાર, આવડત અને આવક હોવા છતાં એક જંગલી પતિના હાથનો માર ખાવો એ નરી મૂર્ખતા છે.’ એણે ડિવોર્સ લઇ લીધા.

મિશિકા જેવી હરી-ભરી સુંદરીને પામવા માટે લગ્નોત્સુક મુરતિયાઓ ઊમટી પડ્યા. આ વખતે મિશિકા ખૂબ સાવધ હતી. એણે રૂપાળા પુરુષનો કદરૂપો ચહેરો જોઇ લીધો હતો. એને સમજાઇ ગયું હતું કે પતિ જો એને પ્રેમ થોડોક ઓછો કરશે તો ચાલશે પણ જો પતિ એનું સ્વમાન નહીં જાળવે તો લગ્નજીવન નહીં ટકે.

દસ-પંદર મુરતિયાઓમાંથી મિશિકાનું મન વિવેક નામના એક યુવાન પર ઠર્યું. વિવેક દેખાવમાં ખરાબ તો ન જ કહેવાય પણ વધુ પડતો હેન્ડસમ પણ ન હતો. એનું મુખ્ય શસ્ત્ર એની મીઠી વાણી અને વિવેકભર્યું વર્તન હતું. પ્રથમ મુલાકાત દરમિયાન જ વિવેકે કહ્યું હતું, ‘મિશિકા, હું તમારો ભૂતકાળ જાણું છું. એ જાણીને જો મને પીડા થઇ હોય તો એ જીરવતાં તમને કેટલું દુ:ખ પહોંચ્યું હશે? હું તમારા જેટલું ભણેલો નથી. હું સિમ્પલ ગ્રેજ્યુએટ છું. મારું સપનું ટ્રાવેલ્સની કંપનીમાં નામ કમાવાનું છે. હાલમાં મારી પાસે એક જ વાહન છે. જો તમારા તરફથી આર્થિક સહકાર મળશે તો ભવિષ્યમાં મારી પાસે પચાસથી વધુ વાહનો હશે. ભારતભરની સડકો પર આપણી ગાડીઓ દોડતી હશે. એ બધું જવા દો. હું વચન આપું છું કે ક્યારેય મન, વચન કે શરીરથી તમને દુ:ખ નહીં પહોંચાડું.

મિશિકા વિવેકની સાથે પરણી ગઇ. લગ્ન પછી એને લાગ્યું કે ખરેખર એની જિંદગી બદલાઇ ગઇ છે. અલબત્ત, વિવેક કરતાં એ વધુ કમાતી હતી પણ વિવેક એની સાથે જેટલા પ્રેમ અને આદરથી વર્તન કરતો હતો એનાથી એ ખૂબ જ ખુશ હતી.

ક્યારેક વિવેક ‘અપસેટ’ દેખાતો ત્યારે મિશિકા એ માટેનું કારણ પૂછી લેતી હતી. પત્નીને પ્રગાઢ આલિંગનમાં જકડી લઇને વિવેક જણાવતો હતો ‘ડાર્લિંગ, ધંધો હમણાં જરાક ખોટમાં ચાલી રહ્યો છે. જો તું પંદરેક હજાર રૂપિયાની મદદ…’

મિશિકા તરત જ આલિંગનમાંથી છૂટીને કબાટ ખોલીને લોકરમાંથી પંદર હજાર રૂપિયા કાઢીને પતિના હાથમાં મૂકી દેતી; પછી સહેજ અમથું પૂછી લેતી: ‘ઘરાકી તો સારી રહે છે. ગયા મહિને તમે ‌વર્ધીના કારણે પંદર રાત જેવું તો બહારગામ રહ્યા હતા.’

‘હા, ઘરાકી તો સારી રહે છે પણ લોકો પેમેન્ટ આપવામાં ઠાગાઠૈયાં કરે છે. ડીઝલનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની જાય છે. જો હું કડક ઉઘરાણી કરવાનું શરૂ કરી દઉં તો બજારમાં મારું નામ ખરાબ થવા માંડે. બસ, આ તકલીફ છ-બાર મહિના પૂરતી જ રહેવાની છે. એક વાર ધંધો જામી જાય એ પછી…’

વાક્ય અધૂરું રાખીને વિવેક મિશિકાને ફરીથી આલિંગનમાં બાંધી લેતો. એ પછી ‘લવ એક્સપ્રેસ’ પૂરપાટ વેગથી દોડવા લાગતી.

લગ્નજીવનનું એક વર્ષ પૂરું થયું. પ્રથમ વર્ષગાંઠની ઉજવણી એ જ હોટલમાં આયોજિત કરવામાં આવી જેમાં મિશિકા કામ કરતી હતી. આમંત્રિતોમાં મિશિકાની ઘણીબધી બહેનપણીઓ પણ હતી જે બધી અલગ-અલગ હોટેલ્સમાં રિસેપ્શનની જવાબદારી સંભાળતી હતી. એ તમામ સહેલીઓ વિવેક-મિશિકાનું સુખી લગ્નજીવન જોઇને ખૂબ જ રાજી થઇ.

એકાદ મહિના પછીની ઘટના. ઢળતી સાંજનો સમય હતો. મિશિકા એની ફરજના અંતિમ કલાકમાં હતી. આજે એને ઘરે જવાની ઉતા‌વળ ન હતી, કારણ કે આજે વિવેક વર્ધીને લઇને જયપુર જવાનો હતો. આખી રાત મિશિકાએ એકલાં જ કાઢવાની હતી.

સાડા સાત વાગ્યા હતા. મિશિકાનો મોબાઇલ ફોન રણક્યો. સ્ક્રીન ઉપર લતિકાનું નામ વંચાતું હતું. લતિકા અન્ય એક દૂરની હોટેલમાં ‘જોબ’ કરતી હતી. મેરેજ એનિવર્સરીની પાર્ટીમાં એ પણ આવી હતી. ‘હાય, લતિકા.’ મિશિકાના અવાજમાં મૈત્રીનો ઉમળકો વર્તાતો હતો. લતિકાના અવાજમાં ગંભીરતા હતી, ‘મિશિકા, હું જે કહું તે ધ્યાનથી સાંભળજે. મારી વાતને હસી ન કાઢતી. સમથિંગ ઇઝ સિરિયસ.’

મિશિકાનું હૃદય અજ્ઞાત ભયથી થડકી ગયું, ‘હા, બોલ, શું કહેવું છે તારે?’ ‘તારો હસબન્ડ વિવેક અત્યારે ક્યાં છે?’ ‘એ તો વાહન લઇને પાર્ટીની સાથે જયપુર…

તારા વરનું જયપુર ક્યાં આવેલું છે એ જાણવું છે તારે? તો અત્યારે જ અહીં આવી જા. હું જ્યાં જોબ કરું છું એ હોટેલના રૂમ નંબર સાડત્રીસમાં અત્યારે તારો હસબન્ડ કોઇ સ્ત્રીની સાથે…’ ‘હેં? ઇમ્પોસિબલ! હું માનું જ નહીં.’ મિશિકાને ભયંકર આઘાત લાગ્યો હતો.

‘હું તને પુરાવા મોકલું છું. અહીંના સી. સી. ટી. વી.માં એ અને એની પ્રેમિકા ચેક ઇન કરતાં ઝડપાઇ ગયાં છે. અમારા રજિસ્ટરમા એણે સાચા નામથી રૂમ બુક કરાવ્યો છે. આઇ. ડી. પ્રૂફનો ફોટો પણ છે મારી પાસે. હું એ બધું તારા વ્હોટ્સએપ નંબર પર મોકલી આપું છું.’

મિશિકાએ ફોટોઝ જોયા. એના પગ નીચેથી ધરતી સરકી ગઇ. એ કેબ પકડીને લતિકાવાળી હોટેલમાં પહોંચી ગઇ. રૂમ નં. સાડસીત્રસની ડોરબેલ વગાડી.રંગેહાથ ઝડપાઇ ગયેલા વિવેક પાસે કોઇ જવાબ ન હતો. પણ એની પાસે મીઠી વાણી અને નમ્ર વર્તન અવશ્ય હતું. એણે બે હાથ જોડીને વિનંતી કરી, ‘મને માફ કરી દે, મિશિકા. આ પહેલી વાર મારાથી ભૂલ થઇ ગઇ. હવે પછી હું ક્યારેય…’

મિશિકા વિવેકના વિવેકી વર્તન પાછળ રહેલો દંભી ખલનાયક જોઇ ચૂકી હતી. એણે જરા પણ દયાભાવ દાખવ્યા વિના પોલીસ સ્ટેશનમાં જાણ કરી. પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી.

છેલ્લા છએક મહિનામાં વિવેકના લોકેશન્સની શોધખોળ આરંભી દેવામાં આવી. એના કોલ્સની ડિટેઇલ્સ અને ગાડીના જી. પી. એસ.ને ટ્રેસ કરવાથી આખો ભેદ ખૂલી ગયો. સત્ય હતું તે સામે આવી ગયું. હકીકત એ હતી કે વિવેક ટ્રાવેલ્સનાં બહાને લફરાબાજી જ ચલાવતો હતો. મિશિકાને ઉદયપુર, આબુ, જયપુર, આગ્રા જેવાં વિવિધ સ્થળોએ જવાનું છે એવું કહીને એક કરતાં વધારે સ્ત્રી-મિત્રોની સાથે જુદી-જુદી હોટેલ્સમાં રાતોને રંગીન બનાવતો રહેતો હતો.

(અમદાવાદમાં બનેલી સત્ય ઘટના છે. મામલો હજી ગરમ છે. મિશિકા એ નક્કી કરી શકતી નથી કે એનાં બે લગ્નજીવનમાંથી એને વધારે ઘાયલ કયા પુરુષે કરી? જેણે શારીરિક ઇજા પહોંચાડી એણે કે જેણે હૃદય પર ચોટ પહોંચાડી એણે? મિશિકા વિવેકને માફ કરવાના જરા પણ મૂડમાં નથી પણ હજુ સુધી એણે ડિવોર્સ માટે માગણી કરી નથી. એનું કારણ શું? કારણ એટલું જ કે એના બીજા પતિનું નામ વિવેક છે અને એ અત્યારે સંપૂર્ણ વિવેકી વાણી દ્વારા પ્રાર્થી રહ્યો છે!) ⬛

અન્ય સમાચારો પણ છે...