મસ્તી-અમસ્તી:તહેવારોનો મહિનો આવી ગયો…

2 મહિનો પહેલાલેખક: રઈશ મનીઆર
  • કૉપી લિંક

હસુભાઈના સાઢુભાઈ મુકાભાઈ ભારતપ્રવાસે હતા. મુખ્યત્વે તહેવારો હોય ત્યારે, સસ્તી ટિકિટ મળે ત્યારે અને નોકરીમાંથી પાણીચું(લે-ઑફ) મળે ત્યારે એ ભારત પધરામણી કરતા. બંનેની પત્નીઓ એકમેકથી ચઢે એવી હોવાથી સાઢુભાઈઓને સાધુભાઈઓ બની જવાનું મન થતું. સાંધ્યસભામાં મુકાભાઈ કેલેન્ડર લઈને આવ્યા હતા, ‘ભારટીય પબ્લિક કેટલા પ્રકારના ફેસ્ટિવલ્સ ઊજવટું છે! એકથી એક વેરાઈટીવાળા તહેવારોથી ઈન્ડિયન કેલેન્ડર ઓવરફ્લો થાય છે.’ ‘ટમારે ટાં અમેરિકામાં લોકો વે’વાર બી ની હાચવે, ને ટે’વાર બી ની હાચવે. કોઈ ભલીવાર ની મલે ટમારા કંટ્રીમાં!’ ‘કન્ટ્રી કેમિકલ’ની અસર હેઠળ બાબુ બોલ્યો. ‘તમારે ત્યાં કેટલા તહેવાર? કેટલી રજાઓ?’ શાંતિલાલે પૂછ્યું. ‘ક્રિસમસ, ઈસ્ટર, થેન્ક્સ ગિવિંગ, હેલોવીન, ઇન્ડિપેન્ડસ ડે.. ધેટ્સ ઇટ..!’ તહેવાર ગણતા મુકાભાઈની આંગળીના વેઢા વધી પડ્યા. ‘બાકીના ટો અમે બી ઊજવટા છીએ, ફાઢર ડે, મઢર ડે, લવર ડે(વેલેન્ટાઈન) અને ન્યૂ ઈયળ ડે!’ ‘કાલિદાસે કહ્યું છે ઉત્સવપ્રિયા: જના:!’ ધનશંકર બોલ્યા. હસુભાઈએ સ્પીચ આપી દીધી, ‘ઇન્ડિયામાં જ્યારે જલસા કરવાનું મન થાય ત્યારે ઉત્તરાયણ, ધુળેટી કે ગણેશવિસર્જન, જ્યારે ઈમોશનલ થવાનું મન થાય ત્યારે ફાધર્સ ડે, મધર્ડ ડે કે નેબર્સ ડે(એ પણ આવશે), જ્યારે જાગૃત થવાનું મન થાય ત્યારે (હોળી-ધુળેટીમાં કોથળીઓ ફેંક્યાં પછી જ) પર્યાવરણ ડે. કોઈ તહેવાર ન હોય તે દિવસે રોડ શો કે રસ્તા રોકો હોય છે. ન્યૂઝપેપરો બીજા દિવસે બંધ રહે એવા મોટા તહેવારોથી માંડીને માત્ર ન્યૂઝપેપરમાં જ ઊજવાય એવા નાના તહેવારોથી આપણું જીવન અને આપણું કેલેન્ડર ભરચક છે. જો આવા નાનામોટા બધા જ તહેવારો ઊજવીએ તો સ્કૂલ કે ઓફિસ ભાગ્યે જ ચાલુ રાખવાની થાય!’ ‘અને એમાંય આ ઓગસ્ટ મહિનો આવ્યો. તહેવારોથી ભરપૂર!’ ‘અમેરિકામાં આખા વરહમાં ની મલે, એટલા ટે’વાર આપને ટાં ઓગસ્ટમાં આવે!’ ‘હા, ઓગસ્ટમાં કયા દિવસે સ્કૂલ-કોલેજ જવાનું છે તે યાદ રાખવું પડે!’ હેમિશ બોલ્યો. ‘તહેવારો અને વહેવારોમાં પુરુષ બિચારો ખર્ચાઈ જાય છે! કેલેન્ડરમાં લાલ અક્ષર દેખાય એટલે એના મોતિયા મરી જાય. ક્લોથ્સ અને સ્વીટ્સ લાવવાં પડે, મહેમાનગતિ કરવી પડે… બિચારો પુરુષ!’ હસુભાઈ બોલ્યા. ‘પુરુષ બિચારો! અને સ્ત્રી..?’ કુમારી કુમુદે સણસણતો પ્રશ્ન રજૂ કર્યો. ‘એક વાતનો જવાબ આપો, ઓગસ્ટમાં અડધો મહિનો સ્કૂલ-કોલેજો-ઓફિસો બંધ રહે, તો રસોડું કેમ ચાલુ?’ હેમાબહેન મેદાનમાં આવ્યાં. પત્ની વીફરી તેથી હસુભાઈ ગમ ખાઈ ગયા. ગુંદર ગળી ગયા હોય એવું એમનું મોં થઈ ગયું. હવે બધી બહેનોએ ઉપાડો લીધો, ‘કિચનમાં કેમ રજા નહીં? તહેવારોમાં કિચનમાં ડબલ કામ કેમ?’ મુકાભાઈએ બળતામાં ઘી હોમ્યું, ‘અમારે ટાં ટો જેન્ટ્સો બધું કામ કરે, કચરા-પોતાં બી કરે!’ ‘જે ઘરમાં ‘પોતાં’નું કામ કરે એ જ પોતાનું માણસ ગણાય, બાકી બધા નર કચરો!’ બહેનો બોલી. ઘરનારી તેમ જ અન્ય સન્નારીઓના આક્રમણથી રઘવાયા બનેલા હસુભાઈએ પરસેવો લૂછતાં આજુબાજુ મદદ માટે અપેક્ષાથી જોયું. બધાં સરકી જવા લાગ્યાં. પ્રેરણાડીએ વાત આગળ ચલાવી, ‘ગોરમાનું વ્રત ગર્લ્સો એ જ કેમ કરવાનું? કેમ સ્ત્રીઓ જ ‘ટ્રી’ની ફરતે ‘વટ-સાવિ-ટ્રી’ કરે અને ‘બૉય્ઝ’ વટ મારતા ફરે?’ વટ અને વટનો શ્લેષ કરવાને કારણે પ્રેરણાડી માટે તાળીઓ પડી! એટલે એ વધુ જોશમાં આવી, ‘ચિક્સ કડવા ચોથ કરે તોય ડૂડ્સ કડવા કેમ? છોકરીઓ મુરતિયાને જોવા જાય અને મુરતિયો હાથમાં ‘મોઇતો’ની કે એનર્જી ડ્રિન્કની ટ્રે લઈને આવે એવો દિવસ ક્યારે ઊગશે?’ ‘કોઈ આને રોકો..’ હેમિશ બોલ્યો. વાત તહેવારની હતી પણ પ્રેરણાડીએ વાત બીજે પાટે ચડાવી દીધી, ‘બધા ફાયદા પુરુષો માટે અને કાયદા સ્ત્રીઓ માટે? આમિર, સૈફ, ધર્મેન્દ્ર, જાવેદ અખ્તર, મહેશ ભટ્ટ અને દિલીપકુમાર જેવી સેલિબ્રિટીઝોએ બીજાં લગ્નનો દાખલો શા માટે બેસાડ્યો?’હસુભાઈ બોલ્યા, ‘યસ, ઇટ ઇઝ એ બૅડ એક્ઝામ્પલ! સ્ત્રીઓએ ભૂલ કરી, એમણે આવા બીજવર સાથે લગ્ન જ ન કરવાં જોઈએ!’ પ્રેરણાડી બોલી, ‘એમ કહી છટકી ન જાઓ! કંઈ તો કરવું પડશે તમારે પુરુષોએ!’ હસુભાઈ ધરમસંકટમાં આવી ગયા, ‘બીજું તો શું થઈ શકે? અમુક લોકોએ બબ્બે પત્ની રાખી, એના પસ્તાવારૂપે અમે અમુક પુરુષો સમીકરણને બેલેન્સ કરવા માટે અમારી એકમાત્ર પત્નીને પણ મુક્ત કરવા તૈયાર છીએ!’ ત્યાં જ સ્ત્રીઓનું મોરલ વધે એવો પ્રચંડ અવાજ ગુંજ્યો. હેમાબહેન બોલ્યાં, ‘મુક્ત તો અમે તમને કરીશું! આ બાજુના ખાલી પ્લોટમાં તંબુ બાંધી લો. આ વરસે તમે પુરુષો ગોરમાનું, કડવાચોથનું અને વટસાવિત્રીનું વ્રત કરો પછી જ ઘરગૃહસ્થીમાં એન્ટ્રી મળશે. ત્યાં સુધી તંબુમાં જ રહો!’ હસુભાઈ ખામોશ થઈ ગયા. ત્યાં જ હેમિશ સહુ બહેનો માટે ઠંડું લીંબુ શરબત લઈ આવ્યો, શરબત વહેંચતા કહેવા લાગ્યો, ‘અમે નવરાત્રિમાં તમારી આજુબાજુ ફરીએ એ વટસાવિત્રી કરતાં કમ છે? તમારું સ્કૂટી બગડ્યું હોય ત્યારે હસતા મોઢે કિક મારી અમે બોય્ઝ વાહન ઘસડી આપીએ એ ગોરમાના વ્રતથી ઊતરતું છે? કોલેજની બહાર છોકરાઓ ટુવ્હીલર પાર્ક કરી ડ્યુટી વગરના દરવાનની જેમ બેસી રહે અને બાઈકનો મિરર એડજસ્ટ કરી આવતીજતી છોકરીઓને જુએ, એ કડવા ચોથના વ્રતથી કમ છે? આ બધી તપસ્યા શાસ્ત્રોમાં ડિસ્ક્રાઈબ નથી કરી તોય અમે પુરુષો સેન્ચુરીઝથી કરતાં જ આવ્યા છે ને!’ સ્ત્રીઓને હેમિશની વાતમાં તથ્ય લાગ્યું અને પુરુષોની જાન છૂટી.⬛ amiraesh@yahoo.co.in

અન્ય સમાચારો પણ છે...