સ્પોર્ટ્સ:મહામારી વચ્ચે ઓલિમ્પિક! આ કોઈ રમતવાત નથી!

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઓલિમ્પિક હોસ્ટ કરવાનું જાપાનનું બજેટ 2020માં 7.5 બિલિયન ડોલર જેટલું હતું જે હવે 35 બિલિયન ડોલર્સ થઇ ગયું છે

બે અઠવાડિયાં અગાઉ ટોકિયોમાં ઓલિમ્પિક વિલેજ શરૂ થતાની સાથે જ ટોકિયો શહેરમાં ‘સ્ટેટ ઓફ ઈમરજન્સી’ ઘોષિત થઇ ચૂકી છે. આ પરિસ્થિતિ ઓલિમ્પિકનાં સમાપન સુધી ચાલુ રહેશે. પરંપરાગત રીતે ઓલિમ્પિક વિલેજ એક ચોક્કસ સેરેમની સાથે શરૂ થતું હોય છે પરંતુ કોવીડ-19નો ચેપ ફેલાય નહીં તેની તકેદારીના ભાગ રૂપે દર્શકોની ગેરહાજરીમાં વિલેજનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. કેનેડા, બ્રાઝિલ અને યુ.એસ.ના એથ્લિટ્સનું સૌપ્રથમ આગમન થયું અને તે સાથે તેમને ટેમ્પરેચર અને બેગેજ ચેકિંગ સાથે તેઓને ઓલિમ્પિક વિલેજમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી. 200 દેશોના 11,000 ખેલાડીઓ અને અન્ય સ્ટાફને સંક્રમિત થવા અટકાવવા માટે જાપાને પૂરતી તૈયારી કરી હોય તેવું પ્રથમ નજરે લાગી રહ્યું છે તેમ છતાં જે રીતે સમસ્યા વકરી રહી છે તે જોતા ઓલિમ્પિકનું સમાપન કોઈ પણ પ્રકારની સમસ્યા વિના થાય તે ઇચ્છનીય છે. વિલેજમાં રહેનાર તમામ એથ્લિટ્સનું રોજેરોજ સ્ક્રીનિંગ કરવામાં આવશે. શંકાસ્પદ કેસના નિવારણ માટે વિલેજની અંદર ક્લિનિક બનાવવામાં આવ્યા છે તેના થકી તેમની સારવાર થઇ શકશે. ઓલિમ્પિક સફળતાપૂર્વક યોજાય જાય તેવી પ્રાર્થના ઓલિમ્પિક કમિટી કરતા વધુ જાપાનની જનતા કરી રહી છે. ફુકુશિમા રીએક્ટર અને આર્થિક કારણોસર જાપાનની છબી આંતરરાષ્ટ્રીય ફલક પર થોડી ઘણી ખરડાઈ છે તે ઓલિમ્પિકને કારણે સુધરી શકે તેમ છે. ટોકિયો ઓલિમ્પિક પહેલેથી નકારાત્મક બાબતોને કારણે ચર્ચામાં રહી ચૂક્યો છે. બેલ્જિયમનાં એક થિયેટરના એમ્બ્લેમની ડિઝાઇનની તફડંચી કરીને ટોકિયો ઓલિમ્પિકનો લોગો બનાવવામાં આવ્યો છે તેવા દેકારો પણ મચ્યો હતો. હવે કોરોના વાયરસને કારણે બજેટમાં 3 બિલિયન ડોલર જેટલો તોતિંગ વધારો થઇ ચૂક્યો છે. ઓલિમ્પિક હોસ્ટ કરવાનું જાપાનનું બજેટ 2020માં 7.5 બિલિયન ડોલર જેટલું હતું. કોરોના વાયરસને કારણે હવે 35 બિલિયન ડોલર્સ જેટલો ખર્ચો આવશે. ઓલિમ્પિક કમિટી ટેલિવિઝન રાઇટ્સની આવક ટોકિયો શહેર સાથે વહેંચે તો જ ખર્ચમાં ઘટાડો આવી શકે તેમ છે. ઓલિમ્પિકને કારણે નવા સ્ટેડિયમો, નવા વિલેજ, હોટેલ્સ અને અલગ અલગ સુવિધાઓ ઓલિમ્પિકના સમાપન બાદ વપરાશમાં રહેતી નથી જેને કારણે તેની ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ વધી જાય છે. જેમકે 1976માં મોન્ટ્રીયલમાં (કેનેડા) યોજાયેલ ઓલિમ્પિકનું બજેટ 720% જેટલું વધી ગયું હતું અને શહેરને તે ખર્ચો સરભર કરતા 30 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. 2004માં એથેન્સમાં યોજાયેલા ઓલિમ્પિકને કારણે ગ્રીસની ફાયનાન્શિયલ ક્રાયસિસનું નિર્માણ થયું હતું. 2016માં યોજાયેલ રિયો ઓલિમ્પિકને કારણે ત્યાંની રાજ્ય સરકારે બહારથી ફંડિંગ મેળવવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. માનવસમુદાયે રમતગમતનાં મહત્ત્વને અલગ પરિપ્રેક્ષ્યમાં જોવું પડે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. વૈશ્વિક મૃત્યુઆંક 40 લાખથી પણ વધુ છે અને હજુ સતત વધતો રહે છે એ સંજોગોમાં રમતગમતનું મહત્ત્વ, તેમાં ચાલુ રહેલું આર્થિક રોકાણ અને અન્ય ખર્ચાઓ ખરેખર જરૂરી છે કે કેમ તે ચર્ચા દુનિયાભરનાં મીડિયાહાઉસ કરી રહ્યા છે. સિક્કાની બીજી બાજુ એ પણ છે કે યોકોવિચની ટાઇટલ જીત, ઇટાલી અને આર્જેન્ટિનાની જીત, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કે પછી આ ઓલિમ્પિક. સ્પોર્ટિંગ ઇવેન્ટ માનસિક આઘાતોને ઝીલવા માટે વેક્સિન જેવું કામ કરી રહી છે. ⬛ nirav219@gmail.com

અન્ય સમાચારો પણ છે...