સહજ સંવાદ:ઓક્ટોબરનું કચ્છ કચ્છડો ખેલે ખલક મેં!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓક્ટોબરના કચ્છમાં અગાઉના બીજા મહિનાઓથી કોઇ ફરક ખરો? આ સવાલનો આછો-પાતળો ઉત્તર હમણાંના પ્રવાસમાં જુદી જુદી જગ્યા અને ઘટનાઓમાં જાણવા મળ્યો! દિવસ 5મી ઓક્ટોબરનો હતો. મુખ્યત્વે સિંધી વસ્તીમાં જાણીતા ગાંધીધામ-આદિપુરમાં ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ નિમિત્તે એક સ્થાનિક શાળાની ઉત્સાહી સંચાલિકાએ યોજેલા કાર્યક્રમમાં ઝાંખી થઇ. સાવ ટચૂકડી છોકરીઓથી, યુનિવર્સિટીના છાત્રો સુધ્ધાં મન મૂકીને તેના જિલ્લાના એક ઉલ્લેખાયેલા મહાપુરુષને નાટક અને ગીત-સંગીતમાં યાદ કરાયા હતા! ક્યાંય કૃત્રિમતા નહોતી, એવી સહજતાથી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરી રહ્યા હતા. અંજારની ટચૂકડી તાન્યા રંગમંચ પર જે થનગનાટ સાથે સરહદ પરના જવાન સાથે પોતાને સરખાવી રહી હતી, તે જોઇને 53 વર્ષ પૂર્વેના કચ્છ સત્યાગ્રહ સમયની, ભુજના યુસુફ મેહરઅલી ચોકમાં રોજ રાતે મળતી જનસભાઓ યાદ આવી ગઇ. તેમાં મધુ દંડવતે, મધુ લિમયે, રાજમાતા વિજયારાજે સિંધિયા, કચ્છના મહારાજ કુમાર હિંમતસિંહજી, જગન્નાથરાય જોશી, બિહારીપ્રસાદ અંબાણી, એન. જી. રંગા સહિતના વિવિધ પક્ષોના નેતાઓ ગાજતા-ગરજતા અને છેલ્લા વક્તા તરીકે અટલ બિહારી વાજપેયી દેશ-દર્શન કરાવતાં આ શબ્દોમાં : ‘ભારત કોઇ જમીન કા ટુકડા નહીં, એક જીતા-જાગતા રાષ્ટ્રપુરુષ હૈ. હિમાલય ઉસકા મુકુટ હેૈ, ગૌરીશંકર ઉસકી શિખા હૈ, દિલ્લી ઉસકા દિલ હૈ. નર્મદા કરધની હૈ, પૂરબ-પશ્ચિમ ઘાટ દો વિશાલ જંઘાએં હૈ, ચંદ્ર-સૂરજ આરતી ઉતારતે હૈ. યહ દેવતાઓં કી ભૂમિ હૈ, અવતારોં કી ભૂમિ હૈ. યહ ઋષિમુનિઓં કી, અગણિત યોદ્ધાઓં કી ભૂમિ હૈ. સંતોં કી ભૂમિ હૈ. ઇસકા કણ-કણ પવિત્ર હૈ, કંકર-કંકર હમારે લિએ શંકર હૈ. બિન્દુ-બિન્દુ ગંગાજલ હૈ. યહ તર્પણ કી ભૂમિ હૈ, અર્પણ કી ભૂમિ હૈ. હમ જિએંગે ઉસકે લિએ, મરેંગે ભી ઉસકે લિએ. જબ હમારી અસ્થિયાં ગંગા મેં બહાઇ જાએંગી, તબ વહાં ભી આવાઝ આએગી, ‘ભારત માતા કી જય!’ બસ, એક જ અભિવ્યક્તિ જરા જુદા સ્વરૂપે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ક્ચ્છમાં અનેક જગ્યાએ સાંભળવા મળી, નિમિત્ત તો હતું જ : ચોથી ઓક્ટોબરે તેઓ, પોતાના વીસરાયેલા મહાનાયક - પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતીએ યાદ કરી રહ્યા હતા. માંડવી બંદરગાહની સાંકડી ગલીનાં નાનકડા મકાનમાં 1857ની ચોથી ઓક્ટોબરે જન્મ્યા હતા વહાણોમાં સામાનની હેરાફેરી કરતા મઝદૂર પિતા ભૂલા ભણશાળીને ત્યાં અને ‘પંડિત’ બનીને લંડનમાં જઇને સ્વતંત્રતા ક્રાંતિના ‘ઇન્ડિયા હાઉસ’ને સક્રિય કર્યું, સાવરકર-મેડમ કામા-મદનલાલ ધીંગરા-વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય-લાલા હરદયાળ જેવાં તેજનક્ષત્રો ભળ્યાં, ઐતિહાસિક ઘટનાઓ સર્જાતી રહી! બધી જ જલાવતન પરાક્રમી જિંદગીની દાસ્તાન! અહીં શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીમાં ‘હમીરજી રત્નુ લોકસાહિત્ય કેન્દ્ર’ સ્થાપિત કરાયાની જાહેરાત, બરાબર શ્યામજી જન્મદિવસ મહોત્સવમાં થઇ! રાજકવિ રત્નુ પાસે લોકસાહિત્યનું પ્રચંડ માધ્યમ હતું. રત્નુજીની પેઢીમાં જન્મેલા પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીના સહયોગથી આ કેન્દ્ર શરૂ થયું. અકાદમી પુરસ્કૃત સાહિત્યકારોની વચ્ચે તે સાંજે કવિ નિરંજનની બાનીને સ્વરદેહ આપતા લોકગાયકોનાં ગીતો અદ્્ભુત હતાં. કચ્છ-ભૂકંપ પછી અને કોરોના બાદ વિકસિત થઇ રહ્યું છે, ‘કચ્છડો ખેલે ખલક મેં.’ તેનું જીવનસૂત્ર છે : શાળા, યુનિવર્સિટીઓમાં, મંદિરોમાં, નાનીમોટી હોટેલોમાં, ખેતી અને કલાકારીગરીમાં તેનો અવાજ ફરી સંભળાતો થયો છે. ⬛ vpandya149@gmail.com